કેરળમાં આવેલું પૂર કુદરતી હતું કે માનવસર્જિત હતું?

પૂરની ઍરિયલ તસવીર Image copyright Getty Images

કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેના એક મહિના પહેલાં એક સરકારી રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે સમગ્ર દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય જળ વ્યવસ્થાપન મામલે નબળું છે.

કેરળમાં આવેલા આ વિનાશક પૂર પાછળ કુદરતી સંકટની સાથે સાથે માનવીય ભૂલો પણ જવાબદાર છે.

બીબીસી ગુજરાતીએ કેરળમાં પૂરની પરિસ્થિતિ શા માટે સર્જાઈ અને કેમ વિનાશક પૂર આવ્યું તે સમજવાનો પ્રયાસ કર્યો હતો.


પૂરનું કારણ કુદરતી કે માનવસર્જિત?

Image copyright Getty Images

કેરળમાં જ્યારે સતત વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે રાજ્યના 35 ડૅમોમાંથી એક સાથે પાણી છોડવામાં આવ્યું હતું.

તામિલનાડુના ચાર ડૅમો એવા છે જેમાંથી છોડવામાં આવેલું પાણી કેરળમાં જાય છે.

વળી કેરળમાં વરસી રહેલા વરસાદ દરમ્યાન તામિલનાડુએ તેના ડૅમમાથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડ્યું હતું.

ઉપરાંત એક બિલિયન ક્યૂબિક મીટરથી વધારે પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા કેરળના સૌથી મોટા ઇડ્ડુક્કી ડેમમાં ચોમાસાની શરૂઆતમાં પાણીનો જીવંત સ્ટૉક 25 ટકાથી વધારે હતો. જેના કારણે પાછળથી આ ડૅમ જલદી ભરાઈ ગયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇડ્ડુક્કીક ડૅમના પાણીનો મુખ્ય ઉપયોગ વિજળી ઉત્પન્ન કરવા થાય છે. જેમાં 130 મેગા વૉટ ક્ષમતા ધરાવતા 6 યુનિટ છે. તેમાંથી 2 યુનિટ કાર્યરત ન હતાં.

આથી પાણીનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઉપયોગમાં લેવાયો ન હતો. આથી પાણીનો સ્ટૉક ઘણો વધારે હતો.


'ઉપરવાસમાં પાણી શોષવાની ક્ષમતા ઘટી'

Image copyright Getty Images

કેરળ પશ્ચિમ ઘાટનો પ્રદેશ છે. જેની એક તરફ પહાડો છે, બીજી તરફ સમુદ્ર છે.

કેરળમાં આશરે 44 નદીઓ છે. તમામ નદીઓની લંબાઈ ઓછી છે. જે વિસ્તારમાં આ નદીઓ આવેલી છે તે વિસ્તારોમાં વરસાદ વધારે પડતો હોય છે.

આ સિઝનમાં કેરળનો સરેરાશ વરસાદ પણ 2000 મિલીમીટરથી વધુ નોંધાયો છે. પ્રદેશના સરેરાશ વરસાદ કરતાં તે 40 ટકા વધારે છે.

ડૅમના ઉપરવાસમાં પાણી શોષવાની ક્ષમતા ત્યાં આવેલા જંગલો, વરસાદી હવામાન ધરાવતી જમીન તેની ગુણવત્તા વગેરેના આધારે હોય છે.

કેરળના આ વિસ્તારોમાં પાણી શોષાવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

શહેરીકરણ, નદીની આસપાસના વિસ્તારમાં ખનન અને નદીઓના તટક્ષેત્રમાં દબાણ વધવાના કારણે પણ વરસાદનું પાણી જમીનમાં ઊતરતું નથી અને પૂરમાં તબદીલ થઈ જાય છે.

કોચીન ઍરપૉર્ટમાં એટલું પાણી ભરાયું કે તેને બંધ કરવું પડ્યું હતું. તેનું કારણ એ છે કે નદીકાંઠાના વિસ્તારમાં દબાણ કરીને આ ઍરપૉર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.


ગાડગીલ કમિટીની ભલામણો ન સ્વીકારાઈ

Image copyright Getty Images

સરકારે 5-6 વર્ષ પહેલાં એન્વાયરમેન્ટ બાબતોના તજજ્ઞ માધવ ગાડગીલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

આ સમિતિની રચનાનો હેતુ સમગ્ર વેસ્ટર્ન ઘાટના ઇકૉ સેન્સિટિવ ઝોનમાં પ્રકૃત્તિના સંરક્ષણ માટે જરૂરી કાર્યવાહી વિશે જાણકારી મેળવવાનો હતો.

આ કમિટીના રિપોર્ટને કેરળના તમામ રાજકારણીઓએ એક સાથે નકારી દીધો હતો.

આ કમિટીની કોઈ પણ ભલામણને કેરળ સરકારે માની ન હતી. પૂરની સ્થિતિ સર્જાવાનાં કારણોમાં આ પણ એક મહત્ત્વનું કારણ છે.


ભૂસ્ખલનથી વધારે મૃત્યુ થયાં?

Image copyright Getty Images
ફોટો લાઈન ભૂસ્ખલનથી તૂટી ગયેલુ ઘર

કેરળના પૂરમાં જેટલા લોકો મૃત્યુ પામ્યાં છે તેમાંથી 80 ટકા લોકો ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામ્યાં છે.

આ જમીન ક્યાં ક્યાં ધસી પડી છે તે તમે તપાસો તો જાણવા મળશે કે માધવ ગાડગીલ દ્વારા જે વિસ્તારોને ઇકૉ સેન્સિટિવ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, ત્યાં તમામ સ્થળોએ જમીન ધસી પડી છે.

જમીન ધસવાના કારણે અનેક મકાનો તૂટી જતાં લોકોનાં મૃત્યુ થયાં છે.

જ્યારે પણ આવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે, ત્યારે ભૂસ્ખલન થાય છે. આવી ઘટનાઓ ભારતના અન્ય ભાગોમાં પણ નોંધાઈ છે.

આ જગ્યાઓએ ભૂસ્ખલન થવાની પાછળનું કારણ કુદરતી રીતે થતાં જમીનના ધોવાણને અટકાવતાં જંગલોનો નાશ કરવાની બાબત જવાબદાર છે.


'ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ અસરકાર નથી'

Image copyright Getty Images

વિશ્વભરમાં તાપમાનમાં થયેલા ફેરફાર અને કુદરતી સંસાધનના અતિશય ઉપયોગના કારણે તથા આબોહવામાં આવેલા પરિવર્તનના કારણે દેશમાં ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે.

સપ્ટેમ્બર 2014માં ઉત્તરાખંડમાં પછી કાશ્મીરમાં અને ત્યાર બાદ ચેન્નાઇમાં જે કંઈ પણ થયું હતું તેવી આપદાઓ વધવાની શક્યતા છે.

આવી સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટનો જે પ્લાન હોવો જોઈએ તેને લઈને ન તો રાજ્ય સરકાર તૈયાર છે ન તો કેન્દ્ર સરકાર તૈયાર છે.


'પૂરની આગાહી થઈ નહીં'

Image copyright Getty Images

વધુમાં મહત્ત્વનું કારણ એ છે કે કેન્દ્રીય જળ સંસાધન બાબતોની સંસ્થા પૂરની આગાહી કરતી હોય છે. એ સંસ્થાએ આખા કેરળમાં વરસેલા વરસાદ દરમ્યાન પૂરની ચેતવણી આપી જ નહીં.

નદીમાં કેટલો વરસાદ પડ્યો છે? અપ સ્ટ્રીમમાં શું સ્થિતિ છે? આગળ તેની કેવી અસર થશે?

વગેરે જેવી બાબતોનો સંયુક્ત સમાવેશ કરીને આગાહી કરવામાં આવે કે આ જગ્યાએ આટલા વાગ્યે આટલું પૂર આવશે. પરંતુ કેરળમાં તેની આગાહી નહોતી કરવામાં આવી.

પૂરની આગાહી મળે ત્યારે સ્થિતિને પહોંચી વળવાનો તમે પ્રયાસ કરી શકો છો.

આગાહી જ ન થઈ તેના કારણે આખા કેરળમાં જે નુકસાન થયું તેની માત્રા વધી ગઈ છે.

(દક્ષિણ ભારતની નદીઓ પર ડૅમ નેટવર્કના નિષ્ણાત હિમાંશુ ઠક્કર સાથેની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ