ગુજરાતમાં મોટાભાગનાં ઉદ્ધાટનો રૂપાણીને બદલે મોદી જ કેમ કરે છે?

હૉર્ડિંગમાં મોદીની તસવીર Image copyright Getty Images

ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાને અનેક યોજનાઓની જાહેરાતો કરી. ઠેકઠેકાણે લાગેલાં કાર્યક્રમોનાં હોર્ડિંગમાં વડા પ્રધાનનો ફોટો મોટો અને રાજ્યના મુખ્ય મંત્રીનો ફોટો માપમાં હોય, એ પ્રોટોકોલની રીતે સમજી શકાય એવું છે. પરંતુ ગુજરાતમાં મામલો ફક્ત પ્રોટોકોલનો નથી. પરંપરા અને આદતનો પણ છે.

2001થી 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ આ સમયગાળામાં વિવિધ પ્રયુક્તિઓ દ્વારા તેમની વ્યક્તિગત બ્રાન્ડ એવી મજબૂત કરી કે તેમના સિવાય બીજું કોઈ સત્તાના કેન્દ્રમાં દેખાય નહીં.

ઇંદિરા ગાંધીની જેમ તેમણે પણ રાજકારણને, ખાસ તો પોતાના જ પક્ષના રાજકારણને સામૂહિક રમતને બદલે વ્યક્તિગત પ્રભાવનો ખેલ બનાવી દીધું.

ગુજરાતમાં લોકોના એક સમૂહમાં એવું ઠસાવી દેવામાં આવ્યું કે ગુજરાત એટલે મોદી અને મોદી એટલે ગુજરાત. (મોદીરાજના ચારેક દાયકા પહેલાં પ્રચલિત બનાવાયેલું સૂત્ર હતું ઇન્દિરા ઇઝ ઇન્ડિયા.)


મોદીનો વન મેન શો

Image copyright Getty Images

ગુજરાત ભાજપમાં સ્થિતિ હંમેશાં આવી ન હતી.

કેશુભાઈ પટેલના રાજમાં ભાજપમાં બીજા અનેક નેતાઓ, બલ્કે બબ્બે પેઢીના નેતાઓ હતા, જે મુખ્ય મંત્રીપદના દાવેદાર ગણાતા અને સત્તાની વાત આવે ત્યારે તેમનાં નામ લેવાં પડતાં.

વજુભાઈ વાળા અને કાશીરામ રાણા સહિતના જૂના હેવીવેઇટ નેતાઓથી માંડીને હરેન પંડ્યા જેવા પછીની પેઢીના નેતાઓ ગુજરાતમાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી તરફ સુરેન્દ્રકાકા તરીકે ઓળખાતા સુરેન્દ્રભાઈ પટેલ જેવા નેતાઓની હરોળ હતી, જે ભાજપની રાજકીય સિવાયની (કે ઉપરાંતની) બાબતોમાં કાબેલ ગણાતા હતા.

આમ, રાષ્ટ્રીય સ્તરે તો ઠીક, ગુજરાત સ્તરે પણ ભાજપ વન મેન શો ન હતો.

નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય મંત્રીપદના લાંબા સમયગાળામાં એ સ્થિતિ બદલી નાખી. એ બદલાવ એક ઝાટકે થયો ન હતો.

બધા તે અનુભવી રહ્યા હતા—ખાસ કરીને તેમના રાજકીય સાથીદારો.

જોકે, ઊકળતા પાણીમાંથી તરત બહાર કૂદકો મારી દેતો દેડકો પાણી ધીમે ધીમે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી બહાર નીકળી શકતો નથી, એવી બોધકથા પ્રમાણે ભાજપના નેતાઓની હાલત થઈ.


'રૂપાણી બાજુ પર રહી ગયા'

Image copyright Getty Images

વડા પ્રધાનની હાલની મુલાકાત વખતે ઘણાને એવું લાગ્યું કે યોજનાઓ ગુજરાત રાજ્યની હોવા છતાં, તેમાં મુખ્ય મંત્રી બાજુ પર રહી ગયા અને જશનો આખો ટોપલો વડા પ્રધાને પોતાના માથે લઈ લીધો.

વડા પ્રધાનને ન્યાય ખાતર કહેવું જોઈએ કે હોર્ડિંગમાં ગુજરાતના મુખ્ય મંત્રીની તસવીર તો હતી. (એ જુદી વાત છે કે સામાન્ય રીતે સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગમાં ઘણે ભાગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સાથે જોવા મળતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ હોર્ડિંગોમાં ગેરહાજર હતા.)

બાકી, ગુજરાતના મુખ્ય મંત્રી બન્યાનાં થોડાં વર્ષમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકીય ઇતિહાસના બે ભાગ પાડી નાખ્યા હતાઃ નરેન્દ્ર મોદી પહેલાં અને નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન.

તેમની યોજનામાં તેમની પહેલાંની (કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળની) ભાજપ સરકારનો પણ સમાવેશ થતો ન હતો.

કેશુભાઈ આ અવગણના સામે સળવળ્યા પણ સામે થવામાં તેમણે લાંબો વખત લીધો. દરમિયાન, નરેન્દ્ર મોદીનો વન મેન શો પકડ જમાવી ચૂક્યો હતો.

તે સમયે ભાજપની નવી પેઢીના, મુખ્ય મંત્રીપદના આશાસ્પદ ઉમેદવાર ગણાતા હરેન પંડ્યાનું રાજકારણમાં પત્તું કાપવા માટે મોદીએ કરેલું ત્રાગું ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યું હતું.

પછી તો હરેન પંડ્યા જ ન રહ્યા—તેમની રહસ્યમય સંજોગોમાં હત્યા થઈ, જેનો સંતોષકારક તાળો ભાજપની જ સરકાર આટલાં વર્ષે મેળવી શકી નથી અને બીજા નેતાઓ પણ લાઇનમાં આવતા ગયા.

કોમી ધ્રુવીકરણ, આંજી નાખનારો ભપકો, ગુજરાતની તથાકથિત અસ્મિતા (અને તેનું અપમાન) તથા લોકોની વિચારશક્તિને કુંઠિત કરી નાખે એવો ઝળહળાટ પ્રચાર—આ સંયોજન મોદીએ આબાદ પ્રયોજ્યું અને ધારી સફળતા મેળવી.


Image copyright Getty Images

ગુજરાતમાં વર્તમાન મુખ્ય મંત્રી વિજય રૂપાણી કે નરેન્દ્ર મોદી પછી તરત મુખ્ય મંત્રીપદું સંભાળનારાં જૂનાં સાથી આનંદીબહેન પટેલ, એ બધાને ઓછામાં ઓછાં બે દેખીતાં કારણસર તેમના પૂર્વસૂરિ મોદીની છાયામાં રહેવું પડે એમ છે.

મોદી મુખ્ય મંત્રી મટીને વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પહેલાં રાજકીય દૃષ્ટિએ તે ગુજરાતના મુખ્ય મંત્રીપદે પોતાની સફળતા પુરવાર કરી ચૂક્યા છે.

ગુજરાતમાં અગાઉની વિધાનસભાની ચૂંટણી વખત એક સંદેશ બહુ સ્પષ્ટ જતો હતોઃ ચૂંટણીમાં ભલે સ્થાનિક પરિબળો અને રાજકારણ ભાગ ભજવતાં હોય, પણ મુખ્ય મંત્રીપદે નરેન્દ્ર મોદીનું હોવું એ પોતે એક નિર્ણાયક પરિબળ હતું.

મત તેમના નામે માગવામાં આવતા હતા. મોદીની અભિવ્યક્તિ તથા વર્તનમાં એ વાત સાફ ઝળકતી હતી કે તમે બધા (વિધાનસભ્યો) મારા લીધે ચૂંટાયા છો.

આ પ્રકારની માનસિકતા હોય ત્યારે બીજી-ત્રીજી હરોળની નેતાગીરીનો પ્રશ્ન જ રહેતો નથી. એક નેતા હોય છે ને બાકી બધા હુકમ ઉઠાવનાર.


ગુજરાત મૉડલ: મોદીની ઓળખ

Image copyright Getty Images

મોદી ગુજરાતમાં હતા ત્યારે પણ તેમની મીટ દેશવિદેશ તરફ મંડાયેલી હતી.

તે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ એજન્સીની સેવાઓ લેતા હતા અને સ્વતંત્રતા દિને લાલ કિલ્લાની પ્રતિકૃતિ મુકાવીને, તેની આગળ ઊભા રહીને ભાષણ આપતા હતા.

હવે તો તે ખરેખરા લાલ કિલ્લા પરથી ભાષણો આપી ચૂક્યા છે. છતાં, ગુજરાત તેમનું જૂનું અને જાણીતું શો કેસ છે.

અનેક અભ્યાસીઓની નક્કર ટીકા છતાં તથાકથિત ગુજરાત મૉડલ વડા પ્રધાનની ઓળખનો એક ભાગ છે.

આ ગુજરાતમાં તેમણે મુખ્ય મંત્રીપદું છોડ્યું ત્યાર પછીના ટૂંકા ગાળામાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓએ ભાજપ સામે ગંભીર પડકાર ઊભા કર્યા.

ગત વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ કઠણ લાગતાં વડા પ્રધાન મોદીએ આવીને અઢળક સભાઓ સંબોધવી પડી અને પ્રચારના છેલ્લા દિવસે સી પ્લેનનો ખેલ પણ પાડવો પડ્યો.

તેમ છતાં, પરિણામ આવ્યાં ત્યારે કોંગ્રેસ-ભાજપ જે રીતે લગોલગ રહ્યાં, તે પણ મોદી વિનાની ગુજરાતની નેતાગીરીની દશા અને ગુજરાતમાં તેમના મહત્તમ ફૂટેજનું કારણ સમજાવવા માટે પૂરતાં છે.

મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે કુંઠિત થયેલી ગુજરાત ભાજપની નેતાગીરી મોદીના વડા પ્રધાનપદે પહોંચ્યા પછી ખીલે કે તેને સ્વતંત્ર રીતે ખીલવા દેવાય એ વાતમાં બહુ માલ નથી.

કારણ કે વન મેન શોનું ગુજરાત મૉડલ મોદીએ રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડ્યું છે.

તેમાંથી ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે? ખાસ કરીને ત્યારે, જ્યારે હજુ પણ ગુજરાતના ભાજપના મતદારોનું ભાજપને મત આપવાનું એક મોટું કારણ મોદીનો વ્યક્તિગત કરિશ્મા હોય અને 2019ની ચૂંટણીનો માહોલ બંધાઈ રહ્યો હોય.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ