દૃષ્ટિકોણ : શું ભારતે ઊંધી દિશામાં કૂદકો માર્યો છે?

વિદ્યાર્થીઓનો વિરોધ Image copyright Getty Images

અમર્ત્ય સેને કહ્યું કે વર્ષ 2014માં દેશે ઊંધી દિશામાં કૂદકો માર્યો છે.

પોતાની વાતને સમજાવવા માટે અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જે થોડાં ઉદાહરણો આપ્યાં એમાંથી એક ઉદાહરણ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યૂજીસી) ને ખતમ કરીને ઉચ્ચ શિક્ષણ આયોગ રચવાના સરકારના પ્રસ્તાવ અંગે હતું.

અમર્ત્ય સેનને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનો સારો અનુભવ છે. ભારતમાં પણ તેઓ તેમના સમયના શ્રેષ્ઠ શિક્ષણ કેન્દ્રોમાંથી એક ગણાતી દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં નાની વયે પ્રોફેસર બન્યા હતા.

ત્યાર પછી તેમને યુરોપ અને અમેરિકાની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં બોલાવવા માટે જાણે સ્પર્ધા લાગી હતી. જેનું કારણ તેમનું બૌદ્ધિક કદ છે.

જેનો અંદાજ ડીએસઈમાં તેમને પ્રોફેસરશીપ આપનારા સત્તાધીશોને હતો. તેઓ પારખવામાં નિપુણ હતા, એવું અમર્ત્ય સેને સાબિત કર્યું.

આજે આપણે પ્રશ્ન કરીએ કે શું આપણા કુલપતિ અને શિક્ષણ સંસ્થાઓના પ્રમુખ અમર્ત્ય સેન જેવી પ્રતિભાનો અંદાજ આપનારાઓને સાથે રાખશે?

સામાન્ય રીતે જવાબ હશે, ના.

Image copyright WWW.UGC.AC.IN

બહારની શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓના પ્રમુખની જેમ તેઓ કેમ આઝાદી નથી અનુભવતા?

શું આપણા કુલપતિ આવી કોઈ વ્યક્તિને મળીને તેમને તરત અધ્યાપકનું પદ આપવાનો પ્રસ્તાવ મૂકશે? જવાબ છે ના.

શું તેઓ સંસ્થા છોડીને જઈ રહેલા કોઈ અધ્યાપકને થોડી વધારે સુવિધાઓ આપીને સંસ્થામાં રોકશે? ના.

શું તમે આ વાંચ્યું?

વાત અધ્યાપક પૂરતી સીમિત નથી. શું અહીં કોઈ અધ્યાપક પોતાની જાતે અભ્યાસક્રમ બનાવી શકે છે? ના.

એનું કારણ બહું સ્પષ્ટ છે. આપણી ત્યાં યુનિવર્સિટીઓના હાથ-પગ બંધાયેલા છે. નિયમ અને કાયદા એક કેન્દ્રીય સંસ્થા બનાવે છે અને બધાએ એક જ રીતે તેનું પાલન કરવાનું છે.


શ્વાસ રુંધતાં નિયંત્રણોથી આઝાદી

આ સ્થિતિમાં સરેરાશ વૃદ્ધિ જ થઈ શકે, શ્રેષ્ઠ વૃદ્ધિ ક્યારેય ન થાય. સૌથી તાજું ઉદાહરણ સીબીએસઈ છે, જેના નામે ચોકઠું બનાવીને દરેક અભ્યાસક્રમને તેમાં જ ફીટ કરવાની પ્રક્રિયા કરાય છે.

તેનો એટલો પ્રચાર કરાઈ રહ્યો છે કે તેની વાસ્તવિકતા જાણવી હોય તો આ અંગે થતી કોઈ વિભાગની બેઠકને જોઈ લો, એટલું પૂરતું છે.

આ સ્થિતિમાં જો કોઈ કહે કે આ પ્રકારે શ્વાસ રુંધતાં નિયંત્રણોથી આઝાદી અપાઈ રહી છે તો બધા તેનું સ્વાગત કરશે.

આ જ દલીલ સરકાર ઉચ્ચ શિક્ષણ આયોગના પોતાના પ્રસ્તાવની તરફેણમાં કરી રહી છે, તે એવી નિયંત્રણકારી સંસ્થા હશે જે બધાને આઝાદ કરી દેશે.

પણ વાસ્તવિક આશયતો પ્રસ્તાવના દરેક પાનામાં સ્પષ્ટ જોવા મળે છે. તે આશય લગામ ખેંચવાનો છે. પહેલો આશય તો આ સંસ્થાને સરકારની આધીન બનાવવાનો છે, જે ઉચ્ચ શિક્ષણ જગતનું શીર્ષ હશે.

આ બાબત તેમના પ્રમુખ અધિકારીઓની પસંદગી પ્રક્રિયાના આધારે જ સ્પષ્ટ થઈ જાય છે. જેની સમિતિની અધ્યક્ષતા કૅબિનેટ સચિવ કરશે, તે સરકારથી સ્વાયત્ત કઈ રીતે હોઈ શકે?

આ પ્રસ્તાવનો ભાંડો ફોડતી અન્ય બાબત એટલે એક પરિષદ બનાવવાની જોગવાઈ છે, જેની અધ્યક્ષતા માનવ સંસાધન વિકાસ મંત્રીના હાથમાં હશે.

તેને સલાહકાર પરિષદ કહેવાય છે, પણ લખ્યું છે એ પ્રમાણે તેના તમામ સૂચનો આયોગે માનવા પડશે. આ પ્રકારની વાત તર્કવિહીન છે.


શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતા

Image copyright PTI

કૅબિનેટ સચિવની અધ્યક્ષતા ધરાવતી સમિતિ અને માનવ સંસાધન વિકાસ મંત્રીની અધ્યક્ષતા ધરાવતી સલાહકાર સમિતિની જોગવાઈ તેની સ્વાયત્તતાની પોલ ખોલી દે છે.

એવું કહેવાય છે કે બધી સંસ્થાઓને આઝાદ કરશે, પણ એમાં લખ્યું છે કે તેની તપાસ પણ કરાશે કે વિદ્યાર્થીઓ દરેક અભ્યાસક્રમમાં શું શીખ્યા!

એટલે કે સમાજશાસ્ત્રમાં શું હાંસલ થવું જોઈએ અને ભૌતિકશાસ્ત્રમાં કે ફિલસૂફીમાં શું હોવું જોઈએ તે આ નવું આયોગ નક્કી કરશે.

તે એ પણ નક્કી કરશે કે કંઈ રીતે કયો અભ્યાસક્રમ વધારે ફાયદાકારક રહેશે અને કયો અભ્યાસક્રમ નોકરી માટે યોગ્ય રહેશે! આ તમામ કામ અધ્યાપક, વિભાગ, એકૅડેમિક કાઉન્સિલના હતા.

આ કામો હવે આયોગ પોતાના હાથમાં લઈ લેવા માગે છે. એટલે કે તેઓ જણાવશે કે ફિલસૂફીનો અભ્યાસક્રમ કેવો બનાવીએ કે તેઓ બજાર માટે ફિલસૂફો તૈયાર કરી શકે.

તેઓ દર વર્ષે દરેક સંસ્થાની પ્રગતિની પણ તપાસ કરશે, તો પછી એવું શું બચ્યું કે જે યુનિવર્સિટીઓના પોતાના હાથમાં હોય?

સૌથી રસપ્રદ તો આ પ્રસ્તાવ છે કે આયોગ એ માપદંડો નક્કી કરશે જેના આધારે યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવામાં આવશે.

અને એ પણ ક્રમિક સ્વાયત્તતા હશે. એટલે કોણ સ્વતંત્ર હશે, ક્યારે અને કેટલું સ્વતંત્ર હશે એ બધું આ આયોગ નક્કી કરશે.

એ જ પ્રકારે એનો અધિકાર આયોગને અપાઈ રહ્યો છે કે તેઓ કોઈ પણ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ જાતે બનાવવા માટેના પણ કાયદા નક્કી કરશે.


લાંબી પ્રક્રિયાનું પરિણામ

Image copyright EPA

આજની વાત કરીએ તો આ અધિકાર દરેક યુનિવર્સિટીઓ પાસે છે.

એટલે કે જે અધિકાર યુનિવર્સિટી પાસે છે તે અધિકારો આ આયોગ લઈ લેવા માગે છે. યુનિવર્સિટીઓને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી આ આયોગ બનાવાયું છે, આ દલીલમાં તથ્ય કેટલું રહી જાય?

સૌથી રસપ્રદ પ્રસ્તાવ છે ગ્રાન્ટ આપવા અંગેનો, યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપવાનો અધિકાર મંત્રાલયને આપી દેવાશે. જ્યારે ગ્રાન્ટ જ સરકાર આપે તો તેનાથી સ્વતંત્ર કંઈક કરવાની હિંમત યુનિવર્સિટી કરી શકશે?

યૂજીસી સંસ્થા 60 વર્ષની થઈ ગઈ, એટલે જ હવે હાલીચાલી શકતી નથી અને એટલે હવે એક જવાન અને તંદુરસ્ત સંસ્થાએ એની જગ્યા લેવી જોઈએ, આ દલીલ સંસ્થાઓ પર લાગુ થતી નથી.

સંસ્થાઓનું નિર્માણ માણસની જિંદગીના ઘટનાક્રમ પ્રમાણે થતું નથી. હકીકતમાં તે લાંબી પ્રક્રિયાનું પરિણામ છે.

તો શું એવું કહેવાઈ રહ્યું છે કે પરિવર્તન ન થવું જોઈએ? શું યૂજીસી પૂરતું છે? આ પ્રશ્નો દસ વર્ષ પહેલાં ઉઠાવાઈ રહ્યા હતા.

આ સરકાર એ ચર્ચાને યાદ નથી કરતી કારણકે તે ભ્રમ ઊભો કરવા માગે છે કે દરેક ચીજ તેઓ પહેલી વખત કરે છે.

દસ વર્ષ પહેલાં યૂજીસીની જગ્યાએ નવી સંસ્થાનો વિચાર યશપાલ સમિતિએ આપ્યો હતો. તેમાં ફક્ત યૂજીસીને બદલવાની વાત નહોતી, ઉચ્ચ શિક્ષણ વિશે આખો દૃષ્ટિકોણ બદલવાના વિચારનો આરંભ હતો.

એનું એવું પણ કારણ હતું કે યૂજીસી જે સમયે બન્યું હતું, ત્યારનું શિક્ષણનું વાતાવરણ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું.


પાયો કે પછી પહેલી શરત

યશપાલનું કહેવું હતું કે યુનિવર્સિટી સંપૂર્ણ રીતે સ્વનિયંત્રિત હોવી જોઈએ. અન્ય ઉચ્ચ શિક્ષણોને ટુકડાઓમાં ન જોવું જોઈએ.

લૉ હોય, ચિકિત્સા હોય કે વાસ્તુકળા હોય, આ તમામના શિક્ષણને એક શિક્ષા દર્શનના દાયરામાં રાખીને જોવું જોઈએ.

એટલે કે આઈઆઈએમ હોય કે આઈઆઈટી, શિક્ષણ માટે તેમની ચિંતા એટલી જ હોવી જોઈએ જેટલી જેએનયૂ કે હૈદરાબાદ યુનિવર્સિટી અથવા જામિયા મિલિયા ઇસ્લામિયા માટે હોય.

એટલે જ સમગ્રતા એ યશપાલનો પ્રિય શબ્દ હતો, જેમકે સ્વાયત્તતા. સ્વાયત્તતા સારા કામનું ઇનામ ન હોઈ શકે. સ્વાયત્તતા સારું કામ કરવાની પ્રાથમિક શરત છે.

જો આ દૃષ્ટિએ જોઈએ તો સરકારનો નવા આયોગનો પ્રસ્તાવ નિયંત્રણો ઓછા કરવાના બદલે લગામ ખેંચવા માટેની કવાયત છે.

પણ એક એવી સંસ્થાને ખતમ કરવાના બહાને જે પોતાની સાખ ગુમાવી ચૂકી છે, એ સરકાર આખા શિક્ષણ જગતને પોતાની અંતર્ગત લાવવા માગે છે. આ ષડ્યંત્રને લોકોએ પારખી પણ લીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ