દૃષ્ટિકોણ: રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કરેલી ‘જાદુની જપ્પી’નો અર્થ શું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી

આલિંગન સૌને ગમે છે. શુક્રવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડવાનું રાહુલ ગાંધીનું હિંમતભર્યું કામ થોડું ફિલ્મી ગાંધીગીરી જેવું હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કે કોંગ્રેસના ચુસ્ત ટેકેદારો ન હોય તેવા લોકો પર તેની મોટી અસર થશે.

ખુદને 'પપ્પુ' કહેવામાં આવતા હોવાનો સ્વીકાર કરીને રાહુલ ગાંધીએ તેમના દોસ્તો તેમજ દુશ્મનોમાં ખુદને એક ગંભીર તથા ભરોસાપાત્ર રાજકીય નેતા તરીકે અચાનક પ્રસ્તુત કર્યા હતા.

હવે રાહુલ ગાંધી કે તેમના પરિવારનું કોઈ મોટું કૌભાંડ બહાર નહીં આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના આ નિવેદન સામે સરકાર વળતો ફટકો મારી નહીં શકે.

રાહુલ ગાંધી ઇચ્છતા હતા એ તક તેમને આખરે મળી ગઈ છે.

નરેન્દ્ર મોદી તેમનું ટાર્ગેટ હતા અને તેમણે તેમનું કામ લગભગ ચોકસાઈપૂર્વક કર્યું હતું.

રાહુલના 'જુમલા સ્ટ્રાઈક'થી માંડીને 'ચોકીદાર નહીં, ભાગીદાર'થી 'ડરો મત' સુધીના શાબ્દિક ફટકા દમદાર હતા.

એ લાંબા સમય સુધી એટલે કે 2018માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ વિધાનસભાઓની ચૂંટણી તેમજ સૌથી મહત્ત્વની 2019ની લોકસભાની ચૂંટણી સુધી લોકોની સ્મૃતિમાં રહેવાની શક્યતા છે.


મહત્ત્વનો સવાલ

Image copyright LSTV

હવે એ સવાલ જરૂરી છે કે વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવાનો કે તેમને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા દેવાનો બહુમતી સરકારનો નિર્ણય ડહાપણભર્યો હતો?

સોળમી લોકસભામાં ભાજપ-એનડીએ જોરાવર બહુમતિ ધરાવે છે એટલે સંખ્યાબળ બાબતે કોઈ શંકા નથી.

શું તમે આ વાંચ્યું?

હવે ભાજપના ટેકેદારો તથા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો હિંમતવાળા દેખાવાનો પ્રયાસ ચાલુ રાખશે ત્યારે અનિર્ણિત મતદારો, અસંતુષ્ટ ખેડૂતો તેમજ સામાન્ય ચૂંટણી પહેલાં જ મત આપવા વિશે નિર્ણય કરતા લોકો પર રાહુલ ગાંધીની ટિપ્પણી અને ઉચ્ચારણોનો પ્રભાવ પડી શકે છે.

વિદેશ નીતિ તથા રાષ્ટ્રીય સલામતી જેવી સંવેદનશીલ બાબતોની ચર્ચા જાહેર મંચો પરથી ખુલ્લેઆમ નહીં કરવાની પરંપરા છે, કારણ કે તેમાં સલામતી તથા રાષ્ટ્રહિતનાં મહત્ત્વના મુદ્દાઓ સંકળાયેલા હોય છે.

Image copyright EPA

જોકે, તેમાં કેટલાક અપવાદ છે. 1962માં ભારત-ચીનની લડાઈ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનને સંસદની અંદર તથા બહાર વિરોધ પક્ષ પાસેથી ઘણું સાંભળવું પડ્યું હતું અને કડવા ઘૂંટડા ગળે ઉતારવા પડ્યા હતા.

અહીં વિરોધ પક્ષ અને શાસક પક્ષ કે શાસક મોરચા વચ્ચેના રાજકીય ઔચિત્યનો મુદ્દો આવે છે. આ સંબંધે બન્ને વાંકમાં છે.

2013-14માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપ-એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે સૌપ્રથમ તેમણે નેહરુ-ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હતો તથા તેના પર આક્રમણ કર્યું હતું.

ભાજપના નેતાઓ રાહુલ તથા સોનિયા ગાંધી સામે ખરેખર કેટલાક આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેના વળતા ફટકામાં કોંગ્રેસે, ખાસ કરીને સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, ઔચિત્ય તથા શિષ્ટાચારની લક્ષ્મણ રેખા વારંવાર ઓળંગી હતી.


મુખવટા ઊતરી ગયા

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપના પ્રમુખ અમિત શાહ અને નરેન્દ્ર મોદી

હવે મુખવટા ઊતરી ગયા છે. આગામી દિવસો, સપ્તાહો અને મહિનાઓમાં આવું બધું વધું પ્રમાણમાં જોવા મળશે.

રાહુલનો ગેમપ્લાન એકદમ સ્પષ્ટ છે. ભાજપ ભલે 200થી વધુ લોકસભા બેઠકો સાથેના મોરચાનું વડપણ કરે, પણ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરીથી નહીં જીતાડવા તેઓ 'તટસ્થ મતદારો'ને કોઈક રીતે સમજાવવા ઇચ્છે છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાઓની ચૂંટણીના પરિણામની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ કે રાજસ્થાનમાં કોંગ્રેસ જીતશે તો દેશને વધારે આત્મવિશ્વાસસભર અને બોલકા રાહુલ ગાંધી જોવા મળશે.

કોંગ્રેસ પ્રમુખના આજના પર્ફૉર્મન્સને જોતાં આ ભવિષ્યની વાસ્તવિકતા બની રહેશે.

(આ લેખકના અંગત વિચારો છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો