ગ્રાઉન્ડ રિપોર્ટઃ “રકબરને મનાઈ કરી હતી, અલ્વર જશો નહીં”

રકબરનાં ગર્ભવતી પત્ની અસમીના
ફોટો લાઈન રકબરનાં ગર્ભવતી પત્ની અસમીના

"કેટલાક લોકો ગાયની ચોરી માટે રાજસ્થાનથી હરિયાણા તરફ પગપાળા જઈ રહ્યા હતા."

રકબરની હત્યાની ઘટનામાં રાજસ્થાનના અલ્વર જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશનને પહેલા સમાચાર આ રીતે મળ્યા હતા.

ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ(એફઆઈઆર)માં જણાવ્યા અનુસાર, આ ઘટનાની માહિતી રાતે 12.41 વાગ્યે મળી હતી અને નવલ કિશોર શર્મા નામની કોઈ વ્યક્તિએ તે માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, રહબરને સ્થાનિક લોકોએ એટલો માર માર્યો હતો કે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવે એ પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના લાલાવંડીના જંગલ પાસે બની હતી અને પોલીસે ઘટનાસ્થળેથી બે હુમલાખોરોની ધરપકડ કરી હતી.

એફઆઈઆરમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલાનાં નિવેદનમાં રકબરે તેના પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસને આ ઘટનાની જાણ કરનારા નવલ કિશોર શર્મા વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવે છે.

ઘટનાસ્થળેથી જેમની ધરપકડ કરવામાં આવી હતી એ લોકો પણ બીજાં હિંદુ સંગઠનો સાથે સંબંધ ધરાવતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


રાજકીય રંગ

ફોટો લાઈન 28 વર્ષના રકબરની પાંસળીઓ ઢોરમાર મારવાને લીધે તૂટી ગઈ હતી

આ માહિતી બહાર આવી પછી રકબરના મૃત્યુનો મામલો રાજકીય રંગે રંગાઈ ચૂક્યો છે.

બીજી તરફ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના વિધાનસભ્ય જ્ઞાનદેવ આહુજાએ એક નિવેદન આપીને પોલીસને જ આરોપીના પાંજરામાં ઊભી કરી દીધી છે.

શું તમે આ વાંચ્યું?

પત્રકારો સાથે વાત કરતાં જ્ઞાનદેવ આહુજાએ જણાવ્યું હતું કે તેમના કાર્યકરોએ રકબરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે કાર્યકરોએ રકબરને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે થયેલી ખેંચતાણમાં રકબર ઘવાયો હતો.

જ્ઞાનદેવ આહુજાનો આરોપ છે કે રકબરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

પોતે પોલીસ સાથે ઘટનાસ્થળે ગયા હોવાનું આ ઘટનાની જાણ પોલીસને કરનારા નવલ કિશોર શર્માએ એક મોટા હિંદી અખબારને જણાવ્યું પછી આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.

નવલ કિશોર શર્માને ટાંકીને હિંદી અખબારે જણાવ્યું હતું કે પોલીસ દળે રાતે એક વાગ્યાની આસપાસ રકબરને પોતાના કબજામાં લીધો હતો.

રકબરને અલવર જિલ્લાના રામગઢસ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સવારના ચાર વાગ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો, પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલ વચ્ચે ચારથી પાંચ કિલોમીટરનું અંતર છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પહેલાં ગાયોને ગૌશાળા પહોંચાડવામાં આવી હતી અને પછી રકબરને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળેથી અરેસ્ટ કરવામાં આવેલા લોકોનાં નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યાં હતાં અને પોલીસે તેમનાં નામ જાહેર કર્યાં હતાં.

પોલીસે રવિવારે દાવો કર્યો હતો કે રકબર પર હુમલો કરવાની ઘટનામાં સામેલ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

હવે ભાજપના વિધાનસભ્ય આ સમગ્ર ઘટનાની અદાલતી તપાસની માગણી કરી રહ્યા છે.


ખરેખર ઢોરના ચોર?

ફોટો લાઈન અસલમ જીવ બચાવવા નાસી છૂટ્યા હતા

દૂધ આપતી ગાય લઈને રકબર સાથે જઈ રહેલા અસલમ હુમલાખોરોથી બચવામાં રીતે સફળ રહ્યા હતા. રાતના અંધારામાં ખેતર અને જંગલમાં ભાગીને તેઓ તેમનો જીવ બચાવી શક્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં અસલમે જણાવ્યું હતું કે તેઓ સવારે ગામ પાછા પહોંચ્યા ત્યારે તેમને રકબરના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

એ દરમ્યાન મેવાતનાં પોલીસ વડાં નાઝનીન ભસીને અલ્વરના પોલીસ વડા સાથે વ્યક્તિગત વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અસલમ માટે રામગઢ પરત જવું શક્ય નથી, કારણ કે એવું કરવામાં તેના પોતાના જીવ પર જોખમ હતું.

તેથી મેવાતનાં પોલીસ વડાંનાં કહેવાથી રાજસ્થાન પોલીસ રવિવારે બપોરે મેવાતના ફિરોઝપુર ઝિરકા પોલીસ થાણે પહોંચી હતી અને ત્યાં અસલમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

અલ્વરના અધિક પોલીસ અધીક્ષક અનિલ બેનીવાલના જણાવ્યા મુજબ, રકબર અને અસલમ વાસ્તવમાં ચોર છે કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી.

હાલ બન્ને ગાયને રામગઢની એક ગૌશાળામાં રાખવામાં આવી છે.

રકબર સામે 2014માં ગાયની ચોરી સંબંધે નોંધવામાં આવેલી એક પ્રાથમિક ફરિયાદનો હવાલો પણ પોલીસે આપ્યો હતો.


'કોણે, કેવી રીતે હત્યા કરી તેની અમને ખબર નથી'

ફોટો લાઈન રકબરના ભાઈ ઈરશાદ

રકબર અને અસલમ નૂહ ફિરોઝપુરના ઝિરકાસ્થિત કોલગાંવના રહેવાસી છે. રકબરના ભાઈ ઈરશાદ સાથે બીબીસીએ વાત કરી હતી. રકબરના મૃત્યુનું કારણ જાણવા ન મળ્યાનું તેમણે જણાવ્યું હતું.

ઈરશાદે કહ્યું હતું, "શું થયું હતું તેની અમને કંઈ ખબર નથી. અમને તો માત્ર મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા. કોણે માર્યા, કેવી રીતે માર્યા એ હજુ સુધી જાણવા મળ્યું નથી."

ગંભીર ઈજાઓને કારણે રકબરનું મૃત્યુ થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. રકબરની પાંસળીઓ તૂટી જવાથી તેમનાં ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.

એ ઉપરાંત રકબરના આખી શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.


રકબરની પત્ની છે ગર્ભવતી

ફોટો લાઈન સતત રડતાં હોવાને કારણે અસમીના વારંવાર બેભાન થઈ જાય છે

કોલગાંવમાં માતમનો આવો માહોલ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. 500 ઘર ધરાવતા આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે, જ્યાં રવિવારે કોઈના ઘરમાં ભોજન રંધાયું હોય.

જોરદાર વરસાદ પડતો હોવા છતાં લોકો રકબરના ઘરે આવતા-જતા રહ્યા હતા.

રકબરની વય 28 વર્ષની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમનાં પત્ની અસમીના ગર્ભવતી છે.

તેઓ રડી-રડીને વારંવાર બેભાન થઈ જાય છે. અસમીનાનાં માતા તેમને સંભાળવાના પ્રયાસ સતત કરી રહ્યાં છે, પણ અસમીનાની હાલત ખરાબ છે.


'અલવર જવાની ના કહી હતી'

ફોટો લાઈન રકબરના પિતા સુલેમાન

રકબરના પિતા સુલેમાનના જણાવ્યા મુજબ, તેઓ મુખ્યત્વે દૂધ વેચવાનો ધંધો કરે છે.

રકબર ત્રણ ગાયના માલિક હતા અને ધંધો વિસ્તારવા માટે દૂધ આપતી વધુ બે ગાય ખરીદવા અલ્વર ગયા હતા.

સુલેમાને કહ્યું હતું, "બહુ સમજાવ્યો હતો કે પરિસ્થિતિ સારી નથી. અલ્વર જશો નહીં, પણ એ કહેતો રહ્યો કે કશું નહીં થાય. કાશ, તેણે મારી વાત માની લીધી હોત."

અસલમે જણાવ્યું હતું કે તેઓ પિકઅપ વાહન મારફત ગાયોને લાવવા ઈચ્છતા હતા, પણ વાહનમાં ગાય ભડકતી હતી એટલે તેઓ રોડ મારફત જ તેમના ગામ પાછા ફરી રહ્યા હતા.

રામગઢ તેમના ગામથી બહુ દૂર નથી. તેથી તેમને ખાતરી હતી કે તેમને બધા ઓળખે છે અને કોઈ તેમના પર હુમલો નહીં કરે.

નૂહના વિધાનસભ્ય ઝાકિર હુસૈનના જણાવ્યા મુજબ, સમગ્ર મેવાત વિસ્તારમાં જમીનમાં જળસ્તર ઘણું નીચું હોવાથી અહીંના લોકો માટે પશુપાલન અને દૂધનું વેચાણ સદીઓથી આજીવિકાનો એકમાત્ર સહારો છે.

ઝાકિર હુસૈનના જણાવ્યા મુજબ, મેવાતમાં હિંદુઓની સરખામણીએ પશુપાલનનું વધુ કામ મુસલમાનો કરે છે. ગૌધનનું વધુ સંરક્ષણ પણ મુસલમાનો કરે છે.

હરિયાણા વિધાનસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ આઝાદ મુહમ્મદ પણ રામલીલા સમિતિ તથા ગૌશાલા સમિતિના આજીવન સભ્ય છે.

તેમના જણાવ્યા મુજબ, મેવાતમાં પશુપાલન બાબતે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ક્યારેય વિવાદ સર્જાયો નથી.


'સુઆયોજિત કામ'

ફોટો લાઈન નૂહના વિધાનસભ્ય ઝાકિર હુસૈન

ગૌરક્ષાના નામે બનતી હિંસક ઘટનાઓ રાજસ્થાનમાં વધુ બની રહી છે.

કોલગાંવમાં મારી મુલાકાત કૉમ્યુનિસ્ટ પક્ષના પ્રાદેશિક સચિવ સુરેન્દ્ર સિંહ સાથે થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાન અને હરિયાણામાં ગૌરક્ષાને નામે જે કંઈ બની રહ્યું છે એ અચાનક બનતી ઘટનાઓ નથી.

આ બધું સુઆયોજિત રીતે કરવામાં આવતું હોવાનું સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું.

સુરેન્દ્ર સિંહે કહ્યું હતું, "મેવાતના લોકોએ દેશભક્તિનું સર્ટિફિકેટ આપવું પડી રહ્યું છે. આ એ લોકો છે, જેમના પૂર્વજોએ અંગ્રેજો સામેની લડાઈમાં મોટા પ્રમાણમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા હતા.”

"તેમના પૂર્વજો ક્યારેક બાબરના તો ક્યારેક અકબરના લશ્કર સામે લડ્યા હતા. તેમના પ્રત્યે આજે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે."


ટોળાના હાથે હત્યા

અલ્વરના બહરોરમાં 2017ની 13 એપ્રિલે સૌથી પહેલાં પહલૂ ખાનની ગૌરક્ષકોના ટોળાએ ઢોરમાર મારીને હત્યા કરી હતી.

એ પછી 2017ની નવમી નવેમ્બરે અલ્વરના મરકપુરમાં ઉમ્માર ખાનની હત્યા કરવામાં આવી હતી અને આ વર્ષની 21 જુલાઈએ રકબરની હત્યા કરવામાં આવી હતી.

સરકારી આંકડા જણાવે છે કે પહલૂ ખાનથી માંડીને રકબર સુધીની હત્યાઓ વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં ઉન્માદી ટોળાએ કુલ 44 લોકોની હત્યા કરી છે.

ઝારખંડમાં ઉન્માદી ટોળાએ 13 લોકોની હત્યા કરી છે, જ્યારે મહારાષ્ટ્રમાં આઠ લોકો એ રીતે મૃત્યુ પામ્યા છે.

તમિલનાડુ તથા ત્રિપુરામાં પાંચ-પાંચ લોકોની હત્યા થઈ છે અને તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત તથા આસામ પણ આવી ઘટનાઓમાંથી બાકાત રહ્યાં નથી.


કડક કાર્યવાહીનો આદેશ

કેન્દ્રનાં નાણાં ખાતાનાં રાજ્ય કક્ષાના પ્રધાન જયંત સિંહા તાજેતરમાં એક વિવાદમાં ફસાયા હતા.

ગૌરક્ષાના નામે હત્યાના આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા પછી જયંત સિંહાએ તેમને ફૂલહાર પહેરાવ્યા હતા, મિઠાઈ ખવડાવી હતી અને તેમનું સ્વાગત કર્યું હતું.

અલબત, અલ્વરમાં શુક્રવારે મોડી રાતે બનેલી ઘટના થોડી અલગ છે.

એ ઘટનાની ઝાટકણી કાઢવા ઉપરાંત રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે.

જોકે, ભાજપના વિધાનસભ્ય જ્ઞાનદેવ આહુજાએ સ્થાનિક પોલીસ સામે જે રીતે સવાલ ઉઠાવ્યો છે.

તેને ધ્યાનમાં લેતાં મુખ્ય પ્રધાને જયપુર રેંજના ક્રાઈમ એન્ડ વિજિલન્સ વિભાગના એસપી સ્તરના અધિકારીને તપાસની જવાબદારી સોંપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ