કેરળ પૂર : ભારત શા માટે વિદેશી સરકાર પાસેથી આવતી સહાય નથી લેતું?
- ઝુબૈર અહમદ
- બીબીસી સંવાદદાતા, દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અબુધાબીના યુવરાજ
કેરળમાં પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાન પછી વહીવટીતંત્ર હવે રાહત અને પુનર્વસનના કામમાં વ્યસ્ત છે. કેરળના ઇતિહાસમાંની આ સૌથી મોટી દૂર્ઘટના સામે કામ પાર પાડવા માટે 600 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.
વિદેશમાંથી સહાયના વચન આપવામાં આવી રહ્યાં છે. સંયુક્ત આરબ અમિરાત સરકારે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હોવાની માહિતી કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મંગળવારે આપી હતી.
પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે અબુધાબીના યુવરાજે આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. બન્ને વચ્ચે રાહત અને બચાવ કામગીરીની વર્તમાન સ્થિતિ વિશે વાત થઈ હતી.
કેરળ સરકારે વિશેષ સહાય પેટે કેન્દ્ર સરકાર પાસે 2,600 કરોડ રૂપિયાની માગણી કરી છે અને આ નાણાં કુલ નુકસાન અને રાહત કાર્યના ખર્ચ કરતાં ઓછા છે.
જોકે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી વિદેશી સહાય સ્વીકારી નથી. એ કારણે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
સરકારની ટીકા કરતા લોકો કહી રહ્યા છે કે કેરળને અત્યારે ફૂડ પેકેટ્સ તથા કપડાંની જરૂર છે. કેરળમાં ઘરોનું સમારકામ જરૂરી છે.
નુકસાન પામેલા માર્ગોનું અને માળખાકીય સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડશે.
આ સંજોગોમાં સરકાર વિદેશી મદદ સ્વીકારવાનો ઇન્કાર શા માટે કરી રહી છે, એવો સવાલ સરકારની ટીકા કરતા લોકો કરી રહ્યા છે.
રાહતકાર્ય સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીનો સંપર્ક સાધ્યા બાદ બીબીસીએ તેમને આ સવાલ કર્યો ત્યારે તેમણે તેનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.
કેન્દ્ર સરકારે શું કહ્યું?
ઇમેજ સ્રોત, EPA
કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કેરળમાં રાહત કાર્યો માટે વિદેશી સહાય બાબતે બુધવારે મોડી રાતે એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું, "કેરળમાં પૂર દૂર્ઘટના પછી રાહત તથા પુનર્વસન કામગીરી સંબંધે સંખ્યાબંધ દેશોએ કરેલી મદદની ઓફરનો ભારત સરકાર આદર કરે છે.
"વર્તમાન નીતિ અનુસાર, સરકાર સ્થાનિક પ્રયાસો મારફત જ રાહત તથા પુનર્વસનની જરૂરિયાતને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે.
"અલબત, વિદેશવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન્શ દ્વારા વડા પ્રધાન રાહત ભંડોળ અને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં યોગદાન આવકાર્ય છે."
તમે આ વાંચ્યું કે નહીં?
અગાઉ પણ ઇન્કાર
ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં 15-20 વર્ષમાં સર્જાયેલી દુર્ઘટનાઓ પર નજર કરતા જાણવા મળે છે કે ભારત સરકારે વિદેશી સહાય લેવાનો અગાઉ પણ ઇન્કાર કર્યો હતો.
2004માં ત્રાટકેલી સુનામી વખતે શરૂઆતમાં ભારત સરકારે વિદેશી સહાય લેવાનો ઇન્કાર કર્યો હતો, પણ પછી વિદેશી સહાય સ્વીકારી હતી.
એક અહેવાલ મુજબ, સુનામી પછી મળેલી કુલ મદદ પૈકીની 70 ટકા સામગ્રી વિદેશથી આવી હતી.
એ પછીના વર્ષે કાશ્મીરમાં થયેલા ધરતીકંપમાં 1,300 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને 30,000 લોકોના ઘર નાશ પામ્યાં હતાં.
એ સમયે ઘણા દેશોએ સહાયની જાહેરાત કરી હતી, પણ ભારત સરકારે વિદેશી સહાય લેવાનો ઇન્કાર કર્યો હતો.
બીજી તરફ, પાકિસ્તાન સરકારે તેના કબજા હેઠળના કાશ્મીરમાં ધરતીકંપ બાદ વિદેશી સહાયની અપીલ કરી હતી.
એ વખતે ભારત સરકારે લીધેલા નિર્ણય વિશે ટિપ્પણી કરતાં અમેરિકન અખબાર ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું હતું, "ભારત ખુદને દાન મેળવનારને બદલે એક દાતા તરીકે રજૂ કરવા વધારે ચિંતિત છે."
આ અખબારે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એવું કહેતા ટાંક્યા હતા કે "અમે જાતે આપદા પ્રબંધન કરી શકીએ છીએ અને કરીએ છીએ. હું એમ કહું છું કે અમે સક્ષમ છીએ."
ન્યૂ યૉર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ, પોતાને એક ઊભરતી વૈશ્વિક શક્તિના સ્વરૂપમાં નિહાળવામાં આવે એટલા માટે ભારત વિદેશી સહાય સ્વીકારવાનો ઇન્કાર કરે છે.
જોકે, 2014માં ઓડિશામાં ચક્રવાતથી થયેલા નુકસાન બાદ ભારત સરકારે અમેરિકા પાસેથી એક લાખ ડૉલરની સહાય સ્વીકારી હતી.
આપબળે સહાયની નીતિ
ઇમેજ સ્રોત, AFP
તેમ છતાં એમ કહેવું યોગ્ય છે કે વિદેશી સહાયને બદલે આપબળે જ દુર્ઘટનાગ્રસ્ત ક્ષેત્રને સહાય કરવાની નીતિને ભારત છેલ્લાં 15-20 વર્ષથી અનુસરી રહ્યું છે.
તેથી સરકાર સશસ્ત્ર દળોને રાહત કાર્યોમાં સાંકળતી હોય છે. અત્યારે કેરળમાં પણ એવું થઈ રહ્યું છે.
કુદરતી આપદા પ્રબંધનના નિષ્ણાત સંજય શ્રીવાસ્તવ તાજેતરમાં જ કેરળથી પાછા ફર્યા છે.
તેમના જણાવ્યા મુજબ, કેરળમાં સંયુક્ત રાષ્ટ્રનું વિશ્વ આરોગ્ય સંગઠન અને રેડ ક્રોસ સહિતની અનેક વિદેશી સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાયેલી છે.
સંજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આફત પછીનાં રાહત કાર્યો તબક્કાવાર થતાં હોય છે.
પહેલાં આફતગ્રસ્ત લોકોને સલામત વિસ્તારોમાં ખસેડીને તેમને ભોજન તથા વસ્ત્રો આપવામાં આવતાં હોય છે.
એ પછી રોગચાળો ફેલાતો રોકવા માટેનાં પગલાં લેવામાં આવતાં હોય છે. નુકસાનનો અંદાજ ત્યાર બાદ મેળવવામાં આવતો હોય છે અને તેમાં લગભગ એક મહિનો લાગે છે.
પુનર્વસનનું કામ છેક છેલ્લે શરૂ થાય છે.
કેરળ સરકારે 2,600 કરોડ રૂપિયાની માગણી કરી છે, પણ નુકસાનનો ખરો તાગ મેળવ્યા બાદ જ કેન્દ્ર સરકાર એ નક્કી કરી શકશે કે કેરળને ખરેખર કેટલાં નાણાં જોઈશે.
એ વખતે કેન્દ્ર સરકાર વિદેશી સહાય લેવા માટે તૈયાર થઈ જાય એવું પણ શક્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો