Top News : કેરળમાં પૂર : 26નાં મોત, સ્થિતિ ગંભીર થવાની ભીતિ

પૂર Image copyright EPA

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કેરળમાં સતત વરસાદને પગલે ડૅમ અને નદીઓ ઓવરફ્લો થતાં પૂરની સમસ્યા સર્જાઈ છે અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

અહેવાલ અનુસાર અત્યાર સુધી 26 લોકોનાં મોત થયા છે. જ્યારે 50 હજારથી વધુ લોકો બેઘર થયા છે.

ઇડુક્કી ડૅમના તમામ પાંચ દરવાજા ખોલી નાખવામાં આવતા અને અન્ય ડૅમ્સના પણ દરવાજા ખોલી નાખવામાં આવતા નદીઓની જળ સપાટી વધી ગઈ છે.

રાજ્યની 40 નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ વહી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં હજુ વધુ વરસાદની આગાહી કરી છે.

આ કુદરતી આપદામાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેવીએ 'ઑપરેશન મદદ' લૉન્ચ કર્યું છે.

શું તમે આ વાંચ્યું?

આર્મી-ઍરફૉર્સના જવાનો પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.

અહેવાલમાં સરકારી અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, "જો, કૅચમેન્ટ વિસ્તારમાં વરસાદ બંધ નહીં થાય, તો ડૅમમાંથી વધુ પાણી છોડવાની જરૂર પડશે. આથી આ ખૂબ જ ચિંતાજનક બાબત રહેશે."


રસ્તા પર કાવડિયાની ગુંડાગીરી સામે સુપ્રીમનું કડક વલણ

Image copyright Getty Images

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર તાજેતરમાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર કાવડ યાત્રા દરમિયાન કાવડિયાઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

કોર્ટે પોલીસને આકરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે.

ધાર્મિક સંગઠનો દ્વારા થતા કાયદાનાં ઉલ્લંઘન અને આચરવામાં આવતી હિંસાને વખોડતાં સુપ્રીમે કહ્યું કે, આવી ઘટનાઓમાં એફઆઈઆર ન નોંધવામાં આવી હોય, તો પણ જાહેર સંપત્તિને થતું નુકસાન એક સજાપાત્ર ગુનો છે, આથી પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જ જોઈએ.

બીજી તરફ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે આવી ઘટનાઓ માટે જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટની જવાબદારી નક્કી થઈ જોઈએ એવી રજૂઆત કરી હતી.


ભારત તેનું લશ્કર-હેલિકૉપ્ટર્સ પરત લઈ લે - માલદિવ્સ

Image copyright Getty Images

'રૉયટર્સ'ના અહેવાલ અનુસાર માલદિવ્સે ભારતને તેના હેલિકૉપ્ટર અને સૈનિકો પાછા લઈ લેવા માટે કહ્યું છે.

જૂન મહિનામાં થયેલો કરાર પૂર્ણ થતા માલદિવ્સના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીને ભારતને લશ્કર પાછું બોલાવી લેવા જણાવ્યું છે.

માલદિવ્સની સરકારને ચીનનો ટેકો મળેલો છે. આથી માલદિવ્સમાં ચીન અને ભારત બન્ને વચ્ચે ખટરાગ સર્જાયો છે.

અહેવાલ અનુસાર અબ્દુલ્લા યામીને તેમના હરિફો સામે કાર્યવાહી કરતા ભારતે તેમાં દખલગીરી કરી હતી. વળી ચીન અહીં કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે જેની સામે ભારતને નારાજગી છે.

અબ્દુલ્લાએ કટોકટી જાહેર કરતાં તેમના હરિફોએ ભારત સરકાર પાસે મદદ માગી હતી. આથી ત્યાં લશ્કર મોકલવામાં આવ્યું હતું.


સૂર્ય પર જવા માટે નાસાના અવકાશયાનનું કાઉન્ટડાઉન શરૂ

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર 'પાર્કર સોલર મિશન'નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

અમેરિકાની અવકાશવિજ્ઞાનની સંસ્થા 'નાસા' સૂર્ય પર અવકાશયાન મોકલી રહ્યું છે અને સૂર્ય પર જનારું આ પ્રથમ અવકાશયાન હશે.

નાસાનું આ અવકાશયાન સૂર્યના વાતાવરણમાંથી પસાર થઈને તેની સપાટીની નજીક જશે.

તેની કિંમત 1.5 બિલિયન ડૉલર્સ છે. અભિયાનનું લક્ષ્ય સૂર્યના વાતાવરણનાં રહસ્યો જાણવાનું છે.


સંસદનું ચોમાસું સત્ર વર્ષ 2000 બાદનું સૌથી ઉત્પાદક સત્ર રહ્યું

Image copyright Getty Images

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર આ વખતે સંસદમાં લોકસભાનું ચોમાસું સત્ર સૌછી ઉત્પાદક રહ્યું છે.

વર્ષ 2000 બાદનું તે સૌથી ઉત્પાદક સત્ર ગણાવવમાં આવ્યું છે. વળી લોકસભા તેની કામગીરીના કલાકો મામલે 110% જેટલું કાર્યરત રહ્યું છે.

ગૃહની કામગીરીઓ ખોરવાતા 21 કલાક વધુ સત્ર ચલાવીને તેની કામગીરીને સરભર કરવામાં આવી હતી. જેમાં મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ થઈ.

લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના જણાવ્યા અનુસાર ગૃહમાં કુલ 22 બિલ રજૂ કરાયાં હતાં જેમાંથી 21 પસાર થયાં છે.

પાસ થયેલાં મહત્ત્વપૂર્ણ બિલમાં ઓબીસી પંચને બંધારણીય દરજ્જો, એસસી-એસટી કાયદામાં ત્વરીત ધરપકડની જોગવાઈ સંબંધિત બિલોનો સમાવેશ થાય છે.

પાસ થયેલા અન્ય મહત્ત્વપૂર્ણ બિલોમાં બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ, આર્થિક ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી, ભ્રષ્ટાચાર કાનૂનમાં સુધારો, માનવતસ્કરીની રોક, સ્થાવર મિલકતોને ટાંચમાં લેવા સહિતના બિલનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો