'જન ગણ મન' વિશે વિવાદ પછી શું હતો ટાગોરનો જવાબ

ટાગોર

ઇમેજ સ્રોત, Getty Images

'ગીતાંજલિ', 'રાજર્ષિ', 'ચોખેર બાલી', 'નૌકાડુબી', 'ગોરા'... રવીંદ્રનાથ ટાગોરના સાહિત્ય સંસારના આ કેટલાક પ્રસિદ્ધ નામ છે, પણ તેમના સાહિત્યનો વ્યાપ તેનાથી પણ વિશાળ છે.

સાહિત્યનું નોબેલ મેળવનારા રવીંદ્રનાથ ટાગોરને સૌપ્રથમ મહાત્મા ગાંધીએ ગુરુદેવ કહ્યા હતા. સાતમી ઑગસ્ટ રવીંદ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે.

7 મે, 1861ના રોજ ટાગોરનો જન્મ તે વખતના કલકત્તામાં (હવે કોલકાતામાં) થયો હતો.

એવું કહેવાય છે કે રવીંદ્રનાથ ટાગોરે આઠ વર્ષની ઉંમરે જ કવિતા લખવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે લખેલું ગીત 'જન ગણ મન' પ્રથમવાર 27 ડિસેમ્બર, 1911ના રોજ કલકત્તામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનના બીજા દિવસના પ્રારંભમાં ગાવામાં આવ્યું હતું.

'અમૃત બાઝાર પત્રિકા' અખબારમાં તે પછીના દિવસે આ અંગેનો અહેવાલ છપાયો હતો.

'બંગાલી' નામના અખબારમાં પણ સમાચાર પ્રગટ થયા હતા કે ગુરુદેવે લખેલા દેશભક્તિના ગીતથી દિવસના કાર્યક્રમોનો આરંભ થયો હતો.

ટાગોરનું આ ગીત સંસ્કૃતપ્રચુર બંગાળી ભાષામાં હતું, તેવું 'બૉમ્બે ક્રૉનિકલ' નામના અખબારે પણ લખ્યું હતું.

શાસકના ગુણગાન!

ઇમેજ સ્રોત, E. O. HOPPE/HULTON ARC

એ જ વર્ષે અંગ્રેજ સમ્રાટ જ્યોર્જ પંચમ પોતાના પત્ની સાથે ભારતના પ્રવાસે આવ્યા હતા.

તત્કાલિક વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ્ઝના કહેવાથી જ્યોર્જ પંચમે બંગાળનું વિભાજન કરવાની વાત રદ કરી દીધી હતી અને ઓડિશાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

શું તમે આ વાંચ્યું?

આ નિર્ણય બદલ કોંગ્રેસના અધિવેશનમાં જ્યોર્જ પંચમની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

'જન ગણ મન' ગીત બાદ જ્યોર્જ પંચમની પ્રશંસામાં બીજું ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું.

બ્રિટનના સમ્રાટ ભારત આવ્યા તે પછી જ રામભુજ ચૌધરીએ તેમના માટે આ ગીત લખ્યું હતું.

આ ગીત હિંદીમાં હતું અને બાળકો પાસે તેને ગવરાવવામાં આવ્યું હતું.

તે ગીતના શબ્દો હતા: 'બાદશાહ હમારા...' કેટલાંક અખબારોમાં આ ગીત વિશેના સમાચારો પણ લખાયા હતા.

રામભુજનું નામ આજે બહુ જાણીતું નથી. તે વખતે પણ બહુ ઓછા લોકો તેમના વિશે જાણતા હતા.

તેમની સામે ટાગોર પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર હતા.

જોકે, અંગ્રેજોની તરફેણ કરનારા કેટલા અખબારોએ એવી રીતે આ સમાચાર પ્રગટ કર્યા કે સમ્રાટની પ્રસંશા કરનારું ગીત ટાગોરે લખ્યું હતું તેવી છાપ ઉપસી હતી.

ત્યારથી જ તે વિવાદ ચાલુ થઈ ગયો હતો તે હજી સુધી ચાલતો રહે છે કે શું ગુરુદેવે અંગ્રેજ શહેનશાહની પ્રસંશામાં તો આ ગીત નહોતું લખ્યુંને?

ટાગોરની સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, SURAJ KUMAR

આ ગીત વિશે તેમના લેખક ટાગોરે 1912માં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ગીતમાં 'ભારત ભાગ્ય વિધાતા' શબ્દ વપરાયો છે, તેના માત્ર બે જ અર્થ થઈ શકે છેઃ દેશની જનતા, અથવા તો સર્વશક્તિમાન ઉપરવાળો, જેને ભગવાન કહો, દેવ કહો જે કહો તે.

ટાગોરે વિવાદને નકારી કાઢીને 1939માં એક પત્ર લખ્યો હતો, ''મને આવી મૂર્ખતા કરનારો માનનારા લોકોને જવાબ આપવો તેને પણ હું મારા માટે અપમાનજનક સમજું છું.''

આ ગીતની વિશેષતા એ હતી કે તે વખતે વ્યાપેલા ઉગ્ર રાષ્ટ્રવાદથી તે અલગ અંદાજનું હતું.

તેમાં રાષ્ટ્રના નામે બીજાની મારકાપની કોઈ વાત નહોતી.

ગુરુદેવે આ દરમિયાન એક નાનકડી પુસ્તિકા પણ પ્રગટ કરી હતી, જેનું શિર્ષક હતું 'નેશનલિઝમ'.

પોતાના ગીત 'જન ગણ મન અધિનાયક જય હે'ની ભાવનાની જેમ જ તેમણે આ પુસ્તિકામાં સમજાવ્યું હતું કે સાચો રાષ્ટ્રવાદી એ જ કહેવાય જે બીજાની સામે આક્રમક ના બને.

આગળના વર્ષોમાં 'જન ગણ મન અધિનાયક જય હે' ગીત એક ભજનની જેમ ગવાવા લાગ્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનોમાં હંમેશાં તેનાથી જ શરૂઆત કરવામાં આવતી હતી.

1917માં ટાગોરે જ ગીતની સ્વરરચના કરી હતી.

તેમણે તૈયાર કરેલી ધૂન એટલી મધુર હતી કે ગીત તરત જ લોકોના દિલમાં ઊતરી જતું હતું.

(પંજાબ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર એમ. રાજીવલોચનનો આ લેખ પ્રથમવાર 8 જુલાઈ, 2015ના રોજ બીબીસી હિન્દીમાં પ્રગટ થયો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો