પ્રેમિકાને મનાવવા યુવકે 300 હોર્ડિંગ્સ લગાવ્યાં

રસ્તા પર શિવદે આઈ એમ સોરીનું લગાવેલું હોર્ડિંગ Image copyright Pradip Lokhande

'રોમિયો-જુલિયેટ', 'હિર-રાંઝા', 'શિરિન-ફરહાદ', ઇતિહાસના આ પ્રેમી પંખીડાઓની કહાણીને આજે પણ લોકો યાદે કરે છે. ક્યાંક પ્રેમ માટે બલિદાન તો ક્યાંક પ્રેમ માટે કોઈ પણ હદે જવાની દિવાનગીએ ઇતિહાસના આ પાત્રોને મહાન બનાવી દીધા છે.

પરંતુ સવાલ એ છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ પ્રેમમાં આટલી હદે જઈ શકે?

થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના એક યુવકે તેની પ્રેમિકા માટે કંઈક એવું કર્યું જે અસામાન્ય અને અસાધારણ હતું.

પુણેના પિમ્પરી-ચીંચવદમાં રહેતા યુવકે તેની નારાજ પ્રેમિકાને મનાવવા માટે 300 હોર્ડિંગ્સમાં 'શિવદે આઈ એમ સોરી'નો સંદેશ લખી રસ્તા પર લગાવ્યો.


શું છે ઘટના?

Image copyright Pradip Lokhande

25 વર્ષના નિલેષ ખેડેકર તેની નારાજ ગર્લફ્રેન્ડને મનાવવા માટે અલગઅલગ સાઇઝના 300 હોર્ડિંગ્સ બનાવ્યા, જેમાં 'શિવદે આઈ એમ સોરી'નો સંદેશ લખી પિમ્પરી સૌદાગર, વાકડ, રહાતાણી અને અન્ય વિસ્તારોમાં લગાવ્યા હતા.

ત્યારબાદ આ ઘટના સોશિયલ મીડિયામાં ફરતી થઈ અને જોતજોતામાં જ ચર્ચાનું કેન્દ્ર બની. આ બાબત એટલી ગંભીર બની કે પોલીસને ઝંપલાવવું પડ્યું.

પોલીસ ઇન્સ્પેક્ટર સતિષ માને કહે છે, "સૌ પ્રથમ 'ડેઇલી પુઢારી' અખબારે આ અંગે અહેવાલ છાપ્યો હતો. ત્યારબાદ મેં આ બાબતે તપાસના આદેશ આપ્યા."

"આ હોર્ડિંગ્સ પર કોઈ નામ કે માહિતી નહોતી લખી એટલા માટે તેના મૂળમાં કોણ છે તેની જાણકારી મેળવવી ખૂબ જ અઘરી હતી."

"ત્યારબાદ અમે શહેરમાં એવી દુકાનો અને પ્રેસમાં તપાસ કરાવી જ્યાં આવા પોસ્ટર બને છે. આ પગલું અમને આદિત્ય શિંદે નામની વ્યક્તિ સુધી લઈ ગયું જે પોસ્ટર બનાવવાનું કામ કરે છે."

"આદિત્ય સાથે પૂછપરછ કર્યા બાદ અમને નિલેષ ખેડેકર નામના યુવક અંગે માલૂમ પડ્યું."

તમે આ વાંચ્યું કે નહીં?

નિલેષની ગર્લફ્રેન્ડ વાકડ પોલીસ સ્ટેશનની હદમાં રહે છે. પોલીસે નિલેષનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલો સામે આવ્યો.

આદિત્ય શિંદેની મદદથી નિલેષે આ પોસ્ટરો બનાવ્યા હતા. ત્યારબાદ શુક્રવારની રાત્રે છ લોકોની મદદથી આદિત્યએ અલગઅલગ વિસ્તારમાં આ હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

માને કહે છે, "સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમે મ્યુનિસિપાલિટીના 'આકાશ ચિન્હ' (સ્કાય સાઇન) વિભાગને આ અંગે માહિતી આપી. હાલમાં મ્યુનિસિપાલિટીના આદેશ બાદ અમે આગળની કાર્યવાહી કરીશું."


કોણ છે નિલેષ ખેડેકર?

Image copyright Pradip Lokhande

25 વર્ષના નિલેષ પુણ નજીકના ઘોરપડે પેથ વિસ્તારમાં રહે છે. તે એક બિઝનેસમેન છે અને એમબીએનો અભ્યાસ કરે છે.

આ સમગ્ર ઘટના અંગે નિલેષ ખેડેકરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "આ મામલો સબ-જ્યૂડિશ છે. જ્યારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારે આ અંગે જણાવીશ."

પ્રેમની અભિવ્યક્તિ અથવા તો પ્રેમીને મનાવવા માટે કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે આ અંગે બીબીસીએ મનોવિજ્ઞાની ડૉ. રાજેન્દ્ર બાર્વે સાથે વાતચીત કરી.

બાર્વે જણાવે છે, "આ એક પ્રકારનો મનોરોગ છે. આજના યુવાનો કોઈ પણ જાતનો નકારાત્મક પ્રતિભાવ સહન નથી કરી શકતા. કોઈ પણ કાર્ય તેમની ઇચ્છાનુસાર ન થયા, ત્યારે તેઓ આવી અજીબ પ્રતિક્રિયાઓ આપે છે."

"તેમને લાગે છે કે તેઓ બળજબરીપૂર્વક તેમનો પક્ષ રાખી શકે છે, પરંતુ આ બાબત બીજા લોને સંકોચમાં મૂકી શકે છે."


'ફિલ્મોનો પ્રભાવ'

Image copyright Pradip Lokhande

આ અંગે વધુ પ્રકાશ પાડતા ડૉ. બાર્વે જણાવે છે, "આજના યુવાનો સિનેમાંથી ખૂબ જ પ્રભાવિત છે. એટલા માટે તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં સિનેમાની ઝલક ઉમેરવાનો પ્રયત્ન કરે છે."

"તેઓ વિચારતા પણ નથી કે તેમના આ પગલાંનાં પરિણામો કેવા આવશે અને સામેવાળી વ્યક્તિ પર તેની શું અસર થશે?"

"આ પ્રકારનો મનોવિકાર આજના યુવાનોમાં વધી રહ્યો છે."

ડૉ. બાર્વેએ એક ઉદાહરણ આપતા કહ્યું, "10થી 12 વર્ષ પહેલાં મારી સામે એક યુવકનો કેસ આવ્યો હતો. યુવતીએ તેના લગ્નનો પ્રસ્તાવ નકારી દીધો હતો. ત્યારબાદ યુવકે એવી પત્રિકાઓ છપાવી અને ફરતી કરી હતી કે આ યુવતી પરિણીત છે."

"ત્યારબાદ યુવકને તેની ભૂલ સમજાઈ અને માફી માગી હતી."

બાર્વે એવું પણ કહે છે, "જે પણ વ્યક્તિ સામે આવી પરિસ્થિતિ આવે, ત્યારે તેમણે તેમના માતાપિતા, મિત્રો અથવા તો શિક્ષકો સાથે આ મુદ્દે વાત કરવી જોઈએ. એટલું જ નહીં કાઉન્સેલિંગથી પણ ઘણો ફાયદો થાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો