‘હું ઘરે રહીને મારું બાળક સાચવું છું તો મારી ગંદી મજાક થાય છે‘

મેથ્યૂ જેન્કિન

લંડનની એક ગે (સજાતીય) વ્યક્તિ અને તેના સાથીએ સરોગસી દ્વારા દીકરી મેળવી ત્યારે તેમને અંદાજ નહોતો કે તેમણે હોમોફોબિયાનો (ગે લોકો સામેનો કાલ્પનિક ભય)નો સામનો કરવાનું થશે.

પણ તેમને એવી અપેક્ષા નહોતી કે તેમની સામે જાતીય (સેક્સિસ્ટ) ટિપ્પણીઓ થશે. મેથ્યૂ જેન્કિન આ લેખમાં જણાવે છે કે તે દીકરીને લઈને બહાર નીકળે ત્યારે ભદ્દી મજાકનો સામનો કરવો પડે છે.

વાંચો એમની વ્યથા એમનાં જ શબ્દોમાં.

એપ્રિલ મહીનાના એક રવિવારે, જ્યારે મિનિ હિટવેવના દિવસો હતા, હું મારી છ મહિનાની દીકરી કાર્લાને લઈને નીકળ્યો હતો.

થોડે દૂર આવેલા ક્લેફામ ખાતે આવેલા શિશુઓના સેન્સરી ક્લાસમાં તેને લઈ જવા નીકળ્યો હતો.

મારા પરિચયમાં હતા તે બધા જ વાલીઓ આ ક્લાસની કલાત્મકતાના વખાણ કરતા થાકતા નહોતા.

ખાસ કરીને ક્લાસમાં વગાડવામાં આવતા મધુર સંગીત અને તારાના ઝગમગાટ જેવા પ્રકાશ વચ્ચે બાળકો નિરાંતે ઊંઘી જતાં હતાં તે જોઈને તેઓ ખુશ થઈ જતા હતા. જોકે કાર્લાને ત્યાં કશી મજા આવી નહોતી.

તેને લઈને હું અંદર દાખલ થયો તે સાથે જ તેણે ભેંકડો તાણ્યો. તે જોરજોરથી રડવા લાગી હતી અને ચૂપ જ નહોતી થતી.

શું તમે આ વાંચ્યું?

તેની આંખમાંથી વહેતા આંસુથી તેનો ચહેરો ભીંજાઈ ગયો હતો.

તેના નાકમાંથી લીંટ નીકળવા લાગ્યું હતું અને તે મોં ફૂલાવીને શ્વાસ કાઢતી હતી.

મેં જેમ તેમ કરીને ધીરજ જાળવી રાખી, એ આશામાં કે ક્લાસ શરૂ થશે એટલે કાર્લા શાંત થઈ જશે.

હું ખુશખુશાલ બાળકોને તેડીને ઊભેલી માતાઓ સાથે જોડાયો. શિશુઓને સૌ પ્રથમ હળવો મસાજ કરાતો હતો અને ગીતો સંભળાવાતા હતા.

જોકે મારી દીકરી તેનાથી વધારે અકળાઈ. હવે તે વધુ જોરથી રડવા લાગી અને તે પછી જે થવાનું હતું તે થયું.

માતાઓના ઘેરા વચ્ચે હું એક માત્ર પિતા હતો, જે દીકરીને શાંત પાડવા માટે કોશિશ કરી રહ્યો હતો.

તેથી સૌ હવે તેની વહારે આવ્યાં. મને મદદ કરવાને બદલે સૌએ મારી દયા ખાધી અને મારા પર જાણે મહેરબાની કરતાં હોય તે રીતે સંભળાવ્યું.

એક મહિલાએ મને પૂછ્યું, "તમે એની નેપી બદલાવી?" "કદાચ તે ભૂખી થઈ હશે?"

સૌથી વધારે મને ખરાબ લાગ્યું જ્યારે કોઈએ કહ્યું, "લાવો હું તમારી દીકરીને તેડી રાખું?"

હું દીકરીને રડતી અટકાવવામાં વ્યસ્ત હતો. તેથી તરત બધાને સામો જવાબ આપીને સંભળાવી શક્યો નહીં કે મને છોકરાં સંભાળતાં આવડે છે.

આ કંઈ પહેલીવાર તેને લઈને નથી નીકળ્યો. હું ઘરે રહીને બાળકોને સંભાળતો પિતા છું.

તે જન્મી ત્યારથી હું તેનાં બાળોતિયાં સાફ કરું છું અને તેનાં આંસું લૂછતો રહ્યો છું.

મારા માટે અજાણી એવા આ બધી માતાઓ વચ્ચે હું અકળાયો, કેમ કે તેમની મદદની મારે કોઈ જરૂર નહોતી. હું ક્લાસ છોડીને બહાર જતો રહ્યો અને રડી પડ્યો હતો.

આવી સ્થિતિમાં કોઈ મહિલાને શીખવવામાં આવે કે તમારે બાળકનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ ત્યારે તેને કેવું લાગે તેની કલ્પના કરી જુઓ.

કોઈ અજાણી વ્યક્તિ કહે કે લાવો તમારું બાળક આપો, તમે નથી સંભાળી શકતા ત્યારે તેને કેવું લાગતું હશે.

પણ મારા માટે આ નવી વાત નહોતી, કેમ કે રોજે રોજ હું આવા ટોણાં સાંભળતો આવ્યો છું.

હું કાર્લાને બોટલથી દૂધ પિવડાવી રહ્યો હતો ત્યારે એક મહિલાએ આવીને મને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધો હતો.

તેણે મને જાહેરમાં કેવી રીતે દૂધ પિવડાવવું જોઈએ તે રીતસર 'દેખાડ્યું'. મને ઠપકો પણ આપ્યો કે શિશુની કોમળ ચામડીને ઘસાય તેવાં કપડાં કેમ પહેર્યાં છે.

બીજી એક વાર એક મહિલાએ હું ફૂટપાથના કિનારે વધારે પડતો બહારની તરફ બગી રાખીને ઊભો હતો ત્યારે ઠપકો આપ્યો હતો.

તેનું કહેવું હતું કે કોઈ કાર એકદમ નજીકથી પસાર થશે તો બાળકને કચડી નાખશે.

રમૂજ થાય તેવી વાત એ છે કે હું પિતા બન્યો તે પછી મારે લિંગભેદનો સામનો કરવો પડશે એવી કલ્પના મને નહોતી.

મને બીક હોમોફોબિયા (સમલિંગી લોકો સામેના કાલ્પનિક ભય)ની હતી.

કાર્લા અમેરિકામાં એક સરોગેટ માતાની કૂખે જન્મી હતી. એ કહાની ખૂબ સંવેદનશીલ છે.

તેનો જન્મ થયો ત્યારે અમે ડિલિવરી રૂમમાં હાજર હતા અને આનંદથી ભાવવિભોર થઈ ગયા હતા.

તેને તેડી લઈને અને હૈયા સરસી ચાંપીને અમે બહુ ખુશ થઈ ગયા હતા.

અમે યુકે પરત ફર્યા ત્યારે અમને મિશ્રિત પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા હતી.

સજાતીય માતા-પિતાની કલ્પના નવી હતી અને સરોગસી દ્વારા, અન્ય સ્ત્રીની કૂખ ભાડે લઈને બાળકને જન્મ આપવાની રીત પણ વિવાદોમાં રહી છે.

ટોમ ડેલી અને તેના પતિ ડસ્ટિન લાન્સ બ્લેકે જાહેરાત કરેલી કે તે લોકો સરોગસી દ્વારા માતાપિતા બનવાના છે, ત્યારે તેમને હોમોફોબિયાનો કડવો અનુભવ થઈ ગયો હતો.

તેથી અમને પણ હતું કે જાતભાતના સવાલો પૂછાશે. લોકો અમારી સામે મોં મચકોડશે અને કેટલાક અમને ગાળો પણ દેશે.

આરોગ્ય વિભાગનો કોઈ કર્મચારી બાળકની તપાસ માટે ઘરે આવે અને જાણે કે કાર્લાના માતાપિતા બંને પુરુષો છે ત્યારે તેનો શ્વાસ અધ્ધર ચડી જતો.

આઘાત પામીને ઓહ! એટલું જ બોલીને ચૂપ થઈ જતો. મને પણ બહુ ખરાબ લાગતું હતું.

Image copyright Getty Images

બાળક એક વર્ષનું થાય ત્યાંથી વાલી તરીકે ચિંતા થાય, પણ મને જ્યારે પણ ક્લિનિક પર જવાનું થાય ત્યારે ભારે અકળામણ થતી હતી.

અમારાથી કોણ માતા અને કોણ પિતા એ લોકો માટે સમજવું મુશ્કેલ હતું. મને જે માતાઓ મળતી તે મને એવું કૂતુહલથી પૂછી લેતી કે તું અમુક રીતે 'મમ્મી' છે કે કેમ.

તેઓ એવું જ ધારી લે કે બાળકને સંભાળ લેવાની જવાબદારી માતાની જ હોય. હું મારી દીકરીનો 'ડેડી' છું, જ્યારે મારો પતિ 'તેનો' પાપા છે.

અમે અમારી દીકરીની સંભાળ લેવા માટે માત્ર એક જ નિયમ બનાવ્યો છે અને તે પ્રેમ અને કાળજીનો. તે સિવાય અમને બીજા કોઈ નિયમો કે પરંપરાની પડી નથી.

એક રેસ્ટોરન્ટમાં અમે લંચ માટે ગયેલા ત્યારે અમને સૌથી ખરાબ અનુભવ થયો હતો.

અમે હજી ટેબલ પર બેઠા જ હતા, ત્યાં અચાનક કાર્લા ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ અને રડવા લાગી. અમે તેને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે વેઇટ્રેસ આવી.

વેઇટ્રેસે આવીને અમને ઠપકો આપ્યો, "બે પુરુષો બેબીને ક્યારેય સંભાળી શકે નહી. બીજી વાર આવો ત્યારે સાથે મહિલાને લેતા આવજો."

મેં તેને તરત સામે જવાબ આપીને, અમે જ માતાપિતા છીએ તેવું સંભળાવી દીધું હતું. જોકે અમને બહુ ખોટું લાગ્યું હતું અને ગુસ્સે થઈને ત્યાંથી જતા રહ્યા હતા.

પહેલાં મને લાગ્યું કે આ હોમોફોબિયા હશે. પણ તેની ટીકા એટલી જ સેક્સિસ્ટ (જાતીય) હતી.

આગળ જતા વધુ અનુભવો પછી મને સમજાયું હતું કે ‘ગે’ લોકો સામેની સૂગ કરતાંય સ્ત્રી-પુરુષોનો આ ભેદ વધારે વ્યાપક અને હતાશ કરી નાખનારો છે.

કાર્લાના આગમન પછીના થોડા મહિના થકાવનારા હતા. સાથોસાથ મારા માટે એકાકીપણાના પણ હતા.

કાર્લા વારેવારે રડતી હતી. તેને દૂધ પિવડાવું એટલે બધું ઓકી કાઢે અને અમે બંને ગંદા થઈ જઈએ.

બહુ હિંમત કરીને હું તેને લઈને બહાર નીકળતો થયો હતો. મારે ટીકાનો સામનો ના કરવો પડે તેવું પ્લેગ્રાઉન્ડ શોધવું મોટું પડકારનું કામ હતું.

શિશુ સાથે સંકળાયેલી કોઈ પણ એક્ટિવિટીના નામ જુઓ, બધા માતાને ધ્યાનમાં રાખીને રખાયા હોય છે.

પિતા પણ તેમાં જોડાઈ શકે તેવી એક્ટિવિટી હોવા છતાં, નામ રાખવામાં આવે તે આવા હોય - 'મોમ એન્ડ યોગા', 'મોમ એન્ડ મી બેલે', 'મોમ એન્ડ બેબી ક્રાઉલર' વગેરે.

પિતા માટેની ગ્રૂપ એક્ટિવિટી હોય તે શનિ-રવિ માટે જ રાખવામાં આવી હોય.

Image copyright Getty Images

હું એકલો પડી રહ્યો હતો. મને લાગ્યું કે અયોગ્ય રીતે મને સામાજિક મેળાવડામાંથી દૂર રાખવામાં આવી રહ્યો છે.

મને ફાયદાકારક ગ્રૂપમાં પણ હું જઈ શકતો નહોતો. મને એક સંગીત ક્લાસમાં જોડાવાની તક મળી ત્યારે મેં જોયું કે બાળકોના ગીતો પણ બહુ ઢંગધડા વિનાના હતા. જેમાં મમ્મી બહુ શાંત અને પપ્પા બહુ અવાજ કરનારા એવી જ વાતો હોય.

પ્લે-ગ્રૂપમાં ક્યારેય એકાદ મારા જેવા ઘરે રહીને બાળકને સંભાળનારા પિતા મળી પણ જાય.

તે વખતે તેમની વ્યથા સાંભળીને ખ્યાલ આવે કે આ જગતમાં બાળકોની દુનિયા માત્ર માની આસપાસ જ ઘૂમે છે.

હું કંઈ એવું કહેવા નથી માગતો કે પુરુષોને ત્રાસ અપાઈ રહ્યો છે.

હકીકતમાં પુરુષે સર્જેલા પિતૃપ્રધાન સમાજમાં પુરુષોને જ મુશ્કેલી વહોરવાનું આવ્યું છે.

નોકરીના નિયમોમાં પરિવર્તન પછી હવે પિતાને પણ શિશુની સંભાળ માટે રજાઓ મળે છે.

Image copyright Getty Images

તેના કારણે શરૂઆતના થોડા મહિનાનું બાળક હોય ત્યારે તેની સાથે અલભ્ય એવો સમય વિતાવવાની તક ઘણા પિતા લઈ રહ્યા છે.

પરંતુ આપણે એ સ્વીકારવું રહ્યું કે બાળઉછેરની સાથે જોડાયેલી માન્યતાઓ તોડવી પડશે અને ‘ગે’ કે સામાન્ય બંને પ્રકારના પિતા બાળઉછેરમાં વધારે રસ લેતા થાય તેવું કરવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ