અમિત શાહની સ્ક્રિપ્ટને પરિણામ સુધી કેમ ન પહોંચાડી શક્યા મોદી?

નરેન્દ્ર મોદી Image copyright PTI

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સારા વક્તા ગણવામાં આવે છે પણ શુક્રવારે તેમની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર થતી ચર્ચાનો જવાબ આપતી વખતે તેમનું ભાષણ ફિક્કું લાગતું હતું.

એક લાંબું ભાષણ તેમણે જોઈને વાંચ્યું, જેમાં કોઈ મહત્ત્વની વાત પણ સામેલ નહોતી. એક રીતે તેમનું ભાષણ બોરિંગ હતું.

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ભૂતકાળમાં આ જ અંતર રહ્યું છે.

મોદી પોતાના નાટકીય ભાષણ માટે જાણીતા છે જ્યારે રાહુલ ગાંધી લેખિત ભાષણ વાંચવા માટે જાણીતા છે. પણ આ વખતે સ્થિતિ અલગ છે.

સાડા ચાર વર્ષમાં વડા પ્રધાને મીડિયાને ચીયરલીડરમાં તબદીલ કરી દીધું અને તેમના પોતાના લોકોએ પણ હવે એ નક્કી કરી દીધું છે કે મોદી મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપી શક્યા નથી.

Image copyright Getty Images

રાહુલ ગાંધીએ અઢળક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય હુમલો કર્યો અને મોદીએ 'જુમલા સ્ટ્રાઇક્સ'ને ભારતના લોકો વિરુદ્ધ ગણાવી.

રાહુલે મોદીજીના અબજપતિઓ સાથેના સંબંધો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ભાજપ આ અવિશ્વાસ પ્રસ્તાવ માટે અલગ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો.

તેમનો વિચાર એવો હતો કે મોદી એક છટાદાર ભાષણ આપીને 2019ની સામાન્ય ચૂંટણીની દિશા નક્કી કરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી પહેલાંથી જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી ચૂક્યા છે પણ તેઓ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે વિજેતા સાબિત થયા નથી.

જોકે, આ ભાજપના અધ્યક્ષ અમિત શાહનો વિચાર હતો કે અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂર કરીને વિપક્ષને બોલવા માટે વધારે સમય ન આપવો.

જેના થકી વિપક્ષને વિખેરાયેલું બતાવવું તથા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએને મજબૂત ગઠબંધન સ્વરૂપે રજૂ કરે.


સહયોગીઓએ છોડ્યો સાથ

Image copyright @SHIVSENA

ભાજપના સૌથી જૂના સહયોગી શિવસેનાએ 20 વર્ષ જૂનો સાથ છોડી ચૂકી છે અને નવો રસ્તો પસંદ કર્યો છે.

આ ત્યારે થયું જ્યારે અમિત શાહે જાતે પહેલ કરીને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી.

જોકે, શિવસેનાએ આશ્ચર્યજનક રીતે પોતાના 18 સાંસદોને સંસદમાંથી ગેરહાજર રહેવા માટે કહ્યું.

એટલું જ નહીં શિવસેનાએ ત્યારબાદ રાહુલ ગાંધીનાં વખાણ કરતા કહ્યું કે તેમણે રાજનેતા તરીકે એક લાંબું અંતર કાપી લીધું છે.

જોકે, આ અવિશ્વાસનો પ્રસ્તાવ ભાજપની સહયોગી રહેલી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) તરફથી જ આવ્યો હતો.

ટીડીપીએ જણાવ્યું કે મોદીએ તેમને દગો આપ્યો છે અને તેઓ નાટક કરતા 'અભિનેતા' છે.

ટીડીપીની તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે આ લડાઈ નૈતિકતા વિરુદ્ધ બહુમતીની છે.

પહેલી વખત સાંસદ બનેલા ટીડીપી નેતા જયંત ગાળાએ સારું ભાષણ આપ્યું હતું.

અમેરિકન એક્સેન્ટવાળા અંગ્રેજીમાં તેમણે વ્યવસ્થિત આંકડાઓ થકી દર્શાવ્યું કે આંધ્ર પ્રદેશને કરેલા તમામ વાયદાઓથી તેઓ કઈ રીતે ફરી ગયા છે.


મોદીનો ગુસ્સો અને મિમિક્રી

મોદી તેમના ભાષણ દરમિયાન ગુસ્સામાં દેખાતા હતા. જ્યારે રાહુલ ગાંધી તેમને ગળે મળ્યા ત્યારે ભાજપ તરફથી કહેવાયું હતું કે રાહ જુઓ મોદી તેમના ભાષણમાં વ્યાજ સાથે હિસાબ ચૂકવી દેશે.

એવું લાગતું હતું કે મોદી તેમના રંગમાં નથી. તેઓ 90 મિનિટ સુધી એ જ વાતોનું પુનરાવર્તન કરતા જોવા મળ્યા. આ વાતો 'જુમલા' જ લાગતી હતી.

શક્ય છે કે મોદીને યાદ ન રહ્યું હોય કે તેમણે ઑગસ્ટમાં લાલ કિલ્લાથી પણ સંબોધન કરવાનું છે.

એટલું જ નહીં તેઓ સોનિયા ગાંધીની ઇટાલી એક્સેન્ટની મિમિક્રી કરતા પણ જોવા મળ્યા હતા.


રાહુલને વઢ પડી, પણ એક બ્રેક પછી

Image copyright LSTV
ફોટો લાઈન અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનું પરિણામ સરકારના પક્ષમાં આવ્યું.

મોદી જે રીતે આલોચના કરતા હતા એનાથી લોકો તેમની સાથે જોડાયા હોય તેવું લાગતું ન હતું.

ટ્રેઝરી બૅન્ચ પરથી હસવાનો અવાજ સંભળાતો હતો. એના પરથી તેનો અંદાજ આવે છે.

બીજી બાજુ જ્યારે રાહુલ ગાંધી મોદીને ગળે મળતા હતા ત્યારે રાજનાથ સિંહ અને અનંત કુમારના મોઢા પર પણ સ્મિત હતું.

એ વખતે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન પણ હસતા હતાં. જોકે પછીથી તેમણે રાહુલ ગાંધીને સંસદીય પરંપરાનું પાલન કરવા કહ્યું હતું.

ભાજપની યોજના છટાદાર ચૂંટણી પ્રચાર શરૂ કરવાની હતી પણ નેતા તરીકે મોદી આશાઓ પર સાચા સાબિત થયા નથી.

મોદીએ વિપક્ષ પર હુમલા કર્યા પણ એ હુમલાઓમાં પંચનો અભાવ જોવા મળ્યો.

જોકે, એનાથી એવો અંદાજ પણ આવે છે કે કોઈ નેતા મુશ્કેલ પ્રશ્નોને કેવી રીતે હૅન્ડલ કરે છે.


લોકશાહી છે, પ્રશ્નો તો પૂછાશે જ

મોદીએ મીડિયાથી અંતર રાખ્યું છે. તેમણે પોતાના કાર્યકાળમાં એક પણ પત્રકાર પરિષદ યોજી નથી.

એવું લાગે છે કે પ્રશ્નોનો સામનો કરવો તેમને અઘરો લાગે છે. વિશેષ વાત એ છે કે સંસદની અંદર પણ મોદી પડકારોથી બચતા રહે છે.

વિપક્ષની આલોચના કરતા તેઓ વ્યક્તિગત બાબતો પર હુમલા કરવા લાગે છે અને તેનું સ્તર પણ નીચું લઈ જાય છે.

તેઓ પોતાની સામાન્ય પૃષ્ઠભૂમિની વાતનું પણ એટલું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે હવે એ વાતો ઘસાઈ ગયેલી લાગે છે.

મનમોહન સિંઘ પણ સામાન્ય પૃષ્ઠભૂમિના જ છે પણ તેમણે ક્યારેય આ બાબતને મુદ્દો બનાવી નથી અને વારંવાર તેનું પુનરાવર્તન પણ નથી કર્યું.

2019ની સામાન્ય ચૂંટણી વડા પ્રધાન મોદી માટે સરળ નહી હોય, તેમણે પોતાનો અંદાજ અને સ્ટાઇલ બદલવા અંગે વિચારવું પડશે.

રાહુલ ગાંધીએ તેમના ભાષણથી એટલો સંકેત તો આપી દીધો છે કે આવનારો સમય નરેન્દ્ર મોદી માટે પડકારજનક સાબિત થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ