અમદાવાદના છારાનગરમાં થયેલા પોલીસ દમનની પૂરી કહાણી

છારાનગરમાં તોડફોડ Image copyright BBC/PAVAN JAISWAL

ગુરુવારની રાતના ગોઝારા અનુભવથી અમદાવાદના છારાનગરના રહેવાસીઓ હજુ પણ ફફડી રહ્યા છે.

અનેક પોલીસ કર્મચારીઓ ગુરુવારે રાતે છારાનગરમાં કથિત રીતે દરોડો પાડ્યો હતો, 50થી વધુ મોટરકાર્સને નુકસાન કર્યું હતું અને અનેક ઘરોની બારીના કાચ તોડી નાખ્યાં હતાં.

છારાનગરના રહેવાસીઓએ તેમના પોતાના જ વિસ્તારમાં આખી રાત છૂપાયેલું રહેવું પડ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં વીસેક લોકોને ગંભીર ઈજા થઈ હતી.

છારા કોમના લોકોના આ રહેણાંક વિસ્તારને ગુનાખોરીનું કેન્દ્ર ગણાવીને વારંવાર વગોવવામાં આવતો રહ્યો છે.


"બૂટલેગર્સ સામેની કાર્યવાહી"

અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "પોલીસની કાર્યવાહી છારા કોમ વિરુદ્ધની નહીં પણ રૂટિન પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરી ચૂકેલા બૂટલેગર્સ સામેની હતી."

"પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો એ પછી તોફાનીઓને પકડવા માટે વધારે પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા."

"કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો ત્યારે બળનો ઉપયોગ કરવાની પોલીસને ફરજ પડી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

"છારાનગરનું નામ બૂટલેગિંગ એટલે કે દારુનો ગેરકાયદે ધંધો કરતા લોકો સાથે જોડાયેલું રહ્યું છે."

"ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા મહિલાઓ સહિતના લોકોની સુધારણા માટે અમદાવાદ પોલીસ છારાનગરના કર્મશીલો તથા સામાજિક સંગઠનો સાથે મળીને કામ કરી રહી છે."

"ગેરકાયદે પ્રવૃત્તિમાં બહુ ઓછા લોકો સંડોવાયેલા છે પણ તેમને કારણે આખી કોમ બદનામ થઈ રહી છે એ વાતથી અમે વાકેફ છીએ."

"અમે છારાનગરમાંથી કોઈની ખોટી રીતે ધરપકડ કરી હશે તો અદાલત તેમને છોડી મૂકશે."


પેટ્રોલિંગ દરમિયાન શું થયું હતું?

Image copyright BBC/PAVAN JAISWAL

આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિટેન્ડન્ટ રાજેશ ઘડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "છારાનગર બૂટલેગિંગની પ્રવૃત્તિ માટે કુખ્યાત છે. અમે ત્યાં નિયમિત દરોડા પાડતા રહીએ છીએ."

ગુરુવાર રાતની ઘટના બાબતે વાત કરતાં રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી. કે. મોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્કૂટર પર જઈ રહેલા જિગર ઇન્દ્રેકર તથા સન્ની ગરાંગેને અટકાવ્યા હતા.

અટકાવવામાં આવ્યા ત્યારે બન્ને લોકોએ પોલીસ પર હુમલો કર્યાનો દાવો ઘડિયાએ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે હુમલા પછી લોકોનું ટોળું પોલીસ પર સશસ્ત્ર હુમલો કરવા માટે ઘટનાસ્થળે એકઠું થયું હતું. તેથી વધારાની પોલીસ ટુકડી બોલાવવામાં આવી હતી.

અલબત, લોકોના ઘરો તથા વાહનો પર થયેલા હુમલાની કોઈ વિગત પોલીસને મળી નથી. વધારે તપાસ કરવાથી વિગત બહાર આવશે, એવું તેમણે જણાવ્યું હતું.


સ્થાનિક લોકો શું કહે છે?

Image copyright BBC/PAVAN JAISWAL

નિખિલ કોડેકર નામના એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, પેટ્રોલિંગ કરી રહેલા એક પોલીસ કર્મચારીએ છારાનગર રોડ પર ઉભેલા બે યુવાનો સાથે ગેરવર્તન કર્યું હતું.

નિખિલ કોડેકરે કહ્યું હતું, "યુવાનોએ પ્રતિભાવ આપ્યો હતો અને પોલીસને મારવાનું શરૂ કર્યું હતું. પરિણામે તેમના વચ્ચે ઝપાઝપી થઈ હતી."

મધરાત પછી આશરે 1.10 વાગ્યે અનેક પોલીસ વેન છારાનગર તરફ આવી હતી.

આ ઘટનાના સાક્ષી અને સ્થાનિક નેતા દક્ષિણ બજરંગીએ જણાવ્યું હતું કે છારાનગર રોડ પર પાર્ક કરવામાં આવેલી મોટરકારોને પોલીસે નુકસાન કર્યું હતું. બાદમાં તેઓ કેટલાક ઘરોમાં ઘૂસ્યા હતા.

દક્ષિણ બજરંગીના દાવા અનુસાર, પોલીસે ઘરમાંના બાળકો, મહિલાઓ તથા અન્યોને માર માર્યો હતો.

દક્ષિણ બજરંગીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "પોલીસ અમારા ઘરમાં પ્રવેશી હતી અને લાઇટો બંધ કરીને અમને બધાને માર માર્યો હતો. મારાં સાસુને મુક્કા મારવામાં આવ્યા હતા."

ટી સ્ટોલ ચલાવતા સ્થાનિક રહેવાસી ચંદ્રભાણ ઘસી ઊંઘતા હતા ત્યારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે પોલીસે તેમના ઘરના દરવાજે ટકોરા માર્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં ચંદ્રભાણ ઘસીએ કહ્યું હતું, "હું ક્યારેય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો નથી. મારો ગુનો એટલો જ છે કે પોલીસ જેને ગુનાખોર કોમ ગણે છે તે કોમનો હું સભ્ય છું."

"મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે હું સવારથી રાત સુધી ચા વેચું છું."

ચંદ્રભાણ ઘસીનાં પત્ની બાયપાસ સર્જરી બાદ સાજાં થઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસે તેમને ધક્કો માર્યો હતો અને હુમલો કર્યો હતો.


ઘટનાનું વીડિયો શૂટિંગ

Image copyright BBC/PAVAN JAISWAL

અમદાવાદ : છારાનગરમાં પોલીસ ખરેખર શા માટે ત્રાટકી હતી?

સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનું વીડિયો શૂટિંગ કર્યું હતું. એ પૈકીના એક વીડિયોમાં સંગીતા તમાઇચી પરની મહિલા પર પોલીસ કર્મચારીઓ હુમલો કરતા જોવા મળે છે. એ વીડિયો સ્થાનિક કૅમેરામેન કલ્પેશ ગાગડેકરે શૂટ કર્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કલ્પેશે કહ્યું હતું, "પોલીસ કર્મચારીઓ નજીક આવી રહ્યા હતા ત્યારે સંગીતા તમાઇચી ભાગવાનો પ્રયાસ કરતાં હતાં. તેમને ઘેરીને પુરુષ પોલીસ કર્મચારીઓએ માર માર્યો હતો."

સંગીતા તમાઇચીનાં બહેન દિપાલી ગુમાને વકીલ છે. દિપાલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે તેમનાં બહેન પર પોલીસે હુમલો કર્યો હતો અને તેમની ધરપકડ પણ કરી હતી.

સરદારનગર પોલીસે આ ઘટના સંબંધે છારા કોમના આશરે 29 લોકોની ધરપકડ કરી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સ્થાનિક વકીલ કૈલાશ તમાઇચીએ જણાવ્યું હતું કે અરેસ્ટ કરાયેલા 29 પૈકીની એકેય વ્યક્તિ ક્યારેય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ નથી.

કૈલાશ તમાઇચીએ કહ્યું હતું, "એ 29માં એક તો પ્રેસ ફોટોગ્રાફર છે. અન્ય લોકોમાં વકીલો તથા રિક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પોલીસનું આ પગલું દ્વેષપૂર્ણ છે."


શું છે છારાનગર?

Image copyright BBC/PAVAN JAISWAL

છારાનગર ગુજરાતની વિમુક્ત જનજાતિ છારા કોમના લોકોનો રહેણાંક વિસ્તાર છે. તેમાં આશરે 17,000 લોકો વસવાટ કરે છે.

વિચરતી છારા કોમના લોકોના પુનર્વસન માટે ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ-1871ની જોગવાઈ હેઠળ અંગ્રેજોએ આ વિસ્તારની રચના કરી હતી.

એ વખતે આ વિસ્તારનું નામ ફ્રી કોલોની હતું, જેમાં છારા કોમને લોકોને વસવાટની છૂટ આપવામાં આવી હતી.

ફ્રી કોલોનીનો અર્થ એ થતો હતો કે એ કોલોની બ્રિટિશ શાસકોની દેખરેખ હેઠળ નથી.

ઘણા રહેવાસીઓ બહેતર જીવન માટે અહીંથી અન્યત્ર ચાલ્યા ગયા છે, પણ અહીં રહેતા લોકો અગાઉની કથિત ગુનેગાર કોમના સભ્ય હોવાના કલંકનો આજે પણ સામનો કરી રહ્યા છે.

દક્ષિણ બજરંગીના જણાવ્યા અનુસાર, અહીં રહેતા મોટાભાગના લોકોને ગુનાહિત પ્રવૃત્તિ સાથે હવે કોઈ સંબંધ નથી, તેમ છતાં પોલીસ તેમને સતાવતી રહે છે.

ગુરુવારની રાતની ઘટના તેઓની પોલીસ દ્વારા નિયમિત રીતે થતી સતામણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, એમ દક્ષિણ બજરંગીએ જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ