‘મેં નિહાળી છે ભારતની સૌથી મોટી કત્લેઆમ’

 • એસ. આર. દારાપુરી (સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી)
 • બીબીસી ગુજરાતી માટે
એનઆરસીની કાર્યવાહીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, EPA

હું 1983માં 36 બટાલિયન પીએસી, રામનગર, બનારસમાં કમાન્ડન્ટના પદે ફરજ પર હતો.

એ સમયે આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) અને ઑલ આસામ ગણસંગ્રામ પરિષદ (એજીપી) દ્વારા બિન-આસામી લોકો વિરુદ્ધ જોરદાર આંદોલન ચાલી રહ્યું હતું. એ આંદોલન 1979થી ચાલુ હતું.

બહારના લોકોને આસામમાંથી કાઢી મૂકવામાં આવે એ આંદોલનનો મુખ્ય મુદ્દો હતો. એ લોકોમાં સૌથી વધુ બાંગ્લાદેશી મુસલમાનો હતા.

એ ઉપરાંત બિહાર તથા ઉત્તર પ્રદેશના હિંદુઓ અને નેપાળ તથા ભુતાનના લોકો પણ હતા.

ઇંદિરા સરકારનો ચૂંટણી સંબંધે વિરોધ

એ સમયે આસામમાં કોંગ્રેસની સરકાર હતી. આંદોલન દરમિયાન આસામ બંધ હતું અને જનતા કરફ્યૂ શાંતિપૂર્ણ રીતે અમલમાં હતો.

તેવામાં કેન્દ્રની ઇંદિરા ગાંધી સરકારે 1983ની છઠ્ઠી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ફેબ્રુઆરીમાં લોકસભા અને 12 વિધાનસભાઓની ચૂંટણી યોજવામાં આવશે.

શું તમે આ વાંચ્યું?

એ ચૂંટણી 1979ની મતદાર યાદીને આધારે થવાની હતી. એ મતદાર યાદી સામે આસુ અને એજીપીને વાંધો હતો, કારણ કે તેમાં તથા કથિત બાંગ્લાદેશી મુસલમાનોનાં નામ સામેલ હતાં.

એ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત આસુ અને એજીપીએ કરી હતી. એ સંગઠનોના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

'બાંગ્લાભાષી લોકો એટલે બાંગ્લાદેશી'

ઇમેજ સ્રોત, EPA

1983ના જાન્યુઆરીમાં પીએસીના વડા મથકેથી અચાનક એક આદેશ આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મારે આસામમાં ચૂંટણી ડ્યૂટી માટે પીએસીની આઠ ટુકડીઓને લઈને જવાનું છે.

અમે પહેલાં ગુવાહાટી પહોંચ્યા હતાં, જ્યાં અમને જોરહટ જિલ્લામાં રિપોર્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

એ સમયે શિવસાગર સબ-ડિવિઝનલ વડું મથક હતું. અમે જોરહટ પહોંચ્યા ત્યારે અમને શિવસાગર જવા જણાવવામાં આવ્યું હતું. ત્યાં મેં મારું વડું મથક બનાવ્યું હતું.

એ વિસ્તારના નાયબ પોલીસ વડાએ અમને આસુના આંદોલન તથા ચૂંટણીના બહિષ્કાર સંબંધે ચાલી રહેલી ગતિવિધિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આંદોલનકર્તાઓ જનતા કર્ફ્યૂની જાહેરાત અચાનક કરે છે અને તમામ બજારો તથા વાહનો બંધ થઈ જાય છે.

તેમના જણાવ્યા મુજબ, આંદોલનકર્તાઓ તથાકથિત બાંગ્લાદેશીઓના (જેમાં મોટાભાગના વાસ્તવમાં બાંગ્લાભાષી મુસલમાન તથા હિંદુ હતા) રહેણાંક વિસ્તારો પર હુમલા પણ કરી શકે છે.

આસામી દુકાનદારો સાથે વાતચીત

ઇમેજ સ્રોત, AlL ASSAM STUDENTS UNION@FACEBOOK

ઇમેજ કૅપ્શન,

આસામમાં વિદેશી નાગરિકોના વિરોધમાં 2013માં આસુ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

એક-બે દિવસ પછી મને સ્થાનિક દુકાનદારો સાથે વાત કરવાની તક મળી હતી.

વાતચીતમાં એવું જાણવા મળ્યું કે આસામી લોકો તમામ બાંગ્લાભાષીઓને બાંગ્લાદેશી કહીને સંબોધે છે અને તેમની બહુ ઈર્ષા કરે છે.

તેમનું કહેવું હતું કે એ બાંગ્લાદેશીઓએ તેમની જમીન કબજે કરી લીધી છે. તેમની વસતિ ઝડપભેર વધી રહી છે. તેને કારણે એક દિવસ આસામી લોકો તેમના જ પ્રદેશમાં લઘુમતી બની જશે.

આસામી દુકાનદારોને જણાવ્યા મુજબ, તેમની અસ્મિતા તથા સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. કોંગ્રેસ બાંગ્લાદેશીઓને આસામમાંથી ભગાડવાને બદલે તેમને મતાધિકાર આપીને તેમનો ઉપયોગ વોટબૅન્ક તરીકે કરી રહી છે.

વાતચીત દરમ્યાન એવું પણ જાણવા મળ્યું હતું કે આસામના લોકો (જેમાં મોટાભાગના અહોમ જ્ઞાતિના હતા), કેટલાક અન્ય મૂળ નિવાસી કબીલાઓ સાથે મળીને આગલા મહિને યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે.

કેટલાક બાંગ્લાભાષી મુસલમાનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ કોંગ્રેસના ટેકેદારો છે અને તેઓ ચૂંટણીમાં ભાગ જરૂર લેશે.

પછી આવ્યા હુમલાના સમાચાર

ઇમેજ સ્રોત, BBC/SHIB SHANKAR CHATTERJEE

બાંગ્લાભાષી લોકોના રહેણાંક વિસ્તારમાં હુમલાની આશંકા હતી. તેથી પીએસીની મોટાભાગની ટૂકડીઓ એ વિસ્તારોમાં ગોઠવવામાં આવી હતી.

એક દિવસે મને સંદેશો મળ્યો કે મારા ક્ષેત્ર હેઠળના હાથીખાલ વિસ્તારમાં રાતે કેટલાક લોકોએ એકઠા થઈને બાંગ્લાભાષી મુસલમાનોના રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યો હતો અને તેમાં પચાસેક લોકો મૃત્યુ પામ્યા હતા.

હુમલાખોરોએ રાતે એ રહેણાંક વિસ્તારને ચારે તરફથી ઘેરીને ઘાસનાં ઝૂંપડાઓમાં આગ લગાવી દીધી હતી અને તેમાં રહેતા લોકોને કાપીને આગમાં ફેંક્યા હતા.

મૃતકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો હતાં. ત્યાંથી ભાગીને ભાગ્યે જ કોઈ પોતાનો જીવ બચાવી શક્યું હતું.

એ સમાચાર મળ્યા પછી હું હાથીખાલ ગયો હતો અને ત્યાંનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો.

તમામ ઘર સંપૂર્ણપણે સળગેલાં હતાં. હું પહોંચ્યો ત્યાં સુધી સ્થાનિક પોલીસ લોકોની લાશોને લઈ ગઈ હતી, પણ સૂમસામ વિસ્તારમાં સળગેલાં પ્રાણીઓના મૃતદેહ પડ્યા હતા.

મૃતકોના કેટલાક સગા ત્યાં હાજર હતા. પોલીસની નોકરી દરમિયાન મેં હત્યાઓ અને દુર્ઘટનાઓમાં ઘણી લાશો જોઈ હતી, પણ આવી કત્લેઆમ ક્યારેય જોઈ ન હતી.

પોલીસ કર્મચારીઓની મુશ્કેલી

એ દિવસે વડા મથકે આવ્યા પછી હું જમી શક્યો ન હતો. હાથીખાલમાં જોયેલાં દૃશ્યો વારંવાર મારી નજર સામે આવતાં હતાં. એ પછી એવી ઘણી નાની-નાની ઘટનાઓ જોવા મળી હતી.

ચૂંટણીનો દિવસ નજીક આવ્યો ત્યારે ખબર પડી કે આસામના સરકારી કર્મચારીઓએ પણ ચૂંટણીમાં ફરજ બજાવવાનો ઇન્કાર કર્યો છે અને એ માટે દિલ્હી તથા બિહારથી સરકારી કર્મચારીઓને લાવવામાં આવી રહ્યા છે.

એ કર્મચારીઓને પ્લેન મારફત આસામ લાવવામાં આવ્યા હતા અને તેમનો વીમો પણ ઉતારવામાં આવ્યો હતો.

એ કર્મચારીઓને મળ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે તેઓ બહુ ગભરાયેલા હતા અને તેમને તેમની ઇચ્છાની વિરુદ્ધ ચૂંટણીમાં ફરજ બજાવવા લાવવામાં આવ્યા હતા.

અમે તેમની હિંમત બહુ વધારી હતી, પણ અંદરથી તેઓ બહુ ડરેલા હતા.

વીડિયો કૅપ્શન,

આસામના લોકો સામે નાગરિકતા બચાવવાનો પડકાર

ચૂંટણીના દિવસે અમે વાહનોમાં પોલિંગ કર્મચારીઓને રવાના કર્યા હતા. થોડા સમય પછી એવા સંદેશા મળવા લાગ્યા હતા કે અનેક વાહનોમાં પંક્ચર પડ્યાં છે.

તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચૂંટણીના વિરોધીઓએ ખીલી લગાવેલા લાકડાં અને ધારદાર વાંસના પંજા રસ્તા પરની માટીમાં છૂપાવ્યા હતા, તેને કારણે વાહનોમાં પંક્ચર થતું હતું.

ચૂંટણીનું કામ પતાવીને પાછા ફરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણીના વિરોધીઓએ મતદાન મથકો પર મધપુડા અને ગંદકી ફેંક્યા હતા. તેને કારણે તેમણે ખુલ્લી જગ્યામાં મતદાન કરાવવું પડ્યું હતું.

ચૂંટણીના દિવસે મતદારો પર અનેક ઠેકાણે હુમલાની ફરિયાદો અમને મળી હતી. એક જગ્યાએ મારા કર્મચારીઓએ હુમલાખોરો પર ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

એ વાતો પરથી આપ અંદાજ લગાવી શકો છો કે એ ચૂંટણી કેવી હતી. તેમાં કુલ 32 ટકા મતદાન થયું હતું અને 108માંથી 90 બેઠકો જીતીને કોંગ્રેસે સરકાર બનાવી હતી.

1800થી 3000 લોકોનો સંહાર

ઇમેજ સ્રોત, Reuters

આસામમાં મારી ડ્યૂટી દરમ્યાન એક મોટો નરસંહાર ગ્રામ નેલ્લી જિલ્લાના નૌગાંવમાં થયો હતો. એ ઘટના મતદાનના ચાર દિવસ પછી 1983ની 18 ફેબ્રુઆરીએ બની હતી.

એ ઘટનામાં દારુગોળા અને શસ્ત્રોથી સજ્જ 13 અસમિયા ગામના લોકોએ નેલ્લી ગામના મુસ્લિમ રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યો હતો.

સવારે આઠ વાગ્યે શરૂ થયેલો નરસંહાર બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલ્યો હતો. સરકારી આંકડા અનુસાર, તેમાં 1,800 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બિનસત્તાવાર આંકડો 3,000 લોકોનો છે.

એ નરસંહાર બાદ સમગ્ર આસામના બાંગ્લાભાષીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

એ ઘટનાની અનેક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત હુમલાની તૈયારીની માહિતી 15 ફેબ્રુઆરીએ જ મળી ગઈ હતી, પણ તેને રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કોઈ અધિકારીને સજા પણ કરવામાં આવી ન હતી.

આસામમાં એ પ્રકારની ઘટનાઓ જાન્યુઆરીથી માંડીને એપ્રિલ સુધી ચાલતી રહી હતી.

કેટલાક સ્થળોએ બાંગ્લાભાષી મુસલમાનોએ પણ આસામી લોકોના ગામો પર હુમલા કર્યા હતા અને ઘણી જગાએ કબીલાઓએ હિંસા કરી હતી.

એ બધાના મૂળમાં બાંગ્લાભાષી મુસલમાનોને આસામમાંથી ભગાડવાનો મુદ્દો જ હતો.

જાન્યુઆરીમાં ચૂંટણીથી શરૂ કરીને કુલ આઠ મહિના આસામમાં રહેવાની તક મને મળી હતી.

એ દરમ્યાન મને સમજાયું હતું કે આસામી લોકો અને બાંગ્લાભાષી મુસલમાનો તથા હિંદુઓમાં ચૂંટણીને કારણે મોટી ખાઈ અને શત્રુતા સર્જાઈ હતી, જે આજ સુધી ચાલી રહ્યું છે.

શું છે વર્તમાન પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Reuters

હું 2004માં સેવાનિવૃત્ત થયો હતો. આસામમાં નાગરિકતાની ઓળખ માટેની નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી - NRC)ની કાર્યવાહીની જાણકારી મેળવવા માટે યુનાઈટેડ અગેન્સ્ટ હેટ સંગઠનના સૌજન્યથી મને એક સત્ય શોધક ટુકડી સાથે આ વર્ષની 28 જૂનથી બીજી જુલાઈ સુધી આસામ જવાની તક ફરી મળી હતી.

અમારી સાથે ઘણા વરિષ્ઠ પત્રકારો પણ હતા. અમે ગુવાહાટીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો તરુણ ગોગોઈ અને પ્રફુલ્લ મહંતા સાથે NRC બાબતે વાતચીત કરી હતી.

બારપેટા, ગોઆલપાડા તથા બોનગઈગાંવમાં સંદિગ્ધ મતદાર તથા વિદેશી જાહેર કરવામાં આવેલા અનેક લોકોને મળ્યા હતા.

સંદિગ્ધ મતદાર જાહેર કરાયા બાદ જેમની ધરપકડ કરવામાં આવી હતી એ લોકોના પરિવારજનો સાથે અમે વાતચીત કરી હતી.

NRC સંબંધી કામ કરી રહેલી અનેક સંસ્થાઓના સભ્યોને મળવા ઉપરાંત અમે NRCના સંયોજકની ઓફિસમાં અધિક સંયોજક કલિતાને પણ મળ્યા હતા.

સત્ય શોધ અભિયાન દરમ્યાન અનેક લોકો સાથે વાતચીત કર્યા બાદ અમે નીચે મુજબના નિષ્કર્ષ પર પહોંચ્યા.

 • NRCની પ્રક્રિયાનું બધા પક્ષોએ સ્વાગત કર્યું છે, કારણ કે લોકો બાંગ્લાદેશી હોવાની છાપમાંથી મુક્તિ ઈચ્છે છે.
 • NRC તૈયાર કરવામાં માટેની પ્રક્રિયામાં ઘણી ખામી છે.
 • NRC સેવા કેન્દ્રો પર કામ કરતા મોટાભાગના કર્મચારીઓ આસામી છે. બાંગ્લાભાષીઓ પ્રત્યેના તેમના પૂર્વગ્રહને કારણે એ લોકોના કિસ્સામાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય નહીં કરીને, પ્રસ્તુત પુરાવાઓને નાની-નાની ખામીઓને કારણે રદ્દ કરી દેવાયા છે.
 • આસામમાં 1997ની ચૂંટણી વખતે ચૂંટણી પંચે અપનાવેલી સંદિગ્ધ મતદાર સંબંધી ધારણા ગેરબંધારણીય છે. કોઈ વ્યક્તિ મતદાર હોઈ શકે અથવા ન હોઈ શકે એ તો બધા જાણે છે. આપણાં બંધારણમાં સંદિગ્ધ મતદાર જેવી કોઈ વ્યવસ્થા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે તેને કોઈએ હજુ સુધી કોર્ટમાં પડકારી નથી.
 • નાગરિકોને સંદિગ્ધ મતદાર જાહેર કરવા કે તેઓ વિદેશી છે તેવો મત વિદેશી ટ્રિબ્યૂનલ વ્યક્ત કરે ત્યારે તેમને ધરપકડ કરીને જેલમાં પૂરવા એ ખોટું છે. હાલ આસામમાં લગભગ 1900 લોકો જેલમાં છે. તેમાં અડધોઅડધ પરિણીત મહિલાઓ છે. તેમની સાથે નાનાં બાળકો પણ છે. તેમને જે જેલોમાં રાખવામાં આવ્યાં છે તેની વ્યવસ્થા નરક જેવી છે.
 • આસામમાં 2016માં ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા પછી વિદેશી ટ્રિબ્યૂનલમાં જૂડિશલ અધિકારીઓને બદલે પાંચ વર્ષ સુધી કોર્ટમાં પ્રેકટિસ કરી ચૂકેલા 30 વકીલોની નિમણૂંક કરવામા આવી છે. એ પૈકીના ઘણા કથિત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ ધરાવે છે.
 • આસામમાં વિદેશી જાહેર કરવામાં આવેલા લોકોના કેસની કાર્યવાહી ગુવાહાટી હાઈ કોર્ટમાં વર્ષોથી એક જ ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાં કરતા રહ્યા છે. તેમની નિષ્પક્ષતા બાબતે સવાલ ઉઠાવવામાં આવતા રહ્યા છે. આ ખંડપીઠ પર રોટેશન વડે જજ બદલવામાં કેમ નથી આવ્યા એ આશ્ચર્યની વાત છે. ફરિયાદને પગલે ઉજ્જલ ભુયાંને ચોથી જુલાઈથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
 • પંચાયતના સચિવે આપેલા પ્રમાણપત્રને નાગરિકત્વ સાબિત કરવાના પુરાવા તરીકે માન્ય ગણવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી, પણ એનઆરસીમાં એ પ્રમાણપત્રને માન્ય ન ગણીને અન્ય પુરાવા માગવામાં આવ્યા હતા.
 • ઘણા નાગરિકોએ એવી ફરિયાદ કરી હતી કે તેમને વિદેશી ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થવા માટે નોટિસ મળી જ ન હતી અને મળી હતી તો મોડેથી મળી હતી. એ કારણે તેઓ ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. તેથી તેમના કેસનો ચુકાદો એક્સપાર્ટે આપવામાં આવ્યો હતો.

'બાંગ્લાભાષીઓમાં ભય'

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC

ઉપરોક્ત વિવરણથી એ સ્પષ્ટ છે કે બધા પક્ષો NRCની કાર્યવાહી બાબતે સહમત હતા, પણ તેને તૈયાર કરવાની પ્રક્રિયા તથા તેમાં સામેલ મોટાભાગના કર્મચારીઓ આસામી હોવાથી, તેમની બાંગ્લાભાષીઓ પ્રત્યેની ઉપેક્ષાને કારણે તેમના દાવા મામૂલી કારણોસર રદ્દ કરવાના આક્ષેપ થયા છે.

તેનું પરિણામ એ આવ્યું છે કે 30 જુલાઈએ જાહેર કરવામાં આવેલા NRCના મુસદ્દામાં 40 લાખ સાત હજાર 707 લોકો યાદીની બહાર રહી ગયા છે. આ લોકોની સંખ્યા ઘણી મોટી છે.

એક તરફ કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહ કહી રહ્યા છે કે યાદીમાંથી બહાર રહી ગયેલા લોકો સામે વિદેશી લોકો જેવી કાર્યવાહી કરવામાં નહીં આવે અને નાગરિકત્વના મામલામાં અંતિમ ફેંસલા સુધી તેમનું નાગરિકત્વ યથાવત રહેશે.

બીજી તરફ NRCના પ્રકાશનના બે દિવસ પહેલાં રાજનાથ સિંહે જ જાહેરાત કરી હતી કે આસામમાં ભારતની સૌથી મોટી જેલનું નિર્માણ કરવામાં આવશે.

આ વાત આશ્ચર્યજનક છે. તેમાં શું સમજવાનું-તેઓ દિલાસો આપી રહ્યા છે કે ડરાવી રહ્યા છે?

ભાજપના નેતાઓ અમિત શાહ તથા કૈલાસ વિજયવર્ગીય યાદી બહારના લોકોને સતત ઘૂસણખોર કહી રહ્યા છે.

આપણે યાદ રાખવું જોઈએ કે આ લાખો લોકોના જીવન-મરણનો સવાલ છે. 1983માં નેલ્લી નરસંહાર પછી બાંગ્લાભાષીઓના મનમાં મેં જેવો ભય અને નિરાશા જોયાં હતાં, તેવું જ આજે જોવા મળે છે.

એ ભય અને નિરાશા ક્યાંક આક્રોશ અને પ્રતિશોધનું સ્વરૂપ ધારણ ન કરે તો સારું.

આ કિસ્સામાં હિંદુ-મુસ્લિમનું રાજકારણ રમાશે તો અગાઉથી જ અશાંત ઉત્તર-પૂર્વની સમસ્યા વકરી શકે છે. તેને લીધે ઉત્તર-પૂર્વમાં પણ એક ઔર કાશ્મીરનો જન્મ ન થાય તો સારું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો