ગુજરાતમાં સંખ્યા વધવા છતાં સિંહ અસુરક્ષિત?

  • રૉક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા
સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

રાજુલા વિસ્તારના ભેરાઈ ગામમાં રહેતા ખેડૂત ઝીકાર રામ આજકાલ મોટાભાગનો સમય ખેતરની જગ્યાએ પોતાના ઢોરને સંભાળવામાં વિતાવે છે.

તેમણે ઘરની દીવાલો ઊંચી કરી તેના પર તાર લગાવી દીધા છે અને ઢોરની સંખ્યા પણ ધીમેધીમે ઘટાડી રહ્યા છે.

તેમની જેમ જ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર જીલ્લાનાં ઘણાં ગામોના ખેડૂતો આજકાલ સિંહો સાથે અનુકૂલન સાધી રહ્યા છે.

1995થી ગીરના જંગલથી બહાર નીકળેલા સિંહ હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.

આઝાદી પછી, 1968માં માત્ર 177 સિંહો હતા, જે વધીને આજે 523થી વધારે થઈ ગયા છે, જો કે તેમાંથી આશરે 200થી વધુ સિંહ મહેસૂલી વિસ્તારમાં રહે છે.

મહેસૂલી વિસ્તાર એટલે ખેતર, મકાન, ગામ, ગૌચર વગેરેની જમીનો. આ મહેસૂલી વિસ્તારમાં સિંહોના જીવ પર જોખમ રહે છે.

તેમજ માણસ અને સિંહ વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 2017માં વિધાનસભામાં ગુજરાતનાં વન ખાતાનાં મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહોના મોત થયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સિંહોમાંથી ૩૨ સિંહો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ વિશે સુઓ મોટો નોંધ લીધી હતી.

સુનાવણી દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે, ખુલ્લા કૂવા, ખેતરોની ફરતે હાઈ વોલ્ટેજ વીજ કરંટ, રેલવે તેમજ રોડ અકસ્માત સિંહોનાં મૃત્યુના મુખ્ય કારણો છે.

સિંહ સાથે કેવી રીતે રહે છે ગીરના માલધારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ગીર જંગલમાં સિંહો અને માલધારીઓ સાથે રહી શકે છે, પરંતુ મહેસૂલી જમીન પર ચિત્ર કંઈક જુદું જ છે.

જો ઝીકારભાઈની વાત કરીએ તો, ભેરાઈ ગામના આ ખેડૂતે પોતાની ભેંસો ઘટાડીને માત્ર આઠ કરી દીધી છે.

પહેલાં ભેંસોને ખુલ્લા વાડામાં રાખતા ઝીકારભાઈ આજકાલ ભેંસોને પોતાના ઘરની ફરતે બનેલી ઊંચી દિવાલની અંદર જ રાખે છે.

ઝીકારભાઈ રાત્રે ગામથી બહાર જતા નથી અને પહેલાં ખુલ્લામાં ખેતરમાં ઊંઘી શકતા ઝીકારભાઈએ હવે પોતાના ખેતરમાં સિંહોથી બચવા માટે પાકા મકાન બનાવ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, સિંહ આ વિસ્તારમાં આવીને ભેંસનો શિકાર કરી જાય છે.

"એક ભેંસની કિંમત આશરે બે લાખ રૂપિયા જેટલી હોય છે અને સિંહ ભેંસનો શિકાર કરીને અમારું નુકસાન કરે છે, એટલે અમે ભેંસ રાખવાનું જ બંધ કરી દીધું છે."

સિંહના આકસ્મિક મૃત્યુ

તેઓ કહે છે કે સિંહ આવતા હોવાથી ખેતર માટે મજૂરો મળતા નથી, તેમજ અવારનવાર સિંહોના આકસ્મિક મૃત્યુ માટે જંગલ ખાતાના અધિકારીઓ ખેડૂતને પરેશાન કરતા હોય છે.

જોકે માણસ અને સિંહના આ સંઘર્ષમાં સિંહને વધુ નુકસાન થયું છે.

એશિયાટિક સિંહનાં સંરક્ષણ માટે કામ કરતા અમરેલીના ઍક્ટિવીસ્ટ રાજન જોષી માને છે કે, મહેસૂલી વિસ્તારમાં સિંહો સુરક્ષિત નથી.

તેઓ કહે છે કે, "સિંહનાં મૃત્યુ ખુલ્લા કૂવામાં પડી જવાથી, ઇલેક્ટ્રિક ફેન્સિંગથી, રોડ અકસ્માત તેમજ રેલવે અકસ્માતથી થાય છે."

માનવીય ભૂલનો શિકાર એશિયાટિક સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

માણસની ભૂલોને કારણે એશિયાટિક (એશિયાઈ) સિંહના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યાં છે. માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો જ મોતને ઘાટ ઊતરી રહ્યાં છે.

ગુજરાતના એશિયાટિક સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો અને ગીર જંગલનાં સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે.

પરિણામે સિંહના આકસ્મિક મોત થઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૩૨ સિંહના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.

ઇલેક્ટ્રિક ફેન્સિંગ - બીબીસી સાથે વાત કરતા રાજન જોષી કહે છે, “પાકને નીલગાય અને જંગલી ભૂંડ જેવાં પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતો તેમના ખેતરની ફરતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરે છે.”

“આ ફેન્સિંગમાં વીજ કરંટ પસાર કરાતો હોય એવી ઘટનાઓ બહાર આવી છે. આ ફેન્સિંગને અડવાથી અનેક વન્ય પ્રાણીઓનાં મૃત્યુની ઘટનાઓ નોંધાઈ છે.”

આવી ઇલેક્ટ્રિક ફેન્સિંગના સંપર્કમાં આવવાથી પણ સિંહનાં મૃત્યુ થતા હોય છે.

આ પ્રકારની ઇલેક્ટ્રિક ફેન્સિંગ લગાવવી ગેરકારદેસર છે, પરંતુ પાકના રક્ષણ માટે ખેડૂતો આવી ફેન્સિંગનો ઉપયોગ કરતા હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

રોડ અકસ્માત - રાજુલાથી પીપાવાવ રોડ પર અનેક અકસ્માતમાં સિંહ કે દીપડાનાં મૃત્યુ થયાં છે.

બીબીસી સાથે વાત કરતા ધારાશાસ્ત્રી હેમાંગ શાહ કહે છે ,“સામાન્ય રીતે જંગલી જાનવરની અવરજવર રાત્રે થતી હોય છે, અને હાઈ-વે પર વાહનો ખૂબ ઝડપથી પસાર થતા હોય છે, માટે અહીં અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી હોય છે.”

“ગુજરાત હાઈકોર્ટે સિંહનાં મૃત્યુની 'સુઓ મોટો' નોંધ લીધી છે.”

હેમાંગ શાહ 'સુઓ મોટો' સુનાવણી સંદર્ભે સરકાર વિરુધ દલીલો કરી રહ્યાં છે.

ખુલ્લા કૂવા - ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રજૂ કરેલા એક સોગંધનામા પ્રમાણે 2016 અને 2017માં 9 સિંહો ખુલ્લા કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યાં છે.

જો કે સરકારનો બચાવ કરતા ગુજરાત ફૉરેસ્ટ ખાતાના ઉચ્ચ અધીકારી એ. પી. સિંહ કહે છે કે સરકારે 2100 કૂવા કવર કર્યાં છે.

તેઓ કહે છે "સરકારનો પ્રયાસ છે કે, નજીકના સમયમાં સમગ્ર બૃહૃદ ગીરમાં તમામ કૂવાને ફરતે પેરાપેટ વૉલ્સ બનાવીશું."

ગુજરાતમાં સિંહોની વસ્તી અંગે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલાં આંકડા પર નજર કરીએ.

રેલવે અકસ્માત - સુરેન્દ્રનગર-પીપાવાવ રેલવે લાઇન અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે. અમરેલી જિલ્લામાં ઘણાં સ્થળોએ સિંહની અવરજવર છે. આ રેલવે લાઇન પર અનેક વખતે સિંહના અકસ્માત થયા છે.

જોકે સરકારે અનેક જગ્યાએ આ રેલવે લાઇનની બન્ને બાજુ રેલિંગ બનાવી દીધી છે, જેથી સિંહ રેલવેના પાટા પર આવી ન શકે.

પરંતુ સરકારના આ પગલાંને ખોટું ગણાવતા હેમાંગ શાહ દલીલ કરે છે કે, આ રેલિંગથી સિંહની અવરજવર પર રોક લાગી ગઈ છે અને તેનાથી તેમની શિકાર કરવાની ક્ષમતા પર અસર પડી રહી છે.

તેઓ કહે છે “રેલવે અકસ્માતને રોકવા માટે રેલવેમાં એવા ડિવાઇસ ફિટ કરવામાં આવે કે જે પાટા પર સિંહની મૂવમૅન્ટને લાંબા અંતરથી પણ જાણી શકે.”

જ્યારે ગુજરાત હાઈ કોર્ટે જ સિંહોના રક્ષણ માટે સરકારને સમન્સ પાઠવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત વિધાનસભામાં સિંહોનાં મૃત્યુના ખુલાસા બાદ ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો નોંધ લઈને સરકારના અધિકારીઓને સમન્સ કર્યા હતા.

જોકે ગુજરાત હાઈકોર્ટમાં ફૉરેસ્ટ ખાતાએ કબૂલ્યું છે કે માત્ર અમરેલી જિલ્લામાં સિંહની અવર જવર હોય તેવા વિસ્તારોમાં આશરે 27 ખુલ્લા કૂવા છે, અને તે કૂવાને પેરાપેટ વૉલ્સથી વહેલી તકે કવર કરવામાં આવશે.

આ અરજીમાં સિંહના રક્ષણ માટે જરૂરી હોય તેવા તમામ પગલા લેવા માટે હેમાંગ શાહે માંગણી કરી છે. જો કે આ અરજીની સુનાવણી હજી બાકી છે.

શું કહે છે ફૉરેસ્ટ ખાતાના અધિકારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

સિંહનાં મૃત્યુ સંદર્ભે વાત કરતા ગુજરાત ફૉરેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી એ. પી. સિંઘ કહે છે કે, સરકાર અને લોકોના પ્રયાસોથી જ સિંહની વસ્તીમાં વધારો થયો છે, અને આ વધારો દુનિયાભરના લોકો માટે એક કેસ સ્ટડી તરીકે છે.

સિંઘ કહે છે “જે નવા વિસ્તારોમાં સિંહ હવે જોવા મળે છે તે વિસ્તારના લોકોમાં સિંહ અને તેના સ્વભાવ વિશે જાણકારી આપવા માટે અધિકારીઓ નિયમિત રીતે આવા ગામડાઓ અને વિસ્તારોમાં જતા હોય છે.”

તેઓ કહે છે, "પ્રોજેક્ટ ટાઇગરની જેમ જ અમે પ્રોજેક્ટ લાયન પણ શરૂ કર્યો છે, આ પ્રોજેક્ટમાં બૃહદ ગીરમાં રહેતા સિંહનાં રક્ષણ માટે કામ કરવામાં આવે છે."

જોકે ઍક્ટિવીસ્ટ રાજન જોષી સિંઘની વાતથી સંમત નથી.

જોષી કહે છે કે, "બૃહદ ગીરમાં સિંહ અનેક જોખમ વચ્ચે રહે છે. અનેક વખત લોકો તેની મજાક કરે છે, તો ઘણી વખત સિંહને પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે."

"સરકારે બૃહદ ગીરમાં સિંહના રક્ષણ માટે તાત્કાલીક ધોરણે કોઈ નક્કર કામ કરવું પડશે."

ગીરનો રાજા અને તેનો સ્વભાવ ગીરના જંગલમાં આશરે 323 સિંહ અને જંગલની બહાર આશરે 200 સિંહ વસવાટ કરે છે.

ગુજરાત સરકાર પ્રમાણે 2015માં 12 હજાર ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. હવે સિંહની ગણતરી 2019માં થવાની છે. સિંહને માણસનો મિત્ર કહેવામાં આવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઍક્ટિવીસ્ટ રાજન જોષી કહે છે કે, સિંહ જ્યારે બીમાર હોય, વૃધ્ધ થઈ જાય ત્યારે તે માનવ વસ્તી તરફ આવે.

વીડિયો કૅપ્શન,

અહીં ઝૂમાં પ્રાણીઓને આઇસક્રીમ ખવડાવાય છે

ગીરના જંગલમાં તે આવી જ રીતે માલધારીઓના નેસ તરફ જતા હતા અને તેમની ગાય કે વાછરડાનો શિકાર કરતા હતા.

જોષી વધુમાં કહે છે કે, જે નવા વિસ્તારો છે, તેમાં પણ સિંહ આવી જ રીતે માનવ વસાહતની નજીક જાય છે, પરંતુ નેસમાં રહેતા માલધારી જેટલી સિંહના સ્વાભાવની જાણકરી ન હોવાને કારણે લોકો તેનાથી ડરી જાય છે અને સંઘર્ષ થાય છે.

જોકે સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં લોકોએ સિંહને આવકાર્યો પણ છે.

જોષી કહે છે, "જો સિંહથી એક ચોક્કસ અંતર રાખવામાં આવે અને તેને પરેશાન ન કરીએ તો સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો ન કરે,"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો