બ્લૉગ : રાહુલ ગાંધીની 'પ્રેમજાળ'માં ફસાયા તો બરાબર ગૂંચવાશે નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી Image copyright PTI

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લવ અને હેટનું રાજકારણ રમી રહ્યા છે અને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આનો અણસાર સુધ્ધાં નથી.

તેઓ રાજકારણના આ બારીક ગૂંથણકામ વાળી જાળ તરફ એવી રીતે આગળ વધી રહ્યા છે જાણે કે ઊંઘમાં ચાલી રહ્યા હોય.

લોકસભામાં વડા પ્રધાનને ગળે મળી રાહુલ ગાંધીએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પ્રેમ અને સહિષ્ણુતાનાં રાજકારણમાં માને છે.

જ્યારે મોદી નફરત અને ભેદભાવનું રાજકારણ કરે છે.

એમણે બિલકુલ વડા પ્રધાનની સામે ઊભા રહી કહ્યું કે- તમારી અંદર મારા માટે નફરત છે, ગુસ્સો છે, તમારા માટે હું પપ્પુ છું.

તમે મને જુદીજુદી ગાળ બોલી શકો છો પણ મારી અંદર તમારા માટે બિલકુલ પણ ગુસ્સો, ક્રોધ કે નફરત નથી.

હવે રાહુલ ગાંધી એવું ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી એમની મજાક ઉડાવે, એમને યુવરાજ અને નામદાર જેવા નામોથી સંબોધન કરે જેથી એ વાત સાબિત થાય કે મોદી ખરેખર નફરતનું રાજકારણ રમે છે.

આવનારી લોકસભાની ચૂંટણીઓ સુધી રાહુલ ગાંધી દર વખતે મોદીને આકરા સવાલો પૂછશે પણ એમના માટે કોઈ ભારે શબ્દનો ઉપયોગ બિલકુલ નહીં કરે.

વારંવાર તેમણે જણાવ્યું હતું કે મોદીની અંદર છુપાયેલી માનવતાને મારા પ્રેમની તાકાત વડે બહાર લાવીશ.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી રાજકારણની જે માટીથી ઘડાયેલા છે એમને તો પ્રેમ અને નફરતની આ ચાલ અંગે તરત જ ખ્યાલ આવી જવો જોઈએ.

તેમણે સમજી જવું જોઈએ કે પોતાને પ્રેમનું પ્રતીક ગણાવી રાહુલ ગાંધી મોદીને ઘૃણાના આસન પર બેસાડી રહ્યા છે.

જો મોદીને આનો અણસાર આવી ગયો હોત તો તેઓ રાહુલનાં ગળે મળવાને ''ગળે પડવું'' ના કહેતા.

શનિવારે શાહજહાંપુરની રેલીમાં એમણે પોતાની આકરા પ્રહાર કરવાની પ્રથાને ચાલુ રાખતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સવાલોના જવાબ આપી ના શક્યા એટલે "ગળે પડી ગયા".

જોકે, એક ફર્ક પડ્યો ખરો આ વાત જણાવતા મોદીએ ના તો રાહુલ ગાંધીનું નામ લીધું કે ના તો પછી યુવરાજ કે નામદાર કહીને ટોણો માર્યો.


રાહુલના પ્રેમબંધનનું રાજકારણ

Image copyright LSTV

રાહુલ ગાંધીએ લોકસભામાં મોદીની આજુબાજુ જે હાથ વિંટાળ્યા હતા એનાં નિશાન દૂર કરવા માટે મોદીને હવે 2019ની ચૂંટણીઓમાં ઘણી મહેનત કરવી પડશે.

એમને વારંવાર બોલતા રહેવું પડશે કે રાહુલ ગાંધીને ના તો રાજકારણની સમજણ છે, ના તો સંસદની ગરિમાની. તેમણે ચાલુ સંસદે વડા પ્રધાનને ભેટવા જેવી છોકરમત કરી અને ત્યાર બાદ આંખ પણ મારી.

એ કહેવું બિલકુલ ભૂલભરેલું રહેશે કે મોદી, રાહુલ ગાંધીનાં પ્રેમપ્રદર્શન પાછળના રાજકારણનો ગૂઢાર્થ સમજી શક્યા નથી પણ એ સ્પષ્ટ છે કે હજુ આની પાછળ રહેલી રાહુલ ગાંધીની મહેચ્છાથી તેઓ અજાણ છે.

તેમને લાગે છે કે રાજકારણમાં જબરદસ્તી આવી ચઢેલા કાચા ખેલાડીએ ભારે જોશમાં આવીને 'છોકરમત' કરી નાંખી અને તેને ટીવી રેટિંગ મળી ગયું પણ ચૂંટણી જંગમાં તો તેઓ પપ્પૂને 'પપ્પૂ' સાબિત કરીને જ જંપશે.

એમનો અતિશય આત્મવિશ્વાસ અને વિરોધીઓને ભોંય ભેગા કરવાનો ટ્રેક રેકર્ડ એમને હવે બીજું કઈ પણ જોતા અટકાવે છે.

જો તેઓ રાહુલ ગાંધીની રાજનીતિ સમજી શક્યા હોત તો તેઓ એમની જાળમાં આવવાથી બચી જાત અને શાહજહાંપુરની જનસભામાં તેઓ રાહુલના ગળે મળવાને 'ગળે પડવું' એવું ના બોલત.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાહુલ ગાંધીને ભાજપ સમર્થકોએ સોશિયલ મીડિયા પરના ટ્રોલ્સમાં જોક્સનું મુખ્ય પાત્ર બનાવી દીધું છે.

વળી વડા પ્રધાન મોદીનાં પ્રવચનોને કારણે ટ્રોલ્સના આ પ્રવાહને ગતિ મળી છે.

જ્યારે વડા પ્રધાન મોદી સંસદમાં એમ બોલે છે - 'કેટલાક લોકોની ઉંમર તો વધી જાય છે પણ બુદ્ધિનો વિકાસ થતો નથી'. હવે એ પૂછવાની જરૂર રહે ખરી કે મોદી કોના વિશે વાત કરી રહ્યા હતા.

હવે એ જ 'પપ્પુ' સંસદમાં વડા પ્રધાનની સામે ઊભા રહી એવું બોલવાની હિંમત કરી શકે છે કે 'તમે ભલે મને પપ્પુ કહો પણ મારા મનમાં તમારા વિશે બિલકુલ નફરત નથી.'

એમના આ નિવેદન પર મોદી પોતાના શરીરને હલાવતા સતત એ રીતે હસતા હતા જાણે કે કોઈ તેમને ગલીપચી કરી રહ્યું હોય અને તેનો તે આનંદ માણી રહ્યા હોય.


ચીડ અને અણગમો કેમેરા પર

Image copyright Getty Images

આ ગલીપચીની અનુભૂતિ કરતી વખતે મોદીને બિલકુલ પણ અણસાર નહીં હોય કે રાહુલ ગાંધી થોડી જ વારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરશે.

મોદી હતપ્રભ થઈ ગયા હતા કે રાહુલ ગાંધીમાં આટલી હિંમત કેવી રીતે આવી કે પોતાની બેઠક પરથી ઊભા થઈ વડા પ્રધાનની બેઠક સુધી પહોંચ્યા અને પછી નમીને એમને ગળે વળગ્યા.

પહેલાં એમના ભવાં તો વંકાયાં પણ તરત જ એમને ખ્યાલ આવી ગયો કે ટીવી કેમેરાની નજર એમની દરેક હિલચાલ નોંધી રહી છે.

પાછા ફરી રહેલા રાહુલ ગાંધીને એમણે પાછા બોલાવ્યા પછી પીઠ થપથપાવી હસતા હસતા કંઈક કહ્યું.

જેથી એમની ચીડ અને અણગમો કેમેરામાં કેદ ના થઈ શકે.

રાહુલ ગાંધી પાસે ખરેખર તો હવે પ્રેમની આ સર્જિકલ સ્ટ્રાઇક સિવાય ભાથામાં કોઈ તીર બચ્યું નહોતું.

એમને બધું જ કરીને જોઈ લીધું પણ મોદી પર એની કોઈ અસર ના પડી.

સોનિયા ગાંધીએ ગુજરાત રમખાણો બાદ મોદીને 'મોતનો સોદાગર' કહ્યું હતું અને આફત વહોરી લીધી હતી.

ત્યારે મોદી એક રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમની આંતરરાષ્ટ્રિય ફલક પર કોઈ છબી નહોતી અને એની એમને કોઈ ચિંતા પણ નહોતી.

એટલે જ તેઓ રાજકારણને ગલીઓમાં ખેંચી લાવ્યા અને પોતાની સભાઓમાં જર્સી ગાય અને એના વાછરડાનું ઉદાહરણ આપવા માંડ્યા.

ત્યારબાદ કોંગ્રેસે ભૂલથી પણ ગુજરાત રમખાણો પર મુસલમાનોનાં પક્ષમાં મોં ખોલવાની હિંમત કરી નથી.


પ્રેમની સર્જિકલ સ્ટ્રાઇક

Image copyright Getty Images

પોતાને મુસલમાનોના હિતેચ્છુ ગણાવવાની ભૂલ હવે કોંગ્રેસ કરી શકે તેમ નથી.

જ્યારે જ્યારે કોંગ્રેસ નેતાઓએ હિંદુઓને પાછળ પાડવા હિંદુ ટૅરર, ભગવા ટૅરર, હિંદુ તાલિબાન, હિંદુ પાકિસ્તાન જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે તે પાછા ફરીફરીને તેમની પર જ આવ્યા છે.

મોદી છેલ્લાં 18 વર્ષોથી પોતાના વિરોધીઓને હરાવતા આવ્યા છે.

ગુજરાતમાં મુસલમાન વિરોધી રમખાણ દરમિયાન મુખ્યમંત્રી તરીકે એમને પોલીસને દિશા નિર્દેશ પૂરા પાડ્યા હતા.

દંગાને ભડકાવવાના આરોપસર તેઓ તપાસ સમિતિ સામે હાજર પણ રહ્યા હતા અને પછી નિર્દોષ છૂટી પણ ગયા હતા.

અમેરિકાએ વર્ષો સુધી એમને વિઝા પણ આપ્યા નહોતા. વિદેશોમાં એમની સામે ભારે દેખાવો પણ યોજાયા હતા.

મોદીએ દેશના વડા પ્રધાન બનવા અંગે દાવો કર્યો નહોતો અને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા પક્ષના મોટા માથાઓને પાછળ મૂકી તેઓ ભારે બહુમતીથી દેશના વડા પ્રધાન બની ગયા હતા.

રાજકારણના કુશળ ધુરંધર સામે લડવા માટે રાહુલ ગાંધી સામે પ્રેમની સર્જિકલ સ્ટ્રાઇક એ જ એક માત્ર રસ્તો હતો.

એમને ખબર છે કે મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાજકારણનું એવું માળખું બિછાવ્યું છે કે જેમાં હિંદુ-મુસલમાન, ગોરક્ષા, સેના, ધર્મ નિરપેક્ષતા, રામમંદિર, હિંદુ અસ્મિતા જેવા મુદ્દે તે મોદીની સામે ટક્કક ઝીલી શકશે નહીં.

એટલે તેઓ આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં એવો માહોલ ઊભો કરવા માગે છે કે જેમાં જોતાને પ્રેમ અને સહિષ્ણુતાની મૂર્તિ અને મોદીને ઘૃણાના ઉપાસક તરીકે ચીતરવા માગે છે.

મોદીના ઇમેજ એન્જિનિયરોએ એ નક્કી કરવાનું રહેશે કે રાહુલ ગાંધીને મોદી કરતા મોટો માણસ બનતા કઈ રીતે અટકાવે. પહેલી બાજી તો રાહુલ ગાંધીના નામે નોંધાઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ