કુલદીપ નૈયરનું અવસાન, મોદી સરકાર વિશે આવો હતો એમનો દૃષ્ટિકોણ

કુલદીપ નૈયર
ફોટો લાઈન કુલદીપ નૈયર

જાણીતા પત્રકાર કુલદીપ નૈયરનું બુધવાર રાત્રે દિલ્હીમાં નિધન થયું. તે 95 વર્ષના હતા.

તેમનો જન્મ વર્ષ 1923માં હાલના પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. દેશમાં લાગુ થયેલી કટોકટી સમયે કુલદીપ નૈયર પ્રથમ પત્રકાર હતા, જેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

તેમના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે, "કટોકટી વિરુદ્ધ કુલદીપ નૈયરનું કડક વલણ, તેમનું કામ અને બહેતર ભારત માટેની તેમની પ્રતિબદ્ધતા હંમેશાં યાદ કરવામાં આવશે."

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય અગ્રણી લોકોએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

કુલદીપ નૈયર ઘણાં દિવસોથી બીમાર હતા. છેલ્લા કેટલાક દિવસોથી તે દિલ્હીના એક હૉસ્પિટલમાં હતા. બુધવારે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

શું તમે આ વાંચ્યું?

ગુરુવારે બપોરે એક કલાકે તેમના અંતિમ સંસ્કાર લોધી રોડ ખાતે કરવામાં આવ્યા.


Image copyright Shanti Bhushan

કુલદીપ નૈયરે તેમના પત્રકારત્વની શરૂઆત ઉર્દૂ પ્રેસ પત્રકાર તરીકે કરી હતી. તે 'ધ સ્ટેટ્સમૅન'ના તંત્રીપદે પણ હતા.

નૈયરને વર્ષ 1990માં બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર તરીકે પણ નીમવામાં આવ્યા હતા. સાત વર્ષ બાદ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

કુલદીપ નૈયરે ઘણાં પુસ્તકો લખ્યા હતા. જેમાં 'બિટવીન ધ લાઇન્સ', 'ઇન્ડિયા આફ્ટર નહેરુ', 'ઇન્ડિયા પાકિસ્તાન રિલેશનશિપ'નો પણ સમાવેશ થાય છે.


અપાયેલું સન્માન પાછું લેવાયું

Image copyright SGPC

ગયા વર્ષે કુલદીપ નૈયરને અકાલ તખ્તની સ્થાપનાની 400મી વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે પત્રકારત્વમાં તેમના પ્રદાન માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુલદીપ નૈયરે જરનૈલસિંઘ ભિંડરાવાલેની સરખામણી ગુરમીત રામ રહીમ સાથે કરી હતી. જેની સામે દમદમી ટકસાલે વિરોધ નોંધાવ્યો હતો.

આ વિવાદ બાદ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ તેમને આપેલું સન્માન પરત લેવાનો નિર્ણય કર્યો હતો.


કટોકટી મામલે કુલદીપનો ભય

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધી

કટોકટી સમયે કુલદીપ નૈયર ઇન્ડિયન એક્સપ્રેસમાં કામ કરતા હતા. વર્ષ 1975ની 24મી જૂનની રાત્રે કટોકટી લાગુ કરવામાં આવી, ત્યારે અખબારની ઓફિસમાં હતા.

એ સમયનાં સંસ્મરણો બીબીસીને જણાવતા તેમણે કહ્યું હતું, "દરેક સમયે ભયનો ઓછાયો રહેતો હતો. કોઈ પોતાનું મોઢું ખોલવા તૈયાર નહોતું કારણ કે એમ કરવાથી ધરપકડ થઈ જવાનો ડર હતો.”

“પ્રૉફેશનલ્સ અને ઉદ્યોગપતિઓને તેમના કારખાના અને ઓફિસો પર દરોડા પાડીને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.”

“પ્રસાર માધ્યમો પોલાં થઈ ગયાં હતાં. એટલે સુધી કે પ્રેસ કાઉન્સિલે પણ મૌન ધારણ કરી લીધું હતું. પ્રેસની સ્વતંત્રતાની રક્ષા કરનારી એ સર્વોચ્ચ સંસ્થા હતી."


મોદી સરકાર પ્રત્યેનો દૃષ્ટિકોણ

Image copyright EPA

કુલદીપ નૈયર એક નીડર અવાજ હતા. તે દરેક વખતે સરકારોની ટીકા કરવાનું નહોતા ચૂકતા.

તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર ટિપ્પણી કરતા બીબીસી માટે લખ્યું હતું કે ભાજપની વર્તમાન સરકારમાં કોઈ પણ કૅબિનેટ મંત્રીનું મહત્ત્વ નથી રહ્યું.

તેમણે વર્તમાનમાં મીડિયાની સ્વતંત્રતા વિશે લખ્યું હતું, "આજે લોકો એવું અનુભવી રહ્યા છે કે, જો દાયકાઓ પહેલાં ઇંદિરા ગાંધીનું એકહથ્થુ રાજ હતું, તો આજની તારીખમાં એવું જ રાજ નરેન્દ્ર મોદીનું છે.”

“મોટાભાગનાં અખબારો અને ટેલિવિઝન ચેનલોએ કામ કરવાની તેમની પદ્ધતિને માની લીધી છે, જેવું એમણે ઇંદિરા ગાંધીના સમયમાં કરી લીધું હતું."

"જોકે, નરેન્દ્ર મોદીનું એકહથ્થુ રાજ આ મામલે વધારે બદતર થઈ ગયું છે કે ભાજપ સરકારના કોઈ પણ કૅબિનેટ મંત્રીનું કોઈ મહત્ત્વ જ રહ્યું નથી. કૅબિનેટની સહમતિ માત્ર કાગળ પરની કાર્યવાહી બનીને રહી ગઈ છે."

"દરેક રાજકીય પક્ષે સાથે મળીને કટોકટી જેવી કોઈ પણ સ્થિતિનો વિરોધ કરવો જોઈએ, જે રીતે એમણે પહેલાં પણ વિરોધ કર્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ