પંજા વડે પ્રતિસ્પર્ધીને ઘૂળ ચટાડતી હિજાબવાળી છોકરીને ઓળખો છો?

એક સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી સામે ટક્કર લઈ રહેલાં મજિઝિયા Image copyright MAJIZIYA BHANU
ફોટો લાઈન એક સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી સામે ટક્કર લઈ રહેલાં મજિઝિયા

એક ટેબલ પર બે લોકો પંજા લડાવી રહ્યા છે. બન્નેના હાથની નસો ઉપસેલી છે. બન્ને એકમેકને હરાવવાના જોરદાર પ્રયાસ કરી રહ્યા છે અને તેમની ચારેબાજુ ઊભેલા લોકો તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે.

અહીં પંજા લડાવવાની કોઈ સ્પર્ધાની વાત થઈ રહી છે એ તમને ખબર પડી ગઈ હશે પણ અહીં જેમના પંજાની વાત છે એ કોના છે એ વિશે તમે કંઈ વિચાર્યું?

બે છોકરાઓ પંજા લડાવતા હશે અને તેમની ચારેબાજુ ઊભીને તેમનો ઉત્સાહ વધારી રહેલા લોકોમાં છોકરીઓ પણ હશે એવું તમે વિચાર્યું હોય તે શક્ય છે.

હકીકત થોડી અલગ છે. અહીં બે છોકરીઓ છે. જે પંજા લડાવીને પોતપોતાની તાકાત દેખાડી રહી છે.

હવે તમારી કલ્પનાની તસ્વીર થોડી ધૂંધળી થઈ હશે. એવું થવું વાજબી છે કારણ કે છોકરીઓને આર્મ રેસલિંગ એટલે કે પંજા લડાવતી આપણે બહુ ઓછી જોઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આર્મ રેસલિંગ કરતી આવી જ એક છોકરીનો પરિચય અમે કરાવીએ છીએ.

એ છોકરી કેરળના કોઝીકોડ જિલ્લાની છે અને માત્ર 24 વર્ષની એ છોકરી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કરી રહી છે.

અમે મજિઝિયા ભાનુની વાત કરી રહ્યા છીએ. મજીજિયાની ઓળખ હિજાબ પહેરીને આર્મ રેસલિંગ કરતી એક છોકરી તરીકેની છે.

મજિઝિયાને બોડી બિલ્ડિંગનો શોખ છે અને તે પાવર લિફટિંગ પણ કરે છે.

કોઝીકોડના ઓરક્કાટેરી ગામમાં રહેતી મજિઝિયાએ પ્રોફેશનલ ખેલાડીના સ્વરૂપમાં આર્મ રેસલિંગની તથા બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું છેલ્લા એક વર્ષથી જ શરૂ કર્યું છે અને ત્રણ ચંદ્રકો જીતી ચૂકી છે.

ડેન્ટીસ્ટ્રીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી મજિઝિયાની હાલ પરીક્ષા ચાલી રહી છે.


ક્યારથી છે ચર્ચામાં?

Image copyright MAJIZIYA BHANU
ફોટો લાઈન મજિઝિયાએ બોડી બિલ્ડિંગ સ્પર્ધા સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો

ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન પાવરલિફટિંગ સ્પર્ધામાં મજિઝિયાએ સિલ્વર મેડલ જીત્યો ત્યારે બધાનું ધ્યાન સૌપ્રથમ વખત ખેંચાયું હતું.

મજિઝિયાએ હિજાબ પહેરીને એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેના પહેરવેશની ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગી હતી. એ સ્પર્ધામાં કુલ 14 દેશોએ ભાગ લીધો હતો.

એ પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં કેરળમાં યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મજિઝિયાએ મિસ્ટર કેરળ (ફીમેલ)નો પુરસ્કાર પોતાના નામે કર્યો હતો.

તેમાં પણ મજિઝિયાએ હિજાબ પહેરીને ભાગ લીધો હતો.

આ વર્ષે કોચ્ચીમાં યોજાયેલી મહિલાઓની ફિટનેસ ફિઝીક સ્પર્ધામાં મજિઝિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

હવે મજિઝિયાની નજર ઓક્ટોબરમાં તુર્કીમાં યોજાનારી 40મી આર્મ રેસલિંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં વિજેતાપદ મેળવવા પર છે.

વર્લ્ડ આર્મ રેસલિંગ ફેડરેશનની આ સ્પર્ધા 12થી 21 ઓક્ટોબર સુધી એંટાલિયામાં યોજાશે.


આર્મ રેસલિંગ અને બોડી બિલ્ડિંગનો શોખ

Image copyright MAJIZIYA BHANU
ફોટો લાઈન પાવર લિફટિંગની પ્રેક્ટિસ કરી રહેલાં મજિઝિયા

મજિઝિયાને શરૂઆતથી જ તાકાતવાળી રમતો રમવાનો શોખ છે.

બીબીસી સાથેની વાતચીતમાં મજિઝિયાએ કહ્યું હતું, "શરૂઆતમાં હું બોક્સિંગ કરતી હતી. તેમાં મારા પંચ બહુ સારા હતા."

"પછી મારા કોચે કહ્યું કે મારાં બાવડામાં ઘણી તાકાત છે એટલે મારે બોડી બિલ્ડિંગ અને આર્મ રેસલિંગ પર ધ્યાન આપવું જોઈએ. કોચની સલાહ બાદ મેં આ રમતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું."

મજિઝિયાના જણાવ્યા મુજબ તેમના ગામમાં આ પ્રકારની રમતો માટે કોઈ સુવિધા નથી. તેમણે પ્રેક્ટિસ માટે અનેક કિલોમીટર દૂર જવું પડતું હતું.

એ સંઘર્ષને યાદ કરતાં મજિઝિયાએ કહ્યું હતું, "હું મધ્યમ વર્ગના પરિવારનું સંતાન છું. આર્મ રેસલિંગ કે પાવર લિફ્ટિંગ જેવી રમતોનો ખર્ચ કરી શકીએ તેટલા પૈસા કે સુવિધા અમારી પાસે ન હતા."

"આ રમતોમાં ખાનપાન પર બહુ ધ્યાન આપવું પડે છે. તાકાત મેળવવા સારું ડાયટ જરૂરી હોય છે. એ ઉપરાંત પ્રેક્ટિસ માટે રોજ ટ્રેન મારફત અનેક કિલોમીટરનો પ્રવાસ કરવો પડતો હતો."

મજિઝિયાને તેના માતાપિતાનો બહુ સહકાર મળ્યો. તેઓ દરેક તબક્કે દીકરીની પડખે રહ્યાં. મજિઝિયાના ભાવિ જીવનસાથીએ પણ તેની પ્રગતિમાં ભરપૂર સહકાર આપ્યો.

પોતાની કારકિર્દીમાં પરિવારના યોગદાન અને હિજાબ પહેરીને સ્પર્ધામાં ભાગ લેવા બાબતે મજિઝિયાએ વિગતવાર વાત કરી હતી.

મજિઝિયાએ કહ્યું હતું, "મારાં માતાપિતાએ મને દરેક તબક્કે ટેકો આપ્યો છે. મારા ભાવિ જીવનસાથી એન્જિનિયર છે. તેઓ પણ સતત કહે છે કે મારે આ રમતોમાં આગળ વધવું જોઈએ.

"શરૂઆતમાં સ્પર્ધાઓમાં ભાગ લીધો ત્યારે મને લાગ્યું હતું કે મારે હિજાબ કાઢવો પડશે, પણ મેં સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી."

"તેમણે મને કહ્યું હતું કે હું હિજાબ પહેરીને પણ રમતમાં ભાગ લઈ શકું છું કારણ કે મુસ્લિમોના બહુમતી દેશોની છોકરીઓ હિજાબ પહેરીને આ સ્પર્ધાઓમાં ભાગ લેતી રહી છે."


આજે પણ છે પડકારો

Image copyright MAJIZIYA BHANU
ફોટો લાઈન એશિયન ચેમ્પિયનશિપમાં જીતેલાં પદકો સાથે મજિઝિયા

મજિઝિયાના જણાવ્યા મુજબ, તેઓ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જતાં હતાં ત્યારે ઘણા છોકરાઓ તેમની મજાક કરતા હતા.

મજિઝિયાએ આક્ષેપ કર્યો હતો કે હું સમય બગાડવા એશિયન ચેમ્પિયનશિપમાં જતી હોવાના ટોણા છોકરાઓએ માર્યાં હતાં.

પોતાની જીતનું સ્મરણ કરતાં મજિઝિયાએ કહ્યું હતું, "મેં મારી પ્રતિભા સાબિત કરી દેખાડી ત્યારે બધાને મારી ક્ષમતાનો ખ્યાલ આવ્યો હતો."

પોતાની મુશ્કેલીઓ બાબતે વિગતવાર વાત કરતાં મજિઝિયાએ કહ્યું હતું, "હિજાબને કારણે સ્પોન્સર્સ મેળવવામાં મારે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે."

"આર્મ રેસલિંગ માટે સરકાર ફંડ આપતી નથી. એ અલગ-અલગ સંગઠનો દ્વારા ચલાવવામાં આવે છે."

"તેથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા મને ફંડની જરૂર પડી ત્યારે એક સ્થાનિક કંપનીએ સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી હતી. તેનું કારણ એ હતું કે હું હિજાબ પહેરતી હતી."

"કંપનીનું કહેવું હતું કે તેઓ મને પ્રમોટ કરશે તો તેમની પ્રતિષ્ઠામાં ઘટાડો થશે."

અન્ય રમતોમાં પણ મુસ્લિમ છોકરીઓ ભાગ લે છે, સફળ થાય છે, પણ હિજાબ નથી પહેરતી ત્યારે મજીજિયા માટે હિજાબ આટલો મહત્ત્વનો કેમ છે એવો સવાલ થાય.

આ સવાલનો મજિઝિયા આ રીતે આપે છેઃ "સાનિયા મિર્ઝા ટેનિસનાં ઉત્તમ ખેલાડી પૈકીનાં એક છે અને તેઓ હિજાબ નથી પહેરતાં એ હું જાણું છું, પણ એ તેમની વ્યક્તિગત બાબત છે."

"એ રીતે હિજાબ પહેરવો એ મારી અંગત બાબત છે. હું રમતના કોઈ નિયમનું ઉલ્લંઘન કરું તો મને તેમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી શકાય પણ હિજાબ પહેરવાને કારણે નહીં."


સરકારી સ્વીકૃતિની રાહ

Image copyright MAJIZIYA BHANU

ભારતમાં આર્મ રેસલિંગના દીવાના તો ઘણા છે પણ સરકારે આજ સુધી આ રમતને પ્રમાણિત કરી નથી.

ભારતીય આર્મ રેસલિંગ ફેડરેશનની શરૂઆત 1977માં થઈ ગઈ હતી અને દેશના અલગ-અલગ રાજ્યોમાં તેની શાખાઓ છે, છતાં એ આજે પણ સરકારી કાગળોમાં નોંધાવાની રાહ જોઈ રહ્યા છે.

ફેડરેશનના મહામંત્રી મનોજ નાયરે બીબીસીને કહ્યું હતું, "અમે આખા દેશમાં જિલ્લા તથા રાજ્ય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરાવીએ છીએ. હજુ જૂનમાં જ હરિયાણામાં નેશનલ ચેમ્પિયનશિપ યોજી હતી."

આર્મ રેસલિંગ તરફના ભારતીય મહિલાઓના ઝુકાવ બાબતે મનોજ નાયરે કહ્યું હતું, "મહિલા વર્ગમાં બે કેટેગરી છે. તેને બાલિકા અને મહિલા એમ બે વર્ગમાં વહેંચવામાં આવી છે.

"સમગ્ર દેશમાંથી કુલ 100થી 150 છોકરીઓ આર્મ રેસલિંગ સ્પર્ધામાં ભાગ લેતી હોય છે."


હાથ ઢાંકીને સ્પર્ધામાં ભાગ કેમ લેવાય?

Image copyright MAJIZIYA BHANU

કોઈ ખેલાડી હિજાબ પહેરીને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે કે કેમ એ સવાલના જવાબમાં મનોજ નાયરે જણાવ્યું હતું કે આર્મ રેસલિંગના ડ્રેસ કોડ મુજબ દરેક ખેલાડીએ ગોળ ગળાનું ટીશર્ટ પહેરીને તેના બાવડાં ખુલ્લા દેખાડવાનાં હોય છે.

કોઈ ચોક્કસ ધર્મના ખેલાડી માટે ડ્રેસ કોડમાં કોઈ નિયંત્રણ નથી.

અહીં સવાલ થાય કે મજિઝિયા હિજાબ પહેરીને આર્મ રેસલિંગમાં કઈ રીતે ભાગ લઈ શકે? તેનાથી રમતના નિયમોનું ઉલ્લંઘન નથી થતું?

આ સંબંધે મજિઝિયાએ કહ્યું હતું, "હું જમણા હાથે આર્મ રેસલિંગ કરું છું. સ્પર્ધામાં ભાગ લઉં છું ત્યારે જમણા હાથ પરના વસ્ત્રને ઉપર ચડાવી દઉં છું.

"તેથી કોઈને શંકા નથી રહેતી કે હાથમાં સપોર્ટ માટે મેં કંઈ પહેર્યું છે."

વર્લ્ડ આર્મ રેસલિંગ ફેડરેશનના સભ્ય દેશોની યાદીમાં પાંચ વર્ગ બનાવવામાં આવ્યા છે.

એ પાંચ વર્ગને આફ્રિકા, એશિયા, યુરોપ, ઓસેનિયા અને ઉત્તર અમેરિકા એમ પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ પૈકીના એશિયા વિભાગમાં કુલ 22 દેશો સામેલ છે.

મનોજ નાયરના જણાવ્યા મુજબ, ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએસન પાસેથી સ્વીકૃતિ મેળવવાના પ્રયાસ વર્લ્ડ આર્મ રેસલિંગ ફેડરેશન કરી રહ્યું છે.

જોકે, 2024માં યોજાનારી પેરાલમ્પિક ગેમ્સમાં આર્મ રેસલિંગને સ્થાન આપવામાં આવ્યું છે, જે આર્મ રેસલરો માટે આનંદદાયક સમાચાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા