દૃષ્ટિકોણ : ઈરાન પર પ્રતિબંધ, ત્રણ મહિનામાં ભારતમાં ઑઇલની તંગી સર્જાશે

ક્રૂડ ઓઇલ

ઇમેજ સ્રોત, Reuters

ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધનો પહેલો તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે, એની અસર ભારત પર પણ થશે.

ઇરાક અને સાઉદી અરબ પછી ઈરાન ભારતને ઑઇલ વેચતો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ગયા અઠવાડિયે એવા સમાચાર આવ્યા હતા કે સરકારી ઑઇલ કંપનીઓએ જુલાઈમાં ઈરાન પાસેથી તેલની મોટાપાયે ખરીદી કરી હતી.

પ્રતિબંધનો બીજો તબક્કો ચોથી નવેમ્બરથી શરૂ થશે, ત્યારે ખરીદીનો આ ક્રમ અટકી જશે.

બીબીસી સંવાદદાતા વિભુરાજે આ મુદ્દે બિઝનેસ જર્નલિસ્ટ શિશિર સિંહા સાથે વાત કરી અને પૂછ્યું કે ભારત પર તેની કેટલી અસર થઈ શકે?

શિશિર સિંહાનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતને ક્રૂડ ઑઇલ પૂરા પાતા ચાર મુખ્ય દેશો છે - ઈરાન. ઇરાક, સાઉદી અરબ અને વેનેઝુએલા. અત્યાર સુધી ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોની અસર ભારત પર થાય એ માટે કેટલીક વ્યવસ્થા કરી હતી.

ભારતે રૂપિયા-રિયાલ કરાર કર્યો હતો, જે અંતર્ગત આપણે રૂપિયામાં ચૂકવણી કરી શકતા હતા.

બીજું કે આપણી બાર્ટર સિસ્ટમ પણ લાગુ હતી, જે અંતર્ગત ખાદ્યપદાર્થના બદલે આપણને ક્રૂડ ઑઇલ મળી રહેતું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વ્યવસ્થા હજુ પણ લાગુ છે, પણ અમેરિકાના પ્રતિબંધ સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ આ વ્યવસ્થા બિનઉપયોગી થઈ જશે. વ્યાપક સમસ્યા નવેમ્બરથી શરૂ થશે. અમેરિકન પ્રતિબંધ બે તબક્કામાં છે.

પહેલો તબક્કો છઠ્ઠી ઑગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, ત્યારબાદ ડૉરલથી રિયાલ ખરીદી નહીં શકાય અને રિયાલથી ડૉલર પણ ખરીદી નહીં શકાય.

બીજા તબક્કામાં નવેમ્બરથી ક્રૂડ ઑઇલના પરિવહન માટે અમેરિકન ટૅન્કરોનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

તેલનો એક સ્રોત બંધ?

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગની ખાનગી કંપનીઓએ ઈરાનથી તેલ મંગાવવાનું ઓછું કરી દીધું છે અને જે સરકારી કંપનીઓ જૂના કરારને વહેલી તકે પતાવટ કરવામાં લાગ્યા છે.

એટલે જ જૂન-જુલાઈમાં ભારતમાં ઈરાનથી મોટી માત્રામાં ક્રૂડ ઑઇલ આવ્યું, જેની તમે કદાચ નોંધ લીધી હશે.

અહીં સુધી તો સ્થિતિ ઠીક છે, પણ નવેમ્બરથી ભારત ઈરાન પાસે ક્રૂડ ઑઇલ ખીરીદી નહીં શકે, કારણ કે અમેરિકન ટૅન્કરોનો ઉપયોગ કરવો શક્ય નહીં હોય.

આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્ત્વની ગણાતી રિએશ્યોરૅન્સ પૉલિસી પ્રભાવમાં નહીં રહે, કારણ કે તે પણ અમેરિકન કંપનીઓ ઉપલબ્ધ કરાવે છે. આપણી સામે એ સમસ્યા ઊભી થશે કે ક્રૂડ ઑઇલનો ભારતનો એક સ્રોત બંધ થઈ જશે.

આ સ્થિતિમાં વેનેઝુએલા ભારત માટે બીજો વિકલ્પ સાબિત થઈ શકે છે, પણ એવા સમાચાર છે કે તેમના વિરુદ્ધ પણ પ્રતિબંધો લગાવાય એવી શક્યતા છે. જો એવું થયું તો ભારત માટે ક્રૂડ ઑઇલની માગ પૂરી કરવી મુશ્કેલ થશે અને નવા સ્રોતો શોધવાની ફરજ પડશે.

જોકે, હાલમાં ભારત માટે કોઈ મોટી પરેશાની થાય એવું લાગતું નથી, પણ જો આવી જ સ્થિતિ રહી તો નવેમ્બર પછી આપણી ચિંતા ચોક્કસ વધી જશે.

શું કોઈ રસ્તો નીકળી શકે?

ઇમેજ સ્રોત, EPA

એનાથી બચવાનો એક રસ્તો છે. જો અમેરિકા ભારતને છૂટછાટ આપી દે કે ભારત ઈરાન પાસેથી ક્રૂડ ઑઇલ ખીરીદી શકે છે, જેની ચૂકવણી યુરો કે અન્ય કરન્સી દ્વારા કરી શકાશે તો એનાથી અમારો રસ્તો સરળ થઈ જશે, પણ અત્યારે તો અમેરિકા શાંત થાય એવું લાગતું નથી.

એવામાં જો આપણે આશા રાખીએ કે તમામ પ્રતિબંધો પછી નવેમ્બરમાં ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ઑઇલ લેવાની પરવાનગી આપશે અને એ પણ તેમના ટૅન્કરો દ્વારા તો એવું થવાની શક્યતા નહિવત્ છે.

ઈરાન-ભારત સંબંધો પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષી સંબંધ એક અલગ જ મુદ્દો છે, પણ સમસ્યા એ છે કે ઈરાનથી કોઈ માલ નીકળે અને એ ભારત જ ન પહોંચે એટલે કે વચ્ચેનું માધ્યમ જ જો તૂટી જાય તો દેશોના સંબંધ કઈ ખાસ કરી જ ન શકે.

દ્વિપક્ષી સંબંધ પોતાની જગ્યાએ છે પણ માધ્યમ જ તૂટી જાય તો વેપાર કેવી રીતે શક્ય બની શકે.

હવે પ્રશ્ન એ છે કે જો ડૉલરમાં વેપાર થતો હોત તો ભારતને શું મદદ મળી હોત?

આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટાભાગની ચૂકવણી ડૉલરમાં થાય છે. ડૉલરમાં તેની સ્વીકૃતિ વધારે છે. ડૉલરમાં જો વેપાર ચાલુ રહ્યો હોત તો એ ભારત માટે સવલત થઈ જાત.

પણ ભારતે ઈરાન સાથે રિયાલ-રૂપિયા કરાર કર્યો છે, બાર્ટર સિસ્ટમને મંજૂરી આપી છે, ત્યારે દર વખતે એ જ મુદ્દો આવશે કે વચ્ચેનું માધ્યમ જ ખતમ થઈ જશે તો વેપાર કેવી રીતે થશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો