રાજસ્થાન : ગૌરક્ષાના નામે ટોળાએ અકબરની હત્યા કેવી રીતે કરી હતી?

ગાય Image copyright Getty Images

રાજસ્થાનના અલવરમાં ફરી એક વાર કથિત ગૌરક્ષકોએ એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે.

હરિયાણાના નૂંહમાં રહેતા અકબરને ટોળાંએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં બે વ્યક્તિની ધરકડ કરવામાં આવી છે.

રાજસ્થાનના અલવરમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે.

જેમાં કથિત ગૌરક્ષોએ ગાયની તસ્કરીની શંકાને પગલે કોઈને માર મારીને મોતને ઘાટ ઊતારી દીધી હોય.

ગત વર્ષે પહલૂ ખાન અને ઉમર નામની વ્યક્તિની આ રીતે હત્યા કરી દેવાઈ હતી.

સમગ્ર મામલે મુસ્લિમ મેવ સમાજે નારાજગી વ્યક્ત કરી છે.


ક્યાં અને કઈ રીતે કરાઈ હત્યા?

Image copyright Getty Images

પોલીસના જણાવ્યા અનુસાર અકબર પર શુક્રવારની મધ્યરાત્રીએ હુમલો થયો હતો. તેઓ અસલમ નામની વ્યક્તિ સાથે હરિયાણા જઈ રહ્યા હતા.

તેઓ બે ગાય લઈને પગપાળા હરિયાણા જઈ રહ્યા હતા. ભીડે હુમલો કર્યો ત્યારે અસલમ જીવ બચાવીને ભાગી છુટવામાં સફળ થયો હતો.

આ ટોળાંએ અકબરને ગાયની તસ્કરી કરનાર સમજીને ખૂબ જ માર માર્યો હતો.

વધુમાં અકબરને હૉસ્પિટલ લઈ જવાયા પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો.

જયપુર પોલીસ રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારી (એડિશનલ ડીજીપી) હેમંત પ્રિયદર્શીએ એક પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી.

તેમના અનુસાર રાયગઢ પોલીસ સ્ટેશનને મધરાતે સૂચના મળી હતી કે બે લોકો ગાયની તસ્કરી કરી રહ્યા છે.

પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને અકબર ત્યાં ઘાયલ અવસ્થામાં જોવા મળ્યા હતા.

તેમણે પોલીસને કહ્યું કે તેમને ગાયના તસ્કરી સમજીને માર મરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે અકબરને હૉસ્પિટલ લઈ જવાની કોશિશ કરવામાં આવી પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યું હતું.

ઘટનાની જાણ થતાં જ મેન સમુદાયના લોકો હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

દરમિયાન સમગ્ર મામલાની જાણ થતા અકબરનો પરિવાર પણ હૉસ્પિટલ આવી પહોંચ્યો હતો.

પોલીસે ઘણી સમજાવટ કર્યા બાદ પરિવાર પોસ્ટમૉર્ટમ માટે સંમત થયો હતો.


આ ભીડ મોદી-સુપ્રીમ કોર્ટનું પણ નથી સાંભળતી

Image copyright Getty Images

અત્રે નોંધવું રહ્યું કે નરેન્દ્ર મોદી શુક્રવારે જ આ પ્રકારની ઘટનાઓ પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

તેમણે રાજ્ય સરકારોને આવી ઘટનાઓ રોકવા માટે પણ કહ્યું હતું.

એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારોને આવી ભીડને નિયંત્રણમાં લેવા અને લિંચિંગની ઘટનાઓ રોકવા માટે નિર્દેશ આપ્યા છે.

દરમિયાન એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને પગલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું, "ગાયોને બંધારણના 21મા અનુચ્છેદ હેઠળ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે અને એક મુસ્લિમની હત્યા કરવામાં આવે છે કેમ કે તેમને જીવવાનો મૌલિક આધિકાર નથી. મોદી સરકારના ચાર વર્ષ 'લિંચિંગ રાજ' છે."

વળી રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ આ ઘટનાને વખોડી છે અને દોષિતો સામે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

જ્યારે મૃતક વ્યક્તિ અકબરનો મૃતદેહ તેમના ઘરે કોલગાંવ પહોંચ્યો ત્યારે માતમ છવાઈ ગયો હતો.

કોલગાંવના ઇસ્હાક અહેમદ કહે છે કે અકબરના મૃત્યુથી હવે તેમના બાળકો અનાથ થઈ ગયા છે અને વૃદ્ધ માતાપિતાએ જીવવાનો આધાર પણ ગુમાવી દીધો છે.


'પ્રસાશનની બેદકારીના કારણે અકબરની હત્યા થઈ'

Image copyright MANSI THAPLIYAL

હૉસ્પિટલમાં બહાર ભેગા થયેલા લોકોમાં હાજર મૌલાના હનીફ કહે છે,"પહેલૂ ખાનના કિસ્સામાં જો મજબૂત કાર્યવાહી થઈ હોત તો અકબર આજે જીવતો હોત."

"ઉમરની હત્યા થઈ ત્યારે પણ પ્રસાશને મજબૂતીથી કાર્યવાહી કરી હોત તો આજે આ ઘટના ન બની હોત."

"આ દુખના સમયે અન્ય વર્ગ સમુદાયના લોકો અમારી સાથે છે તે અમારા માટે થોડી રાહતની વાત છે."

કોલગાંવના ઇસ્હાક કહે છે,"અકબરની પત્ની અને બાળકોની સ્થિતિ જોઈ નથી શકાતી. અકબરને સાત બાળકો છે. આ એક વિવિધ જ્ઞાતિઓ ધરાવતું ગામ છે."

"પરિવારજનોને સાંત્વના આપવા તમામ સમાજના લોકો આવ્યા છે. અકબરના ઘરમાં સરકારી યોજનાથી બનેલો પાકા બાંધકામનો રૂમ છે. બાકીના રૂમનું બાંધકામ કાચું છે."

ઇસ્હાક અનુસાર અકબરના પિતા પહેલાં દૂધ વેચતા હતા અને છેલ્લા કેટલાક સમયથી અકબર તેમના પિતાનું કામ સંભાળતા હતા. આ કામ માટે જ તેઓ ગાય ખરીદીને લાવી રહ્યા હતા.

મેવ સમુદાયના સદ્દામ કહે છે મેવ સમુદાયના લોકો પશુપાલન અને ખેતી કરીને જીવનનિર્વાહ કરે છે.

સરકારી આંકડા અનુસાર અલવર જિલ્લામાં બે લાખથી વધુ ગૌ ધન છે. આ ક્ષેત્ર મેવાતનો હિસ્સો છે જેનો વિસ્તાર હરિયાણા સુધી ફેલાયેલો છે.


અગાઉ પણ આવી ઘટના બની હતી

ગૌરક્ષકોએ પહલૂ ખાનની હત્યા બાદ માનવ અધિકાર સંગઠનોએ સરકારની ભારે ટીકા કરી હતી.

પોલીસે આ મામલે નવ વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો. પરંતુ બાદમાં પુરાવાના અભાવે તેમાંથી છને પોલીસે ક્લીનચિટ આપી દીધી હતી.

રાજસ્થાનમાં છેલ્લા પાંચ દિવસમાં કથિત ગૌરક્ષકો દ્વારા ઘટનાસ્થળે જ ન્યાય કરવાની આ બીજી ઘટના છે.

આ પૂર્વે કોટામાં કથિત ગૌરક્ષકોએ મધ્યપ્રદેશમાં દૂધની ડેરી ચલાવતા પ્રવીણ પંડિત અને તેમના ડ્રાઇવર અહમદની માર મારીને હત્યા કરી નાખી હતી.

પ્રવીણ તેમની ડેરી માટે ગાય ખરીદીને જયપુરથી દેવાસ જઈ રહ્યા હતા.

પ્રવીણે ભીડને ખુદ બ્રાહ્મણ હોવાની વાત કહી પરંતુ કથિત ગૌરક્ષકોએ દયા નહીં કરી. પોલીસ આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરી ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો