BBC Top News : હું જાહેરમાં ઉદ્યોગપતિઓને મળવાથી ગભરાતો નથી : વડા પ્રધાન મોદી

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં 60 હજાર કરોડ રૂપિયાના 81 ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના ભૂમિપૂજન માટે લખનૌમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને રવિવારે મળ્યા હતા. દેશના વિકાસમાં ઉદ્યોગપતિઓની મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે ચોક્કસ ઉદ્યોગપતિઓની તરફેણ કરાઈ રહી છે.

જેના જવાબમાં રવિવારે વડા પ્રધાન મોદીએ કહ્યુ હતુ, "હું સાફ નિયતમાં માનું છું અને એટલે હું જાહેરમાં ઉદ્યોગપતિઓને મળવાથી ગભરાતો નથી. એ લોકોએ ડરવાની જરૂર છે કે જેઓ બંધ બારણે સોદા કરવા ટેવાયેલા હતા."

શું તમે આ વાંચ્યું?

તેમણે એવું પણ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અનેક વખત બિરલાને મળતા હતા અને ઉમેર્યુ હતુ કે, "જો નિયત સાફ હોય તો કોઈની પણ સાથે તમે ઊભા રહી શકો છો."


મોટરસાઇકલ સવાર દંપતી પર દીપડાનો હુમલો : 4 વર્ષના બાળકને આંચકી લેવાનો પ્રયાસ

Image copyright PA WIRE
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

એનડીટીવીની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડોદરા પાસે છોટા ઉદેપુર જિલ્લાની હદમાં દીપડાએ મોટરસાઇકલ પર જઈ રહેલાં દંપતી પર હુમલો કર્યો હતો. તેમના 4 માસનાં બાળકને પણ આંચકી લીધું હતું.

ઘટનાની વિગતો એવી છે કે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રાયપુર રોડ પરથી દંપતી તેમના ચાર મહિનાનાં બાળક સાથે મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યું હતું.

એ દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

દીપડાએ બાળકને આંચકી લીધું હતું, પરંતુ એકઠા થયેલા ગ્રામજનો દીપડાથી બાળકને બચાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે વડોદરાની ખસેડવામાં આવ્યું છે.


પટનાની હૉસ્પિટલમાં ભરાયેલાં પાણીમાં માછલીઓ તરતી દેખાઈ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

પટનામાં સતત બે દિવસ સુધી ચાલેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે પટનાની નાલંદા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પણ પાણી ભરાયા હતા.

હૉસ્પિટલના આઈસીયૂમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.

હૉસ્પિટલમાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ તરતી જોવા મળી હતી.

આ વરસાદી પાણીના સામે હૉસ્પિટલ તંત્ર નિ:સહાય હોવાનું હૉસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યુ હતુ.

જોકે સાંજે આઈસીયૂના દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.


આસામમાંથી 52 બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ મોકલાયા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આસામમાં ગેરકાયદે સ્થળાંતર કરીને આવી વસેલા લોકો અને સ્થાનિક નાગરિકોને અલગ તારવવા માટે નેશનલ રજીસ્ટર ઑફ સિટીઝનની કામગીરી હાથ ધરાઈ છે. જેનો ડ્રાફ્ટ આજે સોમવારે પ્રકાશિત કરાશે.

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે આસામ, મેઘાલય અને બાંગ્લાદેશ જ્યાં ભેગા થાય છે, તે મન્કાચર સેક્ટરમાંથી 52 બાંગ્લાદેશીઓ પર પ્રતિબંધ મૂકીને તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે.

આ 52 લોકો 'વિદેશી' સાબિત થયા હતા અને વિદેશી તરીકે ભારત આવ્યા હોવાની નોંધ સત્તાવાર રેકર્ડ પર ન હોવાથી તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલું રાખવામાં આવે એવી શક્યતાઓ છે.


બળાત્કારની ફરિયાદ સામે ભાજપના પૂર્વ ધારાસભ્યની હાઈકોર્ટમાં પિટિશન

Image copyright BHARGAV PAREEKH/KUCHCHHMITRA

'ઇન્ડિયન એક્સ્પ્રેસ' સમાચારપત્રની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ગુજરાત હાઈકોર્ટમાં બળાત્કારની ફરિયાદ સામે પિટિશન કરી છે.

21 વર્ષીય યુવતીના બળાત્કાર મામલે તેમના વિરુદ્ધ સુરત પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

આ પિટિશનમાં જયંતી ભાનુશાળીએ બે મુદ્દા ઉઠાવ્યા હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.

પહેલો મુદ્દો એનો ઉઠાવ્યો છે કે મહિલાએ એક વર્ષનો વિલંબ કરીને ફરિયાદ કેમ કરી. બીજો મુદ્દો ઉઠાવાયો છે કે, અમદાવાદમાં ખંડણીની ફરિયાદ દાખલ કરાયા બાદ મહિલા દ્વારા સામે ફરિયાદ કરાઈ છે.

તેમને ભાજપના ઉપ-પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટે પક્ષ દ્વારા કહેવાયું હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ