શું ભારતમાં મૃત્યુદંડની સજાથી દુષ્કર્મો ઘટશે?

પ્રતીકાત્મસ તસવીર Image copyright Getty Images

સોમવારે લોક સભામાં ગુનાઈત કાયદામાં સુધારાનો ખરડો ચર્ચા બાદ પસાર કરી દેવામાં આવ્યો. આ સુધારા અનુસાર 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનામાં દોષિતોને મૃત્યુદંડની સજા પણ સંભળાવી શકાશે.

ભારતમાં લગાતાર દુષ્કર્મની ઘટનાઓ ઘટતા આ વર્ષની શરૂઆતમાં દુષ્કર્મના ગુનેગારોને મહત્તમ સજા સ્વરૂપે મૃત્યુદંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સુધારાની માંગણી મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એવું કહીને કરી હતી કે આ સુધારા બાદ સમાજમાં બાળકો વિરુદ્ધ આવી ગુનાખોરી ઘટશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં દિલ્હી ખાતે કોલેજની વિદ્યાર્થિની ‘નિર્ભયા’ સાથે ચાલતી બસમાં દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

એ સમયે સરકારે દુષ્કર્મના ગુનેગારને મૃત્યદંડ સજા આપવાની જાહેરાત કરી હતી.

દક્ષિણ એશિયાની વાત કરવામાં આવે તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બાદ મૃત્યુદંડની સજા આપનાર ભારત ચોથો દેશ છે.

બીબીસી દક્ષિણ એશિયાના ભારત સિવાયના એ ત્રણ દેશોમાં તરફ નજર કરી રહ્યું છે જ્યાં આ કાયદો લાગુ કરવામાં આવેલો છે.


અફઘાનિસ્તાન

Image copyright Getty Images

પાકિસ્તાની ઉત્તર સરહદ સાથે જોડાયેલા આ દેશમાં વર્ષ 2009 સુધી દુષ્કર્મના ગુનેગાર માટે મૃત્યની સજાની જોગવાઈ નહોતી.

પરંતુ મહિલાઓ સાથે દુષ્કર્મ, મારપીટ, બાળલગ્ન, લગ્ન માટે દબાણ અને આત્મહત્યા માટે પ્રેરવા જેવી ઘટનાઓ વધ્યા બાદ 'ધી એલિમિનેશન ઑફ વાયૉલન્સ અગેઇન્સ્ટ વુમન' નામનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

જોકે, આ સુધારા બાદ થોડો બદલાવ પણ આવ્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ જે મહિલાઓ કે બાળકોનાં મૃત્યુ થાય તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવતી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

શું આ કાયદાથી દુષ્કર્મના ગુના ઘટ્યા?

આ કાયદો લાગુ થયા બાદ પણ અફઘાનિસ્તાન દુષ્કર્મના કિસ્સાનો સાક્ષી બન્યો છે. ઉલ્લેખનીય છે કે તાલિબાનના પ્રભાવ હેઠળ ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવામાં આવતી હતી.

પરંતુ વર્ષ 2001માં તાલિબાનનો પ્રભાવ હટ્યો, ત્યારથી સરકારે અમૂક વર્ષોમાં જ ગુનેગારોને મૃત્યની સજા આપી છે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલ રિપોર્ટના આંકડા દર્શાવે છે કે વર્ષ 2009 સુધી માત્ર 36 લોકોને જ ફાંસીની સજા આપવામાં આવી છે. પરંતુ કોઈને એ જાણ નથી કે તેમાંથી દુષ્કર્મના આરોપીઓ કેટલા હતા.

વર્ષ 2014માં મહિલાઓના ગ્રૂપ સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર પાંચ ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી.


પાકિસ્તાન

Image copyright Getty Images

દક્ષિણ એશિયામાં પાકિસ્તાન પહેલો એવો દેશ છે જેમણે જાતીય ગુનાઓ માટે મૃત્યુદંડની સજા અમલી બનાવી હતી.

વર્ષ 1979માં સૈન્ય સત્તા હેઠળ જનરલ જિયા ઉલ હક દ્વારા 'હૂડૂડ ઑર્ડિનન્સ' વટહૂકમ બહાર પાડવામાં આવ્યો હતો.

જેમાં દુષ્કર્મ અને વ્યભિચારને સમાન ગણી મોતની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ કાયદાની વિપરીત બાજુ એ હતી કે રૅપ પીડિતાઓએ તેમની સાથે દુષ્કર્મની થયું છે એ સાબિત કરવા માટે ચાર પુરુષ સાક્ષીઓની જરૂર પડતી હતી.

બીજું કે વ્યભિચારના કિસ્સામાં મહિલાઓને પણ ગુનેગાર સમજી સજા કરવામાં આવતી.

જોકે, 2006માં આ વટહુકમ 'પ્રૉટેક્શન ઑફ વુમન' ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો. જે અંતર્ગત વ્યભિચાર અને દુષ્કર્મને અલગ કરી દેવામાં આવ્યાં.

ત્યારબાદ વધુમાં વધુ સજા તરીકે મૃત્યદંડની જોગવાઈ સાથે દુષ્કર્મના ગુનાને પાકિસ્તાન પિનલ કોડમાં સમાવવામાં આવ્યો. સાથે જ સામૂહિક દુષ્કર્મ અને 16 વર્ષથી નાની બાળકીઓ સાથેના દુષ્કર્મને પણ આ કાયદા અંતર્ગત સમાવવામાં આવ્યાં.

છતાં પણ પાકિસ્તાનમાં વર્ષ 2005માં 338 અને 2017માં 3495 કેસો નોંધાયા છે.

કાયદાથી પરિણામશું આવ્યું ?

12 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં લાગુ કરાયેલા આ કાયદાની અમલવારી બાદ દુષ્કર્મની ઘટનાઓમાં 10 ગણો વધારો નોંધાયો હતો.

વર્ષ 2008થી 2014ના ગાળામાં ફાંસીની સજા પર માનવાધિકાર સંગઠનોએ આ બાબતનો વિરોધ કરી રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કર્યું હતું.

વર્ષ 2006માં પાકિસ્તાન માનવાધિકાર સંગઠનના આંકડા મુજબ દેશમાં 25 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.


બાંગ્લાદેશ

Image copyright Getty Images

વર્ષ 1995માં બાંગ્લાદેશની સંસદે 'ઓપ્રેશન ઑફ વુમન ઍન્ડ ચિલ્ડ્રન (સ્પેશિયલ) ઍક્ટ' કાયદો લાવી હતી જે અંતર્ગત દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ, ઍસિડ અટેક અને બાળ તસ્કરીના ગુનાઓમાં ગુનેગારોને મોતની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

પરંતુ દેશમાં આ કાયદાની સખતાઈને લઈને ખૂબ જ વિરોધ થયો હતો. ત્યારબાદ આ કાયદાને 'ધ પ્રોવિઝન ઑફ ઓપ્રેશન અગેઇન્સ્ટ વુમન ઍન્ડ ચિલ્ડ્રન ઍક્ટ' સુધારા અંતર્ગત બદલવામાં આવ્યો.

જેમાં દુષ્કર્મના ગુનેગારોને મૃત્યદંડની સજા અને અન્ય ગુનાઓ માટે ઉંમર કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી.

બાંગ્લાદેશમાં વર્ષ 1997માં 659 અને 2017માં 783 દુષ્કર્મના ગુનાઓ નોંધાયા હતા.

કાયદાથી શું આવ્યું પરિણામ?

24 વર્ષ પહેલાં લાગુ કરાયેલા આ કાયદા બાદ પણ બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટનામાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી.

માનવાધિકાર કાર્યકર્તા સુલતાના કમાલાએ આ અંગે જણાવ્યું, "આ કાયદાને લઈને ગુનેગારોના મનમાં જોઈએ તેટલી બીક નથી. સાથે જે દુષ્કર્મના ગુનાઓમાં કોઈ મોટો ઘટાડો પણ નથી થયો."

"એટલું જ નહીં મોટાભાગના કેસમાં પુરાવાના અભાવે આરોપીને સજા પણ નથી થતી. બીજું કે અહીં ફરિયાદી અને સાક્ષીઓના રક્ષણની પણ કોઈ વ્યવસ્થા નથી."

એમનેસ્ટી ઇન્ટરનેશનલના આંકડા મુજબ બાંગ્લાદેશમાં છેલ્લા દસ વર્ષમાં પચાસથી વધુ લોકને ફાંસીની સજા આપવામાં આવી છે.

પરંતુ આ કાયદા અંતર્ગત થતી સજાઓ વિરુદ્ધ દેશમાં જોરદાર વિરોધ થયો હતો. વિરોધને પગલે વર્ષ 2015માં દેશની સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો હતો કે દુષ્કર્મ માટે મૃત્યદંડની સજા આપવી એ ગેરબંધારણીય છે.


ભારતે શું શીખવું જોઈએ

Image copyright Getty Images

દક્ષિણ એશિયામાં દુષ્કર્મ પીડિતાઓને સામાજિક કલંક રૂપે જોવામાં આવે છે તેને કારણે આ ગુનાઓ બહાર નથી આવતા.

અફઘાનિસ્તાન સ્થિત સ્વતંત્ર માનવાધિકાર સંગઠનના આંકડા પ્રમાણે દુષ્કર્મના ગુનેગાર દુષ્કર્મ પીડિતા સાથે ભાગ્યે જ લગ્ન કરવા માટે રાજી થાય છે.

જો પીડિતા ગર્ભવતી થાય તો પીડિતાને જબરદસ્તી ગુનેગાર સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

ભારતની જેમ અફઘાનિસ્તાનમાં પણ બાળલગ્ન પર પ્રતિબંધ છે પરંતુ હાલમાં પણ આવું થઈ રહ્યું છે.

2012ના અફઘાનિસ્તાન પર હ્યૂમન રાઇટ્સ વૉચના એક રિપોર્ટમાં સામે આવ્યું કે જે મહિલાઓ દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે તેમને વ્યભિચારના ગુનામાં પકડી લેવામાં આવે છે.

બીજી તરફ જે મહિલાઓ ઘરેથી ભાગી જાય છે તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓનાં લગ્ન બળજબરીપૂર્વક થયાં હોય અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ જો તે ઘરેથી નાસી જાય, તો તેવી મહિલાઓ સમાજમાં મજાકનું પાત્ર ગણવામાં આવે છે.

એટલું જ નહીં પોલીસ, કાયદો અને સરકાર પણ તેમની મદદે આવતા નથી.

મહિલા વિરુદ્ધ થયેલા ગુનાની તપાસ કરતા પોલીસની જવાબદારી વધારી દેવામાં આવી છે

ભારતમાંની વાત કરવામાં આવે તો મહિલા વિરુદ્ધ થયેલી હિંસાના કાયદામાં નવો સુધારો આવ્યો છે જે અંતર્ગત તપાસ કરી રહેલા પોલીસની જવાબદારીને વધારવામાં આવી છે.

જોકે, આ અંગે અભ્યાસ એવું દર્શાવે છે કે ભારતમાં દુષ્કર્મની જે ઘટનાઓ ઘટે અને પોલીસ સુધી જે કેસો નોંધાય છે તેમાં મોટો તફાવત છે.


ઓછી સજાનો દર

Image copyright Getty Images

વર્ષ 2014માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાયદા ઘડનાર સયૈદ સુઘરા ઇમામે આરોપ લગાવ્યો હતો કે દેશમાં બળાત્કારના કેસમાં સજાનો દર ખૂબ જ ઓછો છે.

સજાના ઓછા દરનું એક કારણ આકરી સજા પણ છે. ઘણા કેસોમાં પોલીસની ભૂમિકાના કારણે અને ધાકધમકીના કારણે ફરિયાદી કેસ પરત ખેચી લે છે.

તેના કારણે ઓછી સજા થવાની નહિવત્ શકયતાઓની સામે આરોપી છૂટી જાય છે.

પાકિસ્તાનમાં બળાત્કારના મામલે કોઈ પણ પ્રકારની છૂટછાટ કાયદામાં નથી.

બળાત્કાર બદલ ફાંસીની સજા અંગે ભારતના પણ કેટલાક કાર્યકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી છે.

પાંચ વર્ષ પહેલાં મહિલાઓ અને બાળકો સાથે બળાત્કારની સજાના કાચદામાં બદલાવ આવ્યો હોવા છતાં સજાનો દર હજુ પણ યથાવત છે.

જસ્ટિસ પ્રોજેક્ટ પાકિસ્તાનના મલિકે કહ્યું હતું, "સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે કારણ કે આ ગુનામાં સંડોવાયેલા તમામ લોકોને મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. આવી સ્થિતીમાં સમગ્ર સમૂહના બદલે એક જ પુરુષ સામે કેસ નોંધવામાં આવે છે"

ઓછા સજા દરની સમસ્યાનું નિવારણ કરવા પાકિસ્તાનના કાયદામાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા હતા.

જેમાં કેસની યોગ્ય તપાસ, બન્ને પક્ષનાં ડીએનએના નમૂના મેળવવા, ફરિયાદીની ઓળખ છૂપાવવી, અને ઝડપી તપાસ અને ન્યાય પ્રક્રિયાનો ઉમેરો કરાયો છે.

જોકે, ભારતના અનુભવો મુજબ આ કાયદાનો અસરકાર અમલ હજુ પણ ચિંતાનો વિષય છે.


ન્યાની ધીમી ગતિ

Image copyright Getty Images

બાંગ્લાદેશના ઍક્ટિવિસ્ટૉનું કહેવું છે કે કાયદાકીય પ્રક્રિયાનો વધુ ખર્ચ, ધીમી ન્યાય પ્રક્રિયા અને ટુ ફિંગર જેવી શારીરિક તપાસને કારણે ફરિયાદી મોટાભાગે કોર્ટની બહાર જ મામલો પતાવે છે.

ભારતમાં ટુ-ફિંગર ટૅસ્ટ પર પ્રતિબંધ છે પરંતુ અસંવેદનશીલ શારીરિક તપાસ ભારતમાં સામાન્ય છે અને લાંબી અદાલતી પ્રક્રિયા ન્યાયની આડે બાધારૂપ છે.

બાંગ્લાદેશમાં અનધિકૃત અદલાતો લોકપ્રિય જે બળાત્કારના કેસમાં સજા આપે છે. બંધારણ પ્રમાણે આવી કોર્ટને ન્યાય આપવાનો અધિકાર ન હોવા છતાં તેઓ આવું કરે છે.

ગામડાંની આ અદાલતો રૂઢિચુસ્ત પુરુષોની બનેલી હોય છે.

અદિલુર રહેમાન ખાન ઓધિકાર ફાઉન્ડેશનના સચિવ છે. આ સંસ્થા બાંગ્લાદેશમાં બળાત્કારના ડેટા એકઠા કરે છે.

તેમનું કહેવું છે, "ભ્રષ્ટાચાર નિરંકુશ છે અને તેથી જ મૃત્યુંદંડનો પણ કોઈ ડર નથી રહ્યો, કાયદો તોડનાર, રાજકીય જોડાણો દ્વારા ન્યાયિક પ્રક્રિયાને બાયપાસ કરી નાખે છે, તેમને જામીન પણ સરળતાથી મળી જાય છે. આરોપીઓને સજા અપાવવામાં પણ કોઈને રસ નથી હોતો".

આ અનુભવો સ્પષ્ટ રીતે સૂચવે છે કે મૃત્યુદંડ જેવી આકરી સજાની નકારાત્મક અસર પડે છે અને તેના કારણે જ ફરિયાદી પર પણ નકારાત્મક અસર થાય છે.

જ્યાં સુધી પોલીસ, ન્યાતંત્ર, સરકાર, અધિકારીઓ અને સમાજનો સાથ નહી મળે, ત્યાં સુધી ગુનાખોરી ઘટાડવામાં મજબૂત કાયદાની અસર પણ નહીવત રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

આ વિશે વધુ