બ્લૉગ : બાલિકા ગૃહમાં કેવી છોકરીઓ રહે છે ?

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
બાલિકા ગૃહની તસવીર
ઇમેજ કૅપ્શન,

મુજફ્ફરપુર બાલિકા ગૃહ

બિહારના મુઝફ્ફરપુરથી 46 અને ઉત્તર પ્રદેશના દેવરિયાથી 24 છોકરીઓ. આટલી મોટી સંખ્યામાં એક જ ઇમારતમાં રહેતી છોકરીઓ સાથે , લાંબા સમય સુધી, ચૂપચાપ, યૌન હિંસા કેવી રીતે થઈ શકે?

આ છોકરીઓ કંઈ પણ બોલી નહીં? તેમણે ઇનકાર કેમ ન કર્યો? એક સાથે રહેતી હતી તો એકબીજાથી હિંમત ન મેળવી શકી?

જે પરિવારજનોની મારપીટથી ભાગીને અહીંયા આવી છે. એ તસ્કરોથી બચીને આવી છે જેની ચુંગાલમાં કદાચ તેના પરિવારજનોએ જ ફસાવી હતી.

દેહ વ્યાપારથી બચીને આવી છે અથવા તો બાળ-મજૂરીથી છોડાવવામાં આવી છે.

પતિના બળાત્કારથી બચીને આવી છે અથવા તો તેમણે છોડી દીધી તો આશરો શોધતી આવી છે.

બળાત્કાર બાદ સમાજે બહિષ્કાર કરી દીધો, પરિવાર શરમજનક થઈ ગયો તો એ તમામ લોકોની ઇજ્જત બચાવવા અને પોતાનું મોઢું સંતાડવા માટે આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ બીમારીએ શરીર અથવા તો મગજને અપંગ બનાવી દીધું અને પરિવારજનોએ 'ભાર' સમજીને રસ્તે રજળતી મૂકી દીધી તો પોલીસની મદદથી અહીંયા આવી છે અથવા તો જો માબાપની પસંદ વિરુદ્ધ પ્રેમ કર્યો તો જીવ બચાવવા માટે અહીંયા આવી છે.

અહીંયા એટલે કે એ જગ્યાએ જે સરકાર દ્વારા આ પ્રકારની બેઘર અને લાચાર સમજવામાં આવતી મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને દેખરેખ માટે બનાવાઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ત્યાં એમને કોઈ 'ફેંકેલી' ચીજ જેવી સમજવામાં આવી. જેની કોઈ કિંમત નથી, કોઈ ઇજ્જત નથી, કોઈ અસ્તિત્વ નથી.

આ બેઘર થયેલી મહિલાઓ સાથે થયેલી યૌન હિંસાથી કોઈને ફરક પડ્યો નથી.

ના તો આ પ્રકારના ગૃહ ચલાવનારાઓને, ના તો તેમની પાસે દેહ વેપાર કરાવનારાઓને ના તો પુરુષોને.

નર્કના ખાડાઓ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1969માં ભારત સરકારના સામાજિક કલ્યાણ વિભાગે 'શૉર્ટ સ્ટે હોમ' બનાવ્યાં હતાં.

જેથી આ પ્રકારની કોઈ પણ મહિલાઓ અને બાળકો 'ખોટા કામ'માં ફસાઈ ન જાય અથવા તો 'મુસીબતમાં ફસાઈ ન જાય'

ત્યારબાદ અનેક યોજનાઓ બની, કાયદાઓ આવ્યા પરંતુ મુસીબતથી બચાવવાની જગ્યાએ, ખોટા કામમાં ફસાવતા ગયા.

વર્ષ 2013માં 'એશિયન સેન્ટર ફૉર હ્યુમન રાઇટ્સ'એ આ પ્રકારના 'શૅલ્ટર હોમ્સ'ની એક તપાસ કરી હતી અને તેમણે આ સ્થળોને 'ઇન્ડિયાઝ હેલ હોલ્સ' એટલે કે ભારતના 'નર્કના ખાડા'ની સંજ્ઞા આપી હતી.

રિપોર્ટ મુજબ ભારતમાં બાળકો સાથે બળાત્કારના કુલ બનાવોમાં કેટલાક આ પ્રકારના હોમ્સમાં જ થઈ રહ્યા છે અને તેમાં નિશાન પર મોટાભાગે બાળકીઓ જ છે.

આ પ્રકારની ઘટનાઓ નાના શહેરોમાં જ નહીં પરંતુ, દિલ્લી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ થઈ રહી છે.

બાળકો માટે બનાવવામાં આવેલા કોઈ પણ 'હોમ'ની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત નોંધણી કરાવવી ફરજિયાત છે પરંતુ રિપોર્ટ મુજબ મોટાભાગના ગૃહની નોંધણી થઈ નથી.

તો ઉપાય શું છે? બિહાર અને ઉત્તર પ્રદેશના બનાવો બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચન કર્યું છે કે પ્રત્યેક રાજ્યમાં એક મોટી જગ્યા હોવી જોઈએ જ્યાં આ પ્રકારની મહિલાઓ અને બાળકોને રાખી શકાય અને તેનું સંચાલન સરકાર દ્વારા થવું જોઈએ.

સરકારી તંત્ર પણ જો આ ઘરોમાં રહેનારાઓની કિંમત ન સમજે તો સરકારી કે બિન સરકારી ગૃહોની વચ્ચે કોઈ અંતર નથી.

બેકાર, બે

ઇમેજ સ્રોત, Getty Images

બિહારના મુઝફ્ફરપુરના બાલિકા ગૃહમાં રહેતી છોકરીઓ પણ 'રેડ લાઇટ' વિસ્તારો અથવા તો 'બદનામ' વિસ્તારોમાંથી લાવવામાં આવી હતી.

અથવા તો કોઈ સમસ્યામાં પોતાના પરિવારને ગુમાવ્યા બાદ નિ:સહાય થયા બાદ અહીંયા પહોંચી હતી.

આ બિન સરકારી ગૃહ હતું અને પાછલા પાંચ વર્ષથી બાળ સંરક્ષણ વિભાગ દ્વારા આ ગૃહનું સંચાલન કરી રહેલા શખ્સને વારંવાર ટૅન્ડર આપવામાં આવી રહ્યું હતું.

નિયમ મુજબ જેને ટૅન્ડર આપવા યોગ્ય માનવામાં આવે તે એનજીઓની ચકાસણી થવી જોઈએ. બાદમાં જ તેમને ટૅન્ડર અપાવવું જોઈએ પરંતુ એવું થયું નહીં.

આ છોકરીઓ સાથે બળાત્કાર કરનારાઓએ તેમને એ જ નજરથી જોઈ જે નજરથી તેમના પરિવારજનો અથવા તો નજીકના લોકોએ તેમને બેકાર સમજી હતી.

અખબારોમાં તેમના બળાત્કારના અનેક સમાચારો છપાયા છતા તેમના સમર્થનમાં વધારે રેલીઓ નીકળી નથી.

કૉલેજના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ આ પ્રકારની તખ્તીઓ લઈને રસ્તાઓ પર નથી ઊતર્યાં, જેમાં લખ્યું હોય કે 'મારાં કપડાંને મારા બળાત્કાર સાથે કંઈ જ લેવા-દેવા નથી'.

આપણે જ કંઈ ન બોલ્યા તો એ છોકરીઓ શું બોલતી.

ઘર અને સમાજથી નકારાયેલી, કોઈની રહેમ અને દયામાં જીવન વિતાવતી આ છોકરીઓને તો એ પણ ખબર નથી કે 'શૅલ્ટર હોમ્સ' ની વિરુદ્ધ ફરિયાદ ક્યાં કરી શકાય.

ફરિયાદ કરશે તો વધારે હિંસા સહન કરવી પડશે? અથવા અહીંયાથી કાઢી મૂકશે તો ક્યા જશે? કોના પર વિશ્વાસ કરશે?

આખરે તેમણે અવાજ ઉઠાવ્યો. ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક છોકરી ભાગી ગઈ અને પોલીસ પાસે પહોંચી ગઈ.

જ્યારે 'ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' ની ટીમ દ્વારા બિહારના બાલિકા ગૃહોની પરિસ્થિતિની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો તો ત્યાં હિંસાનો શિકાર થઈ રહેલી છોકરીઓએ હિંમત કરી.

જ્યારે એ અલગ વાત છે કે આ રિપોર્ટ રાજ્યના કલ્યાણ વિભાગને ફેબ્રુઆરીમાં સોંપવામાં આવ્યો હતો પરંતુ કાર્યવાહી જૂનમાં જ થઈ.

હકીકતે સવાલ એ નથી કે બાલિકા ગૃહમાં ક્યા પ્રકારની છોકરીઓ રહે છે? પરંતુ સવાલ એ છે કે ક્યા પ્રકારના લોકો બાલિકા ગૃહનું સંચાલન કરે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો