એનઆરસીઃ કારગિલ યુદ્ધના શહીદ સૈનિકનો ભત્રીજો ‘ભારતીય’ નથી

શહીદ ગ્રેનેડિયર ચિનમોય ભૌમિકનો ફોટોગ્રાફ Image copyright TILAK PURKAYASTHA/BBC

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનઆરસીની જે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા એક સૈનિકના ભત્રીજાનું નામ નથી.

ગ્રેનેડિયર ચિનમોય ભૌમિક આસામના કછાર વિસ્તારના બોરખોલા મતવિસ્તારના રહેવાસી હતા અને તેઓ 1999માં કારગિલના યુદ્ધ દરમ્યાન શહીદ થયા હતા.

તેમના પરિવારના ત્રણ લોકોએ ભારતીય સૈન્યમાં ફરજ બજાવી છે અને ચિનમોય ઉપરાંત તેમના મોટાભાઈ સંતોષ તથા નાનાભાઈ સજલ ભૌમિક પણ સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે.

ચિનમોયના ભત્રીજા પિનાક જરોલતાલા ગામ નજીકની સરકારી સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને આજકાલ તેમના પિતાના મોટાભાઈ સાથે પરિવારના મકાનમાં રહે છે.

તેમના કાકા સંતોષે બીબીસીને કહ્યું હતું, "એનઆરસીની પ્રક્રિયાનો હેતુ ખરાબ ન હતો, પણ એ કામ વધારે સારી રીતે થઈ શક્યું હોત.

"એનઆરસીમાં 40 લાખ લોકોનાં નામ નથી તેનો અર્થ તેની નિષ્ફળતા છે."

રાજ્યમાં બહાર પાડવામાં આવેલા તાજેતરના રજિસ્ટર અનુસાર, 2.89 કરોડ લોકો આસામના નાગરિકો છે, જ્યારે અહીં રહેતા 40 લાખ લોકોનાં નામ આ યાદીમાં નથી.

તેનો અર્થ એ થાય કે 40 લાખ લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવ્યા નથી. હવે આ લોકોને તેમના દાવા રજૂ કરવાની તક મળશે.

તમે આ વાંચ્યું કે નહીં?


બહારના લોકો

Image copyright TILAK PURKAYASTHA/BBC

આસામમાં 1971ના માર્ચ પહેલાંથી રહેતા લોકોને આ રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે, જ્યારે એ પછી આવેલા લોકોના નાગરિકત્વના દાવાને સંદિગ્ધ ગણવામાં આવ્યા છે.

અલબત, ભારત સરકારે જણાવ્યું છે કે જે લોકોનું નામ એનઆરસીમાં નથી તેમને ડિટેન્શન કૅમ્પમાં રાખવામાં આવશે નહીં અને તેમને નાગરિકતા સાબિત કરવાની વધુ એક તક આપવામાં આવશે.

નારાજ જણાતા સંતોષ ભૌમિકે બીબીસીને કહ્યું હતું, "મારા ભત્રીજાના તમામ દસ્તાવેજ યોગ્ય હતા અને બીજા લોકોના કિસ્સામાં પણ આવું જ હશે એવું હું માનું છું.

"રજિસ્ટરમાં જેમનું નામ નથી તેમને હવે બહારના ગણવામાં આવી રહ્યા છે. જે સૈનિકે ભારત માટે કારગિલના યુદ્ધમાં પોતાના પ્રાણ આપ્યા હતા તેમના સગા સૈનિક ભાઈનો દીકરો બહારનો નાગરિક કેવી રીતે હોઈ શકે?"


બાકાત રહેલા લોકોને આશા

Image copyright EPA

સંતોષ ભૌમિક ભારતીય સૈન્યમાં મેડિકલ ઓફિસર હતા અને નાનાભાઈ ચિનમોય શહીદ થયા ત્યારે સંતોષ જમ્મુ-કાશ્મીરમાં ફરજરત હતા.

એ ઘટનાને યાદ કરતાં સંતોષે કહ્યું હતું, "ચિનમોયનો મૃતદેહ મને દિલ્હીમાં સોંપવામાં આવ્યો હતો. તેને લઈને હું આસામ આવ્યો હતો."

ભારત અને પાકિસ્તાન વચ્ચેનું કારગિલ યુદ્ધ 1999ની 20 મેએ શરૂ થયું હતું અને 26 જુલાઈએ તેનો અંત આવ્યો હતો.

સંતોષ ભૌમિકે કહ્યું હતું, "2017ના ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલા એનઆરસીના પહેલા લિસ્ટમાં અમારા પરિવારના એકેય સભ્યનું નામ ન હતું.

"બધા બીજા લિસ્ટની રાહ જોતા હતા, પણ હવે આ લિસ્ટમાંથી કારગિલ શહીદના ભત્રીજાને જ બહાર રાખવામાં આવ્યો છે."

પિનાકના માતા-પિતા છેલ્લા ઘણા દિવસોથી હૈદરાબાદમાં છે, જ્યાં માતાની સારવાર ચાલી રહી છે.

કારગિલ યુદ્ધમાં ચિનમોયના મૃત્યુ પછી તેમનાં મોટા બહેન દીપાલી પર બીમાર જ છે.

વાતચીતના અંતે સંતોષ ભૌમિકે ઉમેર્યું હતું, "અમે ત્રણ ભાઈઓમાં માત્ર પિનાક જ આગલી પેઢી છે અને તેનું નામ એનઆરસીમાં ન આવવાથી અમે દુખી છીએ. ભવિષ્યમાં કંઈક થવાની આશા છે."


શું છે એનઆરસી?

Image copyright EPA

નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ એક એવી યાદી છે કે જેમાં આસામમાં 24, માર્ચ 1971 સુધી કે એ પહેલાં પોતાના પરિવાર સાથે રહેતા હોવાના પુરાવા હશે એ તમામ લોકોનાં નામ નોંધાયેલાં હશે.

સિટીઝનશિપ રજિસ્ટરની વ્યવસ્થા હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય આસામ છે. આ પ્રકારની પહેલી નોંધણી 1951માં કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મે, 2015થી આસામના રહેવાસીઓના નાગરિકત્વની ચકાસણીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

એ કામગીરી માટે સમગ્ર રાજ્યમાં રજિસ્ટ્રાર જનરલે અનેક એનઆરસી કેન્દ્રો શરૂ કર્યાં હતાં.

એનઆરસીના યોગ્યતાના માપદંડ અનુસાર, એવા લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવે છે, જેમના પૂર્વજોનાં નામ 1951ના એનઆરસીમાં કે 24, માર્ચ 1971 સુધીની કોઈ પણ મતદાર યાદીમાં હોય.

કોઈ વ્યક્તિનું નામ 1971 સુધીની મતદાર યાદીમાં ન હોય, પણ કોઈ દસ્તાવેજમાં તેના કોઈ પૂર્વજનું નામ હોય તો એ વ્યક્તિએ તેના પૂર્વજ સાથેનો સંબંધ સાબિત કરવો જરૂરી છે.

લોકો પોતાનું નાગરિકત્વ પૂરવાર કરવા માટે જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજ, પટ્ટેદારીના દસ્તાવેજ, શરણાર્થી પ્રમાણપત્ર, સ્કૂલ-કોલેજનાં સર્ટિફિકેટ, પાસપોર્ટ કે અદાલતી દસ્તાવેજો વગેરે જેવાં 12 પ્રકારના સર્ટિફિકેટ્સ કે દસ્તાવેજો રજૂ કરી શકે છે.

એનઆરસીનું પહેલું લિસ્ટ 2018ની પહેલી જાન્યુઆરીએ અને બીજું લિસ્ટ તથા અંતિમ મુસદ્દો 30મી જુલાઈએ બહાર પાડવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ