'મેં બાળકને પકડી રાખ્યું એટલે દીપડીએ મારા પર હુમલો કર્યો'

દિપડાનો મગ શૉટ Image copyright PA WIRE
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના છોટાઉદેપુર વિસ્તારમાં આજકાલ દીપડા દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે. મોડી રાતે પસાર થતાં એક આદિવાસી પરિવાર પર એક દીપડીએ હુમલો કરીને એના ચાર મહીનાના બાળકને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય સૂચકતાને કારણે આ બાળક બચી ગયું હતું.

છોટાઉદેપુર પાસે રહેતા આદિવાસી વિક્રમ રાઠવા અને સપના રાઠવા પોતાના ચાર મહીનાના બાળકને લઇને પાવી જેતપુરથી ઉચાપન ગામે સામાજિક પ્રસંગેથી પરત આવી રહ્યાં હતાં.

ત્યારે દીપડીએ આ પરિવાર પર હુમલો કરી બાળકને છીનવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ વિક્રમ રાઠવાએ બૂમાબૂમ કરતા આદિવાસી લોકો દોડી આવ્યાં હતાં અને બાળકને બચાવી લીધું હતું.

બાળકને વડોદરાની સરકારી હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયું હતું, જ્યાં હાલમાં તેમની સ્થિતિ સુધાર પર છે.


દીપડીએ હુમલો કર્યો, લોકોએ જીવ બચાવ્યો

Image copyright BHARGAV PARIKH
ફોટો લાઈન દીપડીનાં હુમલાનો ભોગ બનનાર પરિવાર

દીપડીના હુમલાનો ભોગ બનનાર વિક્રમ રાઠવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ પત્ની સપના રાઠવા અને દીકરો આયૂષ રાઠવાને લઈને ઉચાપન ગામેથી મોટર સાઇકલ પર રાત્રે પોતાના ગામ જઈ રહ્યાં હતાં.

ત્યારે રસ્તામાં અચાનક દીપડીએ એમનાં પર હુમલો કર્યો અને બાળકને ખેંચવાનો પ્રયાસ કર્યો.

હુમલાથી ગભરાઈ ગયેલા રાઠવાએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતાં આદિવાસીઓ દોડી આવ્યાં હતાં અને બાળકને દીપડીનાં મોંઢામાંથી બચાવી લીધું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમનાં પત્ની સપના રાઠવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમે રાત્રે મોટર સાઇકલ પરથી પસાર થઈ રહ્યાં હતાં. બાળકને ઠંડી હવા ન લાગે તે માટે તેને શાલ ઓઢાડી હતી.”

“અચાનક દીપડીએ હુમલો કરતા અમે મોટર સાઇકલ પરથી પડી ગયાં હતાં.

“મેં બાળકને પકડી રાખ્યું એટલે દીપડીએ મારા પર હુમલો કર્યો, પરંતુ મારા પતિએ બૂમાબૂમ કરતા ગામના લોકો દોડી આવ્યાં હતાં અને દીપડી ભાગી ગઈ હતી.”

“ગામના લોકો આવી જતાં અમારું ચાર મહીનાનું બાળક બચી ગયું.”


શું કહે છે વનવિભાગના અધિકારી?

Image copyright BHARGAV PARIKH
ફોટો લાઈન દીપડી દ્વારા હુમલાના નિશાન

દીપડીએ કરેલા હુમલા અંગે પાવી જેતપુરના રેન્જ ફૉરેસ્ટ ઓફિસર આઈ. એસ. પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

“આદિવાસી દંપતી જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે નજીકમાં બે બચ્ચાંની માતા દીપડીએ આ દંપતી પર હુમલો કર્યો હતો.”

“આ સમય દરમિયાન અમે પણ એ વિસ્તારમાં જ પેટ્રોલિંગમાં હતાં, ઘટનાની જાણ થતા અમે તરત જ પહોંચી ગયા.”

“બાળક અને તેની માતાને દીપડાના નહોર વાગ્યા છે. અમે તાત્કાલિક એમને 108માં સારવાર માટે વડોદરાની સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.”

“બે બાળકની માતા હોવાને કારણે રાત્રે જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મોટર સાઇકલને જોઈ ઉશ્કેરાઈને દીપડીએ હુમલો કર્યો હોય એવું લાગે છે.”

”જંગલ વિસ્તારમાં વધી રહેલી માણસોની અવરજવર પણ મોડી રાત્રે દીપડાઓને ઉશ્કેરવાનું કારણ બને છે.”

“બનાવને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલિંગ વધારી દીધું છે. એટલું જ નહીં આવનારા દીવસોમાં હિંસક દીપડાઓ માણસો પર હુમલો ના કરે તે માટે પાંજરા પણ મુકવામાં આવશે.”

તો બીજી તરફ દીપડીથી થયેલી ઇજાની સારવાર કરી રહેલા વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજીવ દેવેશ્વરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,

“રાત્રે દીપડીના હુમલાથી ઘાયલ થયેલ બાળકને લઈને દંપતી અમારી હૉસ્પિટલમાં આવ્યું હતું. દીપડીના નખ વાગવાથી કોઈ ઇન્ફૅક્શન ન થાય તે માટે જરૂરી ઍન્ટિ-બાયૉટિક્સ બાળક અને માતાને આપ્યા છે.”

“વધુ સારવારમાં અમે તેમને ઍન્ટિ-રેબિઝ વૅક્સિન પણ આપીશું, અત્યારે બાળક અને એની માતા સારવાર હેઠળ છે. હાલમાં બંનેની સ્થિતિ સારી છે.”


શા માટે દીપડા માણસો પર હુમલો કરે છે?

Image copyright PA WIRE
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

દીપડા દ્વારા લોકો પર વધી રહેલા હુમલાઓ વિશે વાત કરતાં જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,

“જંગલ વિસ્તારમાં માનવોની ઘૂસણખોરીના કારણે વન્ય પ્રાણીઓ માટેનો વિસ્તાર ઘટ્યો છે, જેનાં કારણે માણસો આ વિસ્તારમાંથી પસાર થાય, ત્યારે વન્ય પશુઓ ઉશ્કેરાઇને ઘણીવાર હુમલો કરે છે.”

“ક્યારેક દીપડા રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસી આવે છે.”

“સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં દીપડાના હુમલા વધી ગયા છે, તો બનાસકાંઠા તરફ પણ જંગલ વિસ્તાર ઘટવાના કારણે રીંછના હુમલા વધી ગયા છે.”

“આ જોતા જંગલોને બચાવવામાં નહીં આવે તો આવા હુમલાઓની ઘટના વધતી રહેશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ