બાલિકા ગૃહ રેપ કાંડ: ઠાકુરને મળતી કરોડ રૂપિયાની ગ્રાંટ

આરોપી બ્રજેશ ઠાકુર

હાલમાં જ બિહારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા બાલિકા ગૃહમાં રહેતી બાળકીઓ સાથે દુષ્કર્મની ખબર આવી હતી. અહીં આવેલી 46 બાળકીઓનું જીવન અહીં આવ્યા પહેલાં પણ સારું નહોતું.

બાલિકા ગૃહમાં આવ્યા બાદ સરકાર દર વર્ષે તેમના નામ પર 40 લાખ રૂપિયાની સહાય આપવા લાગી. આ પૈસાને કારણે બ્રજેશ ઠાકુરે આ બાળકીઓને તેમના ઘરમાં આશરો આપ્યો.

પરંતુ શું સરકાર દ્વારા આપવામાં આવેલા લાખો રૂપિયા યોગ્ય હેતુ માટે ખર્ચાયા ખરાં?

આ રિપોર્ટ ઠાકુરના ઘરમાં બાળકીઓ દ્વારા વીતાવેલા એ કાળા દિવસ-રાતનો ઘટનાક્રમ વર્ણવે છે.

બ્રજેશ ઠાકુરને સરકાર દ્વારા દર વર્ષે એક કરોડ રૂપિયાની રકમ મળતી હતી જેમાંથી બાલિકા ગૃહ માટે 40 લાખ મળતા હતા.

પરંતુ આ ગૃહમાં રહેતી 34 યુવતીઓએ જે યાતનના કહાણી સંભળાવી તેની પરથી લાગે છે કે 40 લાખ રૂપિયા તેમનું શારીરિક શોષણ કરવા માટે આપવામાં આવતા હતા.


ઠાકુરની સરકારી વિભાગ સાથે સાંઠગાંઠ

મુઝ્ઝફરપુરમાં ઠાકુરને વૃદ્ધાશ્રમ, અલ્પાવાસ, ખુલ્લા આશ્રય સ્થાન અને સુધાર ગૃહ માટે પણ ટૅન્ડર મળ્યા હતા.

ખુલ્લા આશ્રય સ્થાન માટે દર વર્ષે 16 લાખ, વૃદ્ધાશ્રમ માટે 15 લાખ અને અલ્પાવાસ માટે 19 લાખ રૂપિયા મળતા હતા.

ઠાકુર પર સરકારી વિભાગ મહેરબાન હતા. પરંતુ સમગ્ર ભાંડો ફૂટ્યા બાદ અધિકારીઓ પાસે એ સવાલનો જવાબ નથી કે કોઈ એક એનજીઓને આટલા ટૅન્ડર કઈ રીતે મળ્યાં?

આ સવાલનો જવાબ ના તો બિહાર સમાજ કલ્યાણ વિભાગ પાસે છે ના તો બાળ સંરક્ષણ વિભાગ પાસે.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે આ સવાલ મુઝ્ઝફરપુરનાં એસએસપી હરપ્રીત કૌરને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે બ્રજેશ ઠાકરુને આપવામાં આવેલા ટૅન્ડરમાં ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

હરપ્રીત કૌર કહે છે, "સમયાંતરે એવી ચીજો બહાર આવી રહી છે જેને કારણે શંકા વધી રહી છે. જે ઘરની પસંદગી બાલિકા ગૃહ માટે કરવામાં આવી હતી તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું."

"જ્યાં બાલિકા ગૃહ હતું એ જ કૅમ્પસમાં ઠાકુરનું ઘર હતું. એ ઘરમાંથી ઠાકુરનું સમાચાર પત્ર 'પ્રાત:કમલ' નીકળે છે. ઘરની સ્થિતિ સારી નથી અને તેમાં સીસીટીવી અનિવાર્ય હોવા છતાં નથી. અમે આ અંગે રિપોર્ટ માગ્યો છે જે તપાસનો એક ભાગ છે."


એફઆઈઆરના દિવસે મળ્યું એક નવું ટૅન્ડર

ફોટો લાઈન જે દિવસે ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે પટનામાં મુખ્યમંત્રી ભિક્ષાવિત્તિ નિવારણ યોજના અંતર્ગત અલ્પાવાસનું ટૅન્ડર આપવામાં આવ્યું.

બ્રજેશ ઠાકુરના પ્રભાવ સામે બધા જ નિયમો નબળા હતા. બાળકીઓ સાથે શારીરિક શોષણ મુદ્દે તેમના પર 31 મેના રોજ ફરિયાદ દાખલ થઈ હતી અને એ જ દિવસે બિહાર સરકારના સમાજ કલ્યાણ વિભાગે તેમને પટનામાં મુખ્યમંત્રી ભિક્ષાવૃત્તિ નિવારણ યોજના અંતર્ગત અન્ય એક ટૅન્ડર મંજૂર કર્યું.

સમાજ કલ્યાણ વિભાગ પાસે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાઇન્સ (ટિસ) નો એક રિપોર્ટ હતો જેમાં બ્રજેશ ઠાકુરનો એનજીઓ 'સેવા સંકલ્પ' શકાસ્પદ યાદીમાં હતો, છતાં પણ તેને ટૅન્ડર શા માટે આપવામાં આવ્યું?

સમાજ કલ્યાણ ખાતાના નિયામક રાજકુમારનું કહેવું છે કે જ્યારે તેમને આ અંગે જાણ થઈ તો 7 જુલાઈના રોજ તેમનું ટૅન્ડર રદ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ રાજકુમારની આ વાત ખોટી છે.

કારણ કે ટિસનો રિપોર્ટ માર્ચ મહિનામાં આવી ગયો હતો, તો પછી મે મહિનામાં ટૅન્ડર શા માટે આપવામાં આવ્યું? આ ટૅન્ડર પર રાજકુમારના હસ્તાક્ષર પણ છે.


દરેક નિયમ નબળા સાબિત થયા

મુઝ્ઝફરપુરના સિટી ડીએસપી મુકુલ કુમાર રંજનનું કહેવું છે કે બ્રજેશ ઠાકુરને નિયમોની અવગણના કરીને ટૅન્ડર આપવામાં આવ્યા છે.

દર મહિને ઠાકુરના બાલિકા ગૃહમાં તપાસ ટુકડી જતી હતી અને તેમાં ક્યારેક કોઈ વસ્તુ શંકાસ્પદ ના જણાઈ.

બ્રજેશ ઠાકુરના સમાચાર પત્ર 'પ્રાત:કમલ'માં ચાર જૂનમાં એક અહેવાલ છપાયો હતો જેમાં લખવામાં આવ્યું છે કે દર મહિને ડઝનેક જજ બાલિકા ગૃહનું નિરિક્ષણ કરવા આવતા હતા.

ત્યારે કોઈ ગડબડ નહોતી, તો હવે અચાનક ગડબડ કેવી રીતે થવા લાગી?

દર મહિને બાળ સંરક્ષણ વિભાગના અધિકારીઓ અને શહેરની સરકારી હૉસ્પિટલનાં બે મહિલા ડૉક્ટર તપાસ માટે આવતાં હતાં. ત્યારે બધાએ સારો રિપોર્ટ આપ્યો અને કોઈએ ફરિયાદ ન કરી.

કોઈએ એવું પણ ના કહ્યું કે ઇમારતની પસંદગી ખોટી છે. કોઈએ ના તો સીસીટીવીનો મુદ્દો ઉઠાવ્યો, ના તો કોઈએ એવું કહ્યું કે બાળકીઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે.

બ્રજેશ ઠાકુરની દીકરી નિકિતા આનંદનું કહેવું છે કે ટિસનો રિપોર્ટ બાળકો દ્વારા કરવામાં આવ્યો છે જેને સાચો ના માની શકાય.


અંતહીન યાતનાની દાસ્તાન

સિટી એસએસપી મુકુલ કુમાર રંજન કહે છે કે ટિસનો રિપોર્ટ એકમાત્ર આધાર નથી. પીડિત બાળકીઓએ જજ સમક્ષ જણાવ્યું હતું કે તેમના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવામાં આવતી હતી અને તેઓ સવારે ઊઠતી હતી ત્યારે તેમનું કપડાં ઊતરેલા હોય છે.

બાળ સંરક્ષણ યુનિટના સહાયક નિદેશક દેવેશ કુમાર શર્મા પણ બાલિકા ગૃહમાં તપાસ માટે જતા હતા.

ત્યારે સવાલ એ છે કે શર્માને પણ કેમ કોઈ વસ્તુ શંકાસ્પદ ના જણાઈ?

દેવેશ શર્મા કહે છે કે તેઓ પુરુષ હોવાને કારણે આવું સંભવિત બન્યું હશે. પરંતુ શું આ મામલો સ્ત્રી અને પુરુષનો છે?

ડૉક્ટર લક્ષ્મી અને ડૉક્ટર મિનાક્ષી પણ મહિલા હતાં અને તેઓ ત્યાં તપાસ માટે જતાં હતાં. તો પછી તેમને શા માટે કોઈ બાબત શંકાસ્પદ ના જણાઈ?

મુકુલ રંજનનું કહેવું છે કે બ્રજેશ ઠાકુરે એનજીઓ ચલાવવામાં ખૂબ ચાલાકી વરતી છે. તેમણે કહ્યું કે તેમનો એનજીઓ 'સેવા સંકલ્પ' રમેશ ઠાકુરના નામે ચાલે છે. પરંતુ તપાસમાં રમેશ ઠાકુર નામની કોઈ વ્યક્તિ સામે આવી નથી.

મુકુલ રંજનને લાગે છે કે બ્રજેશ ઠાકુરે જાતે જ તેનું નામ અહીં રમેશ ઠાકુર લખી લીધું છે.


ડરના પડછાયા હેઠળ અધિકારીઓ

ફોટો લાઈન બાલિકા ગૃહમાં બાળકીઓની હત્યાની શંકાને પગલે ખોદકામ કરવામાં આવ્યું

મુઝ્ઝફરપુરની કલેક્ટર કચેરીમાં આ રિપોર્ટ સંદર્ભે તથ્યો એકઠા કરનાર અધિકારી વાતચીત કરતા ભાવુક થઈ ગયા હતા.

તેમને ડર છે કે તેમની હત્યા કરી નાખવામાં આવશે. લોકો તેમને કહી રહ્યા છે કે તેઓ ખોટા વ્યક્તિ સામે ભીડ્યા છે.

આ અધિકારીએ 27.12.2017નો એક પત્ર બતાવ્યો જેમાં બ્રજેશ ઠાકુરના ઘરેથી બાલિકા ગૃહને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનો ઉલ્લેખ છે.

બીજી તરફ મુઝ્ઝફરપુર પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રજેશ ઠાકુર પાસે કરોડો રૂપિયાની ગેરકાયદે સંપત્તિ છે.

રિપોર્ટમાં લખ્યું છે, "ઠાકુરના નકલી એનજીઓમાં પદાધિકારી તરીકે તેમના સંબંધી, પેઇડ સ્ટાફ અથવા ડમી નામ છે. આવા ખોટા કામોથી ઠાકુરે કરોડો રૂપિયાની કમાણી કરી છે."

"આ કમાણીમાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને બૅન્કર્સ પણ સામેલ છે. ઠાકુરની પકડ એટલી મજબૂત છે કે બિહાર રાજ્ય એઇડ્સ નિયંત્રણ સમિતિએ જાહેરાત પ્રકાશિત કર્યા વિના 'સેવા સંકલ્પ'ને સમસ્તીપુરમાં લિંક વર્કર સ્કીમ ભેટમાં આપી દીધી."

આ રિપોર્ટમાં ઠાકુર પાસે પટના, દિલ્હી, સમસ્તીપુર, મુઝ્ઝફરપુર, દરભંગા અને બેતિયામાં કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો ઉલ્લેખ છે.

સિટી ડીએસપી મુકુલ રંજનનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન ઠાકુરે જણાવ્યું હતું કે આ યુવતીઓ બાલિકા ગૃહમાં આવ્યા પહેલાં જ શારીરિક ઉત્પીડનનો શિકાર હતી.

રંજનનું કહેવું છે કે જો આવું હતું તો ઠાકુરે આ યુવતીઓને ગૃહમાં રાખ્યા પહેલાં મેડિકલ રિપોર્ટની માગ કેમ ના કરી?


ત્રણ બાળકીઓનાં મૃત્યુ

બ્રજેશ ઠાકુરના બાલિકા ગૃહમાં વર્ષ 2015થી 2017 દરમિયાન ત્રણ બાળકીઓનાં મૃત્યુ થયાં છે. ટિસના રિપોર્ટ બાદ તપાસ થઈ તો આ મૃત્યુ અંગે પણ ચર્ચા શરૂ થઈ.

સિટી એસએસપી હરપ્રીત કૌરનું કહેવું છે કે શહેરની સરકારી હૉસ્પિટલથી આ ઘટનાનો રિપોર્ટ મગાવવામાં આવ્યો તો મૃત્યુનું કારણ બીમારી જણાવવામાં આવી. આ ઘટના બાદ પણ ઠાકુરને ટૅન્ડર મળતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ