વૉટ્સઍપે મૅસેજ ફૉરવર્ડ કરવા પર લાગશે પ્રતિબંધ

વૉટ્સઍપ Image copyright AFP

ભારત સરકારનું કહેવું છે કે વૉટ્સઍપ થકી ફેલાવાઈ રહેલા ખોટા સંદેશને કારણે દેશમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ મામલે ભારત સરકારની ચેતાવણીને પગલે વૉટ્સઍપે મૅસેજ ફૉરવર્ડ કરવા અંગેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

વૉટ્સઍપે જણાવ્યું છે કે તે મૅસેજ ફૉરવર્ડ કરવાની મર્યાદા નક્કી કરશે. જેથી, ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાય.

ગુરુવારે ભારત સરકારે વૉટ્સઍપને ચેતવણી આપી હતી કે જો આ મામલે કોઈ પગલા ભરવામાં ના આવ્યાં તો તેને કાયદાકીય કાર્યવાહીની સામનો કરવો પડી શકે છે.

ભારત વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે અને અહીં 20 કરોડથી પણ વધુ વૉટ્સઍપ યુઝર્સ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વૉટ્સઍપે જણાવ્યું છે કે ભારતના લોકો અન્ય કોઈ દેશની સરખામણીએ સંદેશાઓ, ફોટો કે વીડિયો વધુ પ્રમાણમાં એકબીજા સાથે શૅર કરે છે.

હાલમાં વૉટ્સઍપના ગ્રુપમાં 256થી વધુ લોકો નથી ઍડ કરી શકાતા.

ત્યારે અહીં એ વાત મહત્ત્વની બની જાય છે કે જે મૅસેજીસને હિંસાનું કારણ ગણાવાઈ રહ્યા છે તેને 100થી વધુ સભ્યો ધરાવતા કેટલાય ગ્રૂપ્સમાં ફૉરવર્ડ કરવામાં આવ્યા હતા.


પાંચ વખતથી વધુ ફૉરવર્ડ નહીં કરી શકાય

Image copyright AFP

નવા નિયમો અનુસાર વૉટ્સઍપની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાયેલા એક બ્લૉગમાં કંપનીએ જણાવ્યું કે તે યુઝર્સ માટે મૅસેજ ફૉરવર્ડ કરવાની મર્યાદા નક્કી કરવાનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

એટલે હવેથી ભારતીય યુઝર્સ માટે સંદેશા ફૉરવર્ડ કરવાની મર્યાદા ઘટાડવામાં આવશે.

ભારતમાં વૉટ્સઍપના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે એક વ્યક્તિ એક સંદેશાને પાંચથી વધુ વખત ફૉરવર્ડ નહીં કરી શકે.

જોકે, આ નવો નિયમ ગ્રૂપના બીજા સભ્યોને એ જ મૅસેજ આગળના પાંચ લોકોને ફૉવર્ડ કરતા નહીં રોકી શકે.

વૉટ્સઍપે આશા વ્યક્ત કરી છે કે આ નિયમ થકી એક મૅસેજ પહેલાં કરતાં ઓછા લોકો સુધી પહોંચશે.

કંપનીએ એ પણ જણાવ્યું કે જે મૅસેજમાં તસવીર કે વીડિયો હશે, તેની બરોબર નજીક જ લગાવાયેલા 'ક્વિક ફૉરવર્ડ બટન'ને હટાવી દેવાશે.


મૉબ લિંચિગને કારણે 18ના મૃત્યુ

Image copyright PA WIRE

વૉટ્સઍપે આ ફેરફાર મૉબ લિન્ચિંગની કેટલીય ઘટનાઓ બાદ કર્યા છે. એપ્રિલ 2018થી અત્યારસુધી ઘટેલી આ ઘટનામાં 18થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોની સંખ્યા આનાથી પણ વધુ ગણાવાઈ રહી છે.

એવા આરોપ લાગ્યા છે કે વૉટ્સઍપ પર ફેલાયેલી બાળક ચોરીની અફવા બાદ લોકોએ અજાણી વ્યક્તિઓ પર હુમલાઓ કર્યા હતા.

પોલીસ અનુસાર આ ખોટા સંદેશા છે એવું સમજાવવું ભારે મુશ્કેલ છે.


'વૉટ્સઍપ જવાબદારી લે'

Image copyright Getty Images

સોશિયલ મીડિયામાં હાલમાં ફેલાયેલી અફવાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા ત્રિપુરાની સરકારે એક વ્યક્તિને ગામમાં મોકલી હતી. જોકે, ટોળાએ એ વ્યક્તિને બાળકચોર સમજીને મારી નાખી.

આ પહેલાં ભારત સરકારે વૉટ્સઍપને ચેતવણી આપી હતી કે તે યુઝર દ્વારા વહેંચાયેલી સામગ્રીની 'જવાદારી' લેતા બચી ના શકે.

જેના જવાબમાં વૉટ્સઍપે કહ્યું હતું કે તે ''હિંસાની આ ઘટનાઓથી ચિંતિત છે અને પડકારોને પહોંચી વળવા માટે સરકાર, સામાન્ય લોકો અને ટૅક કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે.''

નોંધનીય છે કે ફેસબુક વૉટ્સઍપની માલિકી ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ