ગુજરાત : શું મોદી અને લાભાર્થીઓ વચ્ચે સંવાદમાં ગડબડ થઈ?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'દરેકને ઘરનું ઘર', 'ખેડૂતોની આવક બમણી કરવી' તથા 'અવકાશમાં ભારતીયને મોકલવા'ની જાહેરાત કરી છે. જોકે, તેના માટે 2022નું લક્ષ્યાંક મૂક્યું છે. જે તેમના વર્તમાન કાર્યકાળ પછીના ત્રણ વર્ષનો લક્ષ્યાંક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતના એક દિવસના પ્રવાસે પહોંચ્યા, જેમાં તેમણે આજે વલસાડના જૂજવા ગામમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાન મંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગતના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

વડા પ્રધાને અહીં કેટલીક યોજનાઓનું લોકર્પણ કરીને સંબોધન કર્યું હતું.

ઉપરાંત આવાસના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો.

મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ ગુજરાતીમાં જ કર્યો હતો, પરંતુ હાજર શ્રોતાઓને સંબોધન હિંદી ભાષામાં કર્યું હતું.

ગુજરાતના વિવિધ લાભાર્થીઓ સાથે વડા પ્રધાનના સંવાદમાં ઘણી આશ્ચર્યજનક બાબતો જોવા મળી.

સંવાદમાં તેમણે લાભાર્થીઓને 'પૂછ્યું કંઈક' અને તેમને 'જવાબ કંઈક' બીજા જ મળ્યાં.

કોંગ્રેસે મોદીના દાવા પર સવાલ ઉઠાવ્યા તો ભાજપે 'તકનીકી કારણ'ને આગળ કરીને મોદીનો બચાવ કર્યો.

'સો પૈસા લાભાર્થી સુધી પહોંચે છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

લાભાર્થી મહિલાઓના જવાબો પરથી લાગ્યું કે, વડા પ્રધાન સાથે સંવાદ મામલે 'તૈયારીઓ' પૂરતી ન હતી.

દરમિયાન, વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું તેમાં ભ્રષ્ટાચાર મામલે અગાઉની સરકારો પર આડકતરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે દિલ્હીથી (મોદી સરકારમાં) એક રૂપિયો નીકળે છે, તો પૂરા 100 પૈસા તેના લક્ષ્ય સુધી પહોંચે છે.

આપને આ પણ વાંચવું ગમશે

અત્રે નોંધવું રહ્યું કે તેમણે વર્ષ 1995માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં એક નિવેદનના સંદર્ભે આ વાત કહી હતી.

રાજીવ ગાંધીએ 1995માં ઓડિશાના પ્રવાસ દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે, લોકોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર 15 પૈસા જ ખરેખર લાભાર્થી સુધી પહોંચે છે.

ઉપરાંત અગાઉની બિન-ભાજપી સરકારોના કામકાજની ટીકા કરતા તેમણે કહ્યું કે, "હું મુખ્ય મંત્રી બન્યા બાદ જ્યારે અગાઉની સરકારના આદિવાસી વિકાસ મંત્રીના ગામમાં ગયો હતો, ત્યારે ત્યાં પાણીની ટાંકી હતી પણ પાણી નહોતું."

લાભાર્થીઓ સાથે સંવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફાઇલ

વડા પ્રધાને ભ્રષ્ટાચાર મામલે ફરીથી વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે તેમણે યોજના સરકારી કોન્ટ્રાક્ટરોના ભરોસે નહીં છોડી દીધી અને 'કટકી કંપની' બંધ થઈ ગઈ.

કાર્યક્રમ હેઠળ વડા પ્રધાને લાભાર્થીઓ સાથે લાઇવ ટેલિકાસ્ટ વ્યવસ્થા દ્વારા સીધો જ સંવાદ કર્યો હતો.

જેમાં કેટલીક રસપ્રદ બાબતો જોવા મળી. સૌથી મહત્ત્વની બાબત એ હતી કે તેમણે જેટલા પણ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમાં માત્ર મહિલાઓ જ હતી.

મોદીએ ભાષણની શરૂઆત પણ રક્ષાબંધનના તહેવારના ઉલ્લેખ સાથે કરી હતી. કાર્યક્રમમાં રાખડી લઈને આવેલી મહિલાઓનો તેમણે આભાર માન્યો હતો.

ઉપરાંત આવાસને મહિલાઓને રક્ષાબંધનની ભેટ ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને 26 જિલ્લાના વિવિધ આવાસ લાભાર્થીઓ સાથે કૉન્ફરન્સથી સંવાદ કર્યો હતો.

સંવાદમાં જોવા મળ્યું કે વડા પ્રધાન લાભાર્થીઓને તેમના ગામ વિશે અને પોતાના વિશે પૂછતાં હતા, પરંતુ સામે લાભાર્થી તરફથી માત્ર એક જ વાત વારંવાર જવાબરૂપે કહેવામાં આવતી હતી.

PM મોદીએ પૂછ્યું મને ઓળખો છો?જવાબ ન મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images

જેતપુરના એક મહિલા લાભાર્થી સાથેની વાતચીતમાં વડા પ્રધાને તેમને કહ્યું કે, તેઓ પણ જેતપુરમાં જ રહેતા હતા. શું તેઓ તેમને ઓળખે છે? ગામની વસ્તી કેટલી છે? સ્વચ્છતા કેવી છે?

જેના જવાબમાં મહિલા લાભાર્થીએ માત્ર તેમને ઘર મળ્યું અને તેઓ ખુશ છે એમ એક જ વાત કહી રહ્યાં હતાં.

ગીર-સોમનાથ અને અન્ય આદિવાસી વિસ્તારોના લાભાર્થીઓને ગામની વસ્તી અને બાબતો વિશે તેમણે પ્રશ્ન પૂછ્યા, પરંતુ લાભાર્થી કોઈ વ્યવસ્થિત જવાબ ન આપી શક્યા.

ભરૂચ જિલ્લાના એક ગામમાં મહિલાને તેમણે ગામમાં બસ આવે છે કે નહીં, સમયસર આવે છે કે નહીં, ઉપરાંત ગામમાં કેટલા ઘર બન્યા અને કેટલા સમયમાં બન્યા સહિતના પ્રશ્ન પૂછ્યા હતા.

પરંતુ મહિલા તેમને યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને માત્ર તેમને ઘર મળ્યું છે જેવો જવાબ આપ્યો હતો.

આમ તેમણે પ્રશ્ન શું પૂછ્યા અને તેમને જવાબ શું મળ્યા તે સંવાદ નોંધનીય રહ્યો.

કોંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BJP

ઇમેજ કૅપ્શન,

વલસાડના કાર્યક્રમમાં આવસના લાભાર્થીઓ સાથેવા સંવાદની તસવીર

વડા પ્રધાન અને લાભાર્થીઓ વચ્ચેના સંવાદ મામલે સર્જાયેલી સ્થિતિ અને તેમના આડકતરા પ્રહાર વિશે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, મોદી સરકાર માત્ર દાવાઓ કરે છે અને ગ્રાઉન્ડ પર સ્થિતિ કંઈક અલગ જ હોય છે.

દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વડા પ્રધાનના આવા જાહેર કાર્યક્રમોમાં લાભાર્થીઓને પહેલાંથી જ સારું સારું બોલવા માટે તૈયાર કરી દેવાય છે."

"ઉપરાંત છ મહિનામાં આટલા બધા આવાસ બંધાઈ જવાની બાબત પણ શંકા ઉપજાવે છે."

"રાજીવ ગાંધીએ જે પંદર પૈસાની વાત કરી હતી તેનો મુદ્દો અલગ હતો અને તે સ્થાનિક સ્તરે થતા ભ્રષ્ટાચાર વિશેની વાત હતી."

"સરકારી કાર્યક્રમોમાં લાભાર્થીઓને શું બોલવાનું છે તે પહેલાથી જ શિખવાડી દેવામાં આવે છે. આથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ."

ભાજપે શું કહ્યું?

બીજી તરફ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "તકનીકી કારણસર સંવાદ મામલે આવી સ્થિતિ સર્જાઈ હતી."

"વળી વડા પ્રધાને પ્રજાલક્ષી નિર્ણયો સાથે હજારો કરોડની યોજનાઓ લોકાર્પણ કરી. વડા પ્રધાને તમામ લાભાર્થીઓ સાથે આત્મીયતાથી વાત કરી. તેમણે ઘણા સંસ્મરણો પણ વાગોળ્યા."

"લાભાર્થીઓને એવું હતું કે વડા પ્રધાન કંઈ વાત નહીં કરે પરંતુ વડા પ્રધાને તેમની સાથે વાતચીત કરી. આથી તેઓ સમજી નહીં શક્યા કે ત્વરિત શું જવાબ આપવો."

અત્રે નોંધવું રહ્યું કે, વડા પ્રધાને વર્ષ 2022 સુધીમાં દેશમાં 'તમામને ઘર ઘર'નું લક્ષ્ય પ્રાપ્ત કરવાની વાત ફરી એક વાર ઉચ્ચારી હતી.

તદુપરાંત વડા પ્રધાને કપરાડા-ઉમરવાડાથી અંબાજી સુધીના પટ્ટાને પાણીની કોઈ જ તંગી ન પડે તે માટેની યોજનાઓના કામોનો ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ ગુજરાતના એક દિવસના પ્રવાસ હેઠળ વલસાડ બાદ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધી હતી.

અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરી અને ત્યાંથી ગાંધીનગર પહોંચ્યા. જ્યાં તેમણે ફોરેન્સિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો