ગ્રાઉન્ડ રિપોર્ટ: 'અમારાં બાળકો શું ખાલી હાથે સ્કૂલ જશે?'
- સાગર પટેલ
- બીબીસી ગુજરાતી સંવાદદાતા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જીવન જ્યોત આવાસ યોજનાની વસાહતમાં ૨૬ ઑગસ્ટની સાંજે બે ઇમારત ધરાશાયી થઈ હતી.
જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોની સારવાર શહેરની શારદા બહેન હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઘરો ખાલી કરાયાં હતાં અને લોકો ઘરમાં પોતાનો સામાન લેવા માટે પરત ગયા હતા. તે સમયે આ ઘટના સર્જાઈ હતી.
ધરાશાયી થયેલી બન્ને ઇમારતમાં ૩૨ મકાન હતાં. ઇમારત ધરાશાયી થઈ એ પહેલાં ઘરો ખાલી કરાવવામાં આવ્યાં હતાં.
રહીશોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૨૬ તારીખે સાંજે છ વાગ્યે તેમને નોટિસ આપીને તાત્કાલિક ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
રહીશો કહે છે, "જે સમયે નોટિસ આપી ત્યારે વરસાદ ચાલુ હતો. અહીં રહેતા તમામ વ્યક્તિઓએ વરસાદની સ્થિતિમાં પોતાનો કીમતી સામાન બહાર કાઢ્યો."
રહીશોના કહેવા પ્રમાણે જે વ્યક્તિનું મૃત્યુ થયું તેઓ પોતાનો બચેલો સામાન લેવા માટે ઇમારતમાં ગયા હતા અને તે સમયે આ ઘટના બની હતી.
કાટમાળ સાફ થયો પરંતુ ભય યથાવત
એક હજાર કરતાં વધારે મકાનો ઘરાવતી આ વસાહતમાં જ્યારે બીબીસીની ટીમે પ્રવેશ કર્યો, ત્યારે અમારી સામે અનેક જર્જરિત ઇમારત હતી.
કોઈ ઇમારત પર વડનું ઝાડ ઊગી નીકળ્યું છે, તો કોઈ ઇમારતની દિવાલોમાં ઈંટો દેખાવા લાગી છે.
ઘણી ઇમારતની છતમાંથી પોપડાં ઊખડી રહ્યા છે અને સળિયા સુધીનો ભાગ દેખાઈ રહ્યો છે.
ઘટના બાદ મોટાભાગનાં લોકો ઘરની બહાર નીચે ઊતરી આવ્યા છે.
લોકો મીડિયા સમક્ષ કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. લોકો પોતાની ઇમારતની હાલત જણાવવા માગતા હતા.
અહીંયા રહેતી એક યુવતીએ જણાવ્યું, "આ ઘટનાના કારણે લોકોનું ઘ્યાન ગયું છે. બાકી નાની મોટી ઘટના તો અહીંયા ઘટતી રહે છે."
ઉલ્લેખનીય છે કે આ ઇમારત ધરાશાયી થયા બાદ કૉર્પોરેશને વસાહતની તમામ ઇમારતનો સર્વે કરવાનુ શરૂ કર્યુ છે.
ઘણાં મકાનોની બહાર ગેરકાયદે બાંધકામ પણ કરાયું છે. ઇમારત ધરાશાયી થવા પાછળની એક આશંકા એ પણ જણાય છે.
ધરાશાયી થયેલી બન્ને ઇમારતોનાં રહીશોને અન્ય સ્થળે હંગામી ધોરણે આશરો આપવાની વાત કૉર્પોરેશન દ્વારા કરાઈ રહી હતી, પરંતુ તમામ લોકો વસાહતની બહાર એક દુકાનના ઓટલા પર બેઠેલા જોવા મળ્યા હતા.
લોકોને શોધવામાં ડોગ સ્કવૉડની મદદ લેવાઈ
કેરળ પૂરમાં બચાવ કામગીરીમાંથી ૨૬ તારીખે બપોરે ૩ વાગ્યે જ ગાંધીનગરની એનડીઆરએફની ટીમ પરત ફરી હતી.
ઇમારત ધરાશાયી થતાં તરત જ તેમને મદદ માટે બોલાવાયા હતા. અનડીઆરએફની ચાર ટીમે બચાવ કામગીરી હાથધરી હતી.
આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટની ૧૪ ગાડી તથા ૪ ઍમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ ઇમારતને ૨૦ કરતાં વધારે વર્ષ થઈ ગયા હતા.
એનડીઆરએફની ટીમના ડોગ સ્ક્વૉડે કાટમાળમાં દબાયેલા ૪ લોકોને શોધી કાઢ્યા.
એનડીઆરએફની ટીમનાં બે કૂતરાં શેરૂ અને મુન બન્ને પહેલી વખત કોઈ બચાવ કામગીરીમાં સામેલ થયાં હતાં.
રાતથી જ બચાવ કામગીરી માટે કૂતરાંની મદદ લેવાઈ હતી. આ કૂતરાંઓને વિશેષ તાલીમ ઓરિસ્સામાં આપવામાં આવે છે.
આ પ્રકારની હોનારત વખતે માણસોને શોધવામાં આ કૂતરાં મદદરૂપ થાય છે. તાલીમ બાદ દસ વર્ષ સુધી કૂતરાં ફરજ બજાવે છે. તે પછી તેમને ફરજમુક્ત કરાય છે, તેમની હરાજી કરી દેવાય છે.
"એકએક રૂપિયો ભેગો કરીને એકઠો કરેલો સામાન દટાઈ ગયો"
ઘટના સ્થળે આવેલા મેયરે બીબીસીએ સાથે વાત કરતાં જણાવ્યુ કે નોટિસની વાત જ ન હોય. કૉર્પોરેશનના કર્મચારીઓએ તેમને વિનંતી કરીને બહાર કાઢ્યા છે.
આ અંગે નોટિસનો કોઈ સવાલ ન હોય. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે ત્યાં રહેતાં લોકોને કેમ રોકવામાં ન આવ્યા? તેના જવાબમાં તેમણે જણાવ્યુ કે પોતાનો સામાન લેવા જવું છે તેમ કહી તે લોકો અંદર ગયા હતા.
બીબીસીએ બ્લૉક નંબર 24ના પ્રવીણભાઈ સિંઘરોટિયા સાથે વાત કરી. તેમનો જવાબ કૉર્પોરેશન કરતાં અલગ હતા.
તેમણે જણાવ્યું કે અમને ૨૬ તારીખે સાંજે નોટિસ આપવામાં આવી.
તેઓ કહે છે, "અમે ચાલુ વરસાદમાં માત્ર ૨ કલાકમાં ઘર ખાલી કર્યું છે. અમને સામાન લેવા માટેનો સમય નહોતો આપ્યો."
"એકએક રૂપિયો ભેગો કરીને એકઠો કરેલો સામાન અંદર દટાઈ ગયો."
પ્રવીણભાઈ સિંઘરોટિયા
વધુમાં તેમણે જણાવ્યુ કે અમારા બાળકોનાં પુસ્તકો અને શાળાનો યુનિફોર્મ પણ અંદર છે. તેમને શાળામાં ખાલી હાથે મોકલવા પડશે.
વિપક્ષના નેતા દિનેશ શર્માએ દોષનો ટોપલો તંત્ર પર ઠાલવતાં જણાવ્યું હતું કે ઘટના માટે તંત્ર જવાબદાર છે. અહીં ગરીબ લોકો વસે છે.
જો તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોત, તો ગરીબ લોકોનો ભોગ ન લેવાયો હોત.
ચાર બચાવેલા ઇજાગ્રસ્ત રહીશોમાં અજય પટણી, ભારતીબહેન પટણી, કિરણબહેન અને સુરેશભાઈ હપદેવ સામેલ છે.
જે શારદાબહેન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ હૉસ્પિટલ તંત્ર દ્વારા વાતચીત કરવા દેવાઈ નથી,
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો