BBC SPECIAL: આઝાદીનાં 70 વર્ષો બાદ પણ ખેડૂતોની હાલત આવી કેમ?

  • પ્રિયંકા દુબે
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

'ભારતમાં ખેડૂતો મરે એથી કોઈ ફરક નથી પડતો.' આ વાક્ય વાંચતી વખતે કદાચ તમે રોટલી, દાળ-ભાત અથવા બ્રેડ કે બિસ્કિટ ખાઈ રહ્યા હશો.

દેશના કોઈ ભાગમાં ખેડૂતના પરિશ્રમથી ઉગાડેલાં અનાજથી બનેલી વાનગીઓ ખાતા તમે કદાચ મુંબઈથી પ્રસારિત થતો કોઈ ફૅશન શો જોતાં હશો.

કદાચ પોતાના ફોનમાં કોઈ ઍપ પર એ ફૅશન શોમાં દર્શાવેલાં કપડાં ઑનલાઇન સેલમાં ખરીદવાનો વિચાર કરતાં હશો.

ડિઝાઇનર કપડાંની ઑનલાઇન ખરીદી કરતી વખતે કપડાં માટેનો કાચો માલ એટલે કે કપાસ ઉગાડતા વિદર્ભના ખેડૂતો વિશે તમે વિચાર કરો એવું ભાગ્યે જ બને.

આ ખેડૂતનું કોઈ નામ નથી, કોઈ ચહેરો નથી અને કોઈ સરનામું પણ નથી.

પ્રતીકાત્મક તસવીર

આ એવા ખેડૂતોની વાત છે જેઓ હતાશામાં ડૂબીને આત્મહત્યા કરી લે છે.

આ ઘટનાક્રમ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલે છે. ભારતમાં આશરે દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે.

ખેડૂતોએ ખેતીમાં એટલું નુકસાન ઉઠાવવું પડે છે કે તેઓ વ્યાજે પૈસા લઈને પણ વ્યવસ્થિત ખેતી કરી શકતા નથી.

ત્યારબાદ તેઓ કોઈ ઝેરી દવા પીને અથવા તો રેલવેના પાટા પર અથવા તો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લે છે.

પરંતુ છેલ્લા બે દાયકાઓથી તેમની ખરાબ સ્થિતિ અને આત્મહત્યાઓની ઘટનાઓથી એવું માલૂમ પડી રહ્યું છે કે ખરેખર ખેડૂતોના મરવાથી કોઈને કંઈ ફરક પણ પડતો નથી.

line

કૃષિ સંકટ કેટલું ગંભીર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ભારત પર મંડરાઈ રહેલા કૃષિ સંકટ પર વાત કરવી કેમ જરૂરી છે? આ બાબતે વધુ વાત કરતાં પહેલાં એક નાનકડી કહાણી જોઈએ.

જ્યારે હું ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં પહેલીવાર મારી શાળાની પ્રાર્થના સભામાં 'ભારતનો ખેડૂત' વિષય પર એક નાનું ભાષણ આપ્યું હતું.

મને યાદ છે એ ભાષણની શરૂઆત 'ભારત કૃષિ પ્રધાન દેશ છે' અને 'ખેડૂત ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે' જેવા વાક્યોથી કરી હતી.

મને એ સમયે બિલકુલ અંદાજ નહોતો કે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ મારા વયસ્ક થવા પર ભાંગી જવાની અણીએ પહોંચી જશે.

આ બન્યું કેવી રીતે? એટલું જ નહીં મુખ્યધારાના મીડિયામાં 'ખેડૂતોની આત્મહત્યા' એક 'ચવાયેલો' વિષય બની ગયો અને 'ખેડૂત પુત્ર' નેતાઓથી ભરાયેલી સંસદ દ્વારા કરાતી લૉન માફીની જાહેરાતો ખેડૂતોનાં ખાતાઓ સુધી નથી પહોંચી શકી.

line

70 વર્ષ બાદ પણ ખેડૂતોની સ્થિતિ એમની એમ જ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા ઘણા સમયથી સરકારની સાથે સાથે ખેડૂતો પણ આપણા સુધી તેમના મુદ્દાઓ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે.

જેમકે, નાસિકથી પગપાળા ચાલીને હજારોની સંખ્યામાં ખેડૂતો મુંબઈ આવ્યા, પોતાના મૃત્યુ પામેલા સાથીના અવશેષો લઈને દિલ્હી પહોંચ્યા.

દિલ્હીના તડકામાં રસ્તા પર ભાત અને સંભાર ખાધા, સંસદની સામે લગભગ નિર્વસ્ત્ર થઈને પ્રદર્શન કર્યું તો પણ તેમની જિંદગીમાં કોઈ બદલાવ આવ્યો નહીં.

આઝાદી પહેલાં પ્રેમચંદની કહાણીઓમાં નોંધાયેલી ખેડૂતોની પરિસ્થિતિ આઝાદીનાં 70 વર્ષ બાદ પણ એમની એમ જ છે.

નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરો (એન.સી.આર.બી)ના આંકડાઓ અનુસાર વર્ષ 1995થી અત્યારસુધી ભારતમાં ત્રણ લાખથી પણ વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

આ સંદર્ભે હાલના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2016માં દેશમાં 11,370 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતોની આત્મહત્યાનું સૌથી મોટું કારણ તેમના પર રહેલું દેવું છે.

કૃષિ સંકટ માટે વરસાદની અનિયમિતતા, અપૂરતી સિંચાઈ વ્યવસ્થા, પાકના યોગ્ય ભાવ ન મળવાને મુખ્ય કારણો ગણાવી શકાય.

જોકે, સૌથી મોટું કારણ તો એ છે કે હવે ખેડૂતો આશા ગુમાવી બેઠા છે.

line

ખેડૂતોની હાલત પર બીબીસીની સિરીઝ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વાસ્તવિકતા એ છે કે ખેડૂતો પર જ દેશની આશા ટકેલી છે.

ખેડૂતો વિશે અલગથી વાત કરવી જરૂરી છે કારણ કે આવનારી પેઢીનાં બાળકોની થાળીમાંથી રોટલી અને ભાત ગાયબ થઈ જાય તો આપણે તેની પાછળના કારણથી અજાણ ન હોઈએ.

અન્ય એક કારણ એ પણ છે કે ભારતીય સંસદમાં બેઠેલા દરેક 'ખેડૂત પુત્ર' ચૂંટણી દરમિયાન ભારતને 'ખેડૂત આત્મહત્યા મુક્ત' બનાવવાના તેમના વાયદાઓને યાદ કરે અને આ 'કૃષિ પ્રધાન' દેશને 'ફાંસી પ્રધાન' દેશ બનવાથી બચાવે.

બીબીસી ગુજરાતી પર આજથી 'ખેડૂત આત્મહત્યા' અને 'કૃષિ સંકટ' પર એક વિશેષ શ્રેણી શરૂઆત થઈ રહી છે.

જેમાં દેશની અલગઅલગ જગ્યાઓએથી ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરવામાં આવશે.

કૃષિ સંકટથી ઝઝૂમી રહેલા ભારતના મુખ્ય ત્રણ રાજ્ય પંજાબ, મહારાષ્ટ્ર અને તેલંગણામાં છેલ્લા બે મહિનામાં 5 હજાર કિલોમીટર અને 9 જિલ્લાઓની યાત્રા કર્યા બાદ આ વિશેષ શ્રેણી તૈયાર કરવામાં આવી છે.

line

શું હશે આ શ્રેણીમાં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આગામી દિવસોમાં બીબીસી ગુજરાતી પર દરરોજ પ્રકાશિત થનાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમારી મુલાકાત બરનાલનાં હરપાલ કૌરથી લઈને મહારાષ્ટ્રનાં પૂજા આઉટે સાથે થશે.

સપ્તાહના અંતમાં તેલંગણાના વારંગલના ખેડૂતો જણાવશે કે કેવી રીતે તેઓ આત્મહત્યાના ચક્રથી નીકળવાના પ્રયાસો કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો