વડોદરા : કૉમેડિયનને આ કારણે દેશ વિરોધી કહી યુનિ.એ શો રદ કર્યો

કુનાલ કામરા Image copyright facebook/kunal kamra

કૉમેડીયન કુનાલ કામરાના આગામી શોની પરવાનગી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ રદ કરી નાખી છે.

યુનિવર્સિટીને પૂર્વ વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કૉમેડીયન કુનાલ કામરા ઍન્ટિ નેશનલ વિષયો પર કૉમેડી કરે છે.

આ આક્ષેપના પગલે યુનિવર્સિટીએ રજાના દિવસે શનિવારે નિર્ણય લઈ લીધો, અને યુનિવર્સિટીના ચં. ચી. મહેતા હૉલમાં 11મી ઓગસ્ટના રોજ થનારા કૉમેડી શોની પરવાનગી રદ કરી દીધી.

કુનાલ કામરાનો શો રદ કરી દેવામાં આવ્યો ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે ઍન્ટિ નેશનલ કૉમેડી એટલે શું અને ક્યા આધાર પર યુનિવર્સિટીએ નક્કી કરી લીધું કે તે ઍન્ટિ નેશનલ કૉમેડી કરે છે.


યુનિવર્સિટીએ પહેલા આપેલી પરવાનગી પછી શા માટે રદ કરી?

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી બહારના કાર્યક્રમો પણ કરી શકાય તેના માટે ચં. ચી. મહેતા હૉલ ભાડે આપવામા આવે છે.

આ હૉલમાં અગાઉ અનેક કૉમેડીયનોના શો થઈ ચૂક્યા છે. કૉમેડીયન કુનાલ કામરાનો શો વડોદરાના બે યુવાનોએ આયોજિત કર્યો હતો.

આયોજક સાગર ઠક્કર દ્વારા હૉલની પરવાનગી પણ મેળવી લેવાઈ હતી. પરંતુ એમ. એસ. યુનિવર્સિટીના જ પૂર્વ 11 વિદ્યાર્થીઓનાં એક સમૂહે વાઇસ- ચાન્સેલરને ફરિયાદ કરી.

શું તમે આ વાંચ્યું?

આ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરીને અરજી આપી જેમાં લખવામાં આવ્યું હતું કે કુનાલ કામરા ઍન્ટિ નેશનલ જોક કરે છે અને તેમનો કાર્યક્રમ થવાથી એમ. એસ. યુનિવર્સિટીનો માહોલ ઉતેજિત થશે તેથી તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવે.

પૂર્વ વિદ્યાર્થીઓની આ ફરિયાદને આધારે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે કાર્યક્રમની પરવાનગી રદ કરવાનો નિર્ણય લીધો.


યુનિવર્સિટીના સતાધીશો શું કહે છે ?

Image copyright Ranjit Surve
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આ સમગ્ર બનાવ અંગે બીબીસી ગુજરાતીએ એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસ સાથે વાત કરી.

તેમણે જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ ફેકલ્ટીના 11 પૂર્વ વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી."

"આ રજૂઆત મુજબ કોમેડીયન કુનાલ કામરાનો શો થાય તો યુનિવર્સિટીનું વાતાવરણ ડહોળાશે તેવું કહેવાયું હતું. જેના પગલે મે હૉલના કો-ઑર્ડિનેટરને પરવાનગી રદ કરવાનું કહ્યું હતું."

એમ. એસ. યુનિવર્સિટીનો ચં. ચી. મહેતા હૉલ ખાનગી અને યુનિવર્સિટીના કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવે છે.

આ હૉલનું સંચાલન યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિગ આર્ટ્સના પ્રાધ્યાપક રાકેશ મોદીને સોંપવામાં આવેલું છે.

રાકેશ મોદીએ શનિવારે જ આયોજકોને ફોન પર જાણ કરીને શોની પરવાનગી યુનિવર્સિટીએ રદ કરી હોવાનું જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું "વાઇસ-ચાન્સેલર દ્વારા મને આ અંગે જાણ કરાઈ હતી. શિક્ષણ સંસ્થામાં આ પ્રકારના કાર્યક્રમથી જો માહોલ ખરાબ થાય તો સુરક્ષાનો પ્રશ્ન ઉદ્ભવે છે."

"કાર્યક્રમ દરમ્યાન કોઈ અઘટિત ઘટના ન બની જાય તેની તકેદારી રાખતા શોની પરવાનગી રદ કરી હતી."

" શનિવારે અને રવિવારે રજા હોવાથી આજે આયોજકોને લેખિત જાણ કરવામાં આવશે."


કેમ પૂર્વ વિદ્યાર્થીઓને કુનાલના જોક ઍન્ટિ નેશનલ જણાય છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

એમ.એસ.યુનિવર્સિટીમાં કુનાલ કામરાનો શો રદ કરવા વી.સી.ને રજૂઆત કરનાર પ્રતિનિધિ મંડળ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

આ પ્રતિનિધિ મંડળના વડા ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું, "કૉમેડીયન કુનાલ કામરા પી. એમ. મોદી કે સરકારની વિરુદ્ધ કોમેડી કરે તેની સામે કોઈ સમસ્યા નથી. પરંતુ તેઓ સુપ્રિમ કૉર્ટ, રાષ્ટ્રગીત, અને દેશના જવાનો વિશે ટિપ્પણીઓ કરે છે."

તેમણે વધુમાં કહ્યું, “સપ્ટેમ્બરમાં એમ. એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારબાદ વર્ષ 2019માં લોકસભાની પણ ચૂંટણી આવી રહી છે. એ પહેલાં આવા શો દ્વારા યુવાનો, વિદ્યાર્થીઓનું ‘માઇન્ડ વૉશ’ કરી શકાય છે.”

“કુનાલ કામરા પોલિટિકલ એજન્ડા ધરાવે છે.”

તેમણે સંભાવના વ્યક્ત કરતા કહ્યું, “રાષ્ટ્રવાદી લોકો વંદેમાતરમનો નારો લગાડે છે. તો આ પ્રકારના શોમાં કુનાલ વંદેમાતરમની વિરુદ્ધમાં ગાળ પણ બોલી જાય એવી શક્યતા પણ ખરી.”

“અમે આવું કંઈ પણ એમ.એસ. યુનિવર્સિટીના કેમ્પસમાં થાય તેવું નથી ઇચ્છતા. આ બાબતો અમને યોગ્ય ન લાગી હોવાથી એમ. એસ. યુનિવર્સિટીમાં આ પ્રકારનો કાર્યક્રમ ન યોજાય તેના માટે અમે રજૂઆત કરેલી જે માન્ય રાખવામાં આવી છે.''

“કુનાલની કૉમેડી પસંદ ન હોય તો પણ શો અટકાવી શકાય નહીં.”

સ્ટેન્ડ અપ કૉમેડીયન કુનાલ કામરાના સમર્થનમાં વડોદરાના જ જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડીયન મનન દેસાઈએ ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે "વિશ્વના તમામ લોકશાહી દેશોમાં કૉમેડીયનો દ્વારા સરકાર કે સિસ્ટમ વિરુદ્ધ કોમેડી પ્રસ્તુત કરાય છે."

"કૉમેડીનો એક માત્ર એજન્ડા લોકોને હસાવવાનો નથી હોતો. કૉમેડી એ માધ્યમ છે જેના દ્વારા સમાજની સારી ખરાબ વાતોને હળવાશથી પ્રસ્તુત કરી જે તે બાબતો વિશે લોકોનું ધ્યાન દોરી તેમાં સુધારો કરી શકાય."

"મને પણ વ્યક્તિગત રીતે કુનાલ કામરાના કેટલાક જોક પસંદ નથી. પરંતુ તેનો મતલબ એ નથી કે હું તેમનાં શો અથવા તેમની કૉમેડીને નકારું."

"દરેક કલાકારને પસંદ કરનાર અને ના પસંદ કરનાર એક વર્ગ છે. ના પસંદગીનો મતબલ વિરોધ ન હોવો જોઈએ."


કુનાલ કામરાએ ટ્વીટ કર્યું, તન્મય ભટ્ટે તેની પણ મજાક ઉડાવી

કુનાલ કામરાએ ટ્વીટર પર લખ્યું હતું કે રજાના દિવસે આનાથી વધારે આરામદાયક બાબત શું હોય કે તમને સમાચાર દ્વારા જાણવા મળે કે તમને અન્ય એક દિવસ પણ રજા મળવાની છે. આજની રજાએ ભવિષ્યની રજાની ઉજવણી કરી રહ્યો છું.

બીબીસી ગુજરાતીએ કુનાલ કામરા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી હતી.

આ ટ્વીટના જવાબમાં એઆઇબીના કૉમેડીયન તન્મય ભટ્ટે મજાક ઉડાવી અને કહ્યું કે કામ ન કરવા માટેના પૈસા મળે આવી ઍન્ટિ નેશનલ લાઇફ સારી છે.

કુણાલે વધુ એક ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

તેમણે લખ્યું, “કુનાલ કામરાએ ફરીથી ટ્વીટ કરીને જણાવ્યું કે હવે જ્યારે ઑડિટૉરિયમ ખાલી છે ત્યારે હુ મારા સાથી પ્રસ્તુતકર્તાને નૉમિનેટ કરવા માંગુ છું. તેઓ જાદુગર છે જે કૉમેડી, કવિતા, નાટક કરે છે અને સંગીત પણ પ્રસ્તુત કરે છે અને નૃત્ય પણ કરે છે. તેમણે વિદેશમાં પણ ઘણા કાર્યક્રમો કર્યા છે મેડિસન સ્કવૅરમાં પણ.”


આ શોના આયોજક પાસે વિકલ્પ નથી.

વડોદરામાં કુનાલ કામરાનો શો આયોજિત કરનાર સાગર ઠક્કરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "હાલમાં અમારી પાસે કોઈ વિકલ્પ નથી જેથી અમે શો રદ કરવાનું જ વિચારી રહ્યાં છે."

"અમે શો માટે પરવાનગી મેળવી હતી. યુનિવર્સિટીના હૉલના નાણાં પણ ચૂકવી દીધા હતાં. સમાચારમાં જાણવા મળ્યું કે પરવાનગી રદ કરી દેવામાં આવી છે."

"અમે આર્ટિસ્ટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમના શોનું આયોજન કર્યું હતું. અમારો હેતુ વિવાદ સર્જવાનો નહોતો."

"જે લોકોને કુનાલ કામરાની કોમેડીમાં મજા પડે તે છે જ લોકો ટિકિટ ખરીદીને શો જોવા આવતા અને મનોરંજન માણતા."

"પરંતુ આ ઘટનાએ અલગ સ્વરૂપ પકડી લીધુ હોવાથી હાલમાં આગળ શું કરવું તે ખબર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ