મોદી સરકારના મંત્રી રાજેન ગોહાઈ સામે બળાત્કારની ફરિયાદ

રેલવે રાજ્ય મંત્રી રાજેન ગોહાઈ Image copyright RAJEN/FACEBOOK/BBC
ફોટો લાઈન રેલવે રાજ્ય મંત્રી રાજેન ગોહાઈ

નરેન્દ્ર મોદી સરકારમાં રેલવે રાજ્ય મંત્રી તરીકે કાર્યરત રાજેન ગોહાઈ સામે એક મહિલાએ રેલવેમાં નોકરી અપાવવાના બહાને બળાત્કારનો અને પછી ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે.

મહિલાએ આ સંબંધે આસામના નગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નગાંવના જિલ્લા પોલીસ વડા શંકર રાયમેઘીએ મીડિયાને કહ્યું હતું, "એક મહિલાએ રેલવે રાજ્ય મંત્રી સામે યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે. અમે એક કેસ નોંધ્યો છે."

"ફરિયાદકર્તા મહિલાએ પીડિતા તરીકે તેમનાં બહેનના નામનો ઉલ્લેખ એફઆઈઆરમાં કર્યો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પોલીસે કેન્દ્રીય પ્રધાન સામે ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 417(છેતરપિંડી), 376(બળાત્કાર) અને 506(ગુનાઈત ધમકી) હેઠળ એક ફરિયાદ (ક્રમાંક 2592/18) નોંધી છે.

પ્રસ્તુત કિસ્સામાં પહેલી ઑગસ્ટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પણ આ મામલો 10 ઑગસ્ટે બહાર આવ્યો હતો.


મંત્રી દ્વારા બ્લેકમેલિંગની ફરિયાદ

ફરિયાદકર્તા મહિલાએ મીડિયાના પ્રતિનિધિઓ સમક્ષ દાવો કર્યો હતો કે તેમની પાસે મંત્રીની એક ઓડિયો રૅકોર્ડિંગ છે, જેમાં મંત્રી મહિલા સાથે અત્યંત ખરાબ ભાષામાં વાત કરતા સાંભળવા મળે છે.

ટોચના એક અન્ય પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહિલા તથા તેના પરિવાર વિરુદ્ધ બ્લેકમેઇલિંગની ફરિયાદ મંત્રીના દીકરાએ પણ નોંધાવી છે.

કથિત પીડિતા પર ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, રાજેન ગોહાઈ નોકરી અપાવવાના બહાને સાત-આઠ મહિનાથી યૌન શોષણ કરતા હોવાનો આક્ષેપ એફઆઈઆરમાં પીડિતાએ કર્યો છે.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ સાત-આઠ મહિના પછી મંત્રીએ પીડિતાના ફોન કૉલના જવાબ આપવાનું બંધ કર્યું હતું અને તેમના નંગાવસ્થિત નિવાસસ્થાને આ મહિલાઓનો પ્રવેશ બંધ કરાવ્યો હતો.


'રાજકીય ષડયંત્ર'

Image copyright Getty Images

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજેન ગોહાઈ છેક 1999થી નંગાવ લોકસભા મતવિસ્તારથી સંસદસભ્ય છે.

તેમણે શનિવારે નવી દિલ્હીમાં એક નિવેદન બહાર પાડીને આ તમામ આરોપોને તેમના વિરુદ્ધનું રાજકીય ષડયંત્ર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું, "આ ફરિયાદ સંબંધે તપાસ ચાલી રહી છે. ઈશ્વર મારી સાથે છે. ઈશ્વર બધું જોઈ રહ્યા છે. સમયની સાથે સચ્ચાઈ બહાર આવશે.

"કોણ સાચું છે અને કોણ ખોટું છે, તે સાબિત થઈ જશે. મારા વિરુદ્ધના રાજકીય ષડયંત્રમાં સામેલ લોકોના મુખવટા પણ ઊતરી જશે."

આસામ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અપૂર્વ ભટ્ટાચાર્યે કહ્યું હતું, "આ કેસમાં નિષ્પક્ષ તપાસ માટે સંબંધીત મંત્રીને પદ પરથી તત્કાળ હટાવવાની માગ અમે કેન્દ્ર સરકાર સમક્ષ કરીએ છીએ.

"પીડિતાને ન્યાય અપાવવો પડશે અને રાજેન ગોહાઈ મંત્રીપદે યથાવત રહેશે તો તેઓ તેમના હોદ્દાની રૂએ તપાસને પ્રભાવિત કરી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ