કેરળ પૂર : સ્થિતિ ગંભીર, હજી અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ

કેરળ પૂર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

કેરળમાં પૂરને કારણે 2 લાખ લોકોનું સ્થળાંતર

કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોનાં મોત થયાં છે.

14માંથી અગ્યાર જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ-એલર્ટ' બહાર પાડવામાં આવ્યું છે.

સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી.

શનિવારે વડા પ્રધાન મોદીએ તત્કાલ રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી, રાજ્ય સરકારોએ પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

બચાવકર્મીઓ પણ ભારે વરસાદ તથા પહાડી વિસ્તાર હોવાના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો બે ઘર થયાં છે અને હજારો લોકોને તેમના ઘર છોડી કૅમ્પોમાં આશરો લેવો પડ્યો છે.

ભારતમાં જૂન માસમાં કેરળથી જ ચોમાસાનું આગમન થાય છે.

સહાયની સરવાણી વહી

  • ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રૂ. 10 કરોડ
  • મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રૂ. 10 કરોડ
  • કોંગ્રેસના સાંસદો તથા ધારાસભ્યો એક મહિનાનો પગાર કેરળ રાહત માટે આપશે. તેમાંથી ત્યાં રાહત અને સહાય સામગ્રી મોકલવામાં આવશે.
  • કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે રેલવે દ્વારા રાહત સામગ્રીનું નિઃશુલ્ક પરિવહન કરવામાં આવશે.
  • ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રૂ. 15 કરોડની સહાયની જાહેરાત કરી છે.
  • પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે રૂ. 10 કરોડની સહાય તથા રૂ. પાંચ કરોડની સહાય સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે.
  • ઝારખંડના મુખ્ય મંત્રી રઘુબર દાસે રૂ. પાંચ કરોડની સહાયની જાહેરાત કરી છે.
  • છત્તિસગઢની સરકાર દ્વારા રૂ. ત્રણ કરોડની રોકડ તથા રૂ. 7.5 કરોડની રાહત સામગ્રીની જાહેરાત કરવામાં આવી છે.
  • ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રૂ. પાંચ કરોડની સહાયની જાહેરાત કરી છે.
  • હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે રૂ. પાંચ કરોડની સહાયતાની જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ આવી પહોંચ્યા હતા અને તેમણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ તેમણે પૂરની સ્થિતિને જોવા માટે એરિયલ સર્વે કર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન મોદીએ વડા પ્રધાન રાહત ભંડોળમાંથી કેરળના પૂરમાં ભોગ બનેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર કેરળને પૂર રાહત માટે 500 કરોડ રૂપિયાની સહાય આપશે.

કેરળ સરકારના કહેવા પ્રમાણે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મોટાભાગના લોકો દબાઈને મૃત્યુ પામ્યા છે.

કેટલું મોટું છે બચાવ અભિયાન?

ઇમેજ સ્રોત, Ndrf

કેરળમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બનતા એનડીઆરએફની કુલ 57 ટીમો, 1300 જવાનો અને 435 બોટોને રાહત અને બચાવ કામગીરીમાં લગાડાઈ છે.

ઉપરાંત બીએસએફ, સીઆઈએસએફ અને આરએએફની પાંચ ટીમોને પણ આ કાર્યમાં સામેલ કરવામાં આવી છે.

આર્મી, નેવી, ઍરફોર્સ અને કોસ્ટ ગાર્ડ પણ રાહત અને બચાવ કામગીરીમાં સાથ આપી રહ્યા છે.

કુલ 38 હેલિકૉપ્ટર્સ અને 20 ઍરક્રાફ્ટ પણ આ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે.

આર્મીની કુલ 10 કૉલમ અને એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સની 10 ટીમો સહિત કુલ 790 ટ્રેનિંગ પામેલા જવાનો પણ કામગીરીમાં સાથ આપી રહ્યા છે.

નેવીની કુલ 82 ટીમો અને કોસ્ટગાર્ડની 42 ટીમો સહિત 2 હેલિકૉપ્ટર્સ અને 2 શિપને મદદ માટે લગાવાયા છે.

કેરળમાં કેટલી ખરાબ સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

કેરળ છેલ્લા 100 વર્ષોના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે

કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને કહ્યું છે કે રાજ્યએ છેલ્લાં 100 વર્ષમાં આવું ભયાનક પૂર જોયું નથી.

તેમણે પત્રકારોને કહ્યું, "100 વર્ષના સૌથી ખરાબ પૂરનો અમે સામનો કરી રહ્યા છીએ. 80 ડેમના તમામ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે."

"2 લાખથી વધારે લોકોને તેમના ઘર છોડી 1500 જેટલા રાહત કૅમ્પોમાં આશરો લેવાની ફરજ પડી છે."

બીબીસી સાથે વાત કરતાં મિની એલ્ધો નામના એક અધિકારીએ કહ્યું કે દર વર્ષે અહીં ભારે વરસાદ પડે છે પરંતુ આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી.

તેમણે કહ્યું, "તેમને ચિંતા છે કે હજી પણ કેટલા લોકો પૂરમાં ફસાયેલા હશે અને મદદની રાહ જોઈ રહ્યા હશે. અનેક પરિવારોએ પોતાનું ઘર છોડવાનો ઇનકાર કરી દીધો છે."

કેરળની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું કોચી શહેર આખામાં પાણી ભરાઈ ગયાં છે. વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓને માઠી અસર પહોંચી છે.

શા માટે કેરળમાં ખરાબ થઈ પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કેરળમાં ભારે વરસાદ પડવો સામાન્ય છે

કેરળમાં ચોમાસામાં દેશોનો સૌથી વધારે વરસાદ પડવો સામાન્ય છે.

જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે કેરળ પર સર્જાયેલા લો પ્રેશરના કારણે સામાન્ય કરતાં 37 ટકા વધારે વરસાદ પડ્યો છે.

સ્થાનિક મીડિયામાં પ્રસારીત થતા અહેવાલો મુજબ પર્યાવરણવાદીઓ આ પૂર પાછળ સતત કપાઈ રહેલાં જંગલોને કારણભૂત ગણાવી રહ્યા છે.

ખાસ કરીને પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વની એવી પર્વતમાળાઓમાંથી કપાઈ રહેલાં વૃક્ષોને કારણે આવી સ્થિતિ બગડી છે.

જોકે, કેરળના મુખ્ય મંત્રીના કહેવા મુજબ પાડોશી રાજ્યની સરકારને કારણે સ્થિતિ બગડી છે.

આ અઠવાડીયાની શરૂઆતમાં તામિલનાડુ અને કેરળ વચ્ચે ડેમમાંથી પાણી છોડવા બાબતે વિવાદ થયો હતો.

કેરળની સરકારનો દાવો છે કે તામિલનાડુએ પાણી છોડતાં રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

કેરળમાં 41 મોટી નદીઓ છે અને 80 જેટલા મોટા ડેમો છે. જે તમામના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો