જયંતી વિશેષ : અટલ બિહારી વાજપેયીને કેવું ભોજન પસંદ હતું?

મિઠાઈ ખાતા વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ભોજન પ્રેમ ખૂબ જ જાણીતો હતો.

તેઓ વિવિધ પ્રકારના વ્યંજનો માણવાના શોખીન હતા.

આ બાબતનો ઉલ્લેખ તેમણે અનેક વાર પોતાના જાહેર જીવન દરમ્યાન કર્યો હતો.

દેશના જાણીતા ફૂડ હિસ્ટૉરિયન પુષ્પેશ પંતે બીબીસી સાથે અટલ બિહારી વાજપેયીના ભોજનપ્રેમના પ્રસંગો વર્ણવ્યા હતા.

વાજપેયી-મુશર્રફ શિખર વાર્તાલાપનું ભોજન

ઇમેજ સ્રોત, AFP

પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ પરવેઝ મુશર્રફ જ્યારે શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમના ભોજનની વ્યવસ્થામાં પુષ્પેશ પંત સહભાગી થયા હતા.

આ ભોજનની જવાબદારી પુષ્પેશ પંતના મિત્ર જીગ્સ કાલરાને સોંપવામાં આવી હતી.

પુષ્પેશ પંતે આ પ્રસંગને યાદ કરતા કહ્યું, "એ વખતે જીગ્સે મને કહ્યું કે ગુરુ વાજપેયી ખાવા પીવાના ખૂબ જ શોખીન છે, કોઈ કસર ન રહી જાય તેની તકેદારી રાખવી પડશે."

"વધુમાં દેશની આબરુનો સવાલ છે. પાકિસ્તાનીઓને લાહોરની ખાઉ ગલી પર ગર્વ છે."

"આપણે એવું સાબિત કરવું પડશે કે તમામ ઉત્તમ ભોજન સરહદ પાર જતું રહ્યું નથી."

"આપણે કેટલીક વારસાગત વાનગીઓ પણ પીરસવી જોઈએ. અમે ખુશકિસ્મત હતા કે પૂર્વ વડા પ્રધાનને પોતાની પસંદ-નાપસંદ થોપવાનો આગ્રહ રાખ્યો ન હતો."

"એમણે ફક્ત એટલી શરત રાખી હતી કે ભોજનનો સ્વાદ અલાયદો હોવો જોઈએ."

"અમારી આખી ટીમને એ વાતનો ગર્વ હતો કે જે રૂમમાં ગુપ્ત વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં મોકલવામાં આવતી તમામ પ્લેટ ખાલી આવતી હતી."

"અંદર ભોજન પીરસનારા મજાક કરતા હતા કે, મુશર્રફ તો તણાવમાં દેખાયા, પરંતુ પંડીતજી નિર્વિકાર ભાવથી સંવાદ પણ કરી રહ્યા છે અને ભોજન પણ માણી રહ્યા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

શાકાહારનો હઠાગ્રહ ક્યારેય ન હતો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

વર્ષ 1996મા લોકસભાના ચૂંટણી સમયે ગાંધીનગર નામાંકન માટે આવેલા વાજપેયી

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી માંસાહારી ખોરાકના શોખીન હતા.

પરંતુ તેમણે ક્યારેય શાકાહારી ખોરાકનો હઠાગ્રહ કર્યો નહીં કે ના તેને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કર્યો.

પુષ્પેશ પંત કહે છે, "વાજપેયીનો ખાવા-પીવાનો શોખ ખૂબ જ જાણીતો હતો. તેઓ માંસ-માછલી ખાય છે તેવું ખાનગી રાખવાનો પ્રયાસ ક્યારેય ન હતો કર્યો."

"તેમણે શાકાહાર અંગે ક્યારેય હઠાગ્રહ રાખ્યો ન હતો. દક્ષિણ દિલ્હીમાં એક ચીની રેસ્ટોરાં હતું, જે તેમનું મનગમતુ રેસ્ટોરાં હતું. વડા પ્રધાન બનતાં પહેલાં તેઓ અનેક વાર ત્યાં જોવા મળી જતા."

"ભોપાલના મદીનાના માલિક બડે મિયાં ખૂબ જ ગર્વ સાથે એવું કહેતા કે તેમણે વાજપેયીની પ્રિય વાનગી મુર્ગ મુસલ્લમ પૅક કરી અનેક વાર દિલ્હી પહોંચાડ્યું છે."

મીઠાઈનો શોખ

ઇમેજ સ્રોત, Getty Images

અટલ બિહારી વાજપેયીના ભોજનના શોખમાં મિઠાઈ પણ સામેલ હતી.

પુષ્પેશ પંતે કહ્યું કે વાજપેયી મિઠાઈના પણ શોખીન હતા. તેમના જૂના મિત્રો અને પરિચિતો મજાક કરતા કે ઠંડાઈ પીધા બાદ ભૂખ ખૂલવી સ્વાભાવિક છે અને ત્યારબાદ ગળ્યું ખાવાનું મન થાય છે.

વાજપેયીનું બાળપણ અને કિશોરાવસ્થાના દિવસો ગ્વાલિયરમાં પસાર થયા હતા, ત્યારબાદ વિદ્યાર્થી તરીકે તેઓ કાનપુરમાં રહ્યા હતા.

ભીંડ મુરૈનાની ગજક, શેકેલા માવાના પેંડા, લાડવા અને બદનામ કુલ્ફીનો ચસ્કો તેમને કદાચ ત્યારે જ લાગ્યો હશે.

ફુડ હિસ્ટૉરીયન પુષ્પેશ પંતે પ્રાધ્યાપક તરીકે શિક્ષણકાર્યનો પ્રારંભ રામજસ કૉલેજમાં લગભગ 50 વર્ષ પહેલાં કર્યો હતો.

તેમણે જ્યારે ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે હૉસ્ટેલના વૉર્ડન પ્રૉફેસર કૌલ હતાં.

પંતને તેઓ પોતાના નાના ભાઈની જેમ સાચવતાં હતાં.

પ્રો. કૌલના વાજપેયી સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. વાજપેયી તેમના ઘરે આવતા તો ક્યારેય નેતા જેવો વર્તાવ કરતા નહીં.

આ યાદોને વાગોળતા પંત કહે છે, "વાજપેયી આવે તો વિદ્યાર્થીઓ સાથે બેસીને ગપ્પા મારતા, મજાક મસ્તી કરતા અને જે ભોજન બન્યું હોય તે સાથે બેસીને જમી લેતા."

"ત્યારના વિદ્યાર્થી અશોક સાકિયા અને શક્તિ સિંહ, આઈએસમાં ઊતીર્ણ થયા બાદ વડા પ્રધાન કાર્યાલયમાં પહોચ્યા."

"મૉરેશિયસથી આવેલા વિજય ભાજન વાજપેયીના ખાસ સ્નેહી હતા."

"મોટાભાગે ભાજન સાથે એ દ્વીપના પ્રવાસી ભારતીય ભોજન વિશે વાજપેયી ચર્ચા કરતા.''

"ઓડિશાથી આવેલા મણિલાલ ત્રિપાઠી જેમની આગળ જતાં વિદેશ સેવામાં નિયુક્તી થઈ હતી. તેમની સાથે કમલાનગરના છોલે ભટુરે, જૂની દિલ્હીના ચાટનો ચસ્કો પણ માણતા અને હૉસ્ટેલના ભોજની ગુણવત્તા પણ વાજપેયી ચાખી લેતા હતા."

હિંદુસ્તાની સંસ્કૃતિનું પ્રતિબિંબ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

1996ની લોકસભા ચૂંટણી વખતે ગાંધીનગરમાં નામાંકન કરતા સમયે બળદ ગાડામાં બેસેલા વાજપેયી

વાજપેયીના ભોજનના શોખને પુષ્પેશ પંત હિંદુસ્તાનની સમન્વય ધરાવતી ઇંદ્રધનુષ જેવી સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણાવે છે.

તેમના મતે વાજપેયીને ભોજનનો શોખ ફક્ત ભરપેટ જમી લેવા પૂરતો ન હતો, પરંતુ વાજપેયી ખરા અર્થમાં ભોજન અંગે કળા રસિક જેવા પારખું અને સંવેદનશીલ હતા.

તેઓ કહે છે, "આ શોખ સરાહનીય, અનુકરણ કરવા જેવો છે. લખનૌથી કોઈ આવે તો એમના માટે ખાણીપીણીની ભેટ લાવવાનું ભૂલે નહીં."

"તેમને બધાની સાથે હળીમળીને ખાવાની જ મજા આવતી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો