દાહોદમાં ટોળા દ્વારા પથ્થરો મારી એક યુવકની હત્યા કરાઈ

બનાવવી તપાસ કરી રહેલી પોલીસ Image copyright Dakshesh Shah
ફોટો લાઈન બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી

સમગ્ર દેશમાં મૉબ લિંચિંગની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લામાં ટોળા દ્વારા એક વ્યક્તિની હત્યાની ઘટના બની હતી.

કાળી મહુડી ગામમાં શનિવારે રાત્રે 100થી વધુ લોકોના ટોળાએ ખેતરમાં એક વ્યક્તિની લાકડી અને પથ્થરો મારી હત્યા કરી હતી.

ખોટી અફવાઓ અથવા ગેરસમજને કારણે એકઠું થતું ટોળું નિર્દોષ લોકોનો જીવ લઈ છે એવા કિસ્સા અમૂક મહિનાઓથી મીડિયામાં ચમકી રહ્યા છે.

એટલું જ નહીં ભારતમાં મૉબ લિંચિંગનો મુદ્દો એટલો ગંભીર બન્યો છે કે આતંરરાષ્ટ્રીય મીડિયામાં પણ ટોળાશાહી દ્વારા કરાતી હત્યાની ઘટનાઓને સ્થાન મળ્યું છે.

આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં પણ આ મામલે સરકાર ગંભીર હોવાની વાત કહી હતી.


શું હતી સમગ્ર ઘટના?

Image copyright Dakshesh Shah
ફોટો લાઈન લગભગ 100 લોકોનું ટોળાએ ખેતરમાં અજમેલને ઘેરી માર મારી હત્યા કરી

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર પ્રવીણકુમાર જુદાલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "બંને આરોપી વિરુદ્ધ ચોરી, લૂંટ, ધાડ, ખૂન સહિતના ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે ચાર દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો છે."

"તેઓ ચોરી કરવાના ઇરાદે જ ગામમાં ઘૂસ્યા હતા. જ્યારે તેઓ ખેતરમાં ચોરીછુપે ફરી રહ્યા હતા ત્યારે ગામલોકોને તેમની ભાળ મળી ગઈ અને તેમની પર પથ્થરો વડે હુમલો કર્યો." 

"પ્રતિકાર કરવા માટે આ બન્નેએ પણ પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઈ ગયા અને લાકડીઓ બન્ને પર હુમલો કર્યો હતો જેમાં અજમેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું."

"જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતકનો કબ્જો લઈ અન્ય ઘાયલ વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો."

તમે આ વાંચ્યું કે નહીં?


શું કહે છે ગામ લોકો?

Image copyright Dakshesh Shah

કાળી મહુડી ગામના સ્થાનિક પ્રતાપ નીનાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું, "આ લોકો 150નાં ટોળામાં 3 બૉલેરો અને 2 જીપ લઈને અલગઅલગ ગામમાં ચોરી કરવા માટે આવ્યા હતા."

"તેમાંથી 12 લોકોની ટુકડી અમારા ગામમાં આવી હતી જેમની પાસે હથિયાર પણ હતાં."

"તેઓ ગામની ભાગોળે બેઠા હતા ત્યારે અમારા ગામના લોકોને આ અંગે જાણ થઈ હતી."

"ગામના લોકો ભાગોળે તપાસ કરવા ગયા તો તેઓ ખેતરો તરફ ભાગવા લાગ્યા હતા."

"ત્યારબાદ ગામલોકો 'ચોર આવ્યા... ચોર આવ્યા...'ની બૂમો પાડવા લાગ્યા તો વધુ લોકો એકઠા થઈ ગયા."

"નાસેલા લોકોમાંથી 10 લોકો ભાગી ગયા પરંતુ બે શખ્સ લોકોના હાથે ચડી ગયા હતા."

"જેમને માર મારવામાં આવ્યો હતો. તેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી."


ટોળા વિરુદ્ધ ગુનો

Image copyright Dakshesh Shah

આ ઘટનામાં બચી ગયેલા ભારૂભાઈ માથુરભાઈએ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ઇન્સપેક્ટર જુદાલે જણાવ્યું હતું કે ફરિયાદને આધારે અમે 100 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

તેમણે ઉમેર્યું, "હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા વ્યક્તિએ તેમની પર જીવલેણ હુમલો કરવાની ફરિયાદ કરી હતી. જેને આધારે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા