100 રૂપિયાની નવી નોટ પર જોવા મળનારી રાણકી વાવની વિશેષતા

100 રૂપિયાની નવી ચલણી નોટની તસવીર Image copyright @rbi
ફોટો લાઈન 100 રૂપિયાની નવી ચલણી નોટની તસવીર

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી 100 રૂપિયાની નવી નોટ પર ગુજરાતનાં બે ગૌરવ છે એમ કહીએ તો પણ ખોટું નહીં હોય.

ભારતની લગભગ બધી જ ચલણી નોટ પર જોવા મળતી મહાત્મા ગાંધીની તસવીર ઉપરાંત 100 રૂપિયાની નવી ચલણી નોટની બીજી બાજુ પર પાટણની રાણકી વાવની તસવીર પર જોવા મળશે.

રિઝર્વ બૅન્ક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 100 રૂપિયાની આ ચલણી નોટનો રંગ આછો જાંબુડિયો હશે.

આ નોટનો આકાર 66 મિલીમીટર X 142 મિલીમીટર હશે. બૅન્કે આ સંદર્ભે એક પ્રેસ વિજ્ઞપ્તિ ટ્વીટ કરી છે.

કેન્દ્રીય બૅન્કે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ અગાઉની 100 રૂપિયાની તમામ નોટની માન્યતા જળવાઈ રહેશે.

દરેક ચલણી નોટની જેમ આ નવી નોટ પર પણ અશોક સ્તંભ, બાંહેધરી નિવેદન, રિઝર્વ બૅન્કના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર ઉપરાંત અન્ય લાક્ષણિકતાઓ રહેશે.

નોટની બીજી બાજુ પાટણની રાણકી વાવની તસવીર હશે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
100ની નોટ પરની રાણકી વાવમાં એક ડોકિયું

ઉત્તર ગુજરાતના પાટણની રાણકી વાવને 'રાણીની વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવને યૂનેસ્કોએ ચાર વર્ષ પહેલાં 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવી લીધી હતી.

યૂનેસ્કોની વેબસાઇટ અનુસાર, રાણકી વાવ સરસ્વતી નદી સાથે જોડાયેલી છે. તેને અગિયારમી સદીના એક રાજાની યાદમાં બનાવવામાં આવી હતી.


રાણીની વાવમાં શું છે ખાસ?

Image copyright ARCHAEOLOGICAL SURVEY OF INDIA
ફોટો લાઈન રાણકી વાવ

રાણકી વાવ ભૂગર્ભ જળના સ્રોતને જાળવવાની અને પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે ભારતીય દ્વીપકલ્પમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ પ્રકારની પગથિયાંવાળી વાવનું નિર્માણ ઈસવીસન પૂર્વે ત્રણ સદીથી થઈ રહ્યું છે.

સાત માળની આ વાવમાં મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. જે જળ સંગ્રહની ટૅકનીક, બારીકાઈઓ અને સમરૂપતાઓની ખૂબ જ કલાત્મક રજૂઆતની જટિલતા દર્શાવે છે.

પાણીની પવિત્રતા અને તેનું મહત્ત્વ સમજાવવા માટે તેની રચના એક ઊંધા મંદિરના રૂપમાં કરવામાં આવી હતી.

વાવની દીવાલો અને સ્તંભો પર ઝીણવટભરી કોતરણી કરવામાં આવી છે.

Image copyright ARCHAEOLOGICAL SURVEY OF INDIA

સાત સ્તરમાં વિભાજિત કરવામાં આવેલી આ વાવમાં 500થી વધું મોટી મૂર્તિઓ અને એક હજારથી વધું નાની મૂર્તિઓ છે.

આ પ્રતિમાઓના માધ્યમથી ધાર્મિક, પૌરાણિક અને ધર્મનિરપેક્ષ શિલ્પો કોતરવામાં આવ્યાં છે. તેમાં સાહિત્યિક સંદર્ભો પણ જોવા મળે છે.

આ મૂર્તિઓમાં રામ, વામન, મહિષાસુરમર્દિની, કલ્કિ જેવા અવતારોના વિવિધ રૂપોમાં ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

વાવનો ચોથો માળ સૌથી ઊંડો છે. તે 9.5 મીટરથી 9.4 મીટરની ટાંકી સુધી જાય છે અને તે 23 મીટર ઊંડો છે.

આ કુવો સમગ્ર પરિસરના છેક પશ્ચિમ છેડા પર સ્થિત છે, જેમાં 10 મીટર વ્યાસ અને 30 મીટર ઊંડાઈની શાફ્ટ સામેલ છે.

રૂપિયા પર ઐતિહાસિક સ્થાપત્યોની તસવીરો

ફોટો લાઈન 20 રૂપિયાની ચલણી નોટ

એવું નથી કે 100 રૂપિયાની નવી નોટ પર ભારતીય સ્થાપત્યની તસવીર પહેલી વખત છાપવામાં આવશે.

આ અગાઉ પણ ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને સ્મારકોની તસવીરોને ચલણી નોટ પર છાપવામાં આવી છે.

વર્ષ 2016માં નોટબંદી બાદ જાહેર થયેલી નવી 500ની ચલણી નોટ પર લાલ કિલ્લાની તસવીર, 200 રૂપિયાની નોટ પર સાંચીના બૌદ્ધ સ્તૂપની તસવીર, 50 રૂપિયાની નોટ પર હમ્પીના રથની તસવીર અને 10 રૂપિયાની નોટ પર કોણાર્કના સૂર્ય મંદિરના રથનાં પૈડાની તસવીર છાપવામાં આવી છે.

આ પહેલાં પણ 50 રૂપિયાની નોટ પર ભારતીય સંસદ, 20 રૂપિયાની નોટ પર કોણાર્કના સૂર્ય મંદિરના રથનાં પૈડાની તસવીરો છપાઈ ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો