હરિયાણામાં ભેંસ ચોરવાની શંકા જતાં ટોળાંએ યુવકની હત્યા કરી

દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના પલવલમાં ભેંસ ચોરવાની શંકામાં ગુરુવારે રાત્રે એક યુવકની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે.

સ્થાનિક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ગુરુવારે રાત્રે બહરોલા ગામમાં કેટલાક લોકોના ટોળાએ ભેંસ ચોરવાની શંકાને લઈને ત્રણ યુવકોનો પીછો કર્યો હતો.

તેમણે કહ્યું કે તેમાંથી બે યુવકો ભાગી ગયા, જ્યારે એક યુવકને ટોળાએ પકડી લીધો અને તેની માર મારીને હત્યા કરી નાખી.

તમે આ વાંચ્યું કે નહીં?

પલવલના સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ સુરેશકુમાર આ મામલાની તપાસ કરી રહ્યા છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે આ મામલામાં હાલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.


મરનારની ઓળખ થઈ શકી નથી

Image copyright AFP

એએસઆઈ સુરેશકુમારે બીબીસી સંવાદદાતા અનંત અવસ્થીને કહ્યું, "રાતના સમયે ત્રણ યુવકો ભેંસની ચોરી કરવા માટે આવ્યા હતા."

"જ્યારે યુવકોએ ભેંસો માટે લગાવાયેલી મચ્છરદાની ખોલી તો ત્યાં જ રહેતા ભેંસોના માલિક જાગી ગયા. જે બાદ બે યુવકો ભાગી ગયા જ્યારે એક યુવકને ઝડપી લીધો."

"જે બાદ તે યુવકને ઢોર માર મારવામાં આવ્યો. તપાસમાં યુવકના શરીરની અંદર અનેક ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે."

"આ ઘટનામાં મરનાર યુવકની હજી સુધી ઓળખાણ થઈ શકી નથી. માર્યા ગયેલા યુવકની ઉંમર લગભગ 28 વર્ષ છે."


આવી અન્ય ઘટનાઓ

Image copyright facebook
ફોટો લાઈન આસામના કાર્બી-આંગ્લોંગમાં નીલોત્પલ દાસ અને અભિજીત નાથની હત્યા કરી દેવાઈ હતી

સુરેશકુમારના જણાવ્યા પ્રમાણે આ મામલામાં અત્યારસુધી રામકિશન નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ ચાલી રહી છે.

આ પહેલાં રાજસ્થાનના અલવરમાં હરિયાણાના નૂંહમાં રહેતા રકબર ખાનની માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

રકબર પર અડધી રાત્રે ભીડે એ વખતે હુમલો કર્યો હતો જ્યારે બે ગાયો લઈને તે પગપાળા હરિયાણા જઈ રહ્યા હતા.

જે બાદ તેમને હૉસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું.

થોડા સમય પહેલાં આસામના કાર્બી-આંગ્લોંગ જિલ્લામાં ભીડે બે યુવકોની કથિત રીતે માર મારીને હત્યા કરી દીધી હતી.

ગુજરાતમાં અમદાવાદમાં પણ એક મહિલાની ટોળાંએ માર મારીને હત્યા કરી નાખી હતી.

તાજેતરમાં દાહોદ જિલ્લાના એક ગામમાં પણ ચોરીની આશંકાએ એક શખ્સની ટોળાંએ હત્યા કરી નાખી હતી.


વડા પ્રધાન મોદીની પણ અવગણના

Image copyright Reuters

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની સુપ્રીમ કોર્ટ ટોળાં દ્વારા થઈ રહેલી હિંસક ઘટનાઓને રોકવાની વાત કહી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટે લિંચિંગની ઘટનાઓ પર કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે મૉબ લિંચિંગને એક અલગ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે અને સરકારે તેને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું, "ભય અને અરાજકતાના મામલમાં રાજ્ય એ સકારાત્મક કાર્ય કરવું પડે છે. હિંસાની મંજૂરી આપી શકાતી નથી."

કોર્ટે કહ્યું, "લોકશાહીમાં ભયાનક કૃત્યોને એક નવો માપદંડ બનવાની મંજૂરી આપી શકાતી નથી. તેને કડકાઈથી દબાવવાં જોઈએ."

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી સામાજિક કાર્યકર્તા તહસીન પુનાવાલા અને મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી દ્વારા ગૌરક્ષકોની હિંસા પર તપાસ કરવાની માગની અરજી પર આ સુનાવણી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ