Top News: નોકરી જ ના હોય તો રિઝર્વેશન શું કામનું: નીતિન ગડકરી

નીતિન ગડકરી Image copyright @NITIN_GADKARI

ભાજપના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલન મુદ્દે પોતાનો મત આપતા જણાવ્યું કે અનામતને કારણે રોજગારી મળશે એવી કોઈ ખાતરી નથી. કારણ કે દેશમાં રોજગારી ઘટી રહી છે.

ઝી ન્યૂઝની વેબસાઇટ પર પ્રકાશિત સમાચારમાં ગડકરીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, દરેક સમાજ એવી માગણી કરે છે કે તેઓ ગરીબ અને પછાત છે.

તેમણે કહ્યું, "ધારો કે અનામત આપી દીધી. પરંતુ નોકરીઓ ક્યાં છે? બૅન્કોમાં આઈટી (ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી)ને કારણે નોકરીઓ ઘટી રહી છે. સાથે જ સરકાર દ્વારા પણ ભરતી નથી થઈ રહી."

"અનામત સાથે જોડાયેલી મુશ્કેલી એ છે કે પછાતપણું રાજનીતિનું સાધન બની રહ્યું છે. હાલમાં બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બ્રાહ્મણોનો પ્રભાવ છે. તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ પછાત છે."

તેમણે એવું પણ કહ્યું કે દરેક સમાજમાં એક ખાસ પ્રકારની વિચારધારા ધરાવતા લોકો છે જેઓ એવું ઇચ્છે છે કે તેમને ગરીબ અને પછાત માનવામાં આવે. અને આ બાબતનો લાભ અમુક રાજકીય પક્ષો રાજકારણ માટે કરી રહ્યા છે જે ન થવું જોઈએ.


બૅન્કો દ્વારા ગ્રાહકો પાસેથી દંડ પેટે કુલ 5 હજાર કરોડ રૂપિયા વસૂલાયા

Image copyright AFP

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર વર્ષ 2017-18 દરમિયાન બૅન્ક ખાતામાં મર્યાદિત રકમની જાણવણી ન કરવા પર બૅન્ક દ્વારા લેવામાં આવતા દંડની રકમ 5 હજાર કરોડની આસપાસ છે.

આ યાદીમાં પ્રથમ નંબરે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા છે જેમણે કુલ 2433 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ત્યારબાદ આ યાદીમાં એક્સિસ બૅન્ક, એચડીએફસી બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કનું સ્થાન આવે છે.

આ યાદીમાં જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા 30.87 કરોડ બચત ખાતાનો પણ સમાવેશ થાય છે. આ ખાતાઓ ગરીબો માટે ખોલવામાં આવ્યા હતા જેઓ પોતાના ખાતામાં બૅન્ક દ્વારા નિર્ધારિત કરાયેલી રકમ રાખવા સક્ષમ નથી.


ભારત ડિસેમ્બરમાં હાથ ધરશે ચંદ્રયાન-2 મિશન

Image copyright ISRO

ભારતીય સ્પેશ એજન્સી ઇસરોએ જણાવ્યું કે 'ચંદ્રયાન-2 મિશન' ઑક્ટોબરને બદલે ડિસેમ્બરમાં લૉન્ચ કરવામાં આવશે.

અગાઉ આ મિશનને લૉન્ચ કરવાની તારીખ આ વર્ષની 23 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી પરંતુ આ બીજી વખત બન્યું છે તેની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો હોય.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ પણ ડિસેમ્બરમાં ચંદ્ર પર તેમનું યાન મોકલવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે એ જોવું રહ્યું કે વિશ્વમાં ચંદ્ર પર હાજરી નોંધાવનારો ચોથો દેશ ભારત બનશે કે ઇઝરાયલ.

હાલમાં રશિયા, ચીન અને અમેરિકા ચંદ્ર પર પોતાનું સ્થાન નોંધાવી ચૂક્યા છે.

'ચંદ્રયાન-2 મિશન'માં કરવામાં આવેલા વિલંબ અંગે ઇસરોનું કહેવું છે કે આ મિશન ખૂબ જ સાવધાની પૂર્વક પાર પાડવું પડશે જેને માટે થોડો સમય લાગશે. બધી બાબતોને સંપૂર્ણ રીતે ચકાસ્યા બાદ આ મિશન હાથ ધરવામાં આવશે.


કોંગ્રેસ નેતા અહેમદ પટેલને 25 લાખ રૂપિયાની લાંચ મળી છે

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સ્થિત ફાર્મ કંપની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના હવાલા કેસમાં કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલનું નામ પણ બહાર આવ્યું છે.

ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ ગુરુવારના રોજ દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી કે અજાણ્યા શખ્સ દ્વારા 25 લાખ રૂપિયાની લાંચ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલના દિલ્હી સ્થિત ઘરે મોકલવામાં આવી હતી.

ઈડીએ આ મામલા સાથે જોડાયેલા રનજીત મલિકની રિમાન્ડની માગણી સાથે સમગ્ર કેસને લગતી માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રનજીતની આ અઠવાડિયે જ ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થિત આ ફાર્મા કંપનીએ આંધ્રા બૅન્ક દ્વારા ચાલતી મંડળી પાસેથી પાંચ હજાર કરોડથી વધારે રૂપિયાની લૉન લીધી હતી જેને બાદ નૉન પર્ફોર્મિંગ એસેટ્સ જાહેર કરી દેવાઈ હતી.

ત્યારબાદ સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગયા વર્ષે ઈડીએ દિલ્હીના વેપારી ગગન ધવનની ધરપકડ કરી હતી.

તેમની પર આરોપ હતો કે તેમણે સ્ટર્લિંગ ગ્રૂપના ડિરેક્ટર્સને અન્ય મિલકતો ખરીદવામાં અને બૅન્ક લૉનની ભરપાઈથી બચવામાં મદદ કરી હતી.

ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે તપાસમાં માલુમ પડ્યું કે મલિક, ગગન ધવનના નાણાકીય વ્યવહારને મેનેજ કરતો હતો.

ઈડીએ એવું પણ કહ્યું કે મલિક નીચે કામ કરતા રાકેશ ચંદ્રાએ એવું કબૂલ્યું છે કે તેમણે અહેમદ પટેલના ઘરે પૈસા પહોંચાડ્યા હતા.


સિન્ધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ

Image copyright JUNG YEON-JE/AFP/GETTY IMAGES

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ભારતનાં બેડમિન્ટ ખેલાડી પી. વી. સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જાપાનની યકાને યામાગુચીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

શનિવારે રમાયેલી આ મેચમાં સિંધુએ 21-16, 24-22થી યામાગુચીને પછાડી હતી.

ચીન ખાતે ચાલી રહેલા આ વિશ્વ કપમાં સિન્ધુ રવિવારે સ્પેનની કૈરોલિના મારિન સાથે ફાઇનલ મેચમાં ટકરાશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં આ ચેમ્પિયનશીપમાં સિંધુએ સિલ્વર મેડલ હાસિલ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો