'ગોમાંસ ખાનારાઓને કારણે મૉબ લિંચિંગની ઘટનાઓ બને છે'

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા
આરએસએસના કાર્યકર ઇંદ્રેશકુમાર
ઇમેજ કૅપ્શન,

આરએસએસના કાર્યકર ઇંદ્રેશકુમાર

તાજેતરમાં રકબરની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા ઇંદ્રેશ કુમારનું નિવેદન અખબારોમાં પ્રકાશિત થયું હતું, જેની ઉપર ભારે વિવાદ થયો હતો.

તેમણે કહ્યુંહ તું કે જો લોકો ગોમાંસ ખાવાનું બંધ કરી દે તો મૉબ લિંચિંગની ઘટનાઓ બંધ થઈ જશે.

શું તેનો મતલબ એ થયો કે જ્યાર સુધી લોકો ગોમાંસ ખાતા રહેશે, ત્યાર સુધી આ કારણસર હત્યાઓ પણ થતી રહેશે?

રકબરની હત્યા પૂર્વે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો તથા કેન્દ્રને નિર્દેશ આપ્યા હતા કે મૉબ લિંચિંગને (ભીડ દ્વારા હત્યા) કારણે થતી હત્યાને અટકાવવા માટે નવો કાયદો પસાર કરવામાં આવે.

સંઘના વરિષ્ઠ નેતાના નિવેદનની પુષ્ટિ કરવા માટે તથા તેમના વિચારને સમજવા માટે અને તેમને મળવા માટે હું દિલ્હી ખાતેના તેમના દફતર કમ ઘરે પહોંચ્યો.

આ ઇન્ટર્વ્યૂ પહેલાં હું એમને મળ્યો હતો, એ વાતને બે વર્ષ જેવો સમય થયો હશે. ઇન્ટર્વ્યૂના બે દિવસ પહેલાં પણ ફોન પર તેમની સાથે લાંબી વાતચીત થઈ હતી.

મુલાકાત દરમિયાન મેં મારી મર્યાદામાં રહીને વાત કરી, પરંતુ મારા પહેલાં સવાલ બાદ જ તેઓ કહેવા લાગ્યા કે હું એ ઝુબેર નથી જેની સાથે ફોન પર વાત થઈ હતી. હું કોમવાદી લોકોની શ્રેણીમાં આવું છું.

તેમણે મને કોમવાદી કહ્યો, ઇન્ટર્વ્યૂ છોડી દેવાની વાત કહી અને બીબીસીને દેશના ટુકડા કરવા માટે પ્રયાસરત સંસ્થા કહી.

'મારો પહેલો સવાલ હતો...'

ઇમેજ કૅપ્શન,

28 વર્ષના રકબરની હત્યા ગૌમાંસ ખાવાની શંકાએ કરવામાં આવી હતી

ઇંદ્રેશ કુમારે ઝારખંડમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલાં નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "આજે મૉબ લિંચિગ તથા ગાયના મુદ્દે ત્રણ પક્ષ છે.

"એક પક્ષ એ છે કે જે ગાયના મુદ્દે લોકોનું દિલ દુભાવે છે અને તેમની ભાવનાઓ પર પ્રહાર કરે છે. તેઓ માને છે કે લોકોનું દિલ દુખાવવાનો અને તેમની લાગણીઓ દુભાવવાનો તેમને અધિકાર છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું કે કોઈની લાગણીઓ દુભાવવી એ એક પ્રકારે મોટી હિંસા છે. મતલબ કે ગોમાંસ ખાવું એ હિંસા છે.

આ લાગણી દુભાવનારાઓ કોણ છે ? સ્વાભાવિક છે કે તેઓ ગોમાંસ ખાનારા છે. મેં જ્યારે પૂછ્યું કે શું તમારો ઇશારો મુસલમાનો તરફ છે તો તેમણે કહ્યું કે આ એક કોમવાદી સવાલ છે.

ઇંદ્રેશ કુમારના કહેવા પ્રમાણે, તેમણે પોતાના ભાષણમાં મૉબ લિંચિંગ માટે તૈયાર રહેતી કોઈ કોમનું નામ નહોતું લીધું.

'રાજકારણીઓ આગમાં ઘી હોમે છે'

ઇમેજ સ્રોત, Reuters

ઇંદ્રેશ કુમારને આરએસએસની મુસ્લિમ પાંખ મનાતા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સરપરસ્ત માનવામાં આવે છે. ગોમાંસ ખાવાના કારણે જેમની લાગણીઓ દુભાય છે તેઓ મૉબ લિંચિંગ કરતા હોય છે.

ઇંદ્રેશ કુમારે કહ્યું, "બીજો વર્ગ એ છે કે જે લાગણીઓ દુભાવાને કારણે આક્રોશમાં આવી જાય છે અને પછી હિંસક થઈ જાય છે." તેમનો ઇશારો ગોરક્ષકો તરફ હતો.

તેમણે વાત આગળ વધારી, "ત્રીજા વર્ગમાં રાજકારણીઓ વધુ છે. જેઓ વોટ બૅન્કના નામે રાજકારણ રમીને આ આગમાં ઘી હોમવાનું કામ કરે છે, તેઓ સમજાવટને બદલે ઉશ્કેરણીનું કામ કરે છે."

હું પૂછવા માગતો હતો કે શું તેઓ ગોરક્ષકો દ્વારા થતી હિંસાની નિંદા કરે છે?

મારા સવાલને અવગણીને તેઓ કહેવા લાગ્યા, "ત્રણેય પ્રકારની હિંસા નિંદનીય છે અને ત્રણેય પ્રકારના લોકોને મારું નિવેદન છે કે તેઓ હિંસા ત્યજી દે."

'ઇસ્લામમાં ગોમાંસ હરામ'

મેં પૂછ્યું કે શું તમે ગોમાંસ ખાવાને કારણે ભીડ દ્વારા થતી હત્યાઓને વ્યાજબી ઠેરવી રહ્યાં છે?

તેઓ ઉશ્કેરાઈને બોલ્યા, "તમારો પ્રશ્ન મૂર્ખતાપૂર્ણ છે, અનૈતિક છે. એનો મતલબ એ નથી કે હું તેને પ્રોત્સાહન આપું છું.

"આનો અર્થ એ છે કે તમે તમારા પ્રશ્ન દ્વારા લાગણીઓ દુભાવનારાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છો. બીજાના ધર્મનું અપમાન કરો, બીજાની લાગણીઓ પર દમન કરો. આથી હું હિંસાને પ્રોત્સાહન નથી આપી રહ્યો.

"તમારો સવાલ અન્યોની લાગણી દુભાવવા માટે આચરવાં આવતી હિંસાનો બચાવ કરી રહ્યો છે."

ઇંદ્રેશ કુમારે દાવો કર્યો કે ઇસ્લામ તથા ઈસાઈ ધર્મમાં ગોમાંસ ખાવાનું હરામ છે.

ઇંદ્રેશ કુમારે ઉમેર્યું, "મક્કા તથા મદિનામાં આજ દિવસ સુધી ગોહત્યા નથી થઈ. ત્યાં ગાયની હત્યા કરવી અને ગોમાંસના ખરીદ તથા વેચાણને ગુનો માનવામાં આવે છે."

મેં તેમને કહ્યું કે ત્યાં ગોમાંસ ખાવું ગુનો નથી. ત્યાં ગાયના બદલે ઊંટ તથા દુમ્બા (ભેંસ જેવા જાનવર)નું માંસ ખાવામાં આવે છે.

તેના જવાબમાં ઇંદ્રેશ કુમારે કહ્યું, "તમને ખબર નથી. કાંઈ હોય કે ન હોય, તેને ગુનો માનવામાં આવે છે."

"હું કહીશ કે અહીંથી જતાં રહો"

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

મેં પૂછ્યું કે આ વાત તમે વિશ્વાસપૂર્વક કહી રહ્યા છો, આ વાત કન્ફર્મ છે ?

તો ઇંદ્રેશ કુમાર ઉત્તેજિત થઈને બોલ્યા, "એક વાત સ્પષ્ટ જાણી લેજો હું તમારી જેમ ભેળસેળ નથી કરતો કે ખોટું નથી બોલતો અને ઉશ્કેરણી નથી કરતો કે કશું અયોગ્ય બોલતો નથી. આથી, જે મને પૂછશે કે શું તે કન્ફર્મ છે, તો હું તેને કહીશ કે તમે અહીંથી જતાં રહો, કારણ કે તમે ઇન્ટર્વ્યૂ દેવાને લાયક નથી."

મેં તેમને કહ્યું કે જો કોઈની લાગણી દુભાય હોય તો તે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, હિંસા આચરવી યોગ્ય બાબત નથી.

તેના જવાબમાં ઇંદ્રેશ કુમારે કહ્યું, "તમે કાયદો તોડશો (લાગણી દુભાવીને)? કોઈની લાગણીઓને નહીં દુભાવવાનો કાયદો છે, તો પછી શા માટે લાગણી દુભાવવામાં આવે છે?"

તેમણે સ્વીકાર્યું કે ગોરક્ષકોએ હિંસા ન આચરવી જોઈએ.

મેં તેમને જણાવ્યું કે ભારતીય સમાજમાં તમામ ધર્મના લોકો ગોમાંસ ખાય છે, પરંતુ ગોમાંસ ખાવાના આરોપમાં મોટાભાગે મુસલમાનોનું જ મૉબ લિંચિંગ કેમ થાય છે?

ઇંદ્રેશ કુમારે કહ્યું, "તેને કોમવાદી રંગ ન આપો. આ મુદ્દે સંવાદ કરવાની જરૂર છે. જે લોકો આ ચર્ચામાં લાગણીઓ દુભાવનારાઓનો સાથ આપી રહ્યા છે, તેઓ બંધારણની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે.

"તે અનૈતિક છે અને અમાનવીય છે. તેઓ ઍન્ટિ-હિંદુ, ઍન્ટિ-મુસ્લિમ તથા ઍન્ટિ-ઈસાઈ છે."

'ડૉન્ટ બી કૉમ્યુનલ'

ઇમેજ સ્રોત, TWITTER@RSSORG

મેં તેમને પૂછ્યું કે કેરળ, ગોવા, પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં ભાજપ તથા આરએસએએસના અનેક લોકો ગોમાંસ થાય છે. મેં તેમને યાદ અપાવ્યું કે 2017માં કેરળમાં એક પેટા ચૂંટણી દરમિયાન ભાજપના એક ઉમેદવારે ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાઈ આવશે તો ગોમાંસની સપ્લાઈ ચાલુ રહેશે, તો શું તે બેવડી નીતિ નથી?

આના જવાબમાં ઇંદ્રેશ કુમાર બોલ્યા, "તમે એક જ પક્ષનું ઉદાહરણ શા માટે આપો છો ? અસુદ્દીન ઓવૈસી તથા રાહુલ ગાંધીનું નામ કેમ નથી લેતા?" ઇંદ્રેશ કુમારના મતે તેઓ ગોમાંસ ખાનારાઓને પ્રોત્સાહિત કરે છે.

લાગ્યું કે ધીમે-ધીમે તેમનો ગુસ્સો વધી રહ્યો છું અને ગમે ત્યારે મને રૂમ તથા ઇમારતમાંથી કાઢી મૂકવામાં આવશે. હવે તેમની ધીરજ ખૂટી રહી હોય તેમ જણાતું હતું.

ઇંદ્રેશ કુમારે કહ્યું, "તમે સિલેક્ટિવ છો. ડૉન્ટ બી કૉમ્યુનલ. બીબીસીમાં નોકરી કરો છો. બીબીસી દેશને તોડવા માટે કંઈક કરતી હશે. મિત્ર, તમે તેની એજન્સી કેમ બનો છો?"

'છેલ્લે મેં તેમને પૂછ્યું'

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

છેલ્લે મેં તેમને પૂછ્યું કે ગાયની પવિત્રતા અંગે હજારો વર્ષોથી ચર્ચાઓ ચલાતી રહી છે, તો અગાઉ હિંસા કેમ નહોતી થતી?

તેના જવાબમાં ઇંદ્રેશ કુમારે કહ્યું, "અગાઉ લોકો દિલ દુભાવનારી હિંસા આચરતા ન હતા, વાતચીત તથા સંવાદ કરતા હતા. એટલે તમામ ધર્મના લોકોમાં સંવાદની પરંપરા હતી."

લગભગ અડધી કલાક ચાલેલા ઇન્ટર્વ્ય બાદ રા વિચાર હતા કે સંઘના વરિષ્ઠ નેતા ઇંદ્રેશ કુમારના મતે બીફ ખાવાનું છોડી દો, નહીંતર હિંસા ચાલુ રહેશે. ગોમાંસ ખાવું ગુનો છે અને તે મૉબ લિંચિંગ કરનારાઓને ઉશ્કેરવાનું કામ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો