BBC Top News - બુલેટ ટ્રેન : અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે નવા રૂટનું સૂચન

બુલેટ ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ધ નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બોમ્બે હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવા માટે એક નવી વૈકલ્પિક માર્ગનું સૂચન મળ્યું છે.

પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશને કોર્ટમાં ઍફિડેવિટ કરીને જણાવ્યું કે વિખરોલીમાં 39,547 ચોરસ મીટર જમીન માટે ગોદરેજ એન્ડ બોયસ કંપનીએ મે મહિનામાં જમીન સંપાદન મામલે કામગીરી કરી હતી.

અહેવાલ અનુસાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, હાલના માર્ગથી 215 મીટર પશ્ચિમ તરફે એક પડતર જમીનનો સમાંતર માર્ગ ગોદરેજ દ્વારા સૂચવવામાં આવ્યો છે.

વળી આ જમીનનો એક નાનો ભાગનો અદાલતમાં એક મામલો ચાલી રહ્યો છે.

દક્ષિણ અફ્રિકામાં બે ભારતીયની ગોળી મારી હત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાતના ભરૂચ જિલ્લાના સાળા-બનેવીની ગોળી મારીને કથિત હત્યા કરી દેવામાં આવી છે.

સોહેલ દિલાવર અને ઇરફાન ખીડા નામના આ બન્ને યુવકો પ્રિટોરીયામાં એક દુકાનમાં બાજુબાજુમાં જ નોકરી કરતા હતા.

ઇરફાન ભરૂચ જિલ્લાના દયાદરા ગામના અને સોહેલ ભરૂચ જિલ્લાના જ કરમાડ ગામના વતની હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ મધરાતે દુકાન લૂંટવા આવેલા શખ્શોએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. જેમાં બન્ને ગુજરાતીઓના મોત નિપજ્યા હતા.

આસામ NRC : રહી ગયેલા 40 લોકો સામે હાલ કોઈ કાર્યવાહી નહીં

ઇમેજ સ્રોત, EPA

'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આસામનાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન NRCમાં બાકાત રહી ગયેલા 40 લાખ લોકો સામે હાલ કોઈ દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે.

કોર્ટે નિર્દેશ આપ્યા છે કે આ તમામ લોકોને તેમના દાવા અને વાંધા સુપરત કરવા તથા રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે.

કોર્ટે 14મી ઑગસ્ટ સુધી એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી સુપરત કરવા માટે પણ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં ચાલતી NRCની પ્રક્રિયાને એક રાજકીય પ્રેરિત કાર્યવાહી ગણાવી છે અને દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે એવી ચેતવણી આપી હતી.

તેમણે નિવેદનમાં કહ્યું કે, દેશમાં લોકોમાં ભાગલા પાડવાની કોશિશથી લોહીની નદીઓ વહેશે.

તેમણે કહ્યું, "શું દેશમાં લોકો પાસે દસ્તાવેજો નહીં હોય, તો તેને તેમના જ દેશમાં શરણાર્થી ગણી લેવામાં આવશે?"

વધુમાં 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મમતા બેનર્જીના ગૃહયુદ્ધ સંબધિત નિવેદનને પગલે તેમની સામે ભાજપના એક યુનિટે આસામના દિબ્રુગઢ જિલ્લામાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

દરમિયાન 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ મમતા બેનર્જીના આ નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ જણાવે કે કઈ રીતે દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. તેમણે સવાલ કર્યો કે, "શું ભારતીયોનાં કોઈ અધિકાર નથી? શું આ રીતે દેશ ચલાવી શકાય?"

'ગેરકાયદે બાંગ્લાદેશીઓ દેશ ન છોડે તો ગોળી મારી દો'

'સંદેશ'ના અહેવાલ અનુસાર આસામના એનઆરસી મામલે ભાજપના એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે.

હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય રાજાસિંહે કહ્યું કે જો ગેરકાયદેસર બાંગ્લાદેશી પોતાના દેશ પરત ન ફરે તો તેમને ગોળી મારી દેવી જોઈએ.

વૉટ્સઍપમાં હવે ગ્રૂપ કૉલિંગનું ફીચર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ વૉટ્સઍપે ગ્રૂપ વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગનું નવું ફીચર લૉન્ચ કર્યું છે.

સ્ક્રીનના ટૉપ પર ઍડ પાર્ટીસિપન્ટ નામનું બટન ક્લિક કરવાથી ગ્રૂપમાં કૉલિંગ થઈ શકશે.

વધુમાં આ પ્રકારના કૉલ્સ પણ ઇનક્રિપ્ટેડ હશે. વૉટ્સઍપ કંપની વૉઇસ કૉલ લૉન્ચ કર્યાના માત્ર ત્રણ વર્ષમાં જ આ એક નવું ફીચર લૉન્ચ કર્યું છે.

ભારતની મહિલા હોકી ટીમ વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં

ઇમેજ સ્રોત, Twitter/@thehockeyindia

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મહિલા હોકી વિશ્વ કપમાં ભારતીય ટીમે ઇટાલીને 3-0થી હરાવીને ક્વાર્ટર-ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ભારત તરફથી લાલરેમશીઆમી, નેહા ગોયલ, વંદના કટારીયાએ ગોલ કર્યા હતા.

લંડનના વેલે હોકી ઍન્ડ ટેનિસ સેન્ટર ખાતે રમાઈ ગયેલી આ મેચમાં નવમી જ મિનિટે ભારતે પ્રથમ ગોલ કરી દીધો હતો.

જ્યારે બીજો ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કરાયો હતો. આખરી ગોલ વંદના કટારીયાએ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો