અમદાવાદમાં મોડી રાત્રે છારાનગરમાં પોલીસ દમન

છારાનગરની તસવીર Image copyright BBC/PAVAN JAISWAL

અમદાવાદના છારાનગર વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક રહિશો વચ્ચે ગુરુવારે મોડી રાત્રે ઘર્ષણ થતાં તંગદિલી સર્જાઈ છે.

સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે, પોલીસે મોડી રાત્રે તેમના ઘરમાં પ્રવેશ કરીને મહિલાઓ સહિત છારા સમાજના અગ્રણીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

લાઠીચાર્જમાં ઘાયલ થનારા રહિશોમાં પ્રેસ ફોટોગ્રાફર, વકીલ, સામાજિક કાર્યકર્તા અને ફિલ્મ મેકર્સનો પણ સમાવેશ થાય છે.

Image copyright BBC/PAVAN JAISWAL

સ્થાનિક રહિશો પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે છારા સમાજને નિશાન બનાવીને મોડી રાત્રે તેમના પર દમન ગુજાર્યું છે.

આ લાઠીચાર્જમાં ઓછામાં ઓછા 20 લોકો ગંભીર ઘાયલ થયા છે અને સંખ્યાબંધ લોકોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. તેમની કાર, ઘરનાં ફર્નિચરની તોડફોડ કરવામાં આવી છે.

જ્યારે બીબીસીએ સરદારનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર એન વિરાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

શું તમે આ વાંચ્યું?

બીબીસીના પત્રકાર રોક્સી ગાગડેકરે સ્થાનિક રહિશો સાથે વાત કરીને જણાવ્યું હતું કે, રહિશોનો દાવો છે કે, ગઈ કાલે રાતે 10 વાગ્યે છારાનગરમાં બે યુવકો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલા પીએસઆઈ ડી કે મોરીએ તેમને ઘરે જવા કહ્યું હતું. ત્યારે એ યુવકોએ વિરોધ કરતા પોલીસ અને અહીંના સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થઈ.

Image copyright BBC/PAVAN JAISWAL

રોક્સીએ જણાવ્યું હતું કે, આ ઘટનાના દોઢ કલાક પછી 30-40 પોલીસ વૅન આવી હતી. તેમાંથી નીકળેલા પોલીસ જવાનોએ એ વિસ્તારના વાહનોની તોડફોડ કરી.

જ્યારે સ્થાનિક રહિશોએ તેમનો વિરોધ કર્યો ત્યારે તેમણે જે લોકો બહાર ઊભા હતા તેમની પર લાઠીચાર્જ પણ કર્યો.

આ દરમિયાન છારાનગરમાં ચાલતી થિયેટર પ્રવૃત્તિ સાથે જોડાયેલા આતિશ ઇન્દ્રેકરે આ ઘટનાને ફિલ્માવવાની કોશિશ કરી ત્યારે પોલીસે તેમને પણ પકડી લીધા હતા.

Image copyright BBC/PAVAN JAISWAL

આતિશ ઉપરાંત ફિલ્મ મેકર અને સામાજિક કાર્યકર્તા દક્ષિણ બજરંગે, પ્રેસ ફોટોગ્રાફર પ્રવીણ ઇન્દ્રેકર સહિતના અગ્રણીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પોલીસ છારાનગરમાંથી અટકાયત કરીને લગભગ 40 લોકોને લઈ ગયા હતા.

આતિશ ઇન્દ્રેકરના માતા સુલોચના ઇન્દ્રેકરે જણાવ્યું, "મારા દીકરાને ખૂબ જ માર્યો છે. અમારો આખો પરિવાર કોઈ પણ અપરાધિક ઘટનામાં સામેલ નથી."


શું કહે છે શહેર પોલીસ કમિશનર?

અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંહે જણાવ્યું હતું કે, "આ ઘર્ષણ પોલીસ વિરુદ્ધ બુટલેગર હતું. પણ એ પોલીસ વિરુદ્ધ છારા નહોતું જે એને ચિતરવામાં આવે છે.”

“પોલીસ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સ્ટેટ રિઝર્વ પોલીસ અને શહેર પોલીસે વળતી કાર્યવાહી કરી હતી.”

“જ્યારે લોકોને પથ્થરમારા અને બુટલેગિંગ કરવા બદલ પકડવામાં આવ્યા ત્યારે ઘણા લોકો તેમના બચાવમાં આવ્યા હતા એટલે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો."

"જો પોલીસે નિર્દોષોને પકડ્યાં છે તો તે કોર્ટમાંથી છૂટી જશે. પણ છારાનગરનો ઇતિહાસ છે કે 10-20 ટકા લોકો બુટલેગિંગ કરે છે તેમના કારણે 80 ટકા લોકોને મુશ્કેલી થાય છે.”

“આ બાબતની રજૂઆત છારાનગરના રહિશો અમને સતત કરતા રહ્યા છે, અને અમે પણ નિયમિત કાઉન્સેલિંગ અને પુનઃસ્થાપનની વ્યવસ્થા કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા