BBC Top News: ભારતના કોઈ પણ નાગરિકે દેશ નહીં છોડવો પડે: મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન - એનઆરસી)ની કાર્યવાહીને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે જે પણ ભારતનો નાગરિક હશે, તેમને દેશ છોડવાનો વારો નહીં આવે.

‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’માં પ્રકાશિત સમાચારમાં વડા પ્રધાને સમાચાર સંસ્થા ANIને આપેલી મુલાકાતમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, ‘નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે તમામ લોકોને તેમની ચિંતાઓનું નિરાકરણ કરવાની તમામ શક્ય તકો આપવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાને આ આશ્વાસન ભારતીય જનતા પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે થયેલા ઉગ્ર આરોપ-પ્રત્યારોપ બાદ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં 30 જુલાઈના રોજ NRC મુદ્દે પ્રથમ ડ્રાફ્ટ રજૂ કરાયો હતો.

શું તમે આ વાંચ્યું?

જેમાં લગભગ 40 લાખ લોકોનાં નામ NRCની યાદીમાં નહોતા.

આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે NRCના યાદી બનાવવામાં આવી રહી છે.

ગુજરાત સહિત પાંચ જગ્યાએથી ઊડશે સી પ્લેન

ઇમેજ સ્રોત, Getty Images

'લાઇવ મિન્ટ'ના અહેવાલ અનુસાર નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સી પ્લેનના પ્રસ્તાવને સ્વીકારતા વૉટર ઍરોડ્રોમ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

પહેલા તબક્કામાં આ વૉટર ઍરોડ્રોમ ઓડિશાના ચિલ્કા સરોવર, ગુજરાતના સરદાર સરોવર ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવશે.

ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન)ના જણાવ્યા અનુસાર પ્રાથમિક ધોરણે વૉટર ઍરોડ્રોમનાં લાયસન્સની સમયમર્યાદા છ મહિના સુધીની નક્કી કરવામાં આવી છે જે પછીથી વધારવામાં આવશે.

સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટમાં એમ્ફિબિયન પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે જે પાણી અને જમીન બંને પરથી ઊડવા સક્ષમ હશે.

જોકે, ભાડું કે કયા રૂટ પર આ સેવા મળશે એ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી.

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબીયત બગડતા હૉસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, Getty Images

'NDTV'ના અહેવાલ અનુસાર ભારતના પૂર્વ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહાર વાજપેયીની મોડી સાંજે તબીયત લથડતા એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

અહેવાલ મુજબ વાજપેયીને મળવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ હૉસ્પિટલે દોડી ગયા હતા.

વાજપેયી કિડનીમાં ચેપ, છાતીમાં દુખાવો અને યુરિનલ ઇન્ફૅક્શનથી લડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન માસમાં વાજપેયીને રૂટિન ચૅકઅપ માટે એઇમ્સમાં દાખલ કરાયા હતા.

વાજપેયી એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ છે.

હૉસ્પિટલ દ્વારા એક મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તેમની તબીયત સારી હોવાનું જણાવાયું છે.

10 લાખ ઉઇઘુર મુસ્લિમોને ચીને બંદી બનાવી રાખ્યા

ઇમેજ સ્રોત, Getty Images

'અલ જઝીરા' ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ યુએન (યુનાઇટેડ નેશન્સ)નાં વાઇસ ચેરપર્સ ગે મેકડોગોલે જણાવ્યું છે કે ચીનની ગુપ્ત છાવણીઓમાં ઉઇઘુર મુસ્લિમોને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે.

મેકડોગોલે એવું પણ જણાવ્યું કે ચીનના પશ્ચિમ શીનજિયાંગ પ્રાંતમાં 10 લાખ ઉઈઘુર મુસ્લિમોનાં બ્રેઇનવૉશ કરી તેમને ગોંધી રાખવામાં આવ્યા છે.

ઉઇઘુર એ મુસ્લિમ જાતિ છે જે ચીનના શીનજિયાંગ પ્રાંતમાં રહે છે જે ત્યાંની વસતિના 45 ટકા છે.

ઉલ્લેખનીય છે કે શિનજિયાંગ પ્રાંતને ચીન પોતાનો હિસ્સો માને છે જેવી રીતે તિબેટ છે.

નાસાનું 'સૂર્ય યાન' 12 ઑગસ્ટના મિશન પર નીકળશે

ઇમેજ સ્રોત, Getty Images

નાસા (નેશનલ ઍરોનોટિક્સ એન્ડ સ્પેશ એડમિનિસ્ટ્રેશન)નું પાર્કર સોલાર પ્રોબ નામનું યાન સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ માટે 11 ઑગસ્ટે નીકળવાનું હતું તે હવે આજે એટલે કે 12 ઑગસ્ટે લૉન્ચ થશે.

નાસાના સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક ટૅકનિકલ ખામીને કારણે આ મિશનના લૉન્ચમાં વિલંબ થયો છે.

ઉલ્લેખનીય છે કે પાર્કર સોલાર પ્રોબ યાન સૂર્યની બને તેટલું નજીક જશે અને તેના કિરણો અને તેની ગતિવિધિઓનો અભ્યાસ કરશે. આ યાન સાત વર્ષના સમયગાળા દરમિયાન આવું કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો