વિરાટે કેમ કહ્યું 'અમે હારને જ લાયક હતા'

ઇમેજ સ્રોત, Reuters
બૅટિંગના રેન્કિંગમાં ટોચ પર રહેલા બૅટ્સમેન અને ટેસ્ટની નંબર 1 ટીમના કૅપ્ટન જ્યારે એમ કહે કે અમે આ મૅચમાં 'હારને લાયક જ હતા' ત્યારે પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે.
કૅપ્ટન વિરાટ કોહલીની આ નિરાશાનું કારણ ભારતીય ક્રિકેટ ટીમની એ ટેસ્ટ મૅચનું સ્કોર કાર્ડ જોઈને જ ખબર પડી જાય છે.
ભારતની ટીમે ઇંગ્લૅન્ડ વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં લૉર્ડ્સમાં રમાયેલી બીજી મૅચના ચોથા દિવસે જ હાર માની લીધી.
મૅચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ઇંગ્લૅન્ડે ભારતને હરાવવા માટે માત્ર ત્રણ દિવસ લીધા અને માત્ર એક જ વખત બૅટિંગ કરી.
દુનિયાભરમાં ચર્ચાતી ભારતીય ટીમના બૅટિંગ ક્રમના સ્ટાર ખેલાડીઓને લૉર્ડ્સમાં રન કરવાની વાત તો દૂર રહી, પિચ પર ટકી રહેવાના પણ ફાંફાં પડી ગયા.
ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 35.2 અને બીજી ઇનિંગમાં 47 ઓવર્સમાં જ ઑલ આઉટ થઈ ગઈ.
આખી ટીમને ભારે પડ્યા વૉક્સ
ઇમેજ સ્રોત, Reuters
મુરલી વિજયે બન્ને ઇનિંગમાં સ્કોરરને કોઈ તકલીફ જ ન આપી. એટલે કે એક રન પણ ન કર્યો. દિનેશ કાર્તિકે બન્ને ઇનિંગમાં મળીને એક રન જ કર્યો. લોકેશ રાહુલ અને ચેતેશ્વર પુજારા બે ઇનિંગમાં 18-18 રનનું પ્રદાન કર્યું.
બર્મિંઘમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં કુલ બસો રન બનાવનારા કૅપ્ટન કોહલી પણ લૉર્ડ્સમાં માત્ર 40 રન જ કરી શક્યા.
શું તમે આ વાંચ્યું?
જ્યારે ઇંગ્લૅન્ડ તરફથી સાતમા ક્રમાંકે બૅટિંગ કરવા આવેલા ઑલરાઉન્ડર ક્રિસ વૉક્સે એકલા જ 137 રન કર્યા.
ભારતની આખી ટીમ મળીને પહેલી ઇનિંગમાં 107 અને બીજી ઇનિંગમાં 130 રન જ બનાવી શકી.
હારનું કારણ
ઇમેજ સ્રોત, Allsports/gettyimages
વૉક્સ પાસે માત્ર 25 ટેસ્ટ મૅચનો અનુભવ છે, જ્યારે ભારતીય બૅટ્સમેન અનુભવની દૃષ્ટિએ તેમનાથી ક્યાંય આગળ છે.
વિરાટ કોહલી 68, મુરલી વિજય અને પુજારા 59-59, અજિંક્ય રહાણે 47 અને શિખર ધવન 31 મૅચ રમી ચૂક્યા છે.
તો ભારતીય બૅટ્સમેન આવી રીતે નિષ્ફળ કેમ રહ્યા? શું તેઓ પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી નથી શક્યા?
કૅપ્ટન કોહલીનો જવાબ છે, "તમે બેઠા રહીને પરિસ્થિતિને દોષ ન દઈ શકો."
તો પછી સમસ્યા ક્યાં છે? આ પ્રશ્નના જવાબમાં સિનિયર સ્પોર્ટ્સ પત્રકાર અયાઝ મેમણ કહે છે કે ભૂલ ક્યાં થઈ રહી છે, તે સમજવું જરૂરી છે.
તે કહે છે, "આપણે એમ ન કહી શકીએ કે ભારતીય ખેલાડીઓ પ્રતિભાશાળી નથી. ધવન, પુજારા, રહાણે પાસે ટૅલેન્ટ છે, પરંતુ કંઈક ખોટું થઈ રહ્યું છે, તેની તપાસ કરવી જરૂરી છે."
પસંદગી પર પ્રશ્ન
ઇમેજ સ્રોત, Reuters
અયાઝ મેમણ જે ભૂલ તરફ ઇશારો કરી રહ્યા છે, તે બાબત ટીમની પસંદગીની તો નથીને?
ભારતીય ટીમ મૅનેજમૅન્ટ દરેક ટેસ્ટ મૅચમાં રમનારી પ્લેઇંગ ઇલેવન બદલી રહ્યું છે. એને કારણે સ્થિતિ એવી સર્જાય છે કે કોઈ ખેલાડીને એ ખબર નથી હોતી કે તે આગામી ટેસ્ટ મૅચમાં રમશે કે નહીં. આથી ખેલાડીઓના મનોબળ પર અસર થાય છે.
બર્મિંઘમમાં શિખર ધવન ટીમમાં હતા, જ્યારે ચેતેશ્વર પુજારા નહોતા. લૉર્ડ્સમાં પુજારાને તક મળી તો ધવને બહાર રહેવું પડ્યું. 18મી ઑગસ્ટથી શરૂ થનારી ત્રીજી મૅચ માટે પણ એ નક્કી નથી કે કયો ખેલાડી બહાર રહેશે અને કોને તક મળશે.
અયાઝ મેમણ કહે છે, "રમતમાં મૅન મૅનેજમૅન્ટની ભૂમિકા હોય છે. કોઈ ખેલાડીને કેવી રીતે સંભાળવો, એ જવાબદારી કૅપ્ટને નિભાવવાની હોય છે. કેટલાક ખેલાડીઓ ટીમની અંદર થતી સ્પર્ધાથી ડરે છે. એમને એ ડર હોય છે કે કોઈ બીજો ખેલાડી મારી જગ્યા લઈ શકે છે."
કૅપ્ટન પર ભાર
ઇમેજ સ્રોત, Allsports/Getty Images
તો શું, ભારતીય ટીમના ખેલાડીઓ પણ આ દુવિધામાં ઘેરાયેલા છે અને એટલા માટે તેઓ રન નથી કરી શકતા?
અયાઝ મેમણનું માનવું છે કે આ બાબતની તપાસ થવી જોઈએ.
એ કહે છે, "બે મૅચ હારી ગયા છીએ. સિરીઝ હારી ગયા છીએ. જો હવે વિરાટ કોહલી આ સમસ્યા નહીં ઉકેલે તો પ્રશ્નો વધી શકે છે."
37 ટેસ્ટ મૅચોમાં ભારતી ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા વિરાટ કોહલીએ ટીમને 21 વખત વિજેતા બનાવી છે. પરંતુ સતત બે હારના આંચકાએ તેમની સામે પડકાર ઊભો કર્યો છે.
બર્મિંઘમમાં વિરાટ કોહલીએ બૅટિંગ કરી પરંતુ એ ટીમને વિજય ન અપાવી શક્યા. ભારતે પહેલી મૅચમાં 31 રનથી હાર સહન કરવી પડી. એટલે એ બાબત સ્પષ્ટ છે કે જીતવા માટે ટીમના અન્ય ખેલાડીઓએ પણ યોગદાન કરવું પડશે.
અયાઝ મેમણને લાગે છે કે, "હવે બધો ભાર કૅપ્ટન પર આવી ગયો છે. તેમની જવાબદારી છે કે, ટીમની પસંદગી યોગ્ય રીતે થાય."
પણ તેનાથી શું થશે?
વિરાટ કોહલી કહે છે, "અમે 2-0થી પાછળ છીએ. અમારી પાસે એક જ વિકલ્પ છે કે હકારાત્મક અભિગમ રાખીએ. સિરીઝને 2-1 થી પૂર્ણ કરવાની કોશિશ કરીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો