'ઑનલાઇન ડેટ' પર છોકરીને મળવા ગયેલા ભારતીય વિદ્યાર્થીની હત્યા

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીના અહેવાલ અનુસાર ઑસ્ટ્રેલિયામાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી મૌલિન રાઠોડની એક છોકરીએ હત્યા કરી હતી.

મૌલિન છોકરીને એક ડેટિંગ સાઇટ દ્વારા સંપર્કમાં આવ્યા બાદ મુલાકાત માટે ગયો હતો.

મૌલિન સોમવાર રાતે છોકરીના ઘરે ગંભીર હાલતમાં મળ્યા હતા.

ત્યારબાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તે દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.

રિપોર્ટ પ્રમાણે આ છોકરીને મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

મૌલિનના મિત્ર લવપ્રીત સિંહ પ્રમાણે આ વિદ્યાર્થી માતાપિતાનું એકનું એક સંતાન હતું અને ચાર વર્ષ પહેલાં ભણવા ઑસ્ટ્રેલિયા આવ્યા હતા.

રાફેલ ડિલ બાબતે અનિલ અંબાણીનો રાહુલ ગાંધીને પત્ર

ઇમેજ સ્રોત, Getty Images

રિપબ્લિકના અહેવાલ અનુસાર રાફેલ ડિલ મળતા સમયે રિલાયન્સ ડિફેન્સ પાસે સંરક્ષણ ક્ષેત્રે મેન્યુફેક્ચરીંગનો કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોવાના રાહુલ ગાંધીના આરોપનો અનિલ અંબાણીએ પત્ર દ્વારા જવાબ આપ્યો હતો.

આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સ ડિફેન્સ પાસે પાણીવાળા જહાજ બનાવવાનો એટલે કે શિપ બનાવવાનો અનુભવ હતો.

યુપીએ સરકારે જ્યારે રાફેલનો સોદો કર્યો હતો ત્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ નહોતું.

આ કંપનીનું ગઠન માર્ચ 2015માં થયું અને દોઢ વર્ષ બાદ સપ્ટેમ્બર 2016માં મોદી સરકારે રાફેલ વિમાન માટે નવી ડિલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2017માં મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ની અવગણના કરી અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના પક્ષમાં નિર્ણય લીધો હતો, જેને પ્લેન બનાવવાનો કોઈ અનુભવ નથી.

પવન શાહે અંડર-19માં 282 રન ફટકારી રેકોર્ડ સર્જયો

ઇમેજ સ્રોત, Paul Kane

અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે યુવા પવન શાહ અંડર-19 ટેસ્ટ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ક્રિકેટર બન્યા છે.

ભારતે આ મેચમાં આઠ વિકેટમાં 613 રન ફટકારી ઇનિંગ પૂર્ણ કરી હતી.

તે સિવાય પવને એક ઓવરમાં સતત છ ફોર ફટકાર્યા હતા.

શાહે તન્મય શ્રીવાસ્તનો 2006માં પાકિસ્તાન સામે બનાવેલો 220 રનનો રેકોર્ડ તોડ્યો હતો.

સાત કલાક મેદાનમાં વિતાવનાર શાહે 382 બોલનો સામનો કરી 33 ફોર અને એક સિક્સર ફટકારી હતી.

શાહનો આ સ્કોર યુવા ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાના ક્લિંટન પીકના અણનમ 304 રન બાદ બીજો સૌથી મોટો સ્કોર છે.

પીકે 1995માં ભારત સામે મેલબર્નમાં આ ઇનિંગ રમી હતી.

'મમતા બેનર્જી 2019માં લીડ રોલમાં હશે'

ઇમેજ સ્રોત, AFP

તૃણમૂલ કોંગ્રેસ નેતાઓએ આ દાવો કર્યો છે કે 2019ની ચૂંટણીમાં મમતા બેનર્જી મુખ્ય રોલમાં દેખાશે.

બુધવારે ખબરો આવી રહી હતી કે જેમાં પાર્ટીના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ કોઈ મહિલા નેતાને પીએમ પદના ઉમેદવાર બનાવવાની અવગણના કરશે નહીં.

ત્યારબાદ ટીએમસી નેતાઓમાં ખુશી જોવા મળી હતી.

પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયનનું કહેવું છે કે મમતા બેનર્જી પાસે 40 વર્ષનો રાજકારણનો અનુભવ છે.

તેમની પાસે વિધાનસભા અને સંસદ, બંનેનો અનુભવ છે. તેના કારણે તેઓ એક મજબૂત દાવેદાર છે.

10મું બ્રિક્સ સંમેલન

ઇમેજ સ્રોત, PMO INDIA

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ શહેરમાં 10મું બ્રિક્સ સંમેલન શરૂ થઈ ગયું છે.

સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે.

આ સત્ર બ્રિક્સનો આફ્રિકામાં વિસ્તાર વધારવા માટે યોજવામાં આવ્યું છે અને તેમાં બ્રિક્સ દેશો(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ના નેતા નવ આફ્રિકન દેશો અંગોલા, ઇથિયોપિયા, ગબોન, નામીબિયા, રવાન્ડા, સેનેગલ, ટોંગો, યુગાન્ડા અને ઝામ્બિયાના નેતાઓ સાથે વાત કરશે.

બ્રિક્સ સમૂહ દુનિયાની મોટી વસતી અને અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરે છે.

વડા પ્રધાન મોદી પાસે ભારતની આફ્રિકન વિદેશ નીતિને પારંપરિક પૂર્વીય તટથી આગળ લઈ જવાનો શાનદાર અવસર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો