મ્યાનમારની સેનાએ જનસંહાર કર્યો છે: સંયુક્ત રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, REUTERS
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારના રખાઈન પ્રાંત અને અન્ય વિસ્તારોમાં થયેલી કત્લેઆમમાં સેનાના મોટા અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ.
આ રિપોર્ટ અનેક સાક્ષીઓના આધારે તૈયાર કરાયો છે, જેને રોહિંગ્યા મુસલમાનો સાથે થયેલી હિંસાની આકરી નિંદા તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટ મુજબ ત્યાંની સેનાએ સુરક્ષાના ભય હેઠળ સતત ભેદભાવવાળી નીતિઓ દાખવી હતી.
રિપોર્ટમાં મ્યાનમારની સેનાના છ મોટા અધિકારીઓનાં નામ આપવામાં આવ્યા છે.
આ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવાનું સૂચન પણ રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.
નેતાની ટીકા કરાઈ
આ રિપોર્ટમાં મ્યાનમારના વર્તમાન નેતા આંગ સાંગ સૂચીની આકરી ટીકા કરવામાં આવી છે.
તેમનાં વિશે એવું નિવેદન કરાયુ છે કે હિંસાને ડામવામાં તેઓ તદ્દન નિષ્ફળ નિવડ્યા હતા.
મ્યાનમારમાં થયેલી કત્લેઆમનો કેસ આંતરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં ચલાવવાનું સૂચન પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, મ્યાનમારની સરકાર શરૂઆતથી જ એવો બચાવ કરતી આવી છે કે સેનાની કાર્યવાહી ગેરકાયદેસર ઘુસણખોરી કરનારા અને ચરમપંથીઓ વિરુદ્ધ હતી.
સામાન્ય નાગરીકો વિરુદ્ધ સેનાએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.
કત્લેઆમ અને સામૂહિક બળાત્કાર
ઇમેજ સ્રોત, AFP/GETTY
રિપોર્ટમાં એક વાક્ય એવું છે કે 'લોકોની કત્લેઆમ, મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર અને બાળકોનાં ઉત્પીડન, તેમજ અનેક ગામડાં સળગાવી નાંખવાને સેના ન્યાયસંગત કહી શકે નહીં.'
બીબીસીના સંવાદદાતાનું વિશ્લેષણ: અતિશય ગંભીર આરોપ
બીબીસીના દક્ષિણ પૂર્વ એશિયાના સંવાદદાતા જોનાથાન હેડે ઘટનાનું વિશ્લેષણ કરતા આ રિપોર્ટને અતિશય ગંભીર આરોપ કહ્યો છે.
કોઈ પણ સરકાર પર લાગી શકે તેવો, કત્લેઆમનો આ અતિશય ગંભીર આરોપ છે.
એવું ભાગ્યે જ જોવા મળે છે કે સંયુક્ત રાષ્ટ્રના તપાસ અધિકારીઓ કોઈ પણ સરકારની વિરુદ્ધ કત્લેઆમના આરોપ નક્કી કરવાની વાત કરે.
ઇમેજ સ્રોત, Reuters
આ રિપોર્ટમાં સેનાના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની વાત ટાંકવામાં આવી છે તેથી વિશ્વના આંતરાષ્ટ્રીય સંગઠનો માટે આ રિપોર્ટને નજરઅંદાજ કરવો અશક્ય જણાય છે.
જોકે, રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, મ્યાનમારને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં લઈ જવું સરળ નહીં હોય કારણ કે, મ્યાનમાર રોમ સંધીનો હિસ્સો નથી જેના અંતર્ગત આંતરાષ્ટ્રીય જસ્ટિસ કોર્ટમાં તેને ઢસડી શકાય.
આ કોર્ટમાં કેસ ચલાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોનો સહકાર જરૂરી છે અને ચીન સહકાર નહીં આપે તેવી શક્યતા છે.
રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે આ ઘટનાની તપાસ કરવા માટે સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે.
આ પ્રકારની એક સમિતિ સીરિયામાં નીમવામાં આવી હતી.
અત્યાર સુધી મ્યાનમારની સરકાર રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ થયેલી કાર્યવાહીને નકારતી આવી છે, પરંતુ, આ રિપોર્ટને નકારવું સરકાર માટે મુશ્કેલ છે.
સંયુક્ત રાષ્ટ્રે આ ગુનાની વાત કરી
ઇમેજ સ્રોત, AFP
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2017માં 'ઇન્ડિપેન્ડન્ટ ફૅક્ટ ફાઇન્ડિંગ મિશન ઑન મ્યાનમાર'ની રચના કરાઈ હતી.
જેનો હેતુ સમગ્ર મ્યાનમારમાં ખાસ કરીને રખાઈન પ્રાંતમાં થયેલી હિંસાઓની ઘટનાની તપાસ કરવાનો હતો.
વર્ષ 2017ના ઑગસ્ટમાં મ્યાનમારમાં રોહિંગ્યા ચરમપંથીઓએ હુમલો કર્યો ત્યાર બાદ હિંસાની શરૂઆત થઈ હતી.
ત્યારબાદ મ્યાનમારની સેના દ્વારા રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
હિંસાના લીધે ઓછામાં ઓછા 7 લાખ રોહિંગ્યા મુસલમાનો મ્યાનમાર છોડીને ભાગવા માટે મજબુર થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો