ઉત્તર પ્રદેશના દેવરિયાના શોષણકાંડની પૂરી કહાણી

ઉત્તર પ્રદેશના દેવરિયાનું બાલિકા સંરક્ષણ ગૃહ Image copyright JITENDRA TRIPATHI

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બાલિકા સંરક્ષણ ગૃહમાં બાળકીઓ સાથે થઈ રહેલા કથિત યૌન શોષણ સંબંધે સરકારે પગલાં લઈને જિલ્લા અધિકારીને હટાવી દીધા છે.

કેટલાક અન્ય અધિકારીઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાળ સંરક્ષણ ગૃહના બે સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

સૌથી મોટો સવાલ એ છે કે એક ગેરકાયદે ચાલતા સંરક્ષણ ગૃહમાં બાળકીઓને પરત મૂકવા પોલીસ જાતે જ શા માટે આવતી હતી?

દેવરિયા રેલ્વે સ્ટેશનથી માત્ર 100 મીટરનાં અંતરે એક જૂની ઇમારતનાં પ્રથમ માળ પરના આ સંરક્ષણ ગૃહને હાલ પૂરતું તો સીલ કરી દેવામાં આવ્યું છે.

સંરક્ષણ ગૃહના કર્મચારીઓ ભાગી ગયા છે કે પછી ભગાડી દેવામાં આવ્યા છે.

આજુબાજુનાં લોકોને એ વાતનું આશ્ચર્ય છે કે આ બધું આટલા નજીકમાં થતું હોવા છતાં તેમને તેની ગંધ પણ આવી નહીં.


સ્તબ્ધ છે સ્થાનિક લોકો

Image copyright JITENDRA TRIPATHI
ફોટો લાઈન ગિરિજા ત્રિપાઠી અને તેમના પતિ બાલગૃહ ઉપરાંત પરિવાર પરામર્શ કેન્દ્ર પણ ચલાવતા હતા

જે ઇમારતના ઉપરના માળે મા વિંધ્યવાસિની બાલિકા સંરક્ષણ ગૃહ છે, એ જ ઇમારતના નીચલા માળે કે. પી. પાંડેયની સ્ટેશનરીની દુકાન છે અને એક પ્રિંટિંગ પ્રેસ પણ છે.

ઇમારતનાં પાછલા ભાગની બિલકુલ સામે એમનું પૈતૃક મકાન છે.

કે. પી. પાંડેયે કહ્યું હતું, "અહીં આવું બધું થતું હોવાનો અમને તો અંદેશો પણ ન હતો. પોલીસવાળા અહીંથી છોકરીઓને લઈ જતા હતા અને પાછી મૂકી જતા હતા.

"છોકરીઓ સ્કૂલે પણ જતી હતી અને ઘણીવાર અમે તેમને પિકનિક પર જતાં પણ જોઈ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

કે. પી. પાંડેયના જણાવ્યા મુજબ, ગિરિજા ત્રિપાઠીની આ સંસ્થા ઘણી જૂની છે, પણ આઠ વર્ષ પહેલાં તેમણે મકાનનો ઉપરનો માળ ભાડે લઈને બાલિકા સંરક્ષણ ગૃહ શરૂ કર્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર, દિવસ દરમ્યાન અહીં કોઈ વાંધાજનક હિલચાલ જોવા મળતી નહોતી. જોકે, એ પછી શું થતું હતું તેની તેમને ખબર નથી.

સંસ્થાના પાડોશમાં રહેતા મણિશંકર મિશ્રએ જણાવ્યું હતું કે ગિરિજા ત્રિપાઠી અને એમનાં પતિ બાલગૃહ સિવાય પરિવાર સલાહ કેન્દ્ર પણ ચલાવે છે. આ લોકોએ કેટલાય પરિવારોને આપસમાં મેળવવાનું કામ પણ કર્યું છે.

આ ઉપરાંત એમની પાસે લોકો લગ્ન-સગાઈ મુદ્દે પણ સલાહ લેવા આવતા હતા.


કરોડોનાં માલિક છે ગિરિજા ત્રિપાઠી

Image copyright JITENRDA TRIPATHI

મણિશંકર મિશ્રએ દાવો કર્યો હતો કે ખાંડની મિલમાં એક વખત સામાન્ય નોકરી કરતા ગિરિજા ત્રિપાઠીનાં પતિ આજે કરોડોની સંપત્તિના માલિક છે અને આ પ્રકારની ઘણી સંસ્થા ચલાવે છે.

તેમ છતાં ગિરિજા ત્રિપાઠીનો બચાવ કરતાં મણિશંકર મિશ્રએ કહ્યું હતું, "આ લોકો બાળકીઓને દત્તક આપતા હતા. એમનાં લગ્ન પણ કરાવતાં હતાં.

"જે 18 છોકરીઓ ગૂમ થવાની વાત કહેવામાં આવી રહી છે એમને આવી જ જગ્યાએ મોકલવામાં આવી હોય એવું બની શકે છે. આવું થયું હોય તો છોકરીઓ બચી પણ શકે છે."

પાડોશીઓનું કહેવું છે કે અહીં મોટે ભાગે વગદાર લોકો આવતા હતા અને ગિરિજા ત્રિપાઠીને પણ શહેરનાં ઘણાં કાર્યક્રમમાં અતિથિ તરીકે બોલાવવામાં આવતાં હતાં.

વાસ્તવમાં અહીંયા એમની છાપ એક સમાજસેવિકા તરીકેની છે. તેઓ ઘણી સરકારી સંસ્થાઓનાં માનદ સભ્ય છે, તમામ અગ્રણી લોકો સાથે એમની તસવીર જોવા મળે છે.

જેમની સાથે એમની તસવીર છે, તેઓ અત્યારે પોતાનો બચાવ કરતા નજરે ચઢી રહ્યા છે એ અલગ વાત છે.

આ બાલિકા સંરક્ષણ ગૃહનાં સંચાલન, તેના પર થયેલી કાર્યવાહી અને નોંધણી રદ થયા બાદ પણ તે બેરોકટોક ચાલતું રહ્યું એ મુદ્દે વહીવટીતંત્રની બેદરકારી અને સાંઠગાંઠના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

હાલ સ્થિતિ એ છે કે નોંધણી રદ કરવાનાં આદેશને એક વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં સંરક્ષણ ગૃહની દિવાલો પર 'ઉત્તર પ્રદેશ સરકારની માન્યતાપ્રાપ્ત' એવાં પાટિયાં ઠેરઠેર લટકે છે.


એક વર્ષ બાદ એફઆઈઆર

Image copyright JITENDRA TRIPATHI
ફોટો લાઈન ઘટના વિરુદ્ધ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો

ગેરરીતિની ફરિયાદો મળ્યા બાદ ગયા વર્ષે 23 જૂને સંસ્થાનાં સંચાલક ગિરિજા ત્રિપાઠી સામે એફઆઈઆર નોંધાવાનો આદેશ આપવામા આવ્યો હતો.

જોકે, જિલ્લા વહીવટીતંત્રે એક વર્ષ બાદ આ વર્ષની 30 જુલાઈએ એફઆઈઆર નોંધાવી હતી.

આ દરમ્યાન વહીવટીતંત્રના સ્તરે આખું વર્ષ નોટિસો મોકલી, પણ તેની પર શું કાર્યવાહી કરવામાં આવી છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

ખુદ મહિલા અને બાળ વિકાસ મંત્રી રીતા બહુગુણા જોશીએ આ વાતનો સ્વીકાર કર્યો છે.

સમગ્ર રાજ્યમાંના સચલ ઘોડિયા ઘરોનાં સંચાલનમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો ગયા વર્ષે મળી હતી. ત્યાર બાદ આવી તમામ સંસ્થાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવી હતી.

તપાસના દાયરામાં દેવરિયાની આ સંસ્થા પણ હતી. આ સંસ્થામાં પણ મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એ વખતે પણ અહીં નોંધાયેલા કરતાં ઓછાં બાળકો જોવા મળ્યાં હતાં.

નોંધણી રદ થવા છતાં ચાલુ હતી સંસ્થા

Image copyright JITENDRA THIPATHI

ગેરરીતિને કારણે આ સંસ્થાની નોંધણી રદ કરવામાં આવી હતી, છતાં સંસ્થા ચાલતી રહી હતી.

જિલ્લા વહીવટીતંત્ર મૂક દર્શક બની રહ્યું હતું અને પોલીસ કર્મચારીઓ જાતે જ છોકરીઓને અહીં પહોંચાડતાં હતાં.

એટલું જ નહીં, મહિલા અને બાળ વિકાસ વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ સંસ્થાને બંધ કરીને અહીં રહેતી છોકરીઓને અન્ય સંસ્થામાં મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તેમ છતાં વગદાર લોકો સુધીની પહોંચ અને તેમની સાથેના સંબંધોને કારણે ગિરિજા ત્રિપાઠી સંસ્થાને ચાલુ રાખવામાં સફળ રહ્યાં હતાં.

સંસ્થાના પાડોશમાં રહેતી એક વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે લગભગ એક અઠવાડિયા પહેલાં જિલ્લા પ્રોબેશન અધિકારીઓ અહીં આવ્યા હતા.

બાલિકા ગૃહનાં અધિક્ષક અને ત્યાં હાજર અન્ય લોકો વચ્ચે વિવાદ પણ થયો હતો.

એમના જણાવ્યા અનુસાર, એ ઘટના પછી રવિવારે સંસ્થામાં કથિત દેહવેપારની વાતો પ્રકાશમાં આવી છે. આ બે ઘટના વચ્ચે કોઈ સંબંધે છે કે કેમ એ તેઓ નથી જાણતા, પણ આવું બન્યું જરૂર હતું.

વહીવટીતંત્રનાં અધિકારીઓનું કહેવું છે કે સંસ્થાનાં સંચાલક ગિરિજા ત્રિપાઠીએ કોર્ટનાં ખોટા સ્ટે ઓર્ડરની આડમાં વહીવટીતંત્રને ભ્રમમાં રાખ્યું હતું અને કાર્યવાહીથી બચતાં રહ્યાં હતાં.

અલબત, આ બાબતે સત્તાવાર રીતે બોલવા એક પણ અધિકારી તૈયાર નથી.


કોની છત્રછાયા હતી?

Image copyright Thinkstock

બાલિકા સંરક્ષણ ગૃહમાં રહેતી છોકરીઓની રહેણીકરણી અને એમની સાથેના વર્તન સંબંધે આજુબાજુની કોઈ પણ વ્યક્તિ સંસ્થા કે એના સંચાલનમાં સામેલ કોઈ લોકો વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરતી નથી.

કે. પી. પાંડેયે કહ્યું હતું, ''હું પોતે એક એવી સંસ્થા સાથે જોડાયેલો છું, જે તમામ પ્રકારની ગેરકાયદે અને અનૈતિક હિલચાલ પર નજર રાખે છે.

''અમે આવું ક્યારેય સાંભળ્યું હોત તો એમના પર શંકા જરૂર કરી હોત.''

પાડોશમાં રહેતા કાપડના વેપારી રાકેશ મૌર્ય પણ આ ઘટના અંગે જાણીને આશ્ચર્યચકિત છે.

ઇમારતની પાછળ રહેતા દિલીપ શર્માએ કહ્યું હતું, ''પોલીસવાળા જાતે જ છોકરીઓને અહીં છોડી જતા હતા. ઘણા મોટા અધિકારીઓ અહીં આવતા હતા.

''અમે લોકો પણ જોતા હતા કે અહીંયા જે ચાલી રહ્યું છે કે તેમાં કશું ખોટું નથી.

''હા, એ ચોક્કસ છે કે સવારે કે મોડી રાત્રે અહીંયા કેટલીક લક્ઝરી મોટરકારો આવતી હતી, પણ તેમાં કોણ આવતું-જતું હતું તેની અમને ખબર નથી.''

દિલીપ શર્માના જણાવ્યા મુજબ, લગભગ બે વર્ષ પહેલાં એમના ઘરની પાસે શરાબની દુકાન ખુલી હતી. એટલે મોટરકારમાં લોકો શરાબ ખરીદવા આવતા હોય એવું બની શકે.

જોકે, દિલીપ શર્માએ એમ પણ જણાવ્યું હતું કે સંસ્થામાં દરોડો પડ્યો એ દિવસથી મોટરકારો જોવા મળી નથી.

બાલિકા સંરક્ષણ ગૃહને હાલ પૂરતું સીલ કરી દેવામાં આવ્યું છે અને કેટલાક પોલીસ કર્મચારીઓને આજુબાજુ નજર રાખવા અને સુરક્ષા હેતુસર ગોઠવી દેવામા આવ્યા છે.

ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે સંસ્થામાં બધું બરાબર ચાલતું હતું એવું પણ નથી.

એક વૃદ્ધે જણાવ્યું હતું કે પોલીસ-વહીવટીતંત્રનાં અધિકારીઓને ઘણી વખત પત્ર લખી આ સંસ્થા બંધ કરાવવાની માગ કરવામાં આવી હતી.

તેમની પાસે આ વાતનો કોઈ પુરાવો નથી પણ તેમને ખબર જરૂર છે.

વૃદ્ધે કહ્યું હતું, ''ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને પોલીસવાળા ગુમ થયેલી કે ઘેરથી ભાગેલી છોકરીઓને પકડીને અહીં જ મૂકી જતા હતા.

''છોકરીઓને અહીં મૂકી જવાથી એમને કોઈ ફાયદો થતો હતો કે છોકરીઓ અહીં સલામત હતી એની ખબર નથી.''

આ સવાલનો જવાબ આપવાનું પોલીસ ટાળે છે. વિરોધ પક્ષો સંસ્થાનાં સંચાલક ગિરિજા ત્રિપાઠીને છાવરવાનો આક્ષેપ સરકાર પર કરી રહ્યા છે.

એ સવાલનો જવાબ કોઈની પાસે નથી કે આ સંરક્ષણ ગૃહ છેલ્લાં કેટલાય વર્ષોથી કોની છત્રછાયામાં ચાલતું હતું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ