મોદી સરકાર પર જેને કારણે આક્ષેપ થયા એ રફાલ શું છે?

રાફેલ વિમાનની તસવીર Image copyright AFP

ભારતમાં રાજકીય વિવાદનું કારણ બનેલા રફાલ વિમાનોના સોદાના સંદર્ભમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે.

ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો.

ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને કરવામાં આવેલો આ દાવો ભારત સરકારના નિવેદનથી બિલકુલ ઉલટો છે.

ભારત સરકારે કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપની દસો એવિએશને પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી હતી.

અગાઉ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુદ્ધવિમાન 'રાફેલ'ની કિંમત અને સોદા મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ મામલે તેમણે રક્ષા મંત્રી અને વડા પ્રધાન જુઠ્ઠું બોલે એવો આરોપ લગાવ્યો હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અગાઉ રક્ષા મંત્રી વિમાનની ખરીદ કિંમત જાહેર કરવા તૈયાર હતા પરંતુ પછીથી એવું કહ્યું કે, ફ્રાન્સ અને ભારત વચ્ચે વિમાનની કિંમત જાહેર નહીં કરવા માટે કરારમાં ગુપ્તતાની શરત રાખવામાં આવી છે.

પરંતુ રાહુલે કહ્યું હતું કે તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખને મળ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે આવી કોઈ શરત કે કરાર કરવામાં નથી આવ્યો.

પરંતુ ખરેખર રાફેલ ડીલ શું છે અને તે મામલે આટલો વિવાદ અને હંગામો થઈ રહ્યો છે તે જાણવું અગત્યનું છે.


રાફેલ મામલે આટલો હંગામો કેમ?

Image copyright AFP

વળી રાફેલ વિમાનમાં એવું તો શું છે કે તે મામલે આટલી ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે.

આ સવાલોના જવાબ રાફેલ વિમાન અને તેની ડીલ સમજવામાં મદદરૂપ થશે.

રાફેલ વિમાન વિશે કહેવાય છે કે તે માત્ર એક કલાકની અંદર દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા અને ક્વેટાથી પરત દિલ્હીનું કુલ 1986નું કિ.મી.નું અંતર કાપી શકે છે.

આટલી ઝડપ ધરાવતા રાફેલ વિમાનની ડીલ અંગે કૌભાંડનો મોદી સરકાર પર રાહુલ ગાંધીનો આક્ષેપ છે.

શું તમે આ વાંચ્યું?

રાહુલ ગાંધીનો આરોપ છે કે આ સોદામાં એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાના હેતુ સાથે વડા પ્રધાન પેરિસ ગયા હતા અને સોદામાં ફેરફાર કર્યા હતા.

બીજી તરફ ભાજપ અને મોદી સરકાર રાહુલ ગાંધીના આ ગંભીર આક્ષેપોને ફગાવતા આવ્યા છે.


શું છે રાફેલની વિશેષતા?

Image copyright AFP

હવે જાણીએ શું છે આ રાફેલ વિમાનની વિશેષતા

  • રાફેલ પરમાણુ મિસાઇલ વહન કરવામાં સક્ષમ છે
  • વિશ્વના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા
  • બે મિસાઇલ લગાવેલ હોય છે. એકની રેંજ 150 કિલોમીટર અને બીજી મિસાઇલની રેંજ 300 કિ.મી
  • આ વિમાન ચીન અને પાકિસ્તાન પાસે નથી
  • ભારતીય વાયુસેનાના વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે
  • ભારતીય વાયુસેના પાસે આવા 51 મિરાજ છે
  • દસ્સો ઍવિએશન અનુસાર રાફેલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2000 કિ.મી/કલાક
  • તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.
  • રાફેલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઇંધણ ભરી શકાય છે

આ રાફેલ વિમાનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલા યુદ્ધમાં ઉપયોગ થયા છે.


ક્યારે થઈ હતી રાફેલ ડીલ?

Image copyright EPA

વર્ષ 2010માં યુપીએ સરકારે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

વર્ષ 2012થી 2015 સુધી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી રહી. ત્યારબાદ વર્ષ 2014માં ભાજપની સરકાર બની.

વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં ભારતે ફ્રાન્સ સાથે 36 રાફેલ વિમાનો માટે 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી મામલે કરાર કર્યા.

વધુમાં ભારતે અગાઉ 126 વિમાનો ખરીદવાના હતા અને એવું નક્કી થયું હતું કે ભારત 18 વિમાન ખરીદશે અને 108 વિમાન બેંગ્લુરુ સ્થિત હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડમાં એસેમ્બલ થશે.


એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા?

Image copyright AFP
ફોટો લાઈન રક્ષા મંત્રી નિર્મલા સિતારમન રાફેલ વિમાનમાં

વધુમાં મોદી સરકારે કરેલા કરારની કથિત કિંમત અનુસાર એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા થાય છે.

વળી મોદી સરકાર આ ડીલ મામલે પારદર્શિતાનો અંગે એવું કહે છે કે સરકારે વિમાન બનાવતી કંપની નહીં પણ ફ્રાન્સની સરકાર સાથે ડીલ કરી છે.

વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં થયેલા આ કરાર મામલે મોદી સરકારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

બીબીસીના અહેવાલ મુજબ રક્ષા ક્ષેત્રની બાબતનો જાણકાર અજય શુક્લાએ એપ્રિલ-2015માં કહ્યું હતું કે વડા પ્રધાનની સાથે રિલાયન્સ (એડીએજી) પ્રમુખ અનિલ અંબાણી અને તેના સમૂહના અધિકારીઓ પણ ફ્રાન્સ ગયા હતા અને રાફેલ બનાવતી કંપની સાથે વાટાઘાટો કરી હતી.

Image copyright AFP

ઉપરાંત રાહુલ ગાંધીના આરોપ બાદ અજય શુક્લાની વાતને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આગળ વધારી હતી.

તેમણે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે માર્ચ 2015માં અંબાણીની રિલાયન્સ ડિફેન્સની નોંધણી થઈ.

તેમણે કહ્યું, "બે સપ્તાહ બાદ મોદી સરકારે યુપીએ સરકારની 600 કરોડ રૂપિયામાં રાફેલ ખરીદવાની ડીલને 1500 કરોડ રૂપિયાની ડીલમાં ફેરવી દીધી."

"જાહેર ક્ષેત્રની કંપની હિંદિસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડની જગ્યા અંબાણીની કંપનીને લીધી જેથી તે 58 હજાર કરોડની કેકનો અડધો સ્વાદ ચાખી શકે."


રાફેલનો ઇતિહાસ

Image copyright AFP

રાફેલ બનાવતી કંપની દસ્સોના અનુસાર આ વિમાન ફોર્થ જનરેશન ટૅકનૉલોજીના વિમાન છે અને સૌ પ્રથમ 1986માં તેનું શરૂઆતી ઉત્પાદન શરૂ થયું હતું.

ફ્રાન્સની વાયુસેના પાસે 91 રાફેલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળે તેનો લડાઈમાં ઉપયોગ કર્યો હતો.

સદ્દામ હુસેન સામેની લડાઈમાં પણ અમેરિકાના દળોએ તેનો ઉપયોગ કર્યો હતો.

વધુમાં વર્ષ 2011માં લીબિયાના ગૃહયુદ્ધમાં પણ રાફેલ સામેલ કરાયાં હતાં. તાજેતરમાં તેનો ઉપયોગ ઇરાકના યુદ્ધમાં આઈએસના લડાકુઓ પર હવાઈ હુમલા કરવામાં થયો હતો.

ફ્રાન્સ સિવાય ઇજિપ્ત, કતારે પણ વિમાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને યુએઈ તેમની વાયુસેના માટે લેવાની વિચારણા હેઠળ છે.


હુમલો કરવામાં કેટલું સક્ષમ છે?

તેની વહન ક્ષમતા ઘણી સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે.

તે એક જ સમયે હવામાંથી જમીન પર, હવામાંથી હવામાં હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે.

તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ