નહેરુએ કરી હતી અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન બનવાની ભવિષ્યવાણી

અટલ બિહારી વાજપેયી Image copyright Getty Images

જાન્યુઆરી 1977ની એ ઠંડી સાંજ. એ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ પક્ષના નેતાઓએ રેલીનું આયોજન કર્યું હતું.

રેલી આમ તો સાંજના ચાર વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી પણ વાજપેયીનું સંબોધન શરૂ થતા રાતના સાડા નવ વાગી ચૂક્યા હતા.

અચાનક જ વાજપેયીએ પોતાના બન્ને હાથ ઉઠાવી લોકોની તાળીઓના ગડગડાટને શાંત કર્યો.

પોતાની આંખ બંધ કરી અને મિસરો વાંચ્યો, ''બડી મુદ્દત કે બાદ મિલે હૈં દિવાને...'' પણ આગળ બોલતા પહેલાં વાજપેયી થોડા અચકાયા.

તેમણે પોતાની આંખો બંધ કરી. એક લાંબો પોઝ લીધો અને મિસરાને પૂરો કર્યો, ''કહને સુનને કો બહુત હૈં અફસાને.''

આ વખતે તાળીઓનો ગડગાટ લાંબા સમય સુધી ચાલ્યો. જ્યારે એ શોર અટક્યો તો તેમણે એક લાંબો પૉઝ લીધો અને વધુ બે પંક્તિઓ સંભળાવી, ''ખુલી હવા મેં ઝરા સાંસ તો લે લે, કબ તક રહેગી આઝાદી કૌન જાને?''

એક કાર્યક્રમમાં રાજમાતા વિજયા રાજે સિંધિયા, વાજપેયી, અડવાણી, મદનલાલ ખુરાના અને શાંતા કુમાર Image copyright PIB
ફોટો લાઈન જમણી તરફ વિજયા રાજે સિંધિયા, વાજપેયી, અડવાણી, મદનલાલ ખુરાના અને શાંતા કુમાર

એ સભામાં હાજર વરિષ્ઠ પત્રકાર તવલીન સિંહ જણાવે છે, ''કદાચ 'વિન્ટેજ વાજપેયી'નું એ સર્વશ્રેષ્ઠ રૂપ હતું.

કકડતી ઠંડી અને ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદ વચ્ચે વાજપેયીને સાંભળવા હજારો લોકો એકઠા થયા હતા.

રસપ્રદ વાત એ હતી કે એ વખતની સરકારને લોકોને આ રેલીમાં જતા રોકવા માટે એ દિવસે દૂરદર્શન પર 1973ની સૌથી મોટી હિટ ફિલ્મ 'બૉબી' બતાવવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, એ નિર્ણયની કોઈ અસર ના પડી. બૉબી અને વાજયેપી વચ્ચે લોકોએ વાજપેયી પર પસંદગી ઉતારી.

એ દિવસે એમણે સાબિત કરી બતાવ્યું કે ભારતીય રાજકારણમાં વાજપેયી શ્રેષ્ઠ વક્તા એમ જ નથી કહેવાતા.


ભારતીય સંસદમાં હિંદીના સર્વશ્રેષ્ઠ વક્તા

વાજપેયી Image copyright Getty Images

લોકસભાના પૂર્વ અધ્યક્ષ અનંતશયનમ અયંગારે એક વખત કહ્યું હતું કે લોકસભામાં અંગ્રેજીમાં હીરેન મુખરજી અને હિંદીમાં અટલ બિહારી વાજયેપીથી સારા બીજા કોઈ વક્તા નથી.

જ્યારે વાજપેયીના અંગત મિત્ર એવા અપ્પા ઘટાટેએ તેમને આ વાત જણાવી તો વાજપેયી જોરથી હસ્યા અને બોલ્યા, 'તો પછી બોલવા કેમ નથી દેતા.'

જોકે, એ સમયમાં વાજપેયી બૅક બૅન્ચર ગણાતા હતા પણ નહેરુ બહુ જ ખંતપૂર્વક વાજપેયી દ્વારા ઉઠાવાતા મુદ્દાઓને સાંભળતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?


વાજપેયીના કાયલ નહેરુ પણ

પંડિત જવાહર લાલ નેહરુ

કિંગશુક નાગ પોતાના પુસ્તક 'અટલ બિહારી વાજપેયી : અ મૅન ફૉર ઑલ સીઝન'માં લખે છે કે એક વખત નહેરુએ ભારત પ્રવાસ પર આવેલા એક બ્રિટિશ વડા પ્રધાન સાથે વાજપેયીની મુલાકાત કરાવતા કહ્યું હતું, 'આમને મળો, આ વિપક્ષના ઊભરી રહેલા યુવા નેતા છે. હંમેશાં મારી ટિકા કરે છે. પણ એમનામાં ભવિષ્યની ભારે સંભાવના છે.'

તો વધુ એક વિદેશી મહેમાનને નહેરુએ વાજપેયીની ઓળખ સંભવિત ભાવી વડા પ્રધાનના રૂપે પણ કરી.

સામે પક્ષે વાજપેયીના મનમાં પણ ભારે સન્માન હતું.

1977માં વાજયેપી વિદેશ મંત્રી બન્યા હતા. તેમની ઓફિસ સાઉથ બ્લૉક સ્થિત હતી જ્યાં અંદર દિવાલ પર નહેરુની તસવીર ગાયબ હતી.

કિંગશુક નાગ કહે છે કે વાજપેયીએ તાત્કાલિક તેમના સચિવને પૂછ્યું કે અહીં દિવાલ પર નહેરુની તસવીર લાગેલી રહેતી એ ક્યાં છે?

વાજપેયીના અધિકારીઓને એવું વિચારીને આ તસવીર હટાવી દીધી હશે કે કદાચ તેમને આ તસવીર પસંદ નહીં આવે.

વાજપેયીએ આદેશ આપ્યો કે એ તસવીર ફરીથી એ જગ્યાએ લગાવવામાં આવે જ્યાં તે હતી.

પ્રત્યક્ષદર્શી જણાવે છે કે વાજપેયી એ ખુરશી પર બેઠા જ્યાં નહેરુ બેસતા હતા.

ત્યારબાદ તેમના મોઢામાંથી નીકળ્યું, 'ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આ રૂમમાં બેસીશ.'

વિદેશમંત્રી બન્યા બાદ તેમણે નહેરુની વિદેશ નીતિમાં કોઈ ખાસ્સો બદલાવ ન કર્યો.


ભાષણ માટે ખૂબ મહેનત કરતા વાજપેયી

શપથ ગ્રહણ દરમિયાન વાજપેયી Image copyright PIB

વાજપેયીના અંગત સચિવ શક્તિ સિન્હા જણાવે છે કે સાર્વજનિક ભાષણ માટે વાજપેયી કોઈ ખાસ તૈયારી નહોતા કરતા પરંતુ લોકસભાના ભાષણ માટે તેઓ ખૂબ તૈયારીઓ કરતા હતા.

શક્તિ સિન્હા ઉમેરે છે, "સંસદના પુસ્તકાલયમાંથી પુસ્તકો, પત્રિકાઓ અને છાપાંઓ મંગાવીને વાજપેયી મોડી રાત સુધી પોતાનાં ભાષણો પર કામ કરતા હતા."

"તેઓ પૉઇન્ટ્સ બનાવતા અને તેમની પર વિચાર્યા કરતા. તેઓ સમગ્ર ભાષણ ક્યારેય નહોતા લખતા પરંતુ તેમને ખબર રહેતી કે આગલા દિવસે લોકસભામાં શું-શું બોલવું છે."

મેં સિન્હાને પૂછ્યું કે મંચ પર સુંદર ભાષણ આપનાર વાજપેયી 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરનું ભાષણ વાંચીને કેમ આપતા હતા?

જવાબ આપતા સિન્હા કહે છે, "તેઓ લાલ કિલ્લાના પટાંગણમાંથી કોઈ વાત કરવામાં લાપરવાહી નહોતા કરવા માગતા. અમે ઘણીવાર તેમને કહેતા કે તમે એવી રીતે જ બોલો, જેવી રીતે તમે બધી જગ્યાએ બોલો છો. પરંતુ તેઓ અમારું સાંભળતા નહોતા."

"એવું નહોતું કે તેઓ કોઈ બીજાનું લખેલું ભાષણ વાંચતા હતા. અમે તેમને ઇનપુટ્સ આપતા જેને તેઓ તેમની રીતે બોલતા હતા."


અડવાણીનો મનોગ્રહ

વાજપેયી અને અડવાણી Image copyright Reuters

અટલ બિહારી વાજપેયીના અંગત મિત્ર લાલકૃષ્ણ અડવાણીએ એક વખત બીબીસીને જણાવ્યું કે અટલજીના ભાષણોથી તેઓ હંમેશાં લઘુગ્રંથિથી પીડાતા હતા.

અડવાણીએ જણાવ્યું હતું, "જ્યારે અટલજી ચાર વર્ષ સુધી ભારતીય જનસંઘમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે મને અધ્યક્ષ બનાવવાની દરખાસ્ત કરી હતી. મેં એવું કહીને ના પાડી દીધી હતી કે મને તેમની જેમ ભીડ સામે ભાષણ આપતા નથી આવડતું."

"તેમણે કહ્યું કે સંસદમાં તો તું સારું બોલે છે. મેં કહ્યું કે સંસદમાં બોલવું અને ભીડ સમક્ષ બોલવું અલગ બાબત છે."

"ત્યારબાદ હું પક્ષમાં અધ્યક્ષ બન્યો પરંતુ મને આજીવન અફસોસ રહ્યો કે હું તેમની જેમ ભાષણ ન આપી શક્યો."


અંતર્મુખી અને શરમાળ

વાજપેયી

રસપ્રદ બાબત એ છે કે હજારોની ભીડ સામે ભાષણ આપનાર વાજપેયી અંગત જીવનમાં અંતર્મુખી અને શરમાળ હતા.

આ અંગે શક્તિ સિન્હા કહે છે, "જો ચાર-પાંચ લોકો તેમને ઘેરી વળ્યાં હોય, તો તેઓના મુખમાંથી ખૂબ ઓછા શબ્દો નીકળતા હતા. પરંતુ તેઓ બીજાની વાત કાળજીપૂર્વક સાંભળતા અને સમજી વિચારીને તેનો જવાબ આપતા. એક-બે મિત્રો સાથે તેઓ ખુલ્લીને ચર્ચા કરતા હતા."

મણીશંકર ઐયર યાદ કરે છે કે વાજપેયી પહેલીવાર 1978માં વિદેશમંત્રી તરીકે પાકિસ્તાન ગયા, ત્યારે તેમણે શુદ્ધ ઉર્દૂમાં ભાષણ આપ્યું હતું.

તે સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી આગા શાહી હતા. ચૈન્નઈમાં જન્મવાને કારણે તેમને વાજપેયીની શુદ્ધ ઉર્દૂ સમજાઈ નહોતી.

સિન્હા ઉમેરે છે, "એક વખત નવાઝ શરીફ ન્યૂ યૉર્કમાં વાજપેયી સાથે વાતો કરી રહ્યા હતા. થોડીવાર બાદ શરીફને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાની હતી. તેમને એક કાપલી મોકલવામાં આવી કે હવે વાતચીત બંધ કરવામાં આવે જેથી કરીને તેઓ ભાષણ માટે જઈ શકે."

"કાપલી વાંચીને શરીફે વાજપેયીને કહ્યું, 'ઇઝાઝત હૈ...' શરીફ થોભ્યા અને ફરીથી કહ્યું, 'આજ્ઞા હૈ...' વાજપેયીએ હસતા જવાબ આપ્યો કે, ઇઝાઝત હૈ..."


વાજપેયીની સ્કૂટર સવારી

શક્તિ સિન્હા બીબીસી સ્ટુડિયોમાં રેહાન ફઝલ સાથે

વાજપેયી પોતાની સહજતા અને મિલનસાર સ્વભાવના કારણે જાણીતા રહ્યા.

જાણીતા પત્રકાર અને અનેક અખબારના સંપાદક રહેલા એચ. કે. દુઆ કહે છે :

"એક વાર હું મારા સ્કૂટર પર એક પત્રકાર પરિષદને કવર કરવા માટે કૉન્સ્ટિટ્યૂશન ક્લબ જઈ રહ્યો હતો. આ પરિષદને અટલ બિહારી વાજપેયી સંબોધિત કરવાના હતા. હું એ જમાનામાં યુવાન રિપોર્ટર હતો."

"રસ્તામાં મેં જોયું કે જનસંઘના અધ્યક્ષ વાજપેયી એક ઑટો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં સ્કૂટર ધીમું કરીને વાજપેયીને ઑટો રોકાવવાનું કારણ પૂછ્યું."

"તેમણે કહ્યું કે તેમની કાર ખરાબ થઈ ગઈ છે. મેં કહ્યું કે તમારી ઇચ્છા હોય તો મારા સ્કૂટર પર આવી શકો છો."

"વાજપેયી મારા સ્કૂટર પર પાછળ બેસીને પત્રકાર પરિષદ સંબોધિત કરવા માટે આવ્યા હતા."

"અમે જ્યારે ત્યાં પહોચ્યા તો જગદીશ ચંદ્ર માથુર અને જનસંઘના કેટલાક નેતાઓ અમારી રાહ જોઈ રહ્યા હતા."

"માથુરે અમને જોતા જ મજાક કરી "કાલે એક્સપ્રેસમાં છપાશે વાજપેયી રાઇડ્સ દુઆસ સ્કૂટર"

"વાજપેયીએ હસતા હસતા જવાબ આપ્યો ના હેડલાઇન હશે દુઆ ટૅક્સ વાજપેયી ફોર રાઇડ"


નારાજગી સાથે દૂર-દૂર સુધી સંબંધ નહીં

વાજપેયી

શિવકુમાર પાછલાં 51 વર્ષોથી અટલ બિહારી વાજપેયી સાથે રહ્યા હતા.

તેમના પોતાના શબ્દોમાં તેઓ અટલના પટ્ટાવાળા, રસોઇયા, બૉડીગાર્ડ, સચિવ અને વ્યવસ્થાપકની ભૂમિકા ભજવતા રહ્યા.

જ્યારે મેં તેમને પૂછ્યું કે અટલ બિહારી વાજપેયીને ક્યારેય ગુસ્સો આવતો હતો?

તો તેમણે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો "હું એ દિવસોમાં તેમની સાથે નવી દિલ્હીમાં 1, ફિરોઝશાહ રોડ પર રહેતો હતો. તેઓ બેંગલુરુથી દિલ્હી પરત આવી રહ્યા હતા. મારે તેમને લેવા માટે એરપોર્ટ જવાનું હતું."

"જનસંઘના એક નેતા જે. પી. માથુરએ મને કહ્યું ચાલો રિગલમાં અંગ્રેજી પિક્ચર જોઈએ. નાનું પિકચર છે જલદી પૂરું થઈ જશે."

"એ દિવસોમાં બેંગલુરુથી આવતી ફ્લાઇટ્સ મોટાભાગે મોડી આવતી હતી. હું માથુર સાથે પિક્ચર જોવા જતો રહ્યો."

શિવકુમાર સાથે વાજપેયી

શિવકુમારે કહ્યું "એ દિવસે પિક્ચર લાંબુ ચાલ્યું અને બેંગલુરુની ફ્લાઇટ સમયસર લૅન્ડ થઈ."

"હું જ્યારે ઍરપૉર્ટ પહોંચ્યો તો ખબર પડી કે બેંગુલુરુની ફ્લાઇટ તો ખાસ્સા સમયથી લૅન્ડ થઈ ગઈ છે. ઘરની ચાવી મારી પાસે હતી."

"હું તમામ ભગવાનોને યાદ કરતાં કરતાં ઘરે પહોંચ્યો. વાજપેયી પોતાની હાથબેગ પકડીને લોનમાં ચક્કર મારી રહ્યા હતા."

"તેમણે મને પૂછ્યું કે 'ક્યાં ગયા હતા? ' મેં કચવાટ સાથે કહ્યું કે પિક્ચર જોવા ગયો હતો."

"વાજપેયીએ હસીને કહ્યું યાર મને પણ લઈ ગયો હોત તો, ચાલો કાલે જઈશું."

"એ મારાથી નાખુશ થઈ શક્યા હોત પરંતુ તેમણે મારી લાપારવાહીને હસીને ટાળી દીધી."


જ્યારે વાજપેયી રામલીલા મેદાનમાં ઊંઘી ગયા

બીબીસી સ્ટુડિયોમાં શિવકુમાર સાથે રેહાન ફઝલ
ફોટો લાઈન બીબીસી સ્ટુડિયોમાં શિવકુમાર સાથે રેહાન ફઝલ

શિવકુમાર વધુ એક કિસ્સો સંભળાવે છે, "વાજપેયી એ વાતનું હંમેશાં ધ્યાન રાખતા કે તેમના કારણે કોઈ હેરાન થાય નહીં."

"ખૂબ લાંબા સમય પહેલાં જનસંઘની ઓફિસ અજમેરી ગેટ પાસે હતી. વાજપેયી, અડવાણી, અને જે. પી. માથુર ત્યાં જ રહેતા હતા."

"એક દિવસ વાજપેયી રાતની ટ્રેનથી પરત આવવાના હતા. તેમના માટે ભોજન રાખી દેવાયું હતું. 11 વાગે આવનારી ગાડી બે વાગે પહોંચી"

"સવારે છ વાગે ઘરની બેલ વાગી વાજપેયી સૂટકેસ અને મોટો થેલો લઈને દરવાજે ઊભા હતા."

"મે પૂછ્યું કે 'તમે તો રાત્રે આવવાના હતાને?' વાજપેયી એ કહ્યું કે ગાડી બે વાગ્યે પહોંચી, તમને લોકોને જગાડવાનું યોગ્ય ન લાગ્યું એટલે હું રામલીલા મેદાન જઈને ઊંઘી ગયો."

શિવકુમાર કહે છે "69 વર્ષની ઉંમરે પણ વાજપેયી ડિઝનીલૅન્ડની રાઇડ્સનો આનંદ લેવાનું ચૂકતા નહોતા."

"તેઓ અમેરિકાની યાત્રાઓ દરમિયાન ધોતી કૂર્તા સૂટકેસમાં મૂકીને પૅન્ટ શર્ટ પહેરી લેતા હતા."

"ન્યૂયોર્કના રસ્તાઓ પર તેમણે પોતાના સુરક્ષાકર્મીઓ માટે અનેક વાર સોફ્ટ ડ્રિંકસ અને આઇસક્રીમ ખરીદ્યાં હતાં."

"તેઓ પોતાની દૌહિત્રી નિહારીકાને લઈને રમકડા લેવા માટે પ્રખ્યાત દુકાન શ્વાર્ઝ જવાનું પસંદ કરતા."

"પોતાના શ્વાનો સેસી અને સોફી અને બિલાડી રિતુ માટે કૉલર્સ અને ખાવાનો સામાન ખરીદવાનો પણ તેમને શોખ હતો."


વાજપેયીનો ભોજનનો શોખ

વાજપેયી Image copyright Getty Images

વાજપેયીને ભોજન બનાવવાનો અને ખાવાનો ખૂબ જ શોખ હતો.

મીઠાઈ તેમની નબળાઈ હતી. રબડી, ખીર, અને માલપૂઆ ખાવાનો ખૂબજ શોખ હતો.

ઇમર્જન્સી દરમિયાન જ્યારે તેઓ બેંગલુરુમાં બંધ હતા ત્યારે અડવાણી, શ્યામનંદન મિશ્ર, અને મધુ દંડવતે માટે જાતે જ જમવાનું બનાવતા હતા.

શક્તિ સિન્હા કહે છે, "તેઓ શરૂઆતમાં શાકાહારી હતા પરંતુ બાદમાં માંસાહારી બન્યા. તેમને ચાઇનીઝ ખાવાનો ખૂબ શોખ હતો."

"તેઓ આપણી જેમ જ એક સામાન્ય વ્યક્તિ હતા. હું કહીશ કે હી વોઝ નાઇધર એ સેંટ નૉર સિનર. હી વોઝ નૉર્મલ હ્યુમન બિઇંગ અ વાર્મ હાર્ટેડ હ્યુમન બિઇંગ"


શેરશાહ સૂરી બાદ સૌથી વધુ રસ્તા વાજપેયીએ બનાવ્યા

શિવકુમાર સાથે વાજપેયી

સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા, હરિવંશરાય બચ્ચન, શિવમંગલ સિંહ સુમન, અને ફૈઝ અહમદ ફૈઝ વાજપેયીના મનપસંદ કવિ હતા. અમજદ અલી ખાં અને કુમાર ગંધર્વને સાંભળવાની કોઈ પણ તક તેઓ ચૂકતા નહીં.

કિંગશુક નાગનું માનવુ છે કે વાજપેયી વિદેશ મામલામાં માહેર હતા, તેમ છતાં પોતાના પ્રધાન મંત્રીકાળ દરમિયાન તેમણે સૌથી વધુ કામ આર્થિક ક્ષેત્રમાં કર્યુ.

તેઓ કહે છે "ટેલિફોન અને માર્ગ નિર્માણમાં વાજપેયીનુ યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં."

"ભારતમાં આજકાલ આપણે જે હાઇવેની જાળ જોઈ રહ્યા છીએ તે વાજપેયીની દીર્ઘદ્રષ્ટિ હતી."

"હું તો કહીશ કે શેરશાહ સૂરી પછી ભારતમાં સૌથી વધુ માર્ગ નિર્માણ વાજપેયીએ કર્યું છે."


ગુજરાતના તોફાનો અંગે કાયમ અસહજ

વાજપેયી અને નરેન્દ્ર મોદી Image copyright PIB

રૉના પૂર્વ પ્રમુખ એએસ દુલત પોતાના પુસ્તક 'ધી વાજપેયી યર્સ'માં લખે છે કે ગુજરાતના તોફાનોને વાજપેયીએ પોતાના કાર્યકાળની સૌથી મોટી ભૂલ માની હતી.

કિંગશુક નાગ પણ કહે છે કે ગુજરાતના તોફાનોને લઈને તેઓ હંમેશા અસહજ રહ્યા હતા.

તેઓ ઇચ્છતા હતા કે આ મુદ્દે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપે.

નાગ કહે છે "એ સમયે ત્યારના રાજ્યપાલ સુંદરસિંહ ભંડારીના ખૂબ જ નજીકના વ્યક્તિએ મને કહ્યું હતું કે મોદીના રાજીનામાની તૈયારીઓ થઈ ગઈ હતી."

"પરંતુ ગોવા યોજાયું, ત્યાર સુધીમાં પાર્ટીના શીર્ષ નેતા મોદી વિશે વાજપેયીનો વિચાર બદલવામાં સફળ રહ્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ