ગુજરાતની પ્રથમ પ્રાથમિક ગૂગલ ફ્યૂચર સ્કૂલ કેવી હાઈ ટેક છે?

ક્લાસરૂમનો ફોટો
ફોટો લાઈન ગૂગલ ક્લાસરૂમ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકો A ફોર 'એપલ' કે B ફોર 'બૉલ' નહીં પરંતુ A 'એપ્લિકેશન' અને B ફોર 'બ્રાઉઝર' શીખશે. એટલે કે અહીં સંપૂર્ણ ભણતર ઓન લાઈન આપવામાં આવે છે.

આ સરકારી શાળા બની છે રાજ્યની પ્રથમ ગૂગલ ફ્યૂચર સ્કૂલ.

ભણતરની આ રીત નવી હોવાથી શિક્ષકોને 5 દિવસની ખાસ ટ્રેનિંગ આપીને વિદ્યાર્થીઓને ભણાવવા માટે સજ્જ કરવામાં આવ્યાં છે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસીએ આ શાળાની ખાસ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.


શું છે ગૂગલ ફ્યૂચર ક્લાસરૂમ?

ગૂગલ કલાસરૂમએ ILFS Education અને ગૂગલના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવ્યો છે અને આ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડિજિટલ લર્નિંગ ઝોન છે.

ગૂગલ ફ્યૂચર ક્લાસરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય વિચારો, કળા, ટેક્નૉલૉજી અને ક્રિએટીવીટીનો વિકાસ કરવાનો છે.

શું તમે આ વાંચ્યું?

આ ક્લાસરૂમના બાળકો વર્ગ ખંડમાં બેસી વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે છે.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સ્માર્ટ ક્લાસરૂમમાં શિક્ષકોએ કામ કરવાનું હોય છે પરંતુ આ પ્રકારના ગૂગલ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જ પોતાનું કામ કરે છે.


ક્લાસરૂમની ટેક્નૉલૉજી

આ શાળામાં આશરે ૩૦ લેપટોપ, ૧ ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ક્લાસરૂમમાં ખાસ પ્રકારના લેપટોપ (ક્રોમબુક)નો ઉપયોગ કરવામાં આવે છે જે માત્ર આઠ સૅકન્ડમાં શરૂ થઈ જાય છે.

આ ડિવાઇસને એક કલાક ચાર્જમાં મુકવાથી આખો દિવસ ક્રોમ બુક કામ કરશે.

દરેક વિદ્યાર્થીનો આ ક્રોમબુક માટે ખાસ આઈડી અને પાસવર્ડ તૈયાર કરવામાં આવે છે. જેના વડે તેઓ સંપૂર્ણ કાર્ય કરી શકે છે.

તે સિવાય આ ક્લાસરૂમમાં કેયાન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેયાનમાં કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ડીવીડી પ્લેયર અને વાઇ-ફાઇ જેવી અનેક વસ્તુ આ એક જ મશીનમાં આવી જાય છે.

આ મશીન દ્વારા ડિજિટલ ક્લાસબોર્ડ દ્વારા આધુનિક રીતે બાળકોને શિક્ષકો ભણાવી શકે છે.

વિદ્યાર્થીઓ અહીં Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets , Slides, Hangouts જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.

વિદ્યાર્થીઓએ પોતાનું દરરોજનું કામ અને હોમવર્ક કરીને ઓનલાઇન સબમીટ કરવાનું હોય છે. જેથી આ બધી માહિતી વર્ગ શિક્ષક સુધી પહોંચી જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા