BBC Top News : વૉટ્સઍપ કેવી રીતે બ્લૉક કરવું એ અંગે સરકારે સૂચનો મંગાવ્યા

ઇમેજ સ્રોત, Reuters
પ્રતીકાત્મત તસવીર
આગામી દિવસોમાં ટેલિકૉમ વિભાગ વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓને બ્લૉક કરવાના પગલાં પણ લઈ શકે છે.
'એનડીટીવી'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે વૉટ્સઍપ ઉપરાંતની સેવાઓની જરૂર પડે ત્યારે બ્લૉક કેવી રીતે કરી શકાય એ અંગે સરકારે સૂચનો મંગાવ્યા છે.
અહેવાલમાં લખ્યું છે કે તાજેતરમાં ટેલિકૉમ વિભાગે ટેલિકૉમ ઓપરેટર્સ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ તથા સેલ્યુલર ઑપરેટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં આઈટી એક્ટની કલમ 69A અંતર્ગત આ ઍપ્લિકેશન્સને બ્લૉક કેવી રીતે કરી શકાય એ અંગે સૂચનો માંગ્યા છે.
આઈટી એક્ટની કલમ 69Aમાં અંતર્ગત કમ્પ્યૂટર રિસોર્સમાંથી કોઈ માહિતી કે ડેટાને જાહેર થતી અટકાવાની સત્તા છે.
વૉટ્સઍપ પર વધી રહેલાં ફેક ન્યૂઝના ફેલાવા અને વૉટ્સઍપ મૅસેજના કારણે ટોળાંઓએ કરેલી હત્યા સંદર્ભે સરકાર દ્વારા આ પ્રકારના પગલાં લેવાઈ રહ્યાં હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
યૂપીનાં દેવરિયાનાં બાલિકાગૃહમાંથી 24 કિશોરીઓને રેસ્ક્યૂ કરાઈ
બિહારના સરકારની મદદથી ચાલતાં બાલિકાગૃહમાં કિશોરીઓ પર શારીરિક શોષણની બહાર આવેલી ઘટના હજુ તાજી જ છે. ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક ખાનગી બાલિકાગૃહમાંથી 24 કિશોરીઓને રેસ્ક્યૂ કરાવાઈ છે.
'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે દેવરિયામાં એક યુગલ આ બાલિકાગૃહનું સંચાલન કરતું હતું અને તેઓ બાલિકાગૃહની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાની વિગતો બહાર આવી છે.
ગિરિજા ત્રિપાઠી, તેમના પતિ મોહન ત્રિપાઠી અને તેમની દીકરીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 24 કિશોરીઓને રેસ્ક્યૂ કરી છે, જ્યારે અન્ય 18 કિશોરીઓ રવિવાર રાતથી ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાલિકાગૃહને ત્રણ વર્ષ સુધી સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું. 10 વર્ષીય બાળકી આ બાલિકાગૃહમાંથી ભાગી નીકળી અને પોલીસને જાણ કરી ત્યારે બાલિકાગૃહની હકીકત બહાર આવી હતી.
રાજ્યસભામાં ઓબીસી બિલ પસાર થયું
ઇમેજ સ્રોત, Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સંસદના ચોમાસું સત્રમાં ઓબીસી બિલ તરીકે ઓળખાતા 'ધ પેસેજ ઑફ ધ કૉન્સ્ટિટ્યૂશન (123 એમૅન્ડમેન્ટ) બિલ 2017’ને સોમવારે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું.
એનસીબીસી દ્વારા તૈયાર કરાયેલા આ બિલને લોકસભામાં ગયા વર્ષે મંજૂરી આપવામાં આવી હતી.
આ બિલમાં ઓબીસી ગણાતી જાતિના લોકોના હકોને રક્ષણ આપવાની વાત કરાઈ છે.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે, વર્ષ 2019માં જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આ પ્રકારના બિલથી કેન્દ્ર સરકાર એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરશે કે તેઓ પછાત જાતિઓના પડખે છે અને તેમના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે.
પેપર તપાસવામાં ભૂલ કરનારા 6000 શિક્ષકોનાં નામ પ્રકાશિત કરાશે
ઇમેજ સ્રોત, Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલ કરનાર 6 હજાર જેટલા શિક્ષકોનાં નામ ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતા શિક્ષણની જર્નલમાં પ્રકાશિત કરાશે.
પરીક્ષાની ઉત્તરવહી તપાસવા માટે આશરે 20 હજાર જેટલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી.
આ પૈકી ઉત્તરવહી તપાસવામાં વધારે ભૂલો કરનાર 6,634 શિક્ષકોના નામથી યાદી તૈયાર કરવામાં આવી છે. જેમના વિરુદ્ધ કાર્યવાહી સ્વરૂપે તેમના નામ જર્નલમાં પ્રકાશિત કરાશે.
આ જર્નલની 17 હજાર પ્રતો દર મહિને પ્રકાશિત થાય છે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ પગલાંને શિક્ષક સંગઠનોનું સમર્થન મળી રહ્યું હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
ઓસામાના દીકરાએ 9/11ના હાઇજેકરની દીકરી સાથે લગ્ન કર્યા
ઇમેજ સ્રોત, Getty Images
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે અલ-કાયદાના પૂર્વ નેતા ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને 9/11ના હાઇજેકરની દીકરી સાથે લગ્ન કર્યા છે.
હમઝા બિન લાદેને મોહમ્મદ અત્તાની દીકરી સાથે લગ્ન કર્યા છે. મોહમ્મદ અત્તા સપ્ટેમ્બર 2011માં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલામાં મુખ્ય હાઇજેકર હતા. જેમાં 1600થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.
ઓસામા બિન લાદેનના સાવકા ભાઈ અહેમદ અને હસન અલ-અત્તાએ 'ધ ગાર્ડિયન' સાથે ની વાતચીતમાં આ અંગે જણાવ્યું હોવાનો ઉલ્લેખ આ અહેવાલમાં કરાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો