કોંગ્રેસે સંરક્ષણ મંત્રીનું રાજીનામું માગવું જોઈએ: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ક્યારેક કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સૌથી નજીકના નેતા માનવામાં આવતા હતા. રાજનીતિના રથ પર તેઓ રાહુલના સારથી તરીકે ઓળખાતા હતા, પરંતુ રાહુલની નવી ટીમમાં તેમને સ્થાન મળ્યું નથી.

રાહુલ ગાંધીની કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તેમને સ્થાન ન મળવાની બાબતને તેઓ સામાન્ય માને છે.

બીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેમણે રાહુલ ગાંધીની રાજનીતિ અને કોંગ્રેસમાં તેમના સ્થાન બાબતે ચર્ચા કરી.

તેમણે કહ્યું કે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી ચહેરાઓને બદલે વિચારધારાના મુદ્દે લડાશે.

Image copyright EPA

સવાલ: રાહુલ ગાંધીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જે ભાષણ આપ્યું તેને તમે કેવી રીતે જુઓ છો?

જવાબ: રાહુલ ગાંધીની બૉડી લૅંગ્વેજ ખૂબ જ સારી હતી અને તેઓ શાંત દેખાતા હતા. અંગ્રેજી અને હિંદીમાં આપેલા ભાષણમાં તેમણે વડા પ્રધાનને વિચારતા કરી દીધા. ત્યારબાદ વડા પ્રધાન પોતાના ભાષણમાં સંતોષકારક જવાબમાં આપી શક્યા નહોતા.

તેમના સંબોધનનો સૌથી મહત્ત્વનો મુદ્દો રાફેલ એરક્રાફ્ટ ડીલનો હતો. કોંગ્રેસ પક્ષ શરૂઆતથી જ સવાલ કરી રહ્યો છે કે આ વિમાનો કેટલા રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે.

શું આ ખરીદીમાં નિર્ધારિત જોગવાઈઓ (સ્ટાન્ડર્ડ પ્રોવિઝન)નું પાલન કરવામાં આવ્યું છે. પ્રાઇસ નેગોશિએશન કમિટીએ ભાવ મુદ્દે વાટાઘાટો કરી હતી કે નહીં, શું આ પ્રસ્તાવ નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યાં 60થી 70 હજાર કરોડની ખરીદી થઈ રહી છે, ત્યાં ખરીદીનું પાલન કાળજીપૂર્વક થવું જોઈએ. આ બધા સવાલોના જવાબ મોદી આપી શક્યા નહોતા.

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન આ ડીલ મુદ્દે કહે છે કે સિક્રેટ ઍગ્રીમેન્ટ હોવાને કારણે તે જાહેર ન કરી શકીએ, પરંતુ બીજી તરફ રાફેલ બનાવતી કંપનીએ તેમના વાર્ષિક રિપોર્ટમાં આ સોદાનો ઉલ્લેખ કર્યો છે.

નિર્મલાજીએ સંસદમાં આ ડીલ સાથે જોડાયેલો એક દસ્તાવેજ રજૂ કર્યો હતો જે અંગે તેમણે કહ્યું હતું કે આ સમજૂતી વર્ષ 2008માં થઈ હતી, જેમાં તત્કાલિન સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીની સહી છે.

જોકે, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આવી કોઈ સમજૂતી વર્ષ 2008માં થઈ નથી.

Image copyright Getty Images

આ સિવાય આજ સુધી સરંક્ષણ હથિયારની ખરીદીના સોદા મુદ્દે કંઈ સિક્રેટ રહ્યું નથી. બોફોર્સ કેટલા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા તે અંગે કોંગ્રેસે માહિતી રજૂ કરી હતી.

અમારા કાર્યકાળમાં રાફેલ સોદો 550 કરોડ રૂપિયા પ્રતિ વિમાનની કિંમતે નક્કી કરવામાં આવ્યો હતો, જે અત્યારે વધીને 1600 કરોડ રૂપિયા પ્રતિ વિમાન સુધી પહોંચી ગયો છે.

મારા હિસાબે કોંગ્રેસે સંરક્ષણ મંત્રીનું રાજીનામું માગવું જોઈએ.

આ સિવાય રાહુલ ગાંધીએ લિંચિંગ મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી નાની-નાની બાબતે ટ્વીટ કરે છે, પરંતુ લિચિંગ મુદ્દે તેઓ ચુપ રહ્યા.

અલ્વરમાં શનિવારના રોજ એક વ્યક્તિની ટોળાએ હત્યા કરી નાખી હતી. આ એક રીતે અરાજકતાની સ્થિતિ છે.

લિચિંગના આરોપીઓને જમાનત મળી જાય છે. ભણેલા ગણેલા મંત્રી જયંત સિન્હા એ આરોપીઓને માળા પહેરાવી રહ્યા છે.

દેશ કઈ તરફ જઈ રહ્યો છે. અમે જ્યારે આ મુદ્દો ઉઠાવીએ તો મોદીજી આ વાતને મજાકમાં ખપાવી દે છે.


'હું ભાજપ અને આરએસએસનો આભારી છું'

Image copyright Getty Images

સવાલ: રાહુલ ગાંધીએ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા, પરંતુ જે રીતે તેઓ મોદીને ગળે મળ્યા અને ત્યારબાદ તેમણે આંખ મારી એ પરથી શું તેમણે લગાવેલા આરોપોની ગંભીરતા ઓછી થઈ ગઈ?

જવાબ: રાહુલ ગાંધીએ તેમના ભાષણના અંતમાં કહ્યું કે હું ભાજપ અને આરએસએસનો આભારી છું કે જેમણે મને ભારતની પરંપરા અને સંસ્કૃતિને સમજાવવામાં મદદ કરી.

મતલબ કે જે તમારો વિરોધ કરે તેનો પણ આદર કરવો જોઈએ. રાહુલ આ બતાવવા માટે જ મોદી પાસે ગયા હતા અને ગળે મળીને કહ્યું કે હું તમારી વિરુદ્ધ બોલ્યો છું, પરંતુ મારા દિલમાં તમારા પ્રત્યે તિરસ્કાર નથી.

સવાલ:રાહુલ ગાંધી સાથે તમે 13-14 વર્ષ કામ કર્યું અને તમે તેમના રાજનૈતિક સલાહકાર પણ માનવામાં આવતા હતા...

(દિગ્વિજય સિંહે વચ્ચે ટોકતા જ કહ્યું કે ના હું તેમનો રાજનૈતિક સલાહકાર નહોતો, આ મીડિયાનો પ્રચાર છે.)

સવાલ: તમે રાહુલની નજીકની વ્યક્તિ ગણાતા હતા ત્યારે તેઓ એક રાજનેતા તરીકે કેટલા પુખ્ત છે?

જવાબ: તેઓ ઘણાં પુખ્ત છે. તેમનામાં રાજનૈતિક સમજ છે.


'મને નિવૃત્ત કરી દો'

Image copyright Getty Images

સવાલ: તેઓ પુખ્ત છે, પરંતુ તમે એમની ટીમમાં સામેલ નથી. શું કોઈ ખાસ કારણ છે?

જવાબ: હું તમને વર્ષ 2011ના કોંગ્રેસ અધિવેશનની યાદ અપાવું તો, મેં ત્યારે કહ્યું હતું કે રાહુલજી તમે કોંગ્રેસનું નેતૃત્વ સંભાળો અને નવેસરથી કોંગ્રેસ પક્ષને ઊભો કરો. તમારી નવી ટીમ બનાવો.

મેં કહ્યું હતું કે મને, અહેમદ પટેલ સાહેબ, ગુલામ નબી આઝાદ સાહેબ બધાને નિવૃત્ત કરી દો.

સવાલ એ નથી કે કોણ કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં છે અને કોણ નથી. સવાલ એ છે કે ભાજપને હરાવવા માટે અમારામાં સાહસ છે કે નહીં.

સવાલ: ભાજપના પડકારો સામે કોંગ્રેસ આજે ક્યાં છે?

જવાબ: કોંગ્રેસ અધ્યક્ષે આ પડકાર માટે અલગઅલગ લોકોના ગ્રૂપ બનાવ્યા છે અને તેઓ સંપૂર્ણ તૈયાર છે.

Image copyright Getty Images

સવાલ: 2019ની ચૂંટણીને નજરમાં રાખીએ તો શું વિપક્ષ એકસાથે ઊભો થઈ શકશે? શું વિપક્ષ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારશે?

જવાબ: વર્ષ 2014ની ચૂંટણી તરફ નજર કરીએ તો ભાજપને માત્ર 31 ટકા વોટ મળ્યા અને 283 બેઠકો મળી હતી.

જ્યારે વિપક્ષને 69 ટકા વોટ મળ્યા હતા. આ વખતે તો તેલુગુ દેશમ અને શિવસેના પણ ભાજપનો સાથ છોડી રહ્યા છે.

આ દેશમાં મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, રામ મનોહર લોહિયા, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, અબુલ કલામ આઝાદની વિચારધારા કામ કરશે અથવા તો ગોલવલકર, હેડગેવાર, સાવરકર અને ગોડસેની વિચારધારા.

ભારત વૈવિધ્યથી ભરપૂર દેશ છે તેમાં લોકોને એવું ના કહી શકાય કે આ પહેરો, આ રીતે રહો અથવા આ ખાઓ.

હવે જુઓ કે ભગવા કપડાં પહેરનાર આર્ય સમાજના નેતા સ્વામી અગ્નિવેશ સાથે મારપીટ કરવામાં આવી, તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા અને સરકાર ચૂપ છે.

આ બધા વડા પ્રધાનના માણસો હોવા છતાં તેઓ ચૂપ છે.


'ભાજપ મીડિયા પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચે છે'

Image copyright Getty Images

સવાલ: સત્તાપક્ષ એટલા માટે આક્રમક દેખાઈ રહ્યો છે કારણ કે પહેલીવાર વિપક્ષ નબળો જણાઈ રહ્યો છે?

જવાબ: વિપક્ષ એટલા માટે નબળો દેખાઈ રહ્યો છે કારણ કે સરકાર મીડિયા પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચે છે.

અમારા સમાચાર નાની કૉલમમાં છપાઈ છે જ્યારે તેમની પાંચ-પાંચ કૉલમમાં.

ટીવી ચેનલોમાં વિપક્ષની કોઈ ખબર બતાવવામાં નથી આવતી. એટલા માટે વિપક્ષ નબળો જણાઈ રહ્યો છે.

(દિગ્વિજય સિંહ સાથેના ઇન્ટરવ્યૂનો બીજો ભાગ પણ છે જેમાં તેમણે મધ્યપ્રદેશની રાજનીતિમાં તેમની ભૂમિકા અંગે વાત કરી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

આ વિશે વધુ